સિદ્ધાર્થ નામનો અર્થ સિદ્ધ કરનાર એક ‘કૉલની’વાસીની આપકથા

27 July, 2024 11:17 AM IST  |  Mumbai | Deepak Mehta

એ જમાનામાં રાતે સાડાનવ વાગ્યા પછી ભિખારીઓ વાંદરાના રસ્તાઓ પર ભીખ માગવા નીકળી પડે

લક્ષ્મણ પારધે, કોન્ડાબાઈ પારધે

નામ લક્ષ્મણ ભાગાજી પારધે. ભણતરને નામે અલ્લાયો! ગામડામાં મજૂરીના પણ સાંસા. બૈરી અને ચાર છૈયાંછોકરાંને લઈને મુંબઈ આવ્યા, કામની શોધમાં. વાંદરા (ઈસ્ટ)ના શાસ્ત્રીનગરમાં એક સગાનું ઘર. વાંદરા સ્ટેશનથી ગોઠણ સમાણા કાદવમાં ચાલીને તે ઘરે પહોંચ્યા. થોડા દિવસ ત્યાં જેમતેમ કાઢ્યા, પણ એક દિવસ યજમાન સાથે ઝઘડો થયો અને સાંજના વખતે જ એ ઘર છોડ્યું. ઉપર આભ અને નીચે ધરતી. શેરીના કૂતરા ભસતાં-ભસતાં પાછળ પડ્યા. બધાના પેટમાં કૂકડા બોલે, પણ ખિસ્સાં ખાલી. એક રડીખડી ઉડિપી હોટેલ નવી શરૂ થયેલી. મફતમાં ખાવાનું તો ન જ આપે પણ દયા આવી હશે એટલે પીવાનું પાણી આપ્યું. બીજી આગ પાણીથી ઠરે, પણ પેટની આગ? અને વળી માથે છાપરું નહીં. એક ચોકમાં, ખુલ્લામાં બધાએ રાત વિતાવી, ભૂખ્યા પેટે.

એ જમાનામાં રાતે સાડાનવ વાગ્યા પછી ભિખારીઓ વાંદરાના રસ્તાઓ પર ભીખ માગવા નીકળી પડે. કેમ આવા ઓતાડા ટાઇમે? કારણ કે એ વખતે અહીં મધ્યમ વર્ગ કે એનાથી નીચલા વર્ગની વસ્તી. કોઈના ઘરમાં ફ્રિજ ભાગ્યે જ હોય એટલે ઘરનાં બધાં જમી લે પછી વધ્યું-ઘટ્યું હોય એ ગૃહિણીઓ આ ભીખ માગનારાઓને આપી દે. બીજી રાતથી શરૂ કર્યું આ રીતે પેટનો ખાડો પૂરવાનું. થોડા દિવસ પછી કોઈએ લક્ષ્મણને કહ્યું કે અહીં વાંદરા ઈસ્ટમાં જ એક નવી કૉલોની બંધાઈ રહી છે; ત્યાં જૈન શેઠને મળી જો, કદાચ કામ મળી જાય. બીજા દિવસે સવારે જ પહોંચી ગયા. જોયું તો હજી બાંધકામ તો શરૂ પણ થયું નહોતું. કાદવકીચડવાળી ખરાબાની જમીનમાં ભરણી કરવાનું કામ ચાલતું હતું. બાજુમાં એક મોટો પથ્થર. એના પર બેસીને રાહ જોવા લાગ્યા. કોઈકે કહ્યું કે આખા દિવસમાં ગમે ત્યારે એક વાર શેઠ અહીં આવે છે એટલે ભૂખ-તરસની પરવા કર્યા વિના પથ્થર પર બેસી રહ્યા.

છેક સાંજે શેઠ આવ્યા. કોઈએ કહ્યું કે એક માણસ સવારથી તમારી રાહ જોઈને એક પથરા પર બેસી રહ્યો છે – ખાધાપીધા વગર. શેઠે લક્ષ્મણને બોલાવ્યો. એક નજર તેના મહેનતથી કસાયેલા શરીર પર ફેરવી અને કહ્યું : ‘કાલ સવારથી કામ પર આવી જજે.’ પગાર? દિવસના પાંચ રૂપિયા! લક્ષ્મણ અને તેના કુટુંબ માટે તો સોનાનો સૂરજ ઊગ્યો. થોડા દિવસ પછી જ્યાં આ નવી ઇમારતો બંધાતી હતી ત્યાં એક ઝૂંપડું બાંધીને રહેવાની છૂટ આપી કૉન્ટ્રૅક્ટરે. અને લક્ષ્મણ પારધેનું કુટુંબ આ બંધાયા વગરની કૉલોનીનું પહેલું રહેવાસી કુટુંબ બન્યું! આ કૉલોની એ સાહિત્ય સહવાસ. અને એ જ લક્ષ્મણનો એક દીકરો, નામે સિદ્ધાર્થ પારધે, આજે મરાઠી ભાષાના એક જાણીતા-માનીતા લેખક તરીકે પોતાના ફ્લૅટમાં હકપૂર્વક આ સાહિત્ય સહવાસના ‘ફૂલરાણી’ મકાનમાં રહે છે. જાણે  નાટકની ‘મંજુળા’નો પુરુષદેહી અવતાર! તેમની આત્મકથા ‘કૉલની’ સાથોસાથ ‘સાહિત્ય સહવાસ’ કૉલનીની પણ આપકથા બની રહી છે.

લક્ષ્મણે શરૂઆત કરેલી ગાર-માટીનાં તગારાં ઉપાડનાર ‘બેગારી’ તરીકે. પછી જેમ-જેમ મકાનોનું બાંધકામ આગળ વધતું ગયું તેમ-તેમ કામ બદલાતું ગયું. કડિયાકામ, સુતારીકામ, પ્લમર (જેનો આપણે ખોટો ઉચ્ચાર કરીએ છીએ, ‘પ્લમ્બર’), રંગારીકામ વગેરે. કૉલોનીની વચમાં બગીચો બનાવવા માળી બન્યા. પછી ઝૂંપડાને બદલે નવા બંધાતા મકાનમાં વારાફરતી રહ્યા. સ્લૅબ પડી ગયા પછી કંતાનની કનાત બાંધીને એમાં રહેવાનું. પહેલું મકાન બંધાઈને તૈયાર થયું એ ‘ઝપુર્ઝા.’ કેટલાંક કુટુંબો તરત રહેવા આવી ગયાં પણ હજી પાણીની લાઇન તો આવી નહોતી. લક્ષ્મણે પખાલી બનીને ઘેર-ઘેર પાણી પહોચાડ્યું. લક્ષ્મણની પત્ની કોન્ડાબાઈએ એ ઘરોમાં કપડાં-વાસણ-ઝાડુ-પોતાંનું કામ શરૂ કર્યું.

કૉલનીનાં બધાં મકાન બંધાઈ રહ્યાં. હવે? કૉન્ટ્રૅક્ટર ઉપરાંત રહેવા આવેલાં કુટુંબોને પણ લક્ષ્મણ પર પૂરો વિશ્વાસ બંધાઈ ગયો હતો. એટલે તેને વૉચમૅનની નોકરી આપી, પગાર મહિને ૧૦૦ રૂપિયા! પણ હવે અહીં રહેવાય એમ તો હતું જ નહીં. અને ઘર લેવાના તો પૈસા નહીં. કૉલનીમાં રહેતાં બૈરાંઓએ ઉઘરાણી કરીને ૭૦૦ રૂપિયા ભેગા કરી કોન્ડાબાઈને આપ્યા (જે પછીનાં વરસોના પગારમાંથી વાળી લીધા હતા). કૉલની પાછળ આવેલી હનુમાનનગર નામની ઝૂંપડપટ્ટીમાં ‘ઘર’ લીધું. પછીથી એ જ જગ્યાએ ડ્રાઇવ-ઇન થિયેટર બંધાયેલું. હવે તો એય રહ્યું નથી.

સિદ્ધાર્થનાં આઈ-વડીલ બન્ને નિરક્ષર પણ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. કૉલોનીનાં રહેવાસીઓએ પણ બનતી મદદ કરી. કોઈએ ફી માટે થોડા પૈસા આપ્યા, કોઈએ ચોપડીઓ આપી, કોઈએ પોતાનાં જૂનાં કપડાં આપ્યાં. સિદ્ધાર્થ તેના પુસ્તકમાં લખે છે : ‘ખરું કહું? આજે પણ નવાંનક્કોર કપડાં પહેરતાં મારો જીવ નથી ચાલતો. મારા જન્મદિવસે કે દિવાળીમાં મારી પત્ની કે મારો દીકરો મારે માટે કપડાં લઈ આવે ત્યારે દિવસો સુધી – બને તો મહિનાઓ સુધી, હું એ નવાં કપડાં પહેરવાનું ટાળું છું.’

અને પછી એક દિવસ હનુમાનનગરની ઝૂંપડપટ્ટી પાસે પહેલાં પોલીસો ખડકાયા. પછી મજૂરો અને ખટારા. જોતજોતામાં આખી ઝૂંપડપટ્ટી હતી-નહોતી થઈ ગઈ. રહેવાસીઓને ખટારામાં ખડકી માલવણના કૅમ્પમાં ધકેલી દીધા, પણ સિદ્ધાર્થને બારમા ધોરણની પરીક્ષા માથે તોળાઈ રહી હતી. હવે કરવું શું? પણ કહે છેને કે એક બારણું બંધ થાય ત્યારે બીજું કોઈ બારણું ખૂલી જાય છે. આવું એક બારણું સિદ્ધાર્થ માટે ખૂલ્યું. બીજે ક્યાં? કૉલનીમાં. પણ એની વાત હવે પછી.

columnists bandra mumbai deepak mehta