તમે ટ્રાન્સમૅન કેમ છો એવો સવાલ પૂછતાં પહેલાં જાતને સવાલ પૂછી લો કે તમે સ્ત્રી કે પુરુષ કેમ છો

22 July, 2024 01:15 PM IST  |  Mumbai | Sejal Patel

અસામાન્ય ચીલો ચાતરીને પોતાની ઓળખને સ્થાપિત કરવાની આર્યનની આત્મવિશ્વાસથી ભરપૂર વાતો ખરેખર રસપ્રદ છે.

૧૨ વર્ષની ઉંમરે આર્યન (ડાબે) અને અત્યારે

જેન્ડર આઇડેન્ટિટી બાબતે સ્વસ્થ અભિગમ કેળવવો બહુ જ જરૂરી છે એવું માનતા મુલુંડમાં રહેતા ૩૭ વર્ષના ટ્રાન્સમૅન આર્યન સોમૈયા દેશના ગણ્યાગાંઠ્યા ટ્રાન્સ સાઇકોથેરપિસ્ટ્સમાંના એક છે. ખુદ સ્ત્રીશરીર સાથે જન્મેલા અને જીવનના અઢી દાયકા પછી પુરુષ તરીકેની આઇડેન્ટિટી મેળવનારા આર્યને LGBTQ સમાજના લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે જ જીવન સમર્પિત કર્યું છે. અસામાન્ય ચીલો ચાતરીને પોતાની ઓળખને સ્થાપિત કરવાની આર્યનની આત્મવિશ્વાસથી ભરપૂર વાતો ખરેખર રસપ્રદ છે

૩૭ વર્ષ પહેલાં મુલુંડમાં રહેતા સોમૈયા પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. જન્મ તો દીકરીનો હતો, પણ એ દીકરીને લાગતું હતું કે તે તો છોકરો છે. નાનપણમાં મમ્મી ક્યારેક ફ્રૉક પહેરાવતી તો મને-કમને પહેરી લેતી એ દીકરીએ સમજણી થતાં જ પોતાના માટે ચડ્ડી-શર્ટ પસંદ કરી લીધેલાં. બે વર્ષ નાની બહેન મસ્ત છોકરી જેવાં ફ્રૉક પહેરીને અને ગર્લિશ તૈયાર થઈને ફરે, પણ મોટી દીકરી તો પોતાનાં પૅન્ટ-શર્ટ અને ટી-શર્ટ્સમાં જ ખુશ. પેરન્ટ્સને પણ એમાં કોઈ વાંધો નહોતો. દસ વર્ષની ઉંમરે જ્યારે આ દીકરીએ પોતાના પપ્પાને કહેલું કે હું તો મોટો થઈને છોકરો જ બનવાનો છું ત્યારે પપ્પાએ વાત હસી કાઢેલી.

આજે ૩૭ વર્ષે સોમૈયા પરિવારની આ દીકરી ટ્રાન્સમૅન તરીકે સમાજમાં પોતાની સમજણ, આત્મવિશ્વાસસભર વિચારો સાથે મોભાદાર સ્થાન ધરાવે છે. આ દીકરી એટલે કે ટ્રાન્સમૅન બન્યા પછીના આર્યન સોમૈયાની વાત છે. હવે આર્યન સાઇકોથેરપિસ્ટ તરીકે પોતાના જેવા LGBTQ સમાજના લોકોને પોતાની ઓળખ માટે આત્મવિશ્વાસ સાથે જીવતાં શીખવવાનું મિશન લઈને બેઠો છે. ટ્રાન્સ પર્સનને જેટલા સમાજના સાથની જરૂર છે એટલી જ જરૂર તેમના પરિવારને પણ હોય છે. આ બાબતે નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફોરમ્સમાં, સ્વૈચ્છિક સંસ્થાઓમાં અને તાતા, નોવાર્ટિસ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, કોલગેટ, પિરામલ ગ્રુપ, અક્ષરા જેવી કંપનીઓમાં જઈને તેણે પોતાના ઉદાહરણ સાથે વિનાસંકોચે જીવનસફર અને અનુભવો શૅર કરીને આ બાબતે જાગૃતિ લાવવાની કોશિશ કરી છે. ડાઇવર્સિટી, ઇક્વિટી ઍન્ડ ઇન્ક્લુઝન (DEI) કન્સલ્ટન્ટ તરીકે જેન્ડર અને સેક્સ્યુઅલિટી ટ્રેઇનિંગ ક્ષેત્રે નોંધનીય કામ કર્યું છે. ટ્રાન્સ કમ્યુનિટીની મેન્ટલ હેલ્થ માટે એક્સ્ટ્રાઑર્ડિનરી કામ કરવા બદલ તેને FMES-IJME અવૉર્ડ પણ મળ્યો છે. DEI કન્સલ્ટન્ટ તરીકે આર્યન ટ્રાન્સ અને ક્વીઅર કમ્યુનિટીને પણ સાઇકોલૉજિકલ અને સામાજિક સલામતી મળે, તેમની ડિગ્નિટી જળવાય અને માણસ તરીકેના તમામ હકો મળે એ માટે સાઇલન્ટ્લી જાગૃતિ અને સમજ ફેલાવવાનું મિશન હાથ ધર્યું છે.

સૌથી પહેલું પગલું આત્મજ્ઞાન

જ્યારથી સમજણ આવી ત્યારથી પોતાને છોકરો જ માનતા આર્યનને તેનું જન્મ સમયનું નામ પૂછો તો તે હસીને નકારી કાઢતાં કહે છે, ‘એ ન પૂછો. હવે હું બદલાઈ ચૂક્યો છું. મારે એ ભૂતકાળને પાછો ઉખેળવો નથી. કોઈ મને મજાકમાં પણ જૂના નામે બોલાવે એ પસંદ નથી. બાકી તમારે જે પૂછવું હોય એ પૂછો.’

છોકરીના શરીરમાં, છોકરીઓની સ્કૂલમાં ભણવાનું હોય અને પોતે છોકરો છે એવું જ માનતા અને ફીલ કરતા હો તો કંઈક ખોટું થઈ રહ્યું છે એવું ન લાગે? આર્યન કહે છે, ‘મને શું કામ ખરાબ કે ખોટું લાગે? ઇન ફૅક્ટ, હું તો એવું માનતો હતો કે બીજા લોકો ખોટા છે. હું તો છોકરો જ છું એ વાત માટે મને ક્યારેય કોઈ શંકા નહોતી થતી. કુટુંબમાં કે સામાજિક પ્રસંગો વખતે પણ સ્ત્રી-પુરુષોની અલગ બેસવાની વ્યવસ્થા હોય ત્યારે પણ હું તો પુરુષોના સેક્શનમાં બેસતો. બૉય્ઝ અહીં બેસે અને ગર્લ્સ અહીં બેસે એવા જ્યારે સેક્શન પડે ત્યારે બહુ ફની સિચુએશન થતી. મને લાગતું કે આ બધા લોકો કેમ સમજતા નથી? હું તો બિન્દાસ બધાને કહેતો કે હું તો છોકરો છું. લોકો હસવા લાગતા ત્યારે મને લાગતું કે આ બધા જ લોકો પાગલ છે. કંઈ સમજતા જ નથી. ઠીક છે, મોટો થઈને તેમને સમજાવી દઈશ. હું છોકરાઓ સાથે જ રમતો અને ભણતો. ક્રિકેટ, ફુટબૉલ, ગોટી, કંચા જેવી રમતો જ મને ગમતી.’

મોટા ભાગે ટ્રાન્સ પર્સનને આઇડેન્ટિટી ચેન્જ કરવાની આવે ત્યારે લોકોને કઈ રીતે આ બાબતે કહેવું એનું જબરજસ્ત પ્રેશર રહેતું હોય છે, પણ આર્યનના કેસમાં આવું જરાય નહોતું. આર્યન કહે છે, મેં કદી મારા પોતાના પર શંકા કરી જ નથી. હું જે ફીલ થાય છે એ દરેક તબક્કે ચોખ્ખેચોખ્ખું બધાને કહેતો રહેતો. કોઈ વળી કહેતું કે આ છોકરાને થેરપી માટે મોકલો, પણ મને હતું કે મારે નહીં; તમારે થેરપી માટે જવાની જરૂર છે.’

જોકે પ્યુબર્ટીનાં લક્ષણોએ વાતને થોડીક નાજુક બનાવી દીધી. જોકે એ પછી તો પોતે છોકરા તરીકે જ જીવવું છે એ વાતની દૃઢતા પણ વધુ આવી એની વાત કરતાં આર્યન કહે છે, ‘મને હતું કે બાર-તેર વર્ષે પ્યુબર્ટી આવશે ત્યારે મને પણ પેનિસ ઊગી જશે અને બીજાને જેમ દાઢીમૂછ ઊગે છે એવું મને પણ થવા લાગશે. છઠ્ઠા ધોરણમાં મને ગર્લ્સ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. મુલુંડની સેન્ટ મૅરી કૉન્વેન્ટ સ્કૂલમાં હું હતો. ત્યારે બીજી છોકરીઓ નેઇલ પેઇન્ટિંગ, વૅક્સિંગ અને બ્યુટિ-પાર્લરની વાતો કરતી હોય જ્યારે મને લાગે કે હું જેવો છું એવો જ ઠીક છું. મેં તો મારા પ્રિન્સિપાલને પણ કહી દીધેલું કે હું ખરેખર બૉય જ છું, મારે તો બાજુમાં આવેલી સેન્ટ ફાયર કૉન્વેન્ટ સ્કૂલમાં જ ભણવું જોઈએ. તમે લોકો સમજતા કેમ નથી? જોકે પ્યુબર્ટીમાં મારી ધારણા કરતાં બધું જ ઊલટું થયું. બ્રેસ્ટ્સનો ઉભાર વધવા લાગ્યો અને પિરિયડ્સ આવવા શરૂ થયા. આ સમયગાળો મારા માટે મોસ્ટ અનકમ્ફર્ટેબલ હતો. બધાનો મારી તરફ જોવાનો નજરિયો પણ બદલાયો. અત્યાર સુધી બાળકબુદ્ધિમાં મારી વાતો ખપતી, જેને હવે લોકો ગંભીરતાથી લેવા લાગ્યા. જોકે એ વખતે જ મેં પપ્પાને કહી દીધેલું કે હું ઍડલ્ટ થઈને સેક્સ-ચેન્જ ઑપરેશન કરાવી લઈશ. ત્યારે પપ્પાએ હસી કાઢેલું.’

મનોમંથન અને વૅલિડેશન

દુનિયા કરતાં કંઈક જુદું ફીલ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણને કોઈકના તરફથી એનું સમર્થન મેળવવું હોય. જોકે આ બાબતે પણ જરાક અલગ જ વિચાર ધરાવતો આર્યન કહે છે, ‘હું મારી પોતાની ફીલિંગ્સ અને મારી આઇડેન્ટિટી બાબતે ખૂબ જ સ્પષ્ટ હતો. મને એ માટે કોઈ અફસોસ નહોતો. કોઈ મારી ફીલિંગ્સને વૅલિડેટ કરે તો જ હું સાચો છું એવી મને જરૂર પણ નહોતી. હા, મારા ફૅન્ટસી વર્લ્ડમાં ક્યાંક-ક્યાંક હું મારું પ્રતિબિંબ જોતો. દૂરદર્શન પર આવતી ‘હમ પાંચ’ સિરિયલની કાજલભાઈ મારી ઇન્સ્પિરેશન હતી. ક્યાંક મનમાં ખૂણે જો લોન્લી ફીલ થતું હોય ત્યારે મારા જેવું બીજું પણ કોઈક છે એ વિચાર ગમતો. ફાલ્ગુની પાઠકને જોઈને પણ સિમિલર ફીલ થતું. આવાં કેટલાંક પાત્રોનું રેપ્રિઝેન્ટેશન જોઈને મારા જેવા પણ ઘણા લોકો છે એ સમજાતું.’

રિબેલમાંથી સાઇકોલૉજી તરફ

પોતાની જિંદગી છે અને એને પોતાની રીતે જીવવાનો પૂરો હક સૌને છે એવું માનતો આર્યન કહે છે, ‘મેં ક્યારેય કોઈને પૂછ્યું નથી કે હું આ કરું કે ન કરું? હું આ બરાબર કરું છું કે નહીં? મેં હંમેશાં મારે જે કરવું છે એ જ કર્યું. એ ભણવાની વાત હોય કે સેક્સ-ચેન્જની વાત. જોકે મેં બહુ નાની ઉંમરે નક્કી કરી લીધેલું કે મારે આર્ટ્સ લઈને સાઇકોથેરપિસ્ટ બનવું છે, પણ ટીનેજ દરમ્યાનનાં કેટલાંક રિલેશન્સને કારણે એ મિશનને થોડો લૉન્ગ ટર્ન લેવો પડ્યો. દસમામાં હતો ત્યારે જ નક્કી હતું કે હું સાઇકોલૉજી જ ભણીશ. પણ આ દરમ્યાન મારી એક ગર્લફ્રેન્ડ બનેલી.  તેને મારી હકીકત ખબર હતી પણ તેને દુનિયા શું કહેશે એનો ડર રહેતો. અમે બારમા ધોરણમાં હતાં ત્યારે જ અમે ફાઇનલ નિર્ણય લીધો કે અમે રિલેશનશિપ આગળ નહીં વધારી શકીએ. એ બ્રેક-અપ પછી મારે એક જ કૉલેજમાં સાથે ભણવું નહોતું. મેં કૉલેજ બદલી પણ એને કારણે મારે સાઇકોલૉજી ડ્રૉપ કરીને ઇકૉનૉમિક્સ લેવું પડ્યું. એ પછી છ વર્ષ ઇવેન્ટ મૅનેજમેન્ટનું કામ કર્યું. જોકે હું જિદ્દી ખરો. મારે જે કરવું હોય એ કરીને જ રહું. આખરે ૨૦૧૮માં સાઇકોલૉજીમાં માસ્ટર્સ પૂરું કર્યું અને બે વર્ષ એક NGOની હેલ્પલાઇનમાં કામ કર્યું અને પછી પ્રાઇવેટ કન્સલ્ટન્સી શરૂ કરી.’

ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન પણ થયું

ભણવાની આ લાંબી સફર દરમ્યાન ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન એટલે કે સ્ત્રીમાંથી પુરુષ બનવાની પ્રક્રિયા પણ આ જ સમય દરમ્યાન આકાર પામી. સ્ત્રીના શરીરમાં પુરુષ જેવું ફીલ કરવું એ એક વાત છે, પણ એ જ ફીલને ફિઝિકલ ચેન્જમાં સાકાર કરવાની વાત આવે ત્યારે તો મુશ્કેલીઓ નડી હશે એવો સહજ વિચાર આવે; પણ એમાંય આર્યન ખરેખર અસામાન્ય પ્રતિભા છે. તે કહે છે, ‘હું બહુ જ અનઅપૉલોજેટિક રહ્યો છું. મેં જ્યારે નક્કી કર્યું કે હવે મારે સેક્સ-ચેન્જ કરાવવું છે ત્યારે મેં પેરન્ટ્સને ડાયરેક્ટ કહી દીધું કે હવે હું આ માટે આગળ વધી રહ્યો છું. તેઓ પરવાનગી આપે કે ન આપે, હું તો એ કરવાનો જ છું એ તેમને પણ ખબર હતી. મારું બૉડી છે, મારી ફીલિંગ્સ છે. જો હું ખુશ ન હોઉં તો શું કરવાનું? મારે જે શરીર સાથે જીવવાનું છે એનું શું કરવું એ માટે બીજાની પરવાનગી શું કામ લેવાની? જોકે આપણે ત્યાં આ માટે પેરન્ટ્સની સિગ્નેચરની જરૂર હોય છે એટલે મેં કહ્યું, બાકી તો કહેત પણ નહીં. જોકે ટચ વુડ, મારા પેરન્ટ્સ બહુ જ સમજુ અને સમય કરતાં આગળ છે. એને કારણે મારે સ્ટ્રગલ જેવું કંઈ નહોતું. મારા પપ્પા અનિલભાઈ સોમૈયા ગવર્નમેન્ટ ઑફિસર હતા, હવે રિટાયર્ડ છે. મમ્મી હોમમેકર છે. બન્નેની વિચારસરણી ખૂબ મૉડર્ન છે. ઇન ફૅક્ટ, મારા નાના સૌથી વધુ આધુનિક વિચારસરણીના હતા. તેમણે ક્યારેય દીકરો કે દીકરી જુદા છે એવું નહોતું ફીલ કર્યું કે કરાવ્યું. હું માનું છું કે તમે પોતાને સ્વીકારો તો બધા જ સ્વીકારે. જે તમને નથી સ્વીકારતા તેમને પડતા મૂકો. બાકી. મારા સ્કૂલથી લઈને કૉલેજના બધા જ ફ્રેન્ડ્સ સુપરલવિંગ છે. મને કોઈએ કદી પૂછ્યું નથી કે તેં શું કામ આ કર્યું? મેં કોઈને પૂછવાનો અધિકાર જ નથી આપ્યો. હું આ જ છું એ વાત એટલી સ્પષ્ટતાથી બધાની સામે મૂકી છે. એટલે જ જ્યારે મેં સેક્સ-ચેન્જ અને ટ્રાન્ઝિશન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું તો બધાએ મેસેજ કરીને મને ખૂબ ઉત્સાહથી વધાવ્યો અને કહ્યું કે અમે તારા માટે ખુશ છીએ. કોઈ સપોર્ટ જોઈતો હોય તો અમને કહેજે. મેં એક ફિલ્ટર ક્રીએટ કર્યું છે. જેમને મારા ટ્રાન્સમૅન હોવાનો પ્રૉબ્લેમ છે તેમની વાત મેં સાંભળી નથી. જે મને હું જેવો છું એવો સ્વીકારે છે એ તમામ લોકો મારી લાઇફમાં છે અને ચોતરફ છે. ટીચર્સ, ફ્રેન્ડ્સ ક્લાસમેન્ટ્સ બધા જ ટચમાં છે.’

ગુફ્તગૂ થેરપી

સેક્સ-ચેન્જ કરાવ્યા પછી છેલ્લાં લગભગ બે વર્ષથી આર્યને માત્ર અને માત્ર LGBTQ કમ્યુનિટી માટે જ કાઉન્સેલિંગ કરવાનું નક્કી કર્યું છે. ગુફ્તગૂ થેરપી નામે તેમણે કંપની શરૂ કઈ રીતે થઈ એ વિશે આર્યન કહે છે, ‘મારી ફ્રેન્ડ સદફ વિધાએ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરેલું, પણ ખૂબ કામ રહેતું હોવાથી પહોંચી વળતી નહોતી એટલે તેણે મને પણ તેની સાથે જોડાવા કહ્યું. હેલ્પલાઇનમાં સતત કાઉન્સેલિંગ કરીને ખૂબ બર્નઆઉટ થઈ જવાતું. સદફ નૉર્મલ લોકો માટે કાઉન્સેલિંગ કરે છે જ્યારે મારી કમ્યુનિટીના ક્લાયન્ટ્સને જ હું કાઉન્સેલ કરું છું. તાજેતરમાં અમે સાત દિવસનો ‘બિયૉન્ડ બાયનરી (મેલ-ફીમેલ જેવા લિંગથી પર), બિયૉન્ડ આઇડેન્ટિટી’નો કોર્સ કન્ડક્ટ કર્યો હતો. એમાં - LGBTQ સમાજના લોકોની માનસિકતા સમજવા માટે સાઇકોથેરપિસ્ટને કઈ રીતે તૈયાર કરવા એ શીખવવામાં આવ્યું હતું.’

સામાન્ય રીતે અલગ પ્રકારનો સેક્સ્યુઅલ પ્રેફરન્સ ધરાવતા કે ટ્રાન્સ પર્સનને પુછાતું હોય છે કે તમને ક્યારે ખબર પડી કે તમે આવા છો? આર્યન કહે છે, ‘હું નૉર્મલ લોકોને હંમેશાં સવાલ કરતો હોઉં છું કે તમને ક્યારે ખબર પડી કે તમે સ્ત્રી કે પુરુષ છો? શું તમે ક્યારેય તમારી જાતને સવાલ કર્યો છે કે તમે કોણ છો? તમારી આઇડેન્ટિટી શું છે? તમે તો સમાજની ઘરેડને કોઈ સવાલ વિના સ્વીકારી લીધી છે? અમારામાં એ હિંમત છે કે જાતને પૂછી શકીએ છીએ કે હું કોણ છું? હું શું ઇચ્છું છું? જે ઇચ્છું છું એ મેળવવા માટે હિંમતભેર આગળ આવવાની હિંમત કરનારને ખોટા કે ખરાબ કેમ માનવાના?’

આર્યન સોમૈયાની જીવની પર ઍમૅઝૉન પર એક ડૉક્યુમેન્ટરી આવવાની છે. તેણે જે બિન્દાસપણે પોતાની ટ્રાન્સમૅન થવાની જર્ની જીવી છે અને હવે પોતાના સમાજના લોકોના ઉત્થાન માટે સક્રિય છે એનું નિરૂપણ એમાં હશે. ઝોયા અખ્તરે એ ડિરેક્ટ કરી છે.

અંગત-સંગત

આર્યનના પપ્પા અનિલભાઈ ગવર્નમેન્ટ ઑફિસર છે. મમ્મી અનીતાબહેન હોમમેકર છે. બહેન પરણીને સેટલ્ડ છે અને તેને દસ વર્ષનો દીકરો છે. 

કઈ રીતે થાય સેક્સ-ચેન્જ?

સ્ત્રીમાંથી પુરુષ બનવાની વાત હોય કે પુરુષમાંથી સ્ત્રી બનવાની વાત, આ પ્રક્રિયા લાંબી અને લાઇફટાઇમ ચાલનારી હોય છે. પોતાના વિશે વાત કરતાં આર્યન કહે છે, ‘સેક્સ-ચેન્જ કરવાનું નક્કી કર્યા પછી મેં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સ લેવાનું શરૂ કર્યું એને કારણે દાઢી-મૂછ ઊગવાના શરૂ થાય. એ પછી પણ શરીરમાં સ્ત્રી-હૉર્મોન એસ્ટ્રોજન પેદા થતા જ હોય છે એટલે મેં હિસ્ટરેક્ટમી એટલે કે ગર્ભાશય અને ઓવરી કઢાવી લીધાં જેને કારણે એસ્ટ્રોજન પેદા થવાનું બંધ થઈ જાય. એ પછી મેં બ્રેસ્ટ્સ પણ રિમૂવ કરાવી લીધાં છે. જોકે લોઅર બૉડીનાં સેક્સ-ઑર્ગન્સ માટેની સર્જરી એ વ્યક્તિગત ચૉઇસ પર નિર્ધારિત છે. ઇન્ડિયામાં હજી બહુ સફળ નથી એટલે હમણાં એ કરાવવાનો વિચાર નથી.’

columnists sejal patel