એ વખતે કારગિલ હાથમાંથી ગયું હોત તો આજે પાકિસ્તાન પઠાણકોટ સુધી તો પહોંચી જ ગયું હોત!

26 July, 2024 09:28 AM IST  |  Mumbai | Rashmin Shah

જોગિન્દર ઠાકુર આજે રિટાયરમેન્ટ પછી સહેજ પણ ડર રાખ્યા વિના કહે છે કે જો આપણી જાસૂસી સંસ્થાની વાતને ગંભીરતાથી લેવામાં આવી હોત તો કારગિલ-વૉરની વાસ્તવિકતા આજે સાવ જુદી હોત

વૉર પછી નાકની ઇન્જરીના નિશાન સાથે સિપાહી જોગિન્દર ઠાકુર અને બીજી તસવીરમાં જોગિન્દર ઠાકુર તેમનાં પત્ની સાથે.

છોટે મૂંહ બડી બાત લગેગી, પર કારગિલ-વૉર મેં જો જીત મિલી હૈ વો ૧૯૭૧ કી યુદ્ધ સે બિલકુલ કમ નહીં હૈ...’

ભારતીય સેનાના ભૂતપૂર્વ નાયક જોગિન્દર ઠાકુર કારગિલ-વૉર વિશે વાત શરૂ કરતાં પહેલાં પૂર્વભૂમિકા બાંધે છે, ‘એ સમયે પણ પાકિસ્તાની સેના પૂરી તૈયારી સાથે આગળ વધી હતી અને કારગિલ સમયે પણ એવું જ હતું. ભારતીય સેનાએ તો સીધું ઍક્શન મોડમાં આવવું પડ્યું હતું, પણ પાકિસ્તાન તો ઑલમોસ્ટ એક વર્ષથી તૈયારી કરતું હતું, જેને લીધે પાકિસ્તાની સેનાએ તૈયાર કર્યા હતા એ કાશ્મીરી આતંકવાદીઓ એવી જગ્યાએ ગોઠવાઈ ગયા હતા જે લોકેશનની દૃષ્ટિએ સૌથી બેસ્ટ જગ્યા હતી. હું મારા સ્વાનુભવે તમને કહીશ કે ભારતીય સેના જે યુદ્ધ લડી છે એ એટલું ખરાબ હતું જેની કોઈ કલ્પના ન થાય. આપણે બધી રીતે ઊતરતા હતા અને એ પછી પણ સેના સામે જીત સિવાય કોઈ છૂટકો નહોતો. જો એ સમયે કારગિલ પાછું લઈ શક્યા ન હોત તો આજે એવી હાલત હોત કે પાકિસ્તાન આગળ વધતું-વધતું છેક પઠાણકોટ સુધી પહોંચી ગયું હોત અને આ મેં મારા સિનિયરો પાસેથી સાંભળ્યું છે.’

૧૯૯૯માં જ્યારે કારગિલ-વૉર થઈ ત્યારે જોગિન્દર ઠાકુરને સેનામાં જોડાયાને હજી માંડ સાડાત્રણ વર્ષ થયાં હતાં. પરમવીર અવૉર્ડથી સન્માનિત શહીદ વિક્રમ બત્રા જે રેજિમેન્ટના
કંપની-કમાન્ડર હતા એ 13-JAK RIFમાં ઠાકુરને સૉલ્જર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. સેના જૉઇન કર્યાનાં સાડાત્રણ વર્ષમાં તેમણે એક દિવસ પણ રજા નહોતી લીધી.
કારગિલ-યુદ્ધ મે મહિનામાં શરૂ થયું, પણ યુદ્ધનાં કોઈ એંધાણ હતાં નહીં એટલે સેનાના જવાનોને પ્રેમથી રજા મળતી હતી. જોગિન્દર ઠાકુરે પણ મે મહિનામાં રજા લીધી અને હિમાચલ પ્રદેશમાં આવેલા પોતાના શિરમોર નામના ગામમાં ફૅમિલી સાથે સમય વિતાવવા આવ્યા હતા. ફૅમિલી સાથે બેચાર દિવસ રોકાયા હશે ત્યાં જ તેમને રજા પડતી મૂકીને પાછા સેનામાં જૉઇન થવાનો મેસેજ આવ્યો. જોગિન્દર ઠાકુર કહે છે, ‘૮ મેએ સત્તાવાર વૉરની જાહેરાત કરવામાં આવી. ૧૧ મેએ હું ગામ પહોંચ્યો અને ૧પ મેએ મને રીકૉલ માટે કહેવામાં આવ્યું. ઑર્ડર હતો કે મારે કારગિલ બેઝ કૅમ્પ જૉઇન કરવો. હું રવાના થયો અને ૧ જૂને બેઝ કૅમ્પ પહોંચ્યો. એ જ દિવસે મારું યુનિટ કારગિલ મૂવ થવા માટે નીકળ્યું. મને બહુ અફસોસ થયો કે હું યુનિટ જૉઇન ન કરી શક્યો, કારણ કે મારે કેટલીક ફૉર્માલિટી પૂરી કરવાની હતી, એ પહેલાં તમને યુનિટ સાથે જૉઇન થવા ન મળે, પણ હા, એ સમયે યુદ્ધ એની ચરમસીમાએ પહોંચી ગયું હતું. છૂટાછવાયા બ્લાસ્ટના અવાજ અમને બેઝ કૅમ્પ પર સંભળાતા હતા અને કૅમ્પ પર રહેલી આપણી સેનાનું લોહી ઊકળી ઊઠતું હતું.’

શું હતી ફૉર્માલિટી?

જોગિન્દર ઠાકુરે જે સૌથી અગત્યની ફૉર્માલિટી પૂરી કરવાની હતી એને સેનાની બોલીમાં ક્લાઇમેટેશન કહેવામાં આવે છે. ક્લાઇમેટેશન વિશે સમજાવતાં ઠાકુર કહે છે, ‘રજા પરથી ડ્યુટી જૉઇન કરવા જે સૉલ્જર પાછો આવે તેને આ પ્રોસેસ કરવાની હોય છે. રજામાં અમે નૉર્મલ કહેવાય એવા એરિયામાં હોઈએ એટલે સૉલ્જરનું બૉડી નૉર્મલ થઈ ગયું હોય, પણ બૉર્ડર પર નૉર્મલ વાતાવરણ હોય નહીં એટલે અમારે ક્લાઇમેટ સાથે પહેલાં મૅચ થવું પડે. ક્લાઇમેટેશનની આ જે પ્રોસેસ હોય છે એ વ્યક્તિના મનોબળ અને શારીરિક ક્ષમતા પર આધારિત હોય છે. સામાન્ય રીતે બેથી સાત દિવસની આ ક્લાઇમેટેશન પ્રોસેસ હોય.’

ક્લાઇમેટેશેન વૉરના સમયે મસ્ટ હોય. વૉરના લોકેશનના વાતાવરણમાં સૉલ્જરના શરીરને ઢાળવું પડે. જો એ ન કરો અને સૉલ્જર ફ્રન્ટ પર જાય અને ત્યાં બીમાર પડે તો એ યુદ્ધ ક્યાંથી લડવાનો. બીમાર અવસ્થામાં જો સૉલ્જરને બૅકલોડ એટલે કે બેઝ કૅમ્પ લઈ જવો પડે અને તેને લઈ જવા માટે બીજા ચાર જણ જોઈએ.

થૅન્ક્સ ટુ હિમાચલનો પહાડી એરિયા. ઠાકુરનું ક્લાઇમેટેશન બે દિવસમાં પૂરું થયું અને ઠાકુર ૪ જૂને વૉર માટે રેડી થઈ ગયા. ઠાકુર એ દિવસને યાદ કરતાં કહે છે, ‘એ સમયે મારું યુનિટ ઑલરેડી ૪૧૪૦-હાઇટ પર હતું, જ્યાં ૨પથી વધારે પાકિસ્તાનીઓ મૉડર્ન હથિયારથી સજ્જ હતા. આ હાઇટ કૅપ્ચર કરવામાં અમારું યુનિટ પહેલેથી લાગેલું હતું. અમે લો-હાઇટ પર હતા અને એ લોકો અપર-હાઇટ પર. અમે તેમને જોઈ નહોતા શકતા અને એ લોકોને અમારી એકેક વાતની ખબર પડતી હતી. જોકે ૪૧૪૦-હાઇટ પર બહુ વાંધો ન આવ્યો અને હું જૉઇન થયો એ પછી ત્રણેક દિવસમાં જ અમે લોકોએ એ હાઇટ કૅપ્ચર કરી લીધી. એ કૅપ્ચરિંગમાં અમારી કંપનીનું કોઈ ઇન્જર્ડ થયું નહોતું. અમારે ફરી બેઝ કૅમ્પ આવવું એવો ઑર્ડર આવ્યો અને બેઝ કૅમ્પમાં અમને જવાબદારી સોંપી ૪૭૮પ-હાઇટના ટાર્ગેટ પર જવાની.’

ટાર્ગેટ ડિફિકલ્ટ હતો?

બેઝ કૅમ્પથી ૪૭૮પ-હાઇટ પર પહોંચવામાં જોગિન્દર ઠાકુરના યુનિટને ત્રણ દિવસ લાગ્યા. આ ટાર્ગેટ પર ઑલરેડી અગાઉ આલ્ફા કંપની પહોંચી ગઈ હતી, જેના બે જવાનો શહીદ અને આઠ જવાનો ઇન્જર્ડ થયા એટલે આલ્ફા કંપનીને પાછી બોલાવીને એ જવાબદારી 13-JAK RIFને સોંપવામાં આવી. જોગિન્દર ઠાકુર કહે છે, ‘કારગિલ-વૉરની સૌથી મોટી ખાસિયત એ હતી કે ૮૦ ટકા વૉર રાતના અંધારામાં જ લડાયું છે. દિવસ દરમ્યાન એ લોકો વળતો હુમલો બહુ મોટા પાયે કરતા, જેને ખાળવા માટે અમારે દિવસે છુપાઈને કે સાવચેતીથી આગળ વધવું પડતું. ઘણી વાર એવું પણ બન્યું છે કે અમે ૨૪ કલાકમાં હાર્ડલી ૫૦ ફુટ આગળ વધી શક્યા હોઈએ. હું મારા પર્સનલ એક્સ્પીરિયન્સ પરથી કહું છું કે પાકિસ્તાની જવાનોએ એ આખા વિસ્તારનો અગાઉથી અભ્યાસ કરી રાખ્યો હતો એટલે તેમણે છુપાઈ શકાય કે ટેમ્પરરી પ્રોટેક્શન ઊભું થઈ શકે એવી એકેએક જગ્યાએ નજર રહી શકે એવી અરેન્જમેન્ટ કરી હતી.’

ઠાકુર અને મંડળીએ જે ૪૭૮પ-હાઇટ કૅપ્ચર કરવાની હતી એને માટે અંદાજે ૨૭૦૦-હાઇટથી જ દુશ્મનોનો સામનો કરવાનો શરૂ કરી દેવો પડ્યો હતો. ઠાકુર કહે છે, ‘અમારા પર નજર રાખવા માટે દુશ્મનો પાસે એવાં દૂરબીન હતાં જે રાતના અંધારામાં પણ ક્રિસ્ટલ ક્લિયર વિઝન આપતાં હતાં. તમને નવાઈ લાગશે, પણ વૉર પછી જ્યારે અમે એ બધો સામાન જોયો ત્યારે કેટલીક આઇટમ જોઈને અમે અચંબિત હતા કે આ આઇટમ તો અમે જોઈ પણ નથી! અરે, કેટલીક આઇટમ તો એવી હતી જે વાપરવી કેવી રીતે એની મારા જેવા જુનિયરને જ નહીં, અમુક લેવલ સુધીની હાયર ઑથોરિટીને પણ ખબર નહોતી!’

ઠાકુરની ટુકડીમાં એક કૅપ્ટન અને ૧૦ જવાન હતા. પહેલી જીતનો જુસ્સો હતો તો મનમાં દેશને સુરક્ષિત રાખવાનો ભાવ પણ પ્રબળ હતો. જોગિન્દર ઠાકુર કહે છે, ‘અમે રવાના થયા ત્યારે ક્લિયર હતું કે પહોંચ્યા પછી અમારે ત્રણ દિવસમાં આ પૉઇન્ટ કૅપ્ચર કરી તરત બેઝ કૅમ્પ પાછા આવવું, પણ ધારણા કરતાં અમારે માટે આ ટાસ્ક વધારે ડિફિકલ્ટ સાબિત થયો. કારણ એ જ, પાકિસ્તાનીઓએ અગાઉથી દબોચી લીધેલાં એવાં લોકેશન જ્યાંથી તેમની આઠેઆઠ દિશામાં નજર રહે. અમે પહોંચ્યા પછી અમને સમજાયું કે અમે ધાર્યું છે એવું સરળ આ કામ નથી. અમારા સ્વાગત માટે ઉપરથી બૉમ્બબાર્ડિંગ શરૂ થઈ ગયું.’

આલ્ફા કંપનીએ અગાઉ હુમલો કરી લીધો હતો એટલે બન્યું હતું એવું કે પાકિસ્તાની સેના અલર્ટ હતી. બીજી વાત, એ સેનાને પાછળથી બહુ ઝડપથી બૅકિંગ મળી ગયું, જેને લીધે ધારણા કરતાં પાકિસ્તાનની છાવણીમાં સૈનિકો વધી ગયા. જોગિન્દર ઠાકુર કહે છે, ‘ત્રણને બદલે તેર દિવસ અમારી એ લડત ચાલી, જેમાં અમને બેઝમાંથી સપોર્ટ મળતો હતો એ પણ ઓછો થવા માંડ્યો. ભારતમાતાના આશીર્વાદથી અમારી ટીમમાંથી કોઈ ઘવાયું નહીં, પણ અમે એવી કફોડી હાલત વચ્ચે એ સમય પસાર કર્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.’

ખાવા-પીવાનું શું કર્યું?

યુદ્ધ સમયે યુનિટને ડ્રાય લંચ અને ડિનર આપવામાં આવે છે તો સાથોસાથ ડ્રાયફ્રૂટ્સ, ગોળ-ચણા જેવો પ્રોટિનયુક્ત ખોરાક આપવામાં આવે છે. એ ઉપરાંત બિસ્કિટ, મૅગીનાં પૅકેટ્સ પણ આપ્યાં હોય. આ ઉપરાંત બેઝ કૅમ્પ પણ સમયાનુસાર ફૂડ મોકલતું રહે છે. એમાં વીકમાં બે વખત તો લંચ-ડિનર પહોંચી જાય એવી કડક અરેન્જમેન્ટ પણ કરવામાં આવતી હોય છે, પણ એ વખતે એવું નહોતું બન્યું. જોગિન્દર ઠાકુર કહે છે, ‘ઍર સેઇલિંગ એટલે કે ઉપરથી બૉમ્બ ફેંકવાનું ચાલુ હોવાથી અમે જેમ-જેમ ૪૭૮પ-હાઇટની નજીક પહોંચતા ગયા એમ-એમ એ લોકોએ અમારી પાછળ આવતી સહાયના રસ્તા બંધ કરવાના શરૂ કરી દીધા. એને લીધે અમને બહારથી મળતી તમામ પ્રકારની સહાય બંધ થઈ ગઈ. એક તબક્કો એવો આવી ગયો કે અમારી પાસે ફૂડના નામે માત્ર બિસ્કિટ અને મૅગી નૂડલ્સનાં પૅકેટ્સ જ બચ્યાં હતાં. મૅગી બનાવવા જો અમે કૉમ્પેક્ટ સ્ટવ કે નાનું તાપણું કરીએ તો એના ધુમાડાથી એ લોકો અમારું લોકેશન પકડી પાડતા અને ત્યાં હુમલો કરતા. અમે નક્કી કર્યું કે આપણે મૅગી બનાવવી નથી, નૂડલ્સ કાચાં ખાઈને ચલાવીશું એટલે મૅગીનાં પૅકેટ ખોલી, એમાં રહેલી નૂડલ્સને સેવ જેવા નાના ટુકડા કરીને યુનિટ સાથે એ ખાઈ લેતા. થોડી મૅગી ખાવાની અને પછી એમાં જે મસાલો આવે એ સહેજ ચાટી લેવાનો એટલે ટેસ્ટ મળે.’

આ આખી સિચુએશનમાં ત્રણ દિવસ એવા પણ પસાર થયા છે જેમાં ઠાકુરના યુનિટ પાસે માત્ર બિસ્કિટનાં ત્રણ પૅકેટ વધ્યાં હોય અને એ લોકોએ રોજનું એક બિસ્કિટનું પૅકેટ ખોલીને એના પર ગુજારો કર્યો હોય. સામે મોત અને પેટમાં આગ. કોઈ પણ ક્ષણે આવી જતી અને કાન પાસે સીટી મારતી પસાર થતી ગોળી અને શરીરની તાકાત શોષી લેતો ભડકા કાઢતો જઠરાગ્નિ. જોગિન્દર ઠાકુર કહે છે, ‘હમ સૉલ્જર કા એક ઉસૂલ હોતા હૈ, હમ મરેંગે ઝુંડ મેં. ચાહે કુછ ભી હો જાએ પર હમ એક દૂસરે કા સાથ નહીં છોડેંગે. યહી તો કારણ હૈ કિ દેશ કો હમારી સેના પર નાઝ હૈ.’

અગિયાર જણ વચ્ચે પારલે-જીનાં બિસ્કિટનાં ૩ પૅકેટ અને રોજ એક પૅકેટ ખોલીને ભાગે પડતાં બિસ્કિટ ખાઈ લેવાનાં. ઠાકુર ગર્વ સાથે વાત આગળ વધારે છે, ‘એક પૅકેટમાં ૧૨ બિસ્કિટ હતાં. બધાને એકેક આપી દીધા પછી પણ એક બિસ્કિટ વધે એટલે વધેલા એ એક બિસ્કિટના પણ અગિયાર ભાગ કરવાના અને એ ભાગ પણ બધાને આપવાનો! યે હમારી સેના હૈ સર... યે હમારા જઝ્‍બા હૈ.’

૪૭૮પ-હાઇટ કૅપ્ચર થઈ અને મેસેજ આવ્યો, કૉન્ગ્રેચ્યુલેશન... ગો અહેડ.

જોગિન્દર ઠાકુર કહે છે, ‘આ મેસેજનો અર્થ થાય છે, ‘તમારે આગળ જવાનું છે..’ અમને નવો ટાસ્ક આપવામાં આવ્યો હતો એ અમે જ્યાં હતા એ આંકડામાં જોઈએ તો થોડે જ દૂર હતો. અમે ૪૭૮પ-હાઇટ પર હતા અને હવે અમારે જવાનું હતું ૪૮૭પ-હાઇટ પર. અમને એમ પણ કહેવામાં આવ્યું કે કૅપ્ટન વિક્રમ બત્રા તમને લીડ કરશે, જે ઑલરેડી નીકળી ગયા છે. બત્રાજીને તેમની રૅન્કના યાર-દોસ્તો શેરશાહ કહેતા.’

હા, એ શેરશાહ જેમના આ અદમ્ય સાહસને કારણે ભારત સરકારે તેમને પરમવીર ચક્ર એનાયત કર્યું અને બત્રાના હુલામણા નામ પરથી એ જ નામની ફિલ્મ પણ બની.

નહીં ભુલાય

જોગિન્દર ઠાકુરને ૪૮૭પ-હાઇટ પર બનેલી એ ઘટના ક્યારેય નહીં ભુલાય. કારણ કે એ ઘટનાએ દેશની શાન સમા વિક્રમ બત્રાનો જીવ લીધો હતો. જોગિન્દર ઠાકુર કહે છે, ‘મને હજી પણ યાદ છે કે અમે હાઇટ પર પહોંચ્યા અને બીજા દિવસે અમને વિક્રમસર મળ્યા. અમારી સાથે કંપનીમાં હવાલદાર રામધનજી અને ટ્રેઇનિંગ ફેલો રોશન શહીદ થયા ને અમારા લેફ્ટનન્ટ ગપ્પાસાહેબ બહુ ખરાબ રીતે ઇન્જર્ડ થયા. ગપ્પાસાહેબને બચાવવામાં જ કૅપ્ટન બત્રા શહીદ થયા. ૭ જુલાઈનો એ દિવસ હતો. એ સમયે હું પણ ઘવાયો. બન્યું હતું એવું કે એ લોકોનું બૉમ્બબાર્ડિંગ સતત ચાલુ હતું. રામધનજી અને રોશન શહીદ થયા એ મેં મારી સગી આંખે જોયું હતું. ઘવાયેલી અવસ્થામાં પણ તેમણે રાઇફલ છોડી નહોતી. ગપ્પાસાહેબ ઇન્જર્ડ હતા, પણ તેમના અવાજમાં અમને કોઈને ખબર નહોતી પડતી કે તેમના પગમાં ઇન્જરી થઈ છે.’

યુનિટ આગળ વધતું હતું ત્યારે ટ્રાન્સપરન્ટ કહેવાય એવી પાતળી દોરી જમીન પર બાંધેલી હતી, જે દોરી હૅન્ડગ્રેનેડના નોબ સાથે જોડાયેલી હતી અને લાઇનસર ગ્રેનેડ ગોઠવી રાખ્યા હતા. યુનિટ આગળ વધ્યું અને નાપાક પાકિસ્તાની સેનાના જવાને એ પ્લાસ્ટિકની દોરી ખેંચી લીધી અને બૉમ્બબ્લાસ્ટ થયો. જોગિન્દર ઠાકુર પણ એ જ બ્લાસ્ટમાં ઘવાયા. તેમનું નાક કપાયું અને માથાના પાછળના ભાગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. જોગિન્દર ઠાકુર કહે છે, ‘મને આદેશ આપવામાં આવ્યો કે હું રામધનજીને લઈને બેઝ કૅમ્પ તરફ જવાનું શરૂ કરું. રામધનજી એ પછી પણ હાથમાંથી રાઇફલ છોડવા રાજી નહોતા. તેમને સમજાવી-મનાવી અને ખાસ તો લેફ્ટનન્ટનો આદેંશ માનવાનું કહીને મેં રામધનજીને ખભા પર લીધા અને બેઝ તરફ પાછા ફરવાનું શરૂ કર્યું. રામધનજીના એ છેલ્લા શ્વાસ હું આજે પણ મારા કાનમાં ફીલ કરું છું. એ શ્વાસ મારી તાકાતને અકબંધ રાખતા હતા. મારે તેમને લઈને જલદી બેઝ પર જવાનું હતું. બેઝ તો દૂર હતો, પણ અમને સામે હેલ્પ મળવાની હતી. હું એકધારો રામધનજી સાથે વાત કરતો આગળ વધતો હતો. હું પાકિસ્તાનને ગાળો આપતો હતો, હું ભારતમાતાની વાત કરતો હતો, હું દેશપ્રેમની વાત કરતો હતો અને એક લેવલે પહોંચ્યા પછી મને અચાનક ધ્યાનમાં આવ્યું કે મારા કાનમાં આવતો પેલો અવાજ અને ગરમ શ્વાસ બંધ થઈ ગયા છે. અને બસ, પછી મારી તાકાત પણ ઓસરી ગઈ. એ વખતે સાંજે સાડાચાર વાગ્યા હતા.’

આંખો ખૂલી ત્યારે હૉસ્પિટલ

જોગિન્દર ઠાકુરની આંખો ખૂલી ત્યારે તે આર્મી હૉસ્પિટલમાં હતા. તેમના નાક પર હૅન્ડગ્રેનેડની કારતૂસ લાગી હતી તો પગમાં એક ગોળી અને બૉમ્બમાંથી નીકળેલા છરાએ તેમની આખી પીઠ છીણી નાખી હતી. માથાના નીચેના ભાગથી સ્પાઇનલ સુધીના એરિયામાં ઠાકુરને ૩૬ સ્ટીચ આવ્યા જ્યારે નાક અને પગ પર કુલ ૩ સર્જરી કરવી પડી. જોગિન્દર ઠાકુર કહે છે, ‘મને ખુશી એ વાતની છે કે હું દેશની રક્ષા માટે કામ આવ્યો અને મને દુઃખ એ વાતનું છે કે આપણા જે જાસૂસી વિભાગ છે એની એક પણ વાત કે સૂચના આપણા અધિકારી કે રાજકારણીઓએ સાંભળી નહીં. જાસૂસી વિભાગ અને ખબરીઓ સતત સમાચાર આપતા હતા કે કારગિલ પર ભેદી ચહલપહલ ચાલી રહી છે, પણ ખબર નહીં કેમ, કોઈએ એ વાતને ગણકારી નહીં અને આપણા દેશના પ૨૭ વીર જવાનો શહીદ થઈ ગયા. હું નહીં કહું કે અમને માન-સન્માન ઓછાં મળે છે. ના, એવું જરા પણ નથી. આ અમારું કામ છે, આ અમારો પ્રેમ છે એટલે જ અમે સેનામાં છીએ.’

કારગિલ-વૉરની ઇન્જરી પછી જોગિન્દર ઠાકુર ચાર મહિના હૉસ્પિટલમાં રહ્યા અને એ પછી તેમણે સેના ફરી જૉઇન કરી અને ૪૭ વર્ષના ઠાકુર ૨૦૧૧માં સેનામાંથી નાયકપદે રિટાયર થયા. હવે તેઓ પોતાના વતન શિરમોરમાં રહે છે. તેમને બે દીકરા છે. તેમના દીકરાઓને પણ સેનામાં જવું છે અને એને માટે તેઓ તૈયારી પણ કરી રહ્યા છે. ઠાકુરનો નાનો ભાઈ આજે પણ સેનામાં છે. જોગિન્દર ઠાકુર કહે છે, ‘સિવિલિયનને એવું થાય કે તે પોતાની ફૅમિલી માટે કંઈક કરે, એવી જ રીતે અમને એવું થાય કે અમે દેશ માટે કંઈક કરીએ. તમે ફૅમિલી માટે હેરાન થાઓ ત્યારે તમને એવું નથી લાગતુંને કે તમે બહુ મોટું સૅક્રિફાઇઝ કર્યું. અમને પણ એવું નથી લાગતું.’

કારગિલ-વૉરની દુખદ યાદો તો ઘણી છે, પણ ઠાકુર માટે એ યુદ્ધની જો કોઈ સુખદ વાત હોય તો એ કે તેમની કંપની 13 JAK RIF નામની પાછળ PPVC ઉમેરાયું છે. જોગિન્દર ઠાકુર કહે છે, ‘આ જે શબ્દ છે એનો અર્થ થાય છે કે આ કંપનીને પરમવીર ચક્ર મળ્યું છે અને ડબલ પીનો અર્થ થાય છે બે પરમવીર ચક્ર. અમારા સિવાય સેનાની બીજી એક પણ કંપનીને આ PPVCનું સન્માન મળ્યું નથી. હું ખુશ છું કે હું 13 JAK RIF/PPVCનો હિસ્સો રહ્યો છું.’

કારગિલ વૉરનું અથથી ઇતિ

સત્તાવાર રીતે કારગિલ યુદ્ધની શરૂઆત ૧૯૯૯ની ૨૬ મેએ થઈ, પણ એની જાણકારી સૌથી પહેલાં ત્રીજી મેના દિવસે મળી હતી. કારગિલ વિસ્તારમાં રહેતા એક ભરવાડે સેનાને ઇન્ફર્મેશન આપી કે કારગિલ પર તેણે પાકિસ્તાની સેનાના કેટલાક જવાનોને જોયા છે. ઇન્ફર્મેશન મળ્યાના બે દિવસ પછી એટલે કે પાંચમી મેએ ભારતીય સેનાની પૅટ્રોલિંગ ટીમ કારગિલ પહોંચી, જેને પકડી લેવામાં આવી અને આઠમાંથી પાંચ જવાનોની હત્યા કરવામાં આવી તો ત્રણ ગંભીર રૂપમાં ઘાયલ અવસ્થામાં સ્થાનિક ગામવાસીઓને મળ્યા.

એ પછી પહેલી વાર પાકિસ્તાને હુમલો કર્યો નવમી મેએ, જેમાં કાર​ગિલમાં રાખેલા ભારતીય સેનાનો હથિયારનો જથ્થો પાકિસ્તાને નષ્ટ કર્યો. એ પછી ચોવીસ જ કલાકમાં દ્વાસ, કાકસાર અને મુશ્કોહમાં પણ પાકિસ્તાની સેનાના ડ્રેસમાં કેટલાક જવાનો દેખાયા જેણે પુરવાર કર્યું કે પાકિસ્તાની સેના ખાસ્સી આગળ વધી ગઈ છે. ભારત સરકારે પહેલી વાર સત્તાવારપણે ભારતીય ઍર ફોર્સને કામે લગાડી. ૨૬ મેના દિવસે પણ પરિણામ મળ્યું નહીં. ઊલટું ખબર પડી કે દરેક મહત્ત્વની હિલ પર પાકિસ્તાની સેનાના જવાનો હાજર છે એટલે યુદ્ધનું એ જ દિવસથી એલાન થયું જે લગાતાર બે મહિના ચાલ્યું અને ૨૬ જુલાઈએ કાર​ગિલમાંથી પાકિસ્તાની સેનાને ભારતે પાછી ધકેલી. જોકે ત્યાં સુધીમાં ભારતના પ૨૭ જવાનો શહીદ થયા અને ૧૩૦૦થી વધારે જવાનો ઘાયલ થયા. આ યુદ્ધમાં પાકિસ્તાનના પ૦૦૦ જેટલા જવાનો કાર​ગિલમાં હાજર હતા. એમાંથી ૨૭૦૦નાં મોત થયાં, ૭પ૦ જેટલા મેદાન છોડીને ભાગ્યા તો ૧પપ૦ ઘાયલ થયા.

કારગિલ યુદ્ધમાં મૅક્સિમમ બૉમ્બ અને રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારતે અઢી લાખથી વધારે ગોળા ફેંક્યા તો મિસાઇલ અને મૉર્ટાર દ્વારા પાંચ હજાર જેટલા બૉમ્બનો ઉપયોગ કર્યો. યુદ્ધ બે મહિના ચાલ્યું, પણ આ બે મહિનામાંથી ૧૭ દિવસ એવા હતા જેમાં દિવસના ચોવીસેચોવીસ કલાકની પ્રત્યેક મિનિટમાં ભારતીય સેના દ્વારા એક ફાયરિંગ થયું હોય. સ્વાભાવિકપણે દુશ્મનો પણ એટલી જ તીવ્રતા સાથે જવાબ આપતા હતા.

પાકિસ્તાને બનાવેલી છાવણીમાંથી ભારતીય સેનાને પાકિસ્તાની સેના વાપરતી એ હથિયારો પણ મળ્યાં તો સાથોસાથ GPSથી લઈને બીજો અનેક એવો સામાન મળ્યો જે અમેરિકાએ માત્ર પાકિસ્તાનને આપ્યો હતો. એમ છતાં પાકિસ્તાન આજ સુધી એ વાત સ્વીકારવા રાજી નથી કે કાર​ગિલમાં એણે પેશકદમી કરી છે. આજે પણ પાકિસ્તાન એ જ કૅસેટ વગાડે છે કે એ મુજાહિદ્દીન હતા જે જમ્મુ-કાશ્મીરમાં ભારતનું શાસન સ્વીકારવા રાજી નહોતા. પાકિસ્તાન કાશ્મીરમુદ્દાને વધુ એક વાર આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માગતું હોવાથી એણે ઑપરેશન બદ્રના નામે આ નાપાક હરકત કરી હતી. પાકિસ્તાનના મનમાં બે પાપ હતાં. એક, કાશ્મીર અને લદ્દાખને જોડતો એકમાત્ર હાઇવે રોકીને ભારતીય સેનાને સિયાચીન ગ્લૅ​સિયરથી દૂર રાખવી. જો એમાં પાકિસ્તાનની મુરાદ ફળી હોત તો ચીન સિયાચીન કવર કરવા માટે તૈયાર હતું, પણ ભારતીય સેનાની બહાદુરીને કારણે એવું બન્યું નહીં. જો એવું થયું હોત, પાકિસ્તાન ઇચ્છતું હતું એ મુજબ બધું ચાલ્યું હોત તો ભારતે કાશ્મીર અને સાથોસાથ સિયાચીન બન્નેથી હાથ ધોવા પડ્યા હોત અને ઇન્ટરનૅશનલ લેવલ પર પાકિસ્તાન અને ચીન બન્ને ગાઈવગાડીને એ જગ્યા પર પોતાનો દાવો કરવા
માંડ્યાં હોત.

ભારત સરકારે કારગિલ પાછું મેળવવા માટે જે યુદ્ધ ઘોષિત કર્યું એને ઑપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું, જેને લીધે યુદ્ધ જીત્યાના અંતિમ દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ યુદ્ધ પહેલાં કારગિલમાં બેઝ-કૅમ્પ સિવાય સરકાર તરફથી સેનાની કોઈ પ્રકારની ચેકપોસ્ટ કે થાણું બનાવવામાં નહોતું આવ્યું. વાતાવરણને કારણે સેનાને પણ વર્ષના છ મહિના જ કારગિલ પર પૅટ્રોલિંગ માટે છૂટ હતી, પણ કારગિલ વૉર પછી કારગિલ પર ચાર કાયમી પોસ્ટ બની અને પૅટ્રોલિંગ પણ નિયમિત શરૂ કરાવવામાં આવ્યું છે. કારગિલની આ જે વૉર થઈ એ દરિયાઈ સપાટીથી ૧૮,૦૦૦ ફુટ હાઇટ પર થઈ. દરેક યુદ્ધ વિકટ હોય, પણ એ તમામ યુદ્ધોમાં કારગિલ વૉર સૌથી વધારે વિષમ રહી છે.

columnists Rashmin Shah kargil war national news india