રંગીલા, મોજીલા પ્રેમ આહુજાનું મોત : અકસ્માત કે ખૂન?

28 June, 2025 05:00 PM IST  |  Mumbai | Deepak Mehta

૧૯૩૮ના જૂન મહિનાની પાંચમી તારીખે ઉદ્ઘાટન થયું ત્યારથી અંગ્રેજી ફિલ્મોના ચાહકો માટે તો જાણે દેવળ બની ગયું. એ વખતે આ થિયેટર MGM કંપનીની માલિકીનું હતું

મેટ્રો સિનેમાના ઉદ્ઘાટનની જાહેરખબર.

ધોબીતળાવ પાસે આવેલું મેટ્રો એટલે એક જમાનાનું મુંબઈનું સૌથી વધુ પૉશ થિયેટર. જ્યાં જુઓ ત્યાં લાલ અને ગુલાબી રંગની ભરમાર. દાખલ થાઓ કે તરત લાલ યુનિફૉર્મ પહેરેલા ખિદમતગાર સ્વાગત કરે. લાલ ગાલીચા પાથરેલાં આરસનાં પગથિયાં ચડીને ઉપર જાઓ તો સામે દેખાય જે. જે. સ્કૂલ ઑફ આર્ટના વિદ્યાર્થીઓએ કરેલાં ભીંતચિત્રો. ૧૯૩૮ના જૂન મહિનાની પાંચમી તારીખે ઉદ્ઘાટન થયું ત્યારથી અંગ્રેજી ફિલ્મોના ચાહકો માટે તો જાણે દેવળ બની ગયું. એ વખતે આ થિયેટર MGM કંપનીની માલિકીનું હતું અને વર્ષો સુધી અહીં માત્ર એ કંપનીની ફિલ્મો જ બતાવવામાં આવતી.

૧૯૫૯ના એપ્રિલની ૨૭ તારીખે બપોરનો શો શરૂ થાય એ પહેલાં સિલ્વિયા નાણાવટી પોતાનાં ત્રણ બાળકોને લઈને મોટરમાંથી ઊતરી. ઘણા દિવસથી બાળકો કહેતાં હતાં કે અમારે Tom Thumb ફિલ્મ જોવા જવું છે. સિલ્વિયા જાણતી હતી કે બાળકોને મજા પડે એવી આ મ્યુઝિકલ ફૅન્ટસી છે. મૂળ કથા પ્રખ્યાત પરીકથા લેખકો ગ્રિમ બ્રધર્સની નામે થમ્બલિંગ. એક નાનકડો અંગૂઠા જેવડો છોકરડો. આપણે તેને ‘અંગૂઠિયો’ કહી શકીએ. તેનો પનારો પડે છે બે ખતરનાક ચોરો સાથે. શરીરની નહીં પણ બુદ્ધિની તાકાત વડે આ ચોરોને તે છોકરો કઈ રીતે હંફાવે છે એની વાત બાળકોને રસ પડે એ રીતે ફિલ્મમાં કહેવાઈ છે.

બાળકો તો ફિલ્મ જોવામાં મશગૂલ, પણ સિલ્વિયા? તેનું મન તો ક્યાં-ક્યાં ભટકી રહ્યું છે. પોતાનો પનારો પણ બે પુરુષો સાથે પડ્યો છે : એક પતિ, એક પ્રેમી. ના, બેમાંથી એક પણ ખતરનાક નથી, પણ પોતાના જીવનમાં આ બન્નેનું સાથે હોવું એ તો ખતરનાક બની શકે. ત્યાં તો બીજું મન કહે છે : નાહકની ચિંતા ન કર. બધાં સારાં વાનાં થઈ રહેશે. પતિ કાવસને ઇન્ડિયન નેવીની નોકરી અંગેનું અગત્યનું કામ આવી પડ્યું એટલે તે ફિલ્મ જોવા આવી ન શક્યો; પણ કહ્યું હતું કે શો પૂરો થવાના ટાઇમે મોટર લઈને આવી જઈશ, પછી બધા સાથે જમવા જઈશું.

જમવા! ગઈ કાલે સવારે પોતે પતિની સાથે જમવા બેઠી હતી. બાળકોએ પહેલાં જમી લીધું હતું એટલે જમતી વખતે બન્ને એકલાં હતાં. જમતાં-જમતાં કાવસે હળવેકથી પૂછ્યું હતું : ‘તારી તબિયત તો સારી રહે છેને ડાર્લિંગ?’ ‘કેમ એવું પૂછે છે?’ ‘આજકાલ તું મારાથી અળગી ને અળગી રહેવા લાગી છે. પહેલાંના કોયલ જેવા પ્રેમના ટહુકા સાંભળવા મળતા નથી.’ પોતે જવાબ ન આપ્યો. કેવી રીતે આપે? ખોટું બોલવું નહોતું અને સાચું બોલાય એમ નહોતું. ગઈ કાલે રાતે ફરી એ જ સવાલ પુછાયો, પણ વધુ સ્પષ્ટ રીતે. ‘દિવસે તો ઠીક, રાતે બેડરૂમમાં પણ તું તરત પડખું ફરીને સૂઈ જાય છે. નહીં પહેલાંની જેમ ચુંબન, નહીં આલિંગન!’ ‘અત્યારે મને બહુ ઊંઘ આવે છે. સવારે વાત કરીશું.’

‘ટૉમ થમ્બ’ ફિલ્મનું પોસ્ટર.

અને સવારે ચા પીતાં ફરી એ જ સવાલ. હવે આ રોજની ઊલટતપાસ સહન નહીં થાય, સાચેસાચું કહેવું જ પડશે, જે થવાનું હોય એ છો થાય. ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું તેને ઓળખું છું?’ ‘હા, આપણા બન્નેનો દોસ્ત પ્રેમ આહુજા.’ ‘ફક્ત મન ઢળ્યું છે કે તન પણ?’

સિલ્વિયાએ જવાબ ન આપ્યો, પણ આંખો ઢાળી દીધી. કાવસ જવાબ સમજી ગયો. વધુ કશી વાત કરવાને બદલે છાપું હાથમાં લઈ લીધું. પોતાનું મોઢું ઢંકાય એ રીતે બન્ને પાનાં ખોલીને વાંચવા લાગ્યો કે વાંચવાનો દેખાવ કરવા લાગ્યો. સિલ્વિયા પણ મૂંગી-મૂંગી ચા પીવા લાગી. થોડા દિવસ પહેલાં બહેનપણી સાથે એક જલસામાં ગઈ હતી. ત્યાં એક ગાયકે શું ગાયું હતું? ગીત, ગઝલ, કવ્વાલી? જે હોય તે, પણ શબ્દો બરાબર યાદ રહી ગયા હતા:

कोई कटारी कर मरे,
कोई मरे बिख खाय,

प्रीती ऐसी कीजीये,
हाय करे जीव जाय!

થોડી વાર પછી એકાએક કાવસે કહેલું : ‘હું તો નહીં આવી શકું, પણ તું આજે બાળકોને Tom Thumb ફિલ્મ જોવા લઈ જા. હું તમને મેટ્રો ઉતારીને મારા કામે જઈશ અને પછી શો પૂરો થાય ત્યારે તમને લેવા આવીશ.’ ત્રણે બાળકો ફિલ્મ જોઈને રાજીનાં રેડ થતાં હતાં. સિલ્વિયા પડદા તરફ તાકી રહી હતી છતાં કશું જોતી નહોતી.

પિક્ચર પૂરું થયું અને સિલ્વિયા બાળકોને લઈને થિયેટરમાંથી બહાર નીકળી. જુએ છે તો આ શું? સામે ઊભાં હતાં કાવસનાં માઈજી અને બાવાજી. ‘અરે! આ તો બચ્ચાંઓ માટેનું પિક્ચર છે, તમે જોવા આવ્યાં?’ ‘ના, અમે તો તને અને બચ્ચાંઓને લેવા આવ્યાં છીએ. જલદી મોટરમાં બેસી જાઓ.’ બાળકો તો દાદા-દાદીને જોઈ ખુશખુશાલ, પણ સિલ્વિયાએ કહ્યું : ‘...પણ કાવસ લેવા આવવાનો છે. અમુને અહીં નહીં જુએ તો તેને ચિંતા થશે.’ ‘નહીં થાય. અમે તેને કહી દીધું છે.’

બધાં મોટરમાં બેસી ગયાં. થોડે દૂર ગયાં ત્યાં સિલ્વિયાને ખ્યાલ આવ્યો કે મોટર કોલાબાના ઘર તરફ નહીં, કાવસનાં મમ્મા-ડૅડીના ઘર તરફ જઈ રહી છે. તેણે પૂછ્યું : ‘કેમ આ તરફ ગાડી લો છો? આજે જતી વખતે કાવસ ઘરની ચાવી ભૂલી ગયા છે. તે આવશે તો ઘર કઈ રીતે ઉઘાડશે?’ મમ્મા એટલું જ બોલ્યાં : ‘એ બધી વાતો ઘરે જઈને.’ હવે સિલ્વિયાને લાગ્યું કે કહો ન કહો, પણ કાવસ ઘણી વાર બોલે છે એમ ‘દાળમાં કૈંક કાળું છે.’

ઘર આવ્યું. કાવસના બાવાજીએ બાળકોને કહ્યું : ‘તમારે થોડી વાર કમ્પાઉન્ડમાં રમવું છેને?’ બાળકો તો ખુશ-ખુશ. કાવસનાં મમ્મા-ડૅડી સાથે સિલ્વિયા તેમના ઘરે આવી. કાવસનાં મમ્મા સિલ્વિયા માટે અને પોતાના માટીડા માટે પાણી લઈ આવ્યાં. પાણી પીધા પછી કાવસના ડૅડીએ બોલવાનું શરૂ કર્યું : ‘જો બેટા! મારે તને એક અકસ્માતના સમાચાર આપવાના છે.’ ‘અકસ્માત? કોને થયો? કાવસને?’ ‘ના, તમારા મિત્ર પ્રેમ આહુજાને?’ ‘એટલે કાવસ મેટ્રો પર નહીં આવ્યો?’ ‘તે નહીં આવી શક્યો?’ ‘પણ કેમ?’ ‘કારણ અત્યારે એ નેવલ કસ્ટડીમાં છે.’ ‘કોણ કાવસ? નેવલ કસ્ટડીમાં? કેમ?’ ‘જો દીકરા! મને જે માલમ છે અને જેટલું માલમ છે એ તુને કેહુચ. સાચું-ખોટું તો ખોદાયજી જાને. તમુને મેટ્રો મૂકીને કાવસ સીધો તેના શિપ INS Mysore પર ગયો.’ કાવસના ડૅડીને એકાએક ઉધરસ ચડી.

આઇએનએસ માઇસોર

તેમની ઉધરસ હેઠી બેસે ત્યાં સુધી પ્રિય વાચક, આપણે કાવસ જે શિપ પર હતો એ INS Mysore વિશે થોડી વાત કરી લઈએ. એનું અસલ નામ એચએમએસ નાઇજીરિયા. ગ્રેટ બ્રિટનની વિકર્સ આર્મસ્ટ્રૉન્ગ નામની કંપનીએ બાંધેલી. ૧૯૩૯ના જુલાઈની ૧૮ તારીખે ગ્રેટ બ્રિટનના રૉયલ નેવીમાં જોડાયેલી. આપણો દેશ આઝાદ થયો એ પછી સરકારે આ લડાયક સ્ટીમર રૉયલ નેવી પાસેથી ખરીદી લીધી. ૧૯૫૭ના ઑગસ્ટની ૨૯ તારીખે એ વિધિવત્ ઇન્ડિયન નેવીમાં જોડાઈ. ૧૯૮૫ના ઑગસ્ટની ૨૦ તારીખે એને નેવીમાંથી બરખાસ્ત કરવામાં આવી અને ભંગારવાડે મોકલવામાં આવી. ૧૬૯.૩ મીટરની એની લંબાઈ. વધુમાં વધુ પહોળાઈ ૧૮.૯ મીટર. ઝડપ ૩૩ નૉટ (દરિયાઈ માઇલ). જુદા-જુદા પ્રકારની કુલ પંચાવન તોપ. ૧૯૭૧ના બંગલાદેશ યુદ્ધ વખતે ઇન્ડિયન નેવીએ ‘ઑપરેશન ત્રિશૂલ’ દ્વારા ચોથી ડિસેમ્બરની રાતે કરાચી બંદર પર તોપમારો કરીને એને ભારે નુકસાન પહોચાડ્યું ત્યારે એ હુમલાની આગેવાની INS Mysoreએ લીધી હતી. આ હુમલા પછી કરાચી શહેર ૭ દિવસ સુધી બળતું રહ્યું હતું. ઑપરેશન ત્રિશૂલની આગેવાની ઍડ્મિરલ એસ. એમ. નંદાએ લીધી હતી. ઇન્ડિયન નેવીના આ અનન્ય વિજયની યાદમાં દર વરસે ચોથી ડિસેમ્બરે ‘નેવી ડે’ ઊજવવામાં આવે છે. જોકે પછી ૧૯૭૫થી INS Mysoreનો ઉપયોગ નવા કૅડેટોને તાલીમ આપવા માટે થયો. આ સ્ટીમરનો મોટો (મુદ્રાવાક્ય) તૈતરેય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો હતો : ना बिभेति कदाचन – ડરવું નહીં, કદી કોઈથી. સિલ્વિયા વિચારતી હતી : કાવસ પણ કોઈથી ડરે એવો નહોતો.

કાવસના બાવાજીની ઉધરસ બેઠી એટલે સિલ્વિયાએ પૂછ્યું : ‘પણ કાવસ શિપ પર શું કામ ગિયો?’ ‘પોતાની રિવૉલ્વર લેવા.’ ‘પણ લશ્કરનો તો નિયમ છે કે જ્યારે ડ્યુટી પર હો ત્યારે જ લશ્કરી હથિયાર સાથે રાખી શકાય. ડ્યુટી પૂરી થાય એટલે દરેક સૈનિકે પોતાની પાસેનું હથિયાર આર્મરીમાં જમા કરાવી દેવું પડે.’

‘હા દીકરા, પણ કાવસે જઈને કહ્યું કે આજે રાતે હું મોટર લઈને ઔરંગાબાદ જવાનો છું. રસ્તામાં ગાઢ જંગલ આવે છે જેમાં જંગલી પશુઓ હોય છે. એટલે મારે મારી રિવૉલ્વર સેલ્ફ-ડિફેન્સ માટે સાથે રાખવી છે. કાવસ પર વિશ્વાસ મૂકીને આર્મરીના ઑફિસરે તેને સર્વિસ રિવૉલ્વર આપી. એક જાડા કાગળનું, પીળા રંગનું, મોટું કવર લીધું. એના પર કાળી શાહીવાળી પેનથી નામ લખ્યું : કમાન્ડર કે. નાણાવટી. પછી તેની પિસ્તોલ એ કવરમાં મૂકીને કવર બંધ કર્યું અને ઇન્ડિયન નેવીનું સીલ લગાડ્યું. પછી શું થયું હશે એ સિલ્વિયા સમજી ગઈ હતી. છતાં પૂછ્યું : ‘પછી શું થયું?’ ‘પછી કાવસ ગિયો પ્રેમ આહુજાના ઘેરે. બન્ને વચ્ચે કઈ બાબતે ઝગરો થિયો. કાવસના હાથમાંનું કવર પ્રેમ ઝૂંટવી લેવા ગયો. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને અકસ્માત જ કાવસની પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળી આહુજાને વાગી અને તે બાથરૂમમાં જ ફસડાઈ પડ્યો.’

ખરેખર શું થયું હશે એ સિલ્વિયા સમજી ગઈ. ના, આ અકસ્માત નહોતો. પણ તો શું હતું? જે હતું એનો વિચાર કરતાં સિલ્વિયા ડઘાઈ ગઈ. કાવસ સાથે સવારે થયેલી વાતના શબ્દો તેના કાનમાં ઘંટની જેમ વાગવા લાગ્યા : ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું તેને ઓળખું છું?’ ‘હા, આપરો બન્નેનો દોસ્ત પ્રેમ આહુજા.’ સિલ્વિયા વિચારી રહી : મેં આ વાત કાવસને નહીં કહી હોતે તો? તો આવું બનિયું નહીં હોતે, કદાચ. પણ આવી વાતને હૈયામાં ધરબી રાખીને જીવાત કઈ રીતે? અને જીવાત તો કેવું?

એ જ વખતે સિલ્વિયાના ખભા પર હાથ મૂકીને મમ્મા બોલ્યાં : આ આખી વાતનું સેવટ નઈ આવે તાં વેર તારે અને બચ્ચાંઓએ અહીં, અમારી સાથે જ રહેવાનું છે. સિલ્વિયા કશો જવાબ આપે એ પહેલાં કમ્પાઉન્ડમાં રમતાં બાળકો ઘરે આવ્યાં અને કહેવા લાગ્યાં : ‘મમ્મા, મમ્મા, અહીં કમ્પાઉન્ડમાં રમવાની બહુ મજા આવે છે. અમારે ઘરે નથી જવું, અહીં જ રહેવું છે.’ સિલ્વિયા માંડ-માંડ એક જ શબ્દ બોલી શકી : ‘ઓકે’.

indian cinema murder case crime news mumbai crime news mumbai police news columnists gujarati mid day mumbai deepak mehta