ગુરુએ આપેલા પર્સનલ ફાઇનૅન્સના પાઠને ગુરુપૂર્ણિમાના અવસરે યાદ કરીએ

06 July, 2025 03:34 PM IST  |  Mumbai | Foram Shah

રોકાણ વહેલું થાય એનો બીજો અર્થ એવો કે એ લાંબા સમય સુધી ચાલશે અને એને પગલે લાંબા ગાળે સારું વળતર પ્રાપ્ત થશે

પ્રતીકાત્મક તસવીર

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય

બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય

મનુષ્યના જીવનમાં ગુરુનું કેટલું મહત્ત્વ છે એ ઉપરોક્ત દોહા પરથી જાણી શકાય છે. આ વખતે ગુરુવારે ગુરુપૂર્ણિમા આવી રહી છે. આવા સુભગ સંયોગ નિમિત્તે આજે હું મારા પર્સનલ ફાઇનૅન્સના ગુરુએ શીખવેલા પાઠના આધારે અમુક મુદ્દાઓ રજૂ કરી રહી છું.

ફક્ત રોકાણ કરવું જરૂરી નથી, રોકાણ વહેલું શરૂ કરી દેવું જોઈએ. રોકાણ વહેલું થાય એનો બીજો અર્થ એવો કે એ લાંબા સમય સુધી ચાલશે અને એને પગલે લાંબા ગાળે સારું વળતર પ્રાપ્ત થશે. દા.ત. જો તમે દર મહિને ૫ હજાર રૂપિયા ૨૫ વર્ષ સુધી રોકતા જાઓ અને તમને જો ૧૦ ટકા લેખે વળતર મળે તો મુદતના અંતે તમારી પાસે ૬૬.૩૪ લાખ રૂપિયાનું ભંડોળ જમા થઈ જાય. જો તમે ફક્ત ત્રણ વર્ષનું મોડું કરો અને ૨૨ વર્ષ સુધી રોકાણ રહે તો કુલ ભંડોળ ઘટીને ૪૭.૬૫ લાખ રૂપિયા જ થાય.

કોઈ પણ રોકાણ કરો ત્યારે તમારે પોતાનાં નાણાકીય લક્ષ્યો પર જ ધ્યાન આપવાનું હોય છે, બજારની સ્થિતિ પર નહીં. આ બાબતે ઘણું કહેવાઈ ગયું છે. અત્યારે એટલું જ કહેવાનું કે કોઈ બીજાનું અનુકરણ કરીને નહીં, પરંતુ પોતાની વાસ્તવિક સ્થિતિ-પરિસ્થિતિના આધારે રોકાણ કરવું.

બજાર નીચે જશે ત્યારે ખરીદી કરીશું એવું વિચારીને બેસી રહેનારા લોકોને ક્યારેય એવી તક મળતી નથી, કારણ કે બજારનું તળિયું અને ટોચ ક્યારે આવે છે એની કોઈ જ ખબર પડતી નથી. તમારે તો બસ, લાંબા સમય સુધી રોકાણ રાખી મૂકવાનું છે એવું વિચારીને જ બજારમાં પ્રવેશવાનું હોય છે. જે રકમ તમને લાંબા સમય સુધી જોઈતી ન હોય એવી જ રકમનું શૅરબજારમાં રોકાણ કરવું.

શૅરબજાર વિશે વધુ એક એ વાત કહેવાની કે એમાં ઊંચું વળતર મળે છે, પરંતુ એની ગતિ ધીમી હોય છે. રાતોરાત કે ગણતરીના દિવસોમાં ઇક્વિટી માર્કેટમાંથી કમાઈ લેવાની વૃત્તિ રાખનાર માણસે નુકસાન ખમવાનો વારો આવી શકે છે. ઇક્વિટી ટૂંકા ગાળે વળતર આપે એ અનિશ્ચિત છે, પરંતુ લાંબા ગાળે સારું વળતર આપે છે એ વાત સુનિશ્ચિત છે.

જો તમારે સંપત્તિરૂપી એક બાગ ઉગાડવો હોય તો દેખીતું છે કે એને વધુ માવજત અને સમયની જરૂર પડે છે. તમે જે રોકાણ કર્યું છે એની નિયમિત સમયાંતરે સમીક્ષા દ્વારા તમારે એ માવજત કરવી. તમારે રોકાણ કર્યું હોય એ જગ્યાએ સરનામું, નૉમિનેશન, સંપર્કની વિગતો, બૅન્કની અદ્યતન વિગતો વગેરેનું અપડેશન કરાવવું પણ અગત્યનું છે. આ બધી બાબતોનું ધ્યાન રાખ્યું હશે તો રોકાણ પાકશે ત્યારે કડાકૂટ વગર તમે પોતાનાં નાણાં પ્રાપ્ત કરી શકશો.

આજકાલ ઘણી ફાઇનૅન્શિયલ પ્રોડક્ટ્સ બનાવટી સ્વરૂપની હોય છે. એને સમજવાનું અઘરું હોય છે. આવી પ્રોડક્ટ્સને બદલે તમે સરળતાથી સમજી શકો એવી જ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું.

finance news news mumbai columnists share market gujarati mid day mutual fund investment