30 March, 2026 11:46 AM IST | Mumbai | Kajal Rampariya
નાઇફ પેઇન્ટિંગ શીખવતાં મીરા નાગડા
આખું અઠવાડિયું કામ કરીને થાકેલા કૉર્પોરેટ પ્રોફેશનલ્સ વીક-એન્ડમાં શાંતિ શોધતા હોય છે. પહેલાં લોકો વીક-એન્ડ આવે એટલે માત્ર મૂવી, શૉપિંગ, ડિનર કે લંચમાં સમય પસાર કરતા હતા, પણ કોરોનાકાળ બાદ સમય બદલાયો છે. સમયની વૅલ્યુ થવા લાગી છે અને આ સમયનો ઉપયોગ કોઈ નવી સ્કિલ્સ શીખવા માટે થવા લાગ્યો છે. રજાના દિવસે કશુંક નવું શીખવું એ હવે એક ઍડ્વેન્ચર બની ગયું છે. આખું અઠવાડિયું ઑફિસ અને ઘરની જવાબદારીઓમાં ગૂંચવાયા બાદ વીક-એન્ડમાં માનસિક શાંતિ માટે લોકો આર્ટ-થેરપી તરફ વળ્યા છે. અંધેરીમાં રહેતાં ૩૮ વર્ષનાં મીરા નાગડાએ આ બદલાતા સામાજિક અભિગમને ઓળખીને પોતાની વર્ષો જૂની ફ્રેન્ચ ટીચર તરીકેની કરીઅર છોડીને આર્ટ ક્ષેત્રે ઝંપલાવ્યું. આજે તેઓ હજારો લોકો માટે મેન્ટર છે અને સાબિત કરી રહ્યાં છે કે કળા માત્ર શોખ નથી પણ તમે ધારો તો કળાના જોર પર તમારો બિઝનેસ ઊભો કરી શકો છો.
ફ્રેન્ચ ટીચરમાંથી આર્ટ પ્રોફેશનલ સુધીની સફર વિશે વાત કરતાં મીરા જણાવે છે, ‘મેં ૨૦૦૨માં HR કૉલેજમાં કૉમર્સનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે કંઈક નવું શીખવાની જિજ્ઞાસા સાથે ફ્રેન્ચ વિષય પસંદ કર્યો હતો. ધીરે-ધીરે આ વિષયમાં મારો રસ વધતો ગયો અને ૨૦૦૬માં મેં ફ્રેન્ચમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. વર્ષો સુધી હું ઘરે વિદ્યાર્થીઓનાં ટ્યુશન લેતી હતી.’
મનમાં ક્યાંક ને ક્યાંક આર્ટ પ્રત્યેનો પ્રેમ હંમેશાં જીવંત હતો. એ સમયે આર્ટમાં કરીઅર બનાવવી એટલે માત્ર શાળાઓમાં ડ્રૉઇંગ ટીચર બનવું એવું માનવામાં આવતું. મીરા કહે છે, ‘મને આર્ટ ગમતી હતી પણ એમાં ફુલટાઇમ કરીઅર બનાવવામાં રિસ્ક લાગતું હતું, પણ કોરોનાકાળ દરમિયાન મારી આ જોવાની દૃષ્ટિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ.’
૨૦૦૭માં લગ્ન બાદ મીરા નાગડાએ થોડો સમય બ્રેક લીધો હતો, પરંતુ ફ્રેન્ચ ભણાવવાનું ચાલુ જ હતું. ૨૦૨૦માં જ્યારે લૉકડાઉન આવ્યું ત્યારે લોકો પાસે પુષ્કળ સમય હતો અને તેઓ કંઈક ક્રીએટિવ કરવા માગતાં હતાં. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘લૉકડાઉનમાં મેં મંડલા આર્ટના વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યા અને અચાનક ઇન્ક્વાયરી શરૂ થઈ. શરૂઆતમાં ડર હતો કે ઑનલાઇન શીખવી શકીશ? પણ એક-એક બૅચમાં ૪૦-૫૦ લોકો જોડાવા લાગ્યા. મેં ઘરે પડેલી ચીજોમાંથી આર્ટ શીખવી, જેમ કે કૉફીનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ. ઘરે પડેલી ચીજોમાંથી ક્રીએટિવ ચીજો કઈ રીતે બનાવવી એની ઑનલાઇન વર્કશૉપ્સ લીધી ત્યાંથી મને સમજાયું કે કૉર્પોરેટ સૅલેરી કરતાં પણ આર્ટ-સ્કિલ્સ અને પ્રૉપર સ્ટ્રૅટેજીથી સારીએવી ઇન્કમ જનરેટ કરી શકાય છે. ત્યાંથી મારો આર્ટમાં ફુલ-ફ્લેજ્ડ પ્રવાસ શરૂ થયો.’
૨૦૨૩થી મીરાએ અંધેરી, વરલી, થાણે, વાશી અને બોરીવલી જેવા વિસ્તારોમાં કૅફે અને આર્ટ-સ્ટુડિયો સાથે ટાઇ-અપ કરીને વર્કશૉપ્સ શરૂ કરી. આ કન્સેપ્ટ સમજાવતાં તે કહે છે, ‘લોકો હવે રિલૅક્સેશન માટે નવી ઍક્ટિવિટીઝ શોધે છે. કૅફેમાં મિત્રો, ફૅમિલી કે પાર્ટનર સાથે આર્ટ કરતાં-કરતાં મી ટાઇમ સ્પેન્ડ કરવો એ એક નવો અનુભવ છે. આ ક્ષેત્રમાં કૉમ્પિટિશન હોવી સારી વાત છે કારણ કે એનાથી આર્ટ પ્રમોટ થાય છે, પણ પોતાની અલગ ઓળખ ઊભી કરવા તમારે સતત રિસર્ચ કરી કંઈક નવું આપતા રહેવું પડે છે. હું અત્યારે થ્રી-ડી પૉટરી, પંચ નીડલિંગ, પરફ્યુમ મેકિંગ, ટેક્સચર આર્ટ, શેનિલ ફ્લાવર મેકિંગ, વારલી આર્ટ, મધુબની આર્ટ, એન્ગ્રેવિંગ, ડૂડલ આર્ટ, મંડલા પેઇન્ટિંગ, પૉપ આર્ટ, કૅલિગ્રાફી વર્કશૉપ, ટોટ બૅગ પેઇન્ટિંગ, ફૅબ્રિક પેઇન્ટિંગ, પૅલેટ નાઇફ પેઇન્ટિંગ, રિબન વર્ક, સિરૅમિક મગ પેઇન્ટિંગ જેવી વિવિધ વર્કશૉપ્સ લઉં છું. હવે લિપ ગ્લૉસ મેકિંગ, કૅન્ડલ મેકિંગ, સોપ મેકિંગ અને ગ્લાસ એન્ગ્રેવિંગની વર્કશૉપ્સ પણ લૉન્ચ કરવાની છું.’
મોટી મલ્ટિનૅશનલ કંપનીઓ અને કૉર્પોરેટ હાઉસિસ માત્ર કામના ટાર્ગેટ સુધી મર્યાદિત નથી રહ્યાં. કર્મચારીઓની માનસિક શાંતિ અને ટીમવર્ક વધારવા માટે તેઓ હવે પરંપરાગત રીતો છોડીને ક્રીએટિવ થેરપી તરફ વળ્યાં છે એમ જણાવતાં મીરા વાતના દોરને આગળ વધારતાં કહે છે, ‘પહેલાંના સમયમાં ટીમ ગેટ-ટુગેધર એટલે માત્ર સાંજની કોઈ ડિનર-પાર્ટી કે લંચ સુધી જ સીમિત રહેતું, પણ હવે કંપનીઓને સમજાયું છે કે કર્મચારીઓ કામના પ્રેશરમાંથી મુક્તિ મેળવવા અને એકબીજા સાથે વધુ સારી રીતે જોડાવા માટે કંઈક ક્રીએટિવ શીખવા માગે છે. જ્યારે કોઈ આર્ટ-વર્કશૉપનું આયોજન થાય છે ત્યારે મૅનેજરથી લઈને જુનિયર એક્ઝિક્યુટિવ સુધીના તમામ લોકો એક જ ટેબલ પર બેસીને આર્ટ કરે છે અને કામ સિવાયની વાતો થાય છે અને એકબીજા સાથેનું બૉન્ડિંગ વધે છે. વિમેન્સ ડે નિમિત્તે એક કંપનીએ તેમની અલગ-અલગ બ્રાન્ચમાં એકસાથે આર્ટ-વર્કશૉપ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ એક મોટો પડકાર હતો કારણ કે એક જ દિવસે પુણેમાં ત્રણ, મુંબઈમાં ત્રણ અને કલકત્તામાં એક એમ કુલ સાત લોકેશન પર વર્કશૉપ કરવાની હતી. હું દરેક જગ્યાએ હાજર રહી શકું એમ નહોતી, તેથી મેં છેલ્લા છ મહિનામાં તૈયાર કરેલા આર્ટિસ્ટ નેટવર્ક અને મારા અસિસ્ટન્ટ્સનો ઉપયોગ કર્યો. એક જ પ્રકારના આર્ટ-ફૉર્મ પર આધારિત આ સાતેય વર્કશૉપમાં કુલ ૭૦૦થી વધુ મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ મારા માટે મોટો પ્રોજેક્ટ હતો.’
મીરાના વર્કશૉપમાં એક લાખ કરતાં વધુ લોકોએ ભાગ લીધો છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, બદલાતા ટ્રેન્ડનો પુરાવો છે. તે કહે છે, ‘કૉર્પોરેટ ઑફિસ ઉપરાંત હવે લગ્નના પ્રસંગોમાં લાઇવ આર્ટ-વર્કશૉપ્સ તથા કિટી પાર્ટી, ફૅમિલી ગેટ-ટુગેધર અને બેબી શાવર જેવા પ્રસંગોમાં પણ લોકો આર્ટ-ઍક્ટિવિટી રાખવાનું પસંદ કરે છે. લોકો જ્યારે ૨-૩ કલાક કલરિંગ કે પરફ્યુમ મેકિંગમાં વિતાવે છે ત્યારે તેઓ તેમની સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલમાંથી બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે એક વાર વર્કશૉપ અટેન્ડ કરનાર વ્યક્તિ મારી બીજી વરાઇટી ઑફ આર્ટ વર્કશૉપ્સમાં ફરીથી જોડાય છે.’
મૅનેજમેન્ટની કસોટી ક્યારે થાય છે એનું ઉદાહરણ આપતાં મીરા કહે છે, ‘કલ્યાણની BITS પિલાની યુનિવર્સિટીમાં એક આર્ટ-ફેસ્ટ હતો. અમને આશા હતી કે ૨૦-૩૦ સ્ટુડન્ટ્સ હશે, પણ અચાનક ૮૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. જો મારું ઍડ્વાન્સ પ્લાનિંગ અને મટીરિયલ સ્ટૉક તૈયાર ન હોત તો આટલી મોટી સંખ્યાને હૅન્ડલ કરવી અશક્ય હતી, પણ પ્લાનિંગને કારણે અમે એ વર્કશોપ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરી.’
કોઈ પણ સફળ બિઝનેસ પાછળ માત્ર ટૅલન્ટ જ નહીં પણ મૅનેજમેન્ટ હોવું પણ અનિવાર્ય છે. મીરા એકસાથે અનેક શહેરોમાં વર્કશૉપ્સ, કૉર્પોરેટ ઇવેન્ટ્સ અને ઘરની જવાબદારીઓ વચ્ચે કઈ રીતે બૅલૅન્સ કરે છે એ વિશે જણાવતાં કહે છે, ‘મારું આખું શેડ્યુલ બે અઠવાડિયાં પહેલાં જ તૈયાર હોય છે. જો કૅફેમાં વર્કશૉપ કરવાની હોય તો એનું બુકિંગ હું ૨-૩ મહિના અગાઉ જ કરી લઉં છું જેથી છેલ્લી ઘડીએ કોઈ ટેક્નિકલ સમસ્યા ન નડે. આ ઉપરાંત વર્કશૉપમાં વપરાતા
આર્ટ- મટીરિયલનો આખા મહિનાનો સ્ટૉક હું ઍડ્વાન્સમાં કરી રાખું છું. આનાથી ફાયદો એ થાય છે કે જ્યારે ઓચિંતા વીસને બદલે ૫૦ લોકો રજિસ્ટ્રેશન કરાવે ત્યારે મારે સામાન માટે દોડવું પડતું નથી. વીક-એન્ડમાં કૅફે-વર્કશૉપ્સ લઉં અને વીક-ડેઝમાં ઑનલાઇન વર્કશૉપ્સ અને કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં વ્યસ્ત રહું છું.’
એક ગૃહિણી તરીકેની જવાબદારી નિભાવવા વિશે મીરા કહે છે, ‘કરીઅરમાં ત્યારે જ ધ્યાન આપી શકાય જ્યારે ઘરની વ્યવસ્થા સુવ્યવસ્થિત હોય. હું આખા અઠવાડિયાનું રસોઈનું પ્લાનિંગ અગાઉથી કરી નાખું છું. કયા દિવસે શું બનશે એ નક્કી હોવાથી મારો ઘણો સમય બચે છે. કોઈ ઇમર્જન્સી આવે તો પણ મારું કામ અટકતું નથી, કારણ કે મારી પાસે પ્લાન B હંમેશાં તૈયાર હોય છે.’
મીરાના પતિ વિશાલ પોતે બિઝનેસમૅન હોવાથી બિઝનેસની બારીકીઓ સમજે છે. આ વિશે તે કહે છે, ‘મેં જ્યારે આર્ટને પ્રોફેશન બનાવવાની વાત કરી ત્યારે વિશાલનો સપોર્ટ સૌથી મોટો હતો. ઘણી વાર એવું બને કે અપેક્ષા કરતાં વધુ લોકો વર્કશૉપમાં આવી જાય અને મટીરિયલ ઓછું પડે ત્યારે વિશાલ મારા માટે સેવિયર બનીને ઊભા રહે છે. એ સમયે તેઓ મને મદદ કરવા પહોંચી આવે છે.’
જો ક્યારેય કોઈ અસિસ્ટન્ટ ન આવી શકે ત્યારે ટીનેજર દીકરી ધન્વી અને વિશાલ સંભાળી લે છે. મીરાની વર્કશૉપમાં નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સુધીના તમામ લોકો આવે છે. મીરા કહે છે, ‘ઘણા લોકો એવા હોય છે જેમણે ક્યારેય બ્રશ પકડ્યું નથી હોતું, શરૂઆતમાં તેમને લાગે કે અમે કેવી રીતે કરીશું? પણ ૨-૩ કલાક પછી જ્યારે તેઓ પોતાની કૃતિ તૈયાર કરે છે ત્યારે તેમને વિશ્વાસ બેસે છે કે આ મેં જ બનાવ્યું છે. ઘણા સ્ટુડન્ટ્સ મારી વર્કશૉપ બાદ પોતાનો બિઝનેસ શરૂ કરે છે ત્યારે મને લાગે છે કે મેં તેમની લાઇફમાં કંઈક વૅલ્યુ ઍડ કરી. લોકોનો પ્રેમ અને આ બ્લેસિંગ્સ જ મારી સાચી કમાણી છે.’