ખુદામાં યકીન રાખનારા મોમીન અઢારમી સદીમાં ગુજરાતથી આવ્યા મુંબઈ

11 April, 2026 05:22 PM IST  |  Mumbai | Deepak Mehta

ગઈ કાલનો ૧૦ એપ્રિલનો દિવસ મુંબઈમાં વસતી એક જમાત માટે ખાસ દિવસ હતો. કઈ જમાત માટે? અને માત્ર મુંબઈમાં જ શા માટે? આખી દુનિયામાં જ્યાં-જ્યાં આ જમાતના લોકો વસે છે ત્યાં બધે જ તેમણે ખુશાલીપૂર્વક ગઈ કાલનો દિવસ ઊજવ્યો.

ખુદામાં યકીન રાખનારા મોમીન અઢારમી સદીમાં ગુજરાતથી આવ્યા મુંબઈ

ગઈ કાલનો ૧૦ એપ્રિલનો દિવસ મુંબઈમાં વસતી એક જમાત માટે ખાસ દિવસ હતો. કઈ જમાત માટે? અને માત્ર મુંબઈમાં જ શા માટે? આખી દુનિયામાં જ્યાં-જ્યાં આ જમાતના લોકો વસે છે ત્યાં બધે જ તેમણે ખુશાલીપૂર્વક ગઈ કાલનો દિવસ ઊજવ્યો. માથું ખંજવાળવાનું રહેવા દો. ગઈ કાલનો દિવસ હતો ‘વિશ્વ મેમણ દિવસ’. આપણા દેશ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા, જપાન અને તુર્કસ્તાનમાં તેમની સારીએવી વસ્તી. ત્યાં બધે તેમણે આ દિવસ ઊજવ્યો. અસ્સલ વતની હતા સિંધ અને કચ્છના અને ધર્મે હતા હિન્દુ, જાતે લોહાણા. 
સંવત ૧૪૭૮ અથવા હિજરી સન ૮૨૪માં હિન્દુ લોહાણા જાતિનાં ૭૦૦ કુટુંબોએ દીન-એ-ઇસ્લામ કબૂલ કર્યો. આ પરિવારોની કુલ સંખ્યા ૬૧૭૮ બયાન કરવામાં આવે છે. લોહાણાની મુખ્ય વસ્તી નિરુણ કોટ (આજનું હૈદરાબાદ, સિંધ) હેબલ, સમા અને લાખાગઢમાં હતી. આ પ્રદેશ લોહાણા દેશ તરીકે ઓળખાતો હતો. સન ૧૪૨૨માં ઇસ્લામના પ્રચારાર્થે અબુ ઝકરિયા યાહિયા યુસુફુદ્દીન બગદાદથી સિંધ આવ્યા. ૧૦ વર્ષના પ્રયત્નો પછી આ ૭૦૦ લોહાણા પરિવારો મુસ્લિમ બન્યા અને તેમને ‘મોમીન’ નામ આપવામાં આવ્યું. ‘મોમીન’ એટલે ખુદામાં યકીન રાખનારા. વખત જતાં ‘મોમીન’નું બન્યું મેમણ.

આ પછીનો મોમીન ઇતિહાસ સંઘર્ષ અને ખાનાબદોશીનો છે. સૈયદ યુસુફુદ્દીનની સલાહથી આ ૭૦૦ પરિવાર થટ્ટા પાસેના વટિયા પ્રદેશમાં ચાલ્યા ગયા. થોડાં વર્ષો ત્યાં રહ્યા પછી જીવન મુશ્કેલ થતું ગયું અને ૬૦૦ કબીલા કાઠિયાવાડના હાલાર તરફ સ્થળાંતર કરી ગયા, જેઓ વખત જતાં હાલારી કે હાલાઈ મેમણ તરીકે ઓળખાયા. ૧૦૦ વર્ષ પછી બાકીના ૧૦૦ કબીલા કચ્છના ભુજમાં હિજરત કરી ગયા, જે કચ્છી મેમણ તરીકે ઓળખાયા. કેટલાક કચ્છી મેમણ ઓખા બેટમાં ચાલ્યા ગયા જે આજે ઓખાઈ મેમણ કહેવાય છે. જે મેમણ ખેડૂતો દક્ષિણ સિંધમાં જ રહ્યા તેઓ સિંધી મેમણ તરીકે ઓળખાય છે.

મેમણ કબીલાઓ કચ્છ, કાઠિયાવાડ અને સિંધથી ૧૮મી અને ૧૯મી સદીમાં મુંબઈ આવીને વસ્યા. એકંદરે વેપારી કોમ, પણ પૈસા કમાઈ જાણે એમ સખાવતમાં વાપરી પણ જાણે. મિનારા મસ્જિદ અને ઝકરિયા મસ્જિદ આ જમાતે બંધાવેલી. સાબુ સિદ્દીક એન્જિનિયરિંગ કૉલેજ પણ તેમણે શરૂ કરેલી. નૂર હૉસ્પિટલ અને અસ્સલ હાજી સાબુ સિદ્દીક મુસાફરખાના આ જમાતની સખાવતને આભારી. બાવીસ માળનું હજ હાઉસ બાંધવામાં પણ આ જમાતનો ઘણો મોટો ફાળો. મેમણવાડા મસ્જિદ એ આ કોમનું એક મહત્ત્વનું ઠેકાણું. કારણ ત્યાં માત્ર નમાજ પઢવામાં નથી આવતી, જમાતને લગતી બહસ પણ થાય અને ફેંસલા પણ લેવાય.

સુએઝની કનૅલ શરૂ થયા પછી હિન્દુસ્તાનનો ગ્રેટ બ્રિટન સાથેનો અને યુરોપના બીજા દેશો સાથેનો વેપાર ઘણી ઝડપથી વધવા લાગ્યો. મુંબઈ આવીને વસેલા મેમણોએ આ તક ઝડપી લીધી અને જુદા-જુદા દેશો સાથેના આયાત-નિકાસના વેપારમાં નામ કાઢ્યું. એક જમાનામાં બંદર નજીક આવેલા વિસ્તારમાં તેમની ઝાઝી વસ્તી એટલે એ વિસ્તાર ઓળખાયો ‘મેમણવાડા’ તરીકે. શરૂઆતમાં કાપડ, અનાજ અને હાર્ડવેરના વેપારમાં જાતમહેનતથી પોતાનું સ્થાન જમાવ્યું. એ પછી દરવેશ, આગબોટવાલા, અલ્લાના જેવી અટકો અપનાવી. 
અગાઉના વખતમાં હિન્દુઓમાં જેમ ‘પંચાયત’નું જોર એમ મેમણ સમુદાયમાં ‘જમાત’નું જોર. પોતાના જાતભાઈઓ માટે એ રહેણાકનાં મકાન બાંધે અને પરંપરાગત રીતે જમાતની મંજૂરી વગર કોઈ નિકાહ થઈ ન શકે. સમાજની બહાર શાદી ભાગ્યે જ થાય. તો વેપારમાં વિશ્વાસ અને શાખ એ તેમની મોટી મૂડી. મોટા ભાગના વેપારી વ્યવહારો લેખિત કરાર વગર ચાલતા. એક વાર આપેલો બોલ ‘ફોક’ ન કરાય એવી માન્યતા છતાં ક્યારેક મતભેદ થાય, ઝઘડો પણ થાય તો અદાલતનાં બારણાં નહીં ખખડાવવાનાં. એનો ઉકેલ ‘જમાત’ આપે અને એ બન્ને પક્ષ માથે ચડાવે. આને કારણે મેમણ વેપારીઓની એક આગવી ઓળખ ઊભી થઈ છે. મેમણ વેપારીનો બોલ હોય પછી ચિંતા કરવાનું કોઈ કારણ નહીં એમ એ સમાજના જ નહીં, મુંબઈભરના બધા વેપારીઓ માને.

આ જમાતના લોકોની વધારે વસ્તી જોવા મળે ડોંગરી, ભીંડીબજાર, મોહમ્મદ અલી રોડ અને નળબજાર જેવા વિસ્તારોમાં. આ વિસ્તારોમાં રહેતા મેમણોની એક ખાસિયત એ કે તેમનાં ઘરો એવાં કે ભોંયતળિયે દુકાન અને ઉપર રહેણાક. એના બે ફાયદા; એક, રોજનો વાહનવ્યવહારનો ખર્ચ અને સમય બચે અને વેપારની પ્રવૃત્તિ પર માલિકની સતત નજર રહે, ઘરમાં બેસીને પણ. કચ્છથી આવીને મુંબઈમાં વસેલા મેમણ ઘરમાં અને અરસપરસના વ્યવહારમાં કચ્છી બોલે. જ્યારે કાઠિયાવાડથી આવેલા ગુજરાતની પોતીકી બોલી બોલે.

મેમણ મનોવૃત્તિ વિશે એક રમૂજ ચાલે છે : કયામતના દિવસે ખુદાના દરબારમાં હિસાબ થયો. મેમણનાં પાપ-પુણ્યનો પણ હિસાબ થયો. ત્રાજવાનાં બન્ને પલ્લાં સરખાં જ રહ્યાં. ખુદાતાલા વિચારમાં પડી ગયા. મેમણને સવાલ કર્યો, ‘હવે તને ક્યાં મોકલું - જન્નતમાં કે જહન્નમમાં?’

મેમણે તરત હાજરજવાબી વાપરી, ‘જેડા બો પઇસે જો ફાયદો હોય, ઉડા મોકલ!’ (જ્યાં બે પૈસાનો ફાયદો થતો હોય ત્યાં જ મોકલોને).’ જહન્નમ હોય કે જન્નત હોય કે જહાન હોય, મેમણ ફાયદો નાકથી સૂંઘી લે છે. પૂરી પૃથ્વી પર એ ફેલાયો છે. પૈસા કમાયા છે, ઉડાવ્યા છે, સખાવતોનો દરિયો વહાવ્યો છે, ‘બો પઇસે જો ફાયદો’ તેને માટે ડાબા હાથનો ખેલ.

પહેલાંના જમાનામાં મેમણોમાં એક કહેવત પ્રચલિત હતી. ‘જિજો પળે સે જિજો ખરે.’ મતલબ કે જે વધારે ભણે છે તે વધારે ખુવાર થાય છે. પણ પછી બદલાતા સમય સાથે આ માન્યતા બદલાઈ અને મેમણ યુવાનોએ શિક્ષણનું મહત્ત્વ સમજીને શિક્ષણ હાંસલ કર્યું. દેશમાં અને દેશની બહાર જુદી-જુદી જગ્યાએ ફેલાઈને વેપાર ઉપરાંત બીજાં ક્ષેત્રોમાં પણ નામના મેળવી.

પણ એક મેમણ એવો છે જેને આજ સુધી ગુજરાત ભૂલ્યું નથી. તેની સાથે સંકળાયેલી એક ગોઝારી ઘટના વિશે લોકગીત જોડાયાં છે, નવલકથા લખાઈ છે, નાટક અને ફિલ્મ બન્યાં છે. આ મેમણ તે હાજી કાસમ. હા, જી. ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ’વાળી વીજળી નામની આગબોટનો તે માલિક. તેમનું આખું નામ હતું હાજી કાસમ યુસુફ આગબોટવાલા. જન્મ સૌરાષ્ટ્રના કુતિયાણામાં. કહે છે કે એક જમાનામાં તેમની પાસે ૯૯ વહાણ હતાં. વરાળથી ચાલનારી બોટ આવી ત્યારે તેમનાં વહાણ લગભગ આખા પશ્ચિમ કિનારા પર ફરતાં. માણસ દાનવીર અને સખાવતી એવો કે દંતકથામાં નામ રહે. પણ તેમના જીવનમાં એક ગોઝારી ઘટના બની ગઈ. તેમની એક બોટ ‘વીજળી’ કરાચીથી મુંબઈ જવાની હતી. એ એની પહેલી સફર હતી. મધદરિયે એકાએક ‘વીજળી’ આગબોટ ડૂબી ગઈ, સાથે પરણવા આવતી અનેક જાનોએ પણ જળસમાધિ લીધી. પૂરા કાઠિયાવાડમાં હાહાકાર મચી ગયો અને પેલું  લોકગીત બહુ મશહૂર બની ગયું : ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ.’

આ ‘વીજળી’ તો લોકોએ પાડેલું હુલામણું નામ. કારણ આ જહાજમાં પહેલી વાર વીજળીના દીવા મૂકવામાં આવ્યા હતા. એનું ખરું સત્તાવાર નામ ‘વૈતરણા.’ મુંબઈ નજીકની નદી પરથી આ નામ પાડેલું. સ્કૉટલૅન્ડની ગ્રેન્જમાઉથ ડૉકયાર્ડ કંપનીમાં બંધાયેલી એ પહેલી સ્ટીમર. એને બાંધતાં ૩ વર્ષ લાગેલાં. ૧૮૮૫માં એને તરતી મૂકવામાં આવી. ત્રણ માળવાળી આ સ્ટીમરમાં ૨૫ કૅબિન. સ્ટીમરનું વજન ૨૯૨ ટન. લંબાઈ ૧૭૦.૧ ફુટ. વધુમાં વધુ પહોળાઈ ૨૬.૫ ફુટ, અને ઊંડાઈ ૯.૯ ફુટ. આફ્રિકાના કેપ ઑફ ગુડ હોપના રસ્તે એને કરાચી લાવવામાં આવી. એ વખતના કચ્છના દેશી રાજ્ય માંડવી અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલસામાનની ખેડ માટે એને ખરીદવામાં આવી હતી. માંડવીથી મુંબઈ સુધીનું અંતર કાપતાં એને ૩૦ કલાક લાગતા અને ડેક પરની મુસાફરી માટેનું ભાડું હતું ૮ રૂપિયા.

એ વખતે દેશના પશ્ચિમ કાંઠાની મુસાફરી ખેડતાં ઘણાંખરાં જહાજ ચોમાસા દરમ્યાન સફર ખેડતાં નહીં એટલે દરિયાઈ તોફાન ઝીલી શકે એટલાં એ મજબૂત રહેતાં નહીં. વીજળી કરાચીથી માંડવી હેમખેમ આવી ગઈ. ત્યાંથી ૧૮૮૮ની ૮ નવેમ્બરે આ વૈતરણા ઉર્ફે વીજળી માંડવીથી મુંબઈ જવા નીકળી. એ વખતે એમાં ૫૨૦ પૅસેન્જર. દ્વારકાથી બીજા વધુ પૅસેન્જર ચડ્યા, કુલ આંકડો થયો ૭૦૩. રસ્તામાં હવામાન બગડતું ગયું એટલે પોરબંદર રોકાવાને બદલે વીજળી સીધી મુંબઈ જવા નીકળી. છેલ્લે માંગરોળ નજીકના દરિયામાં દેખાયેલી. માધવપુર (ઘેડ) પહોંચતાં ભયંકર વાવાઝોડામાં સપડાઈને ૭૦૩ મુસાફરો અને ૪૩ ખલાસીઓને લઈને દરિયામાં ડૂબી ગઈ. મુસાફરોમાં ૧૩ જાન હતી. એ વખતે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાતી અને માત્ર મુંબઈમાં જ લેવાતી. એટલે એ પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થીઓ આ વીજળીમાં મુસાફરી કરી રહ્યા હતા.

વીજળીની દુર્ઘટના પછી જામનગરના કવિ દુર્લભરાય શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો. એ જ નામનો બીજો કાવ્યસંગ્રહ ભીખારામ સવજી જોશીએ પણ પ્રગટ કરેલો. ઝવેરચંદ મેઘાણીએ ‘રઢિયાળી રાત’ના એક ભાગમાં ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ’ લોકગીતનો સમાવેશ કરેલો. આપણી ભાષાના અગ્રણી સર્જક ગુણવંતરાય આચાર્યની આ જ ઘટના પર આધારિત નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ ૧૯૫૪માં પ્રગટ થયેલી.

પચરંગી વસ્તીથી ઊભરાતા મુંબઈ શહેરના રંગમંચ પર મેમણો એકંદરે ‘લાઇમલાઇટ’માં ભલે દેખાતા ન હોય તોય તેમનો પ્રભાવ ઉવેખવા જેવો તો નથી જ. વેપાર, પરોપકાર અને વિશ્વાસ એ ત્રણ સ્તંભો પર ઊભેલો મેમણ સમાજ આજે પણ મુંબઈની ઓળખનો એક અગત્યનો ભાગ બની રહ્યો છે.

હવે આવતા શનિવારે? મુંબઈની આવી જ બીજી એક જમાત વિશે વાત.  

pakistan mumbai news mumbai columnists gujarati mid day