02 July, 2025 02:18 PM IST | Mumbai | Ruchita Shah
હિના મહેતા અને તેમનો દીકરો આશિષ
અંધેરીમાં રહેતાં હિના મહેતા અને તેમનો દીકરો આશિષ સફળ ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકે સક્રિય છે. સાયન્સના બૅકગ્રાઉન્ડમાંથી આવતાં અને એ દિશામાં ખાસ્સું કામ કરી ચૂકેલાં હિનાબહેન ફાઇનૅન્સના ફીલ્ડમાં કેવી રીતે આવ્યાં એ જર્ની જેટલી થ્રિલિંગ છે એટલી જ મજેદાર છે તેમના દીકરા આશિષની વાત જેણે પપ્પાના ચશ્માંના બિઝનેસ કે પોતાના ઍક્ટિંગના પૅશનને બદલે મમ્મીના બિઝનેસમાં પોતાનું ફ્યુચર જોયું
શીખવાની કોઈ ઉંમર નથી આ વાક્યને સેંકડો વાર આપણે સાંભળી ચૂક્યા છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં એનું અનુસરણ કરનારા લોકો ગણ્યાગાંઠ્યા છે. ઉંમરને આડે લાવ્યા વિના કામ કરતા લોકોમાં દુનિયામાં કંઈક અલગ કરી દેખાડવાની ત્રેવડ પણ છે અને તેમની નિષ્ઠાને કારણે કુદરત પણ તેમને પૂરતો સાથ આપે છે. અંધેરીમાં રહેતાં હિના મહેતાની જીવનયાત્રામાં તમને આ બાબત દેખાશે. જોકે વાત અહીં માત્ર હિનાબહેનની જર્નીની નથી, તેમના ૨૪ વર્ષના દીકરા આશિષની પણ છે. એક સુખી પરિવારમાંથી આવતાં આ મા-દીકરાની વાતમાં ખાસ તો એ છે કે આશિષે પિતાના નહીં પણ માતાના બિઝનેસને પોતાનો બનાવ્યો. દીકરો કાં તો ભણી-ગણીને નોકરી કરે, પોતાનો વ્યવસાય શરૂ કરે અથવા પિતાના બિઝનેસમાં જોડાઈ જાય. આશિષના પિતા જિજ્ઞેશભાઈની ખૂબ જ સરસ ચાલતી ચશ્માંની દુકાન છે અને આશિષ ધારત તો એમાં જોડાઈને આરામથી પોતાનું પૅશન પણ ફૉલો કરી શક્યો હોત, પરંતુ એવું શું બન્યું કે કલાકાર બનવા માગતા આ યુવાનને મમ્મી દ્વારા શરૂ થયેલા ફાઇનૅન્શિયલ પ્લાનિંગના કામમાં રસ પડ્યો. માતા-પુત્રની અનોખી જોડીને આજે જાણીએ.
ટોટલ સાયન્સ બૅકગ્રાઉન્ડ
દરેક ઉંમરના, દરેક પ્રકારના લોકોથી લઈને કૉર્પોરેટ્સ સુધીનું ક્લાયન્ટેલ ધરાવતાં હિનાબહેન પોતાના શરૂઆતના દિવસોની વાત કરતાં કહે છે, ‘બેઝિકલી મેં હાફકિન ઇન્સ્ટિટ્યૂટથી લૅબ ટેક્નૉલૉજીનો અભ્યાસ કર્યા પછી નાણાવટી બ્લડ બૅન્કમાં ૯ વર્ષ કામ કર્યું. લગ્ન પછી પણ કામ કરતી હતી, પરંતુ બાળક થયું એટલે કે આશિષના જન્મ પછી મારે શિફ્ટવાળી ડ્યુટીમાં કામ નહોતું કરવું. મારે મારા બાળક સાથે વધુમાં વધુ સમય વિતાવવો હતો એટલે ઘરે રહી. હું પોતે બ્રાહ્મણ ફૅમિલીમાંથી આવું છું, પરંતુ મારા હસબન્ડ સ્વામીનારાયણ સંપ્રદાયમાં માને. મારો એક સ્વભાવ છે કે મને સતત નવું શીખતા રહેવું અને માઇન્ડને નવી બાબતોથી ફીડ કરતા રહેવું ગમે. ઘરે હતી એટલે સ્વામીનારાયણ સંપ્રદાયની વિવિધ એક્ઝામ વિશે ખબર પડી. ધર્મવાંચન સાથે સંકળાયેલી આ પરીક્ષાઓમાં આપણે જેને PhD લેવલની કહી શકીએ ત્યાં સુધીની બધી જ પરીક્ષાઓ આપી અને એમાં પાસ થઈ. એ દરમ્યાન નાણાવટીમાં થૅલેસેમિયા બાળકો માટે પણ કામ કરતી. બાળકનો ઉછેર જોકે મારી પ્રાયોરિટીમાં હતો. એ દરમ્યાન જયપુરની ઇન્સ્ટિટ્યુશનમાં મેં ઓફ્થોમેટ્રીમાં ડિસ્ટન્સ એજ્યુકેશન સાથે બૅચલર્સ કર્યું. ૪ વર્ષનો એક કોર્સ હતો. હસબન્ડની ચશ્માંની દુકાન એટલે થયું કે ક્યારેક કામ લાગશે. થિયરી જાતે ભણી અને પ્રૅક્ટિકલ માટે આંખોના ડૉક્ટર્સ પાસે જઈને ત્યાં પ્રૅક્ટિસ કરતી અને તેમને હેલ્પ કરતી. પ્રૅક્ટિકલની ટ્રેઇનિંગ એટલી સારી થઈ કે ડિગ્રી મળતાં પહેલાં જ મને ડૉક્ટરોએ પોતાને ત્યાં જૉબ ઑફર કરી. જોકે મારે ફિક્સ ડ્યુટીના કલાકોમાં બંધાવું જ નહોતું.’
ફાઇનૅન્સમાં ટપ્પા ન પડે
કોર્સ પતે અને મગજ નવરું પડે એટલે ફરી પાછું શું કરવું એ વિચારવાનું ચાલુ હતું ત્યાં હિનાબહેનની લાઇફમાં એક નાનકડી ઘટના ઘટી જેણે હિનાબહેનની, તેમના દીકરાની અને તેમની સાથે ભવિષ્યમાં જોડાનારા ક્લાયન્ટ્સની દુનિયા બદલી દીધી. હિનાબહેન કહે છે, ‘હું મારા હસબન્ડની ચશ્માંની દુકાનમાં હતી. કસ્ટમર્સ હતા અને બીજો કોઈ માણસ નહોતો એટલે તેમણે મને જ કહ્યું કે શક્ય હોય તો બાજુમાં એક ચેક ભરવાનો છે. દુકાનની બાજુમાં જ ન્યુ ઇન્ડિયા બૅન્ક હતી. હું ચેક લઈને ગઈ, પણ સાચું કહું તો મને કઈ રીતે બૅન્કમાં ચેક ભરાય એની જરાય ખબર નહીં. હું ત્યાં ફાંફાં મારતી હતી અને એમાં એક ઓલ્ડ લેડીનું મારા પર ધ્યાન ગયું. મને પૂછ્યું અને મેં કહ્યું કે ચેક ભરવો છે તો તેમણે મને દેખાડ્યું કે સ્લિપ ક્યાં મળશે, એમાં શું ભરવાનું અને પછી ક્યાં આપવાનું એ પણ દેખાડ્યું. એ સમયે તો તેમના કહેવા પ્રમાણે કરી લીધું, પણ સાચું કહું તો ત્યારે જ મનમાં એટલું ખરાબ લાગ્યું કે શું કહું. આટલું પણ મને નથી ખબર પડતી? સ્ત્રી તો આખું ઘર સંભાળે, ઘરનું બધું જ મૅનેજમેન્ટ કરે અને ઘરનું બજેટ પણ સાચવતાં તેને આવડે. તો પછી શું કામ થોડીક પણ ફાઇનૅન્સને લગતી બાબતમાં ટપ્પા ન પડે. મારા હસબન્ડ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ફાઇનૅન્સમાં સૌથી જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ. એ શીખવા જેવું છે અને મનમાં વાત ક્લિક કરી ગઈ.’
આસાન નહીં થા
સમજણા થયા ત્યારથી સાયન્સ, સાયન્સ અને સાયન્સ જ આસપાસ રહ્યું હોય, અભ્યાસ પણ એનો જ અને કામ પણ એને જ લગતાં હોય એની વચ્ચે તમે ફાઇનૅન્સ ભણવાનું શરૂ કરો એટલે દેખીતી રીતે જ એ રાહ આસાન તો ન જ હોય. હિનાબહેન કહે છે, ‘ફાઇનૅન્સમાં ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી પહેલું મેં મ્યુચ્યુઅલ ફન્ડ શું છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે એ સમજવાનું અને એની એક્ઝામ આપવાનું નક્કી કર્યું. એ સમયે મારો દીકરો આશિષ ટેન્થમાં એટલે અમે બન્ને સાથે ભણતાં. મોડી રાત સુધી તે તેનું ભણે અને હું મારું. ક્યારેક વાતો શૅર કરીએ એમાં આશિષને રસ પડતો. શરૂઆતમાં તો મારી હાલત એવી હતી કે હું ડિક્શનરી લઈને બેસું, કારણ કે ફાઇનૅન્સ ફીલ્ડની આખી વૉકેબ્યુલરી જ જુદી છે, સમજાય જ નહીં. બહુ જ સમય લાગતો એક-એક કન્સેપ્ટ સમજવામાં ત્યાં આશિષ મારી હેલ્પ કરી આપતો ટેક્નિકલ ટર્મ સમજવામાં, ક્લાયન્ટને સમજાવવા માટે PPT બનાવવામાં, એને લગતા ડૉક્યુમેન્ટ્સ રેડી કરી આપવામાં. હું લગભગ ૪૧ વર્ષની હતી જ્યારે મેં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યૉરિટીઝ માર્કેટ્સ અંતર્ગત મ્યુચ્યુઅલ ફન્ડની એક્ઝામ આપી. સૌથી પહેલાં તો હું એના મહત્ત્વને સમજી, કારણ કે મારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ એટલે ઇન્શ્યૉરન્સ હતું. મને યાદ છે કે આશિષનો જન્મ થયો ત્યારે અમે તેની એક પૉલિસી મારાં મમ્મીના કહેવાથી લીધી હતી જેથી તે કૉલેજમાં આવે ત્યારે તેના હાથમાં અમુક પૈસા આવે. ૧૫ વર્ષ પ્રીમિયમ ભર્યા પછી વધારાના માત્ર ૫૦૦૦ રૂપિયા અમને મળેલા. આટલા ઇન્વેસ્ટમેન્ટથી ન ચાલે. હૉસ્પિટલમાં કામ કરતી વખતે પૈસાના અભાવે લોકોને ટળવળતા જોયા હતા. એટલે જ થયું કે લોકોમાં એક સારી આદત પાડીએ કે થોડું-થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટેવ પાડીએ. જે હું શીખી એ મેં બીજે સમજાવવાનું શરૂ કર્યું. શું કામ આ જરૂરી છે અને કોઈ પણ વ્યક્તિએ પોતાનું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ શું કામ કરવું છે એ માટેનો તેમનો ‘વાય?’ ક્લિયર કરવાથી અમે શરૂ કર્યું અને અનબિલીવેબલ રિસ્પૉન્સ મળ્યો. શરૂઆતમાં ૫૦,૦૦૦ રૂપિયાથી મારી મમ્મીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું. આજે તો ૧૦૦ કરોડ રૂપિયાનું વેલ્થ મૅનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ.’
અહીં ઉલ્લેખનીય છે કે મ્યુચ્યુઅલ ફન્ડ માટેનું લાઇસન્સ મળી ગયા પછી હિનાબહેને સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનરની એક્ઝામ આપીને એનું લાઇસન્સ પણ મેળવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરના આ લાઇસન્સને અમુક વર્ષો પછી રિન્યુ કરવા પાછી એક્ઝામ આપતા રહેવી પડે છે જેથી નૉલેજ રિફ્રેશ થતું રહે. હિનાબહેનનો દીકરો આશિષ પણ આ એક્ઝામના પહેલા ત્રણ તબક્કા પાસ કરીને હવે ચોથા તબક્કાની તૈયારીઓ કરી રહ્યો છે.
મહત્ત્વ સમજાયું
વેલ્થ મૅનેજમેન્ટ દરેકના જીવનનું મહત્ત્વનું પાસું છે એ ક્યારે સમજાયું એની વાત કરતાં આશિષ કહે છે, ‘સામાન્ય રીતે દીકરા તરીકે મને મારી મમ્મી નૉર્મલ લાગે. મારા માટે તેની અવેલેબિલિટી છે એટલે ફીલ થાય કે હા, મમ્મી કંઈક કામ કરે છે, પણ એ કામની શું અસર થઈ રહી છે એ સમજાવતી બે ઘટના ઘટી. હું મમ્મીને હેલ્પ કરતો ત્યારે જ મને થોડોક-થોડોક ઇન્ટરેસ્ટ આવવા માંડેલો. એક વાર હું એક જણને ત્યાં ફાઇનૅન્સને લગતી વાત કરવા ગયો. શરૂઆતમાં તો મને કોઈએ ભાવ જ ન આપ્યો, પરંતુ જેવું કહ્યું કે હું હિનાબહેનનો દીકરો છું તો તરત જ મને બેસાડીને પાણી આપ્યું અને બધા જ મારી આજુબાજુ ગોઠવાઈ ગયા. ત્યારે મને સમજાયું કે મારી મમ્મીએ લોકોના જીવનમાં કેવો પ્રભાવ પાડ્યો છે. બીજું, કોઈકનાં લગ્નમાં, કોઈકના નવા ઘરના ડાઉન પેમેન્ટમાં, કોઈકના બાળકને ફૉરેન મોકલવામાં મમ્મીના ગાઇડન્સમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટને કારણે કેવી મદદ મળી છે એ મેં જોયું હતું. અમારા ગુરુજી પ્રમુખસ્વામીજી કહેતા કે બીજાના ભલામાં જ આપણું ભલું છુપાયેલું છે. આ જે ફીલ્ડ છે એમાં બીજાનું ભલું પહેલાં છુપાયેલું છે. જેટલા પૈસા ક્લાયન્ટ કમાશે એટલો જ લાભ અમને થશે. આ સમજાયું એ દિવસે મેં નક્કી કર્યું કે હું પણ આ જ ફીલ્ડમાં આગળ કામ કરીશ. મ્યુઝિક, ઍક્ટિંગ વગેરેનો શોખ હતો. ખૂબ નાનો હતો ત્યારે ઍક્ટિંગમાં કરીઅર બનાવવાની ઇચ્છા હતી, પરંતુ હવે તો મમ્મીનું કામ જ મારા જીવનનું પણ મિશન બની ગયું છે.’
ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરની ઍડ્વાઇઝ
આજ સુધીમાં સેંકડો લોકોને વેલ્થ મૅનેજમેન્ટમાં મદદરૂપ થઈ ચૂકેલાં હિનાબહેન અને આશિષ એક ખાસ વાત કરતાં કહે છે, ‘ઇન્વેસ્ટમેન્ટ હંમેશાં નીડ-બેઝ્ડ હોવું જોઈએ. અત્યાર સુધી આપણે ત્યાં ઇન્શ્યૉરન્સને જ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું આવ્યું છે, પરંતુ ઇન્શ્યૉરન્સ પૂરતું નથી. જેમ બોલર બોલિંગનું કામ કરે અને તેની પાસે બૅટિંગની અપેક્ષા રાખો તો ધાર્યું પરિણામ ન મળે; પરંતુ ક્રિકેટમાં બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ એમ બધાનું મહત્ત્વ છે એમ આપણા વેલ્થ મૅનેજમેન્ટ ફન્ડામાં ઇન્શ્યૉરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક સિક્કાની બે જુદી બાજુ છે. સિક્કાને વૅલિડ કરવા માટે બન્ને સાઇડ જોઈએ. આ જ વાત અમે દરેક ઉંમરના, દરેક સ્તરના લોકોને સમજાવીએ છીએ. અમારે ઘર ચલાવવા માટે પૈસા નથી જોઈતા એટલે જ કોઈ સેલ્સ એજન્ટ તરીકે નહીં પણ વેલવિશર તરીકે કામ કરીએ છીએ. પૈસાને બચાવીને મલ્ટિપ્લાય કરી શકીએ એ ફાઇનૅન્શિયલ સાક્ષરતાનો મારામાં અભાવ હતો જે હવે આવ્યો છે. આ જ વાત અમે લોકોમાં સ્પ્રેડ કરી રહ્યા છીએ. અત્યારે અમારા થકી ૧૧૫ કરોડ રૂપિયાનું વેલ્થ મૅનેજમેન્ટ થઈ રહ્યું છે જેમાં ઇન્શ્યૉરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ એમ બધું જ આવી ગયું.’