04 July, 2026 07:45 PM IST | Mumbai | Kajal Rampariya
પાતાળગંગા નદીના કિનારે આવેલો ગગનગિરિ આશ્રમ.
મુંબઈથી આશરે ૭૫ કિલોમીટર દૂર રાયગડ જિલ્લાના ખોપોલીમાં સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલો ગગનગિરિ મઠ ચોમાસામાં સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી આ જગ્યા ફક્ત ફરવા માટે જ નથી, એ પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો અદ્ભુત અનુભવ પણ કરાવે છે
મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી પસાર થાઓ અને એ દરમ્યાન વચ્ચે ખોપોલીનું નામ સંભળાય ત્યારે મગજમાં ઇમેજિકા અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર આવે; પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર અત્યારે સહ્યાદ્રિ રેન્જમાંના ખોપોલીમાં આવેલા ચારેય તરફ ધુમ્મસથી ઘેરાયેલા પહાડો, ખળખળ વહેતી પાતાળગંગા નદી અને નદીકિનારે આવેલો ગગનગિરિ મઠ લોકપ્રિય થઈ રહ્યાં છે. અહીં ચોમાસા દરમ્યાન મુશળધાર વરસાદ પડે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીં આંખોને ઠંડક આપે એવી હરિયાળી અને પહાડીઓમાંથી વહેતાં નાનાં ઝરણાં ખરેખર વિઝ્યુઅલ ટ્રીટ છે. હેક્ટિક લાઇફસ્ટાઇલથી કંટાળેલા લોકો માટે ડિજિટલ ડીટૉક્સ કરવાની આ બેસ્ટ જગ્યા હોવાથી વીક-એન્ડમાં અહીં ટ્રેકર્સ તથા પ્રકૃતિપ્રેમ અને આધ્યાત્મિક શાંતિ શોધતા લોકોનો ધસારો જોવા મળે છે. અહીં ભલે સોશ્યલ મીડિયાને કારણે રીલ્સ બનાવવાવાળા યુવાનો આવતા હોય, પણ આશ્રમના પરિસરમાં પગ મૂકતાં જ અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે.
ગગનગિરિ મઠ અથવા આશ્રમનો ઇતિહાસ પાંચથી ૬ દાયકા જૂનો છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં આ મઠની સ્થાપના પાછળ રસપ્રદ વાર્તા છે. એ સમયે આ વિસ્તાર અત્યંત દુર્ગમ, ઝાડી-ઝાંખરાંથી ભરેલો અને નિર્જન હતો. રાત્રે અહીં હિંસક પશુઓનો ડર પણ રહેતો. સ્વામી ગગનગિરિ મહારાજ હિમાલયની પોતાની વર્ષોની કઠિન સાધના પૂરી કરીને મહારાષ્ટ્ર પાછા ફર્યા ત્યારે તેઓ કોઈ શાંત અને પ્રકૃતિની નજીક હોય એવી જગ્યા શોધતા હતા. પાતાળગંગા નદીના કિનારે પહાડોની વચ્ચે બનેલી આ જગ્યા તેમને સાધના માટે અનુકૂળ લાગી. તેમણે કોઈ આધુનિક સંસાધનો વિના એકદમ સામાન્ય સંજોગોમાં અહીં નાની કુટિર બનાવીને રહેવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે ભક્તોના સહયોગથી આ નિર્જન જગ્યા વિકસતી ગઈ અને ભવ્ય, દિવ્ય મઠમાં પરિવર્તિત થઈ ગઈ. ૨૦૦૮ની ૪ ફેબ્રુઆરીએ સ્વામીજીએ ૧૦૧ વર્ષની ઉંમરે આ જ ખોપોલી આશ્રમમાં મહાસમાધિ લીધી હતી. આ મઠ વિશે વિસ્તારથી જાણીએ.
આશ્રમની ટૂર
પ્રવેશદ્વારથી આગળ જાઓ એટલે ગગનગિરિ મહારાજનું મુખ્ય મંદિર આવે છે. આ એ જગ્યા છે જ્યાં બેસીને તેઓ ભક્તોને દર્શન અને આશીર્વાદ આપતા હતા. આ આસન પર સ્વામીજીની એક આબેહૂબ અને ભવ્ય મૂર્તિ સ્થાપવામાં આવી છે. જ્યાં મૂર્તિ રખાઈ છે ત્યાં મોટો મેડિટેશન હૉલ છે જ્યાં શ્રદ્ધાળુઓ શાંતિથી બેસીને જાપ અને ધ્યાન કરી શકે છે. સ્વામીના વપરાશની કેટલીક ઐતિહાસિક વસ્તુઓ પણ અહીં સાચવીને રાખવામાં આવી છે. અહીંથી થોડા આગળ જાઓ એટલે પ્રતિ કેદારનાથ, નવગ્રહ, અંબાજી માતા અને રામમંદિરનાં દર્શન થશે. બાજુમાં હોમહવન માટે વિશાળ હૉલ રાખવામાં આવ્યો છે. આ સાથે બાજુમાં ભક્તનિવાસ આવેલું છે જ્યાં રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત વૈદિક ગૌશાળા છે જ્યાં દેશી ગાયો રાખવામાં આવી છે. આશ્રમની જમણી બાજુએ અન્નછત્ર હૉલ છે. એને મહાપ્રસાદ ગૃહ પણ કહેવાય છે. અહીં રોજ સવારથી સેવકો દ્વારા રસોઈ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય છે. બપોરે અને સાંજે અહીં આવતા મુલાકાતીઓને ગરમ, સાત્ત્વિક મહાપ્રસાદ પીરસવામાં આવે છે. પ્રસાદની વૅલ્યુ થાય એ માટે વ્યક્તિદીઠ ૨૦ રૂપિયા લેવામાં આવે છે. આશ્રમના વિભાગમાં આયુર્વેદિક જ્ઞાનને જાળવી રાખતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં સ્થાનિક વનસ્પતિ અને જડીબુટ્ટી વિશે માહિતી આપતું કેન્દ્ર છે. આશ્રમમાં આવતા લોકોને નશા અને વ્યસનમાંથી મુક્ત કરવા માટે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. થોડે દૂર વિશાળ હેલિપૅડ આવેલું છે. કહેવાય છે કે અહીંથી મહારાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેલિકૉપ્ટરમાં જતા હતા. આશ્રમ પરિસરમાં એક ગુફા આવેલી છે. પહાડને કોતરીને બનાવેલી ગુફામાં સ્વામીએ વર્ષો સુધી તપસ્યા કરી હતી. અહીં અખંડ ધૂણીનાં દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે.
મિની કેદારનાથ
આ આશ્રમમાં આવેલું પ્રતિ કેદારનાથ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. કેદારનાથમાં છે એવા જ શિવલિંગની સ્થાપના અહીં કરવામાં આવી છે. સ્વામી ગગનગિરિ મહારાજે પોતાના જીવનનાં ઘણાં વર્ષો હિમાલયની બરફાચ્છાદિત જગ્યાઓ પર વિતાવ્યાં હતાં અને તેઓ ભગવાન કેદારનાથના પરમ ભક્ત હતા. સ્વામીજીનો એક દિવ્ય સંકલ્પ હતો કે ભારતમાં એવા કરોડો શ્રદ્ધાળુઓ છે જેઓ શારીરિક અક્ષમતા, મોટી ઉંમર અથવા આર્થિક તંગીને કારણે ઉત્તરાખંડના દુર્ગમ પહાડોમાં આવેલા અસલી કેદારનાથ ધામ સુધી ક્યારેય પહોંચી શકતા નથી. કેદારનાથની દિવ્ય ઊર્જા મહારાષ્ટ્રમાં જ મળી રહે એ માટે તેમણે તેમના આશ્રમમાં નાના મંદિરનું નિર્માણ કરાવીને શિવલિંગની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે જે સાચા મનથી આ નાના મંદિરમાં આવીને શીશ ઝુકાવે છે તેને કેદારનાથ જ્યોતિર્લિંગનાં દર્શન જેટલું જ પુણ્ય અને માનસિક શાંતિ મળે છે. એને કેદારેશ્વર નીલોબા મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.
ગગનગિરિ મહારાજ કોણ હતા?
લાખો લોકો જેમને ભગવાન દત્તાત્રેયનો સાક્ષાત્ અવતાર માનતા હતા તે ગગનગિરિ મહારાજનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાપુરના ગડહિંગલજ તાલુકામાં આવેલા પાટગાંવ નામના એક પ્રતિષ્ઠિત મરાઠા પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ શ્રીપતરાવ ગુંડાળે હતું. નાની ઉંમરમાં માતા-પિતાના અવસાન બાદ તેમનો સંસાર પ્રત્યેનો મોહ ભંગ થઈ ગયો. ૭ વર્ષની ઉંમરમાં તેમણે ઘર છોડી દીધું અને નાથ સંપ્રદાયના સિદ્ધ સંતોના સંપર્કમાં આવ્યા. ત્યાં તેમને સંન્યાસની દીક્ષા મળી અને તેમનું નામ ગુંડાગિરિ મહારાજ પડ્યું હતું. નાની ઉંમરે જ ભારતભ્રમણ કર્યું. ચાલતાં-ચાલતાં હિમાલય, ઉત્તરકાશી અને બદરીનાથ પહોંચ્યા. હિમાલયની ઠંડી અને માઇનસ ડિગ્રી તાપમાનમાં સ્વામીજીએ માત્ર એક લંગોટી પહેરીને વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી. કહેવાય છે કે આ ગાળામાં તેમણે પંચમહાભૂતો પર પૂર્ણ વિજય મેળવ્યો હતો. હિમાલયથી પાછા આવ્યા પછી કોલ્હાપુર નજીક આવેલા ગગનબાવડા નામના ગાઢ જંગલ ધરાવતા પહાડી વિસ્તારમાં રહ્યા. ગગન એટલે આકાશ અને બાવડા એટલે પહાડ. આકાશને આંબતા પહાડોની ગુફામાં રહીને તેમણે અન્નજળના ત્યાગ સાથે આકરી સાધના કરી. અહીંથી તેમની દિવ્યતાની સુવાસ ચોમેર ફેલાઈ અને ભક્તો તથા સાધુસમાજે તેમને આદરપૂર્વક શ્રી ગગનગિરિ મહારાજનું નામ આપ્યું. સ્વામીજીની સૌથી મોટી ઓળખ તેમની જળતપસ્યા હતી. આશ્રમની લગોલગ આવેલી પાતાળગંગા નદીમાં તેઓ શિયાળાની રાતોમાં પણ ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબીને કલાકો સુધી ઓમકારનો નાદ કરતા હતા. તેમની આ દિવ્યતાને કારણે જ ધીરુભાઈ અંબાણી અને બાળાસાહેબ ઠાકરે જેવી હસ્તીઓ પણ તેમના આશીર્વાદ લેતી હતી.
કોલ્હાપુરનું ગગનબાવડા
ખોપોલી ભલે આજે ભક્તોની ભીડ અને વ્યવસ્થાની દૃષ્ટિએ મુખ્ય કેન્દ્ર સમાન આશ્રમ ગણાતો હોય, પણ સ્વામીજીના નામનું ઉદ્ગમસ્થાન કોલ્હાપુર નજીક આવેલું ગગનબાવડા છે. આ ઉપરાંત મલાડની નજીક આવેલા મનોરી વિસ્તારમાં સુંદર આશ્રમ આવેલો છે. સિંધુદુર્ગના આંબોલી હિલ સ્ટેશન ઉપરાંત ગુજરાતના કેટલાક સરહદી વિસ્તારોમાં નાના આશ્રમ અને ધ્યાનકેન્દ્રો ચલાવવામાં આવે છે અને ત્યાં સ્વામીની પાદુકાની અને ગાદીની પૂજા થાય છે.