✕

મને મુંબઈ ગમે છે, કારણ કે અહીં બધાને માટે ખીલવા અને ખૂલવાનો અવકાશ છે : નેહરુ

14 November, 2026 04:04 PM IST  |  Mumbai | Deepak Mehta

૧૯મી સદીમાં આપણા દેશના ઘણા માલેતુજારો પોતાનાં સંતાનોને ભણવા માટે કોઈ સ્કૂલમાં મોકલતા નહીં. તેમને ભણાવવા માટે શિક્ષકો ઘરે આવતા. જુદા-જુદા વિષયના જુદા-જુદા શિક્ષકો. બને ત્યાં સુધી ગોરા શિક્ષકો શોધવાના.

૧૯૪૨ : હિન્દ છોડો ચળવળ દરમ્યાન ગાંધીજી અને નેહરુ

એક હતો છોકરો. ઉંમર વર્ષ ૧૫. પણ આટલાં વર્ષમાં તેણે કોઈ સ્કૂલનું મોઢુંય જોયું નહોતું. રખે માનતા કે તે ગરીબ હતો, અભણ હતો. ૧૯મી સદીમાં આપણા દેશના ઘણા માલેતુજારો પોતાનાં સંતાનોને ભણવા માટે કોઈ સ્કૂલમાં મોકલતા નહીં. તેમને ભણાવવા માટે શિક્ષકો ઘરે આવતા. જુદા-જુદા વિષયના જુદા-જુદા શિક્ષકો. બને ત્યાં સુધી ગોરા શિક્ષકો શોધવાના. તે ન મળે તો પછી પારસી કે બંગાળી. ગુરુદેવ ટાગોર પણ એ રીતે ઘરે જ ભણેલા. આ ૧૫ વર્ષનો છોકરો હતો અલાહાબાદના જ નહીં, પણ આખા હિન્દુસ્તાનના જાણીતા-માનીતા ધનાઢ્ય વકીલ મોતીલાલ નેહરુનો દીકરો, નામે જવાહર

પણ હવે મોતીલાલજીએ નક્કી કર્યું હતું કે આ એકના એક દીકરાને આંખથી અળગો કરવો પડશે, તેને ભણવા વિલાયત મોકલવો પડશે; પણ એકના એક દીકરાને એકલો મોકલતાં જીવ કેમ ચાલે? એટલે નક્કી કર્યું કે પોતે અને છોકરાની માતા સ્વરૂપરાણી તેને મૂકવા લંડન જશે. મુંબઈ સુધીની મુસાફરી, મુંબઈની સારામાં સારી હોટેલમાં રહેવાની સગવડ. એ વખતની પ્રખ્યાત P&O કંપનીની એસ. એસ. મેસેડોનિયા સ્ટીમરમાં બે સારામાં સારી કૅબિન બુક થઈ ગઈ. જવાહરલાલે અને તેમનાં માતા-પિતાએ ૧૯૦૫ના મે મહિનાની તેરમી તારીખે ગ્રેટ બ્રિટન માટેની મુસાફરી શરૂ કરી. ભલે ટૂંકી, પણ પંડિત જવાહરલાલ નેહરુ (જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯)ની મુંબઈની આ પહેલી મુલાકાત. બૅરિસ્ટર બન્યા પછી ૧૯૧૨માં પાછા આવ્યા ત્યારે પણ જવાહરલાલ મુંબઈના બારામાં જ ઊતરેલા. બૅરિસ્ટર થઈને આવેલા, અલાહાબાદમાં ધીકતી પ્રૅક્ટિસ થઈ શકે એમ હતી. જોકે ૧૯૧૬ના ડિસેમ્બરની ૨૬ તારીખે લખનઉમાં ગાંધીજી અને જવાહર પહેલી વાર મળ્યા અને ત્યારથી નેહરુના જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ.

મુંબઈના રસ્તા પર ખુલ્લી મોટરમાં નેહરુ

૧૯૩૬ના મે મહિનામાં નેહરુ સતત ૬ દિવસ સુધી મુંબઈમાં રહ્યા હતા. કેમ? ચૂંટણીપ્રચાર માટે. ૧૯૩૬માં તો દેશમાં અંગ્રેજી રાજ હતું. ત્યારે વળી ચૂંટણી કેવી? ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૩૫ હેઠળ દેશમાં ‘સ્થાનિક સ્વરાજ્ય’ માટે ૧૯૩૭માં ચૂંટણી યોજાવાની હતી. એમાં કૉન્ગ્રેસ એક આગળ પડતો પક્ષ હતો. નેહરુ ૬ દિવસ મુંબઈમાં રહ્યા એ દરમ્યાન તેમણે રોજની એક મોટી સભામાં ભાષણ કર્યું. એ વખતે મુંબઈમાં કૉટન મિલ્સની બોલબાલા હતી એટલે એ મિલોમાં કામ કરતા કામદારો માટે એક મીટિંગ રાખી હતી. બીજીમાં કૉન્ગ્રેસના ટેકેદારોને એકઠા કરવામાં આવ્યા હતા તો બીજી બાજુ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બૅન્કરો વગેરેની સંસ્થાઓના સભ્યોને પણ નેહરુ મળ્યા હતા. તો એક ખાસ મીટિંગમાં એવા લોકો સાથે વાતચીત કરી હતી જે લોકો સમાજવાદમાં માનતા હોય અને એ પ્રમાણે આર્થિક સુધારાઓને ટેકો આપતા હોય. આ બધી સભાઓમાં નેહરુએ ક્યાંય સીધી રીતે ‘કૉન્ગ્રેસને મત આપો’ એમ કહ્યું નહોતું, પણ લોકોએ દેશની પ્રગતિ કરી શકે એવા પક્ષને મત આપવો જોઈએ એમ કહ્યું હતું. એ વર્ષના મે મહિનાની ૨૦ તારીખે એક નિવેદનમાં નેહરુએ કહ્યું કે મુંબઈની આ મુલાકાત દરમ્યાન હું કેટલી મીટિંગમાં બોલ્યો છું એનો આંકડો તો હું પોતે પણ કહી શકું એમ નથી. તેમણે ઉમેર્યું કે મુંબઈની કુલ વસ્તીના ચોથા ભાગ જેટલા લોકો સામે તો હું બોલ્યો જ છું.

૨૧ મેએ બૉમ્બે ક્રૉનિકલ અખબારમાં પ્રગટ થયેલા એક લેખમાં નેહરુએ કહ્યું હતું: ‘This great city is destined to play as great a part as it did in the past in our freedom struggle.’

પણ નેહરુની સૌથી વધુ મહત્ત્વની મુંબઈની મુલાકાત એ તો ૧૯૪૨ના ઑગસ્ટની મુલાકાત. એ વર્ષે ઑગસ્ટની ૭ તારીખે ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીની મીટિંગ મળી એમાં સહભાગી થવા નેહરુ મુંબઈ આવ્યા હતા. એ વિશાળ સભા ગોવાળિયા ટૅન્ક મેદાન ખાતે યોજવામાં આવી હતી. આખું મેદાન લોકોથી ખીચોખીચ હતું અને બહાર રસ્તા પર ઠેઠ નાના ચોક સુધી લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. આ બેઠકમાં ગાંધીજી ઉપરાંત પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાની જેવા દેશના ધુરંધરો હાજર હતા. ‘ક્વિટ ઇન્ડિયા’નો ઠરાવ નેહરુએ રજૂ કર્યો હતો જે બહુમતીથી પસાર થયો. ત્યાર બાદ ગાંધીજીએ તેમનું ઐતિહાસિક ‘હિન્દ છોડો’ પ્રવચન આપ્યું હતું. નવમી ઑગસ્ટે વહેલી સવારે બ્રિટિશ સરકારે કૉન્ગેસના લગભગ બધા જ નેતાઓને ગિરફ્તાર કર્યા હતા. ગાંધીજીને પુણેના આગાખાન પૅલેસમાં અને નેહરુને અહમદનગરના કિલ્લામાં આવેલી જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૯૪૫ના જૂન સુધી નેહરુ આ જેલમાં રહ્યા હતા. આઝાદીની લડત દરમ્યાન ૧૯૧૨થી ૧૯૪૫ દરમ્યાન બ્રિટિશ સરકારે નેહરુને કુલ ૯ વખત જેલમાં મોકલ્યા હતા. બધું મળીને તેઓ ૩૨૫૯ દિવસ (લગભગ ૯ વર્ષ) જેલમાં રહ્યા હતા.

ત્યાર બાદ ૧૯૪૬માં એવા સંજોગો ઊભા થયા કે નેહરુએ બીજા કાર્યક્રમ રદ કરીને તાત્કાલિક મુંબઈ આવવું પડ્યું. એ વર્ષના ફેબ્રુઆરીની ૧૮ તારીખે મુંબઈમાં રહેલા બ્રિટિશ નેવીના હિન્દી સૈનિકોએ અચાનક બળવો પોકાર્યો. જોતજોતાંમાં આ બળવો ફેલાવા લાગ્યો. એ વખતે નેહરુ ચૂંટણીના પ્રચારના કામમાં રોકાયેલા હતા. એ વિશેનાં રોકાણો રદ કરીને તેઓ તાબડતોબ મુંબઈ આવ્યા. નેવીના સૈનિકો માટે નેહરુને પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ બળવાને કારણે થતી જાનહાનિ બને એટલી જલદી રોકવી જોઈએ એમ તેમને લાગતું હતું.

સરદાર પટેલની સ્મશાનયાત્રામાં નેહરુ

૧૯૫૦ની નેહરુની મુંબઈની મુલાકાત સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે એ વખતે નેહરુ મુંબઈ આવ્યા જ નહોતા. લાંબી માંદગી બાદ ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫ તારીખે સવારે ૯.૩૭ વાગ્યે નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું મુંબઈમાં બિરલા હાઉસ ખાતે અવસાન થયું. અવસાનના સમાચાર મળતાં જ નેહરુએ સવારે ૧૦.૪૫ વાગ્યે લોકસભામાં જાહેરાત કરી અને સાથોસાથ જણાવ્યું કે મારા સાથી શ્રી રાજગોપાલચારી અને હું હમણાં જ મુંબઈ જવા નીકળીએ છીએ. તેમણે એમ પણ ઉમેર્યું કે પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ મુંબઈ જવાનું નક્કી કર્યું છે. લોકસભામાં બોલતાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાંય વર્ષોથી સરદાર અને હું એક જ પાટલી પર બેઠા છીએ; મને લાગે છે કે હું હવે એકલો પડી ગયો છું, તેમની ખાલી પડેલી જગ્યા તરફ મારી નજર જાય છે ત્યારે હું અંદરથી ખાલીપો અનુભવું છું.  આ શબ્દો એ દિવસની લોકસભાની કાર્યવાહીના અહેવાલમાં નોંધાયેલા છે. સરદારના અંતિમ સંસ્કારનો અહેવાલ ‘ટાઇમ’ મૅગેઝિનના ૧૯૫૦ની ૨૫ ડિસેમ્બરના અંકમાં છપાયો હતો, એમાં લખ્યું છે કે જ્યારે સરદારને તેમના દીકરા ડાહ્યાભાઈ પટેલે અગ્નિદાહ આપ્યો ત્યારે એ જોઈને નેહરુ ચોધાર આંસુએ રડતા હતા, પણ સૌથી મોટો પુરાવો તો બ્રિટિશ પાથેની દસ્તાવેજી ફિલ્મ છે. એમાં સરદારના અંતિમ સંસ્કાર વખતે નેહરુ હાજર હતા એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

નેહરુ ભારતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા તો સાથોસાથ એના ભવિષ્યના દૃષ્ટા પણ હતા. હવે પછીના જગતમાં અણુશક્તિ વગર ચાલશે નહીં એ હકીકત સમજીને પ્રખ્યાત વૈજ્ઞાનિક અને અંગત મિત્ર ડૉ. હોમી ભાભા સાથે મળીને માર્ચ ૧૯૫૫માં ‘સ્વિમિંગ પૂલ’ પ્રકારનું પહેલવહેલું ઍટમિક રીઍક્ટર બાંધવાનું નક્કી કર્યું. એ રીઍક્ટરનો ઘણો ખરો ભાગ પાણીમાં ડૂબેલો રહેવાનો હતો એટલે નામ આપ્યું ‘અપ્સરા’. લગભગ બે વર્ષના ટૂંકા ગાળામાં અપ્સરા તૈયાર થઈ ગયું અને એને રાષ્ટ્રને સમર્પિત કરવા નેહરુ ૧૯૫૭ના જાન્યુઆરીની ૨૦ તારીખે મુંબઈ આવ્યા.

નેહરુની એક આંખ ભવિષ્યને જોતી તો બીજી આંખ ભૂતકાળ તરફ રહેતી. દાયકાઓ પહેલાં કૉન્ગ્રેસે ભાષાવાર પ્રાંતરચનાની હિમાયત કરતો ઠરાવ પસાર કર્યો હતો. આઝાદી પછી એ રીતે નવાં રાજ્યો અસ્તિત્વમાં આવતાં ગયાં. મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્ર માટે જોરદાર ચળવળ શરૂ થઈ. શરૂઆતમાં મુંબઈ રાજ્યના ભાગલા પાડવાની તરફેણમાં નેહરુ નહોતા, પણ લોકશાહીમાં લોકોનો નિર્ણય સર્વોપરી ગણાવો જોઈએ એમ માનતા. એટલે ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં ત્યારે મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કરવા નેહરુ મુંબઈ આવ્યા. ૩૦ એપ્રિલ અને પહેલી મે વચ્ચેની મધરાતે મુંબઈના રાજભવનમાં નેહરુએ મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. એ વખતે મહારાષ્ટ્રના પહેલા ગવર્નર શ્રી શ્રીપ્રકાશ અને પહેલા ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ હાજર હતા. ૩૦મીની સાંજે નેહરુએ શિવાજી પાર્કમાં વિશાળ સભા સમક્ષ ભાષણ કરતાં કહ્યું કે મુંબઈ એ માત્ર મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર નથી, પણ સમગ્ર પશ્ચિમ ભારતનું કેન્દ્ર છે, અને એના વિકાસમાં ભારતના દરેક રાજ્યના લોકોનો ફાળો છે.

નેહરુ છેલ્લી વાર મુંબઈ આવ્યા ૧૯૬૧ના નવેમ્બરની ત્રીજી તારીખે, ભારતીય નૌકાસૈન્યમાં જોડાતી INS વિક્રાંતને વધાવવા માટે. ઍરપોર્ટથી તેઓ સીધા બૅલાર્ડ પિયર ગયા અને ત્યાંનો કાર્યક્રમ પૂરો થયા પછી સીધા યુનાઇટેડ કિંગડમની મુલાકાત માટે મુંબઈથી જ રવાના થયા.

મુંબઈમાં બેસીને લખેલા અને ‘નૅશનલ હેરલ્ડ’માં પ્રગટ થયેલા એક લેખમાં નેહરુ લખે છે : ‘મને મુંબઈ ગમે છે, કારણ અહીં બધાને માટે ખીલવા અને ખૂલવા માટે અવકાશ છે. સમુદ્ર અને સમુદ્ર પરથી આવતો પવન આ શહેરને થોડું ઠંડું રાખે છે. અંધારું થાય એ સાથે મુંબઈનો દરિયાકિનારો અસંખ્ય બત્તીઓથી ઝળાંહળાં થઈ જાય છે. રાતના સમયે અસંખ્ય બત્તીઓની હાર દરિયાકિનારાને અજવાળે છે એ જોવું એ એક લહાવો છે. જોકે મુંબઈમાં ઊંચાં-ઊંચાં મકાનો ઝડપથી બંધાઈ રહ્યાં છે એ મને નથી ગમતું. જોકે મારે કબૂલ કરવું જોઈએ કે દૂરથી જોઈએ તો આ ઊંચાં મકાનોની હાર પણ મનોહર લાગે છે. મુંબઈમાં અને મુંબઈના લોકોમાં કોઈ અજબની ઉષ્મા અને મૈત્રીની ભાવના છે. અને એટલે જ મને વારંવાર મુંબઈ આવવું ગમે છે.’

jawaharlal nehru mahatma gandhi history sardar vallabhbhai patel mumbai maharashtra india lifestyle news life and style deepak mehta columnists