આફૂસ કેરીના પ્રેમીઓને એટલું જ કહેવાનું કે આ વખતે મોંઘેરી રહેશે મૅન્ગોની મજા

28 March, 2026 11:09 PM IST  |  Mumbai | Ruchita Shah

મુંબઈકરોનાં હૃદય પર રાજ કરતી મહારાષ્ટ્રની દેવગઢ અને રત્નાગિરિની આફૂસ કેરીના પાકને થયેલા નુકસાનને પગલે મૅન્ગોની આ સીઝનમાં કેરીરસિયાઓએ સ્વાદમાં કૉમ્પ્રોમાઇઝથી લઈને એની ઊંચી કિંમત આપવા સુધીની ઘણી બાંધછોડ કરવી પડે એમ છે.

આફૂસ કેરીના પ્રેમીઓને એટલું જ કહેવાનું કે આ વખતે મોંઘેરી રહેશે મૅન્ગોની મજા

આટલો ફરક
ગયા વર્ષે અત્યારના સમયે APMC માર્કેટમાં દરરોજની ૩૨,૦૦૦ કેરીની પેટીઓ ઠલવાતી હતી. જે આંકડો અત્યારે ૨૧,૦૦૦ છે. એ પણ પહેલી વાર ગુરુવારે આટલી સંખ્યામાં કેરીની પેટીઓ મુંબઈની માર્કેટ સુધી પહોંચી છે.

ફળોના મહારાજાની સવારી આવી ગઈ હોવા છતાં આ વખતે મુંબઈકરો માટે માયૂસીભર્યો માહોલ છે, કારણ કે મુંબઈકરોની ફેવરિટ એવી રત્નાગિરિ અને દેવગઢની આફૂસ કેરીનો પાક દર વર્ષ કરતાં ખૂબ ઓછો થયો, જેથી એના ભાવ આસમાને છે. મુંબઈકરો માટે કેરી એ ફળ નહીં પણ એક લાગણી છે. અહીંની હવાઓ સાથે સદીઓથી જોડાયેલી આફૂસના મોંઘા અને મોળા સ્વાદના અખબારી અહેવાલો વચ્ચે ‘મિડ-ડે’એ વાત કરી કેરીના કેટલાક અગ્રણી વેપારીઓ સાથે અને જાણ્યું કે ગ્રાઉન્ડ રિયલિટી શું છે અને કેરીની સીઝનના આવનારા બે મહિના કેવા જશે. બીજી બાજુ સાચી આફૂસ મોંઘી હોવાથી માર્કેટમાં આફૂસના નામે સાઉથની કેરીઓ વેચાવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની આફૂસ અને સાઉથની આફૂસના નામે વેચાતી અન્ય કેરીની પ્રજાતિ વચ્ચે ફરક શું છે? કઈ રીતે એને ઓળખવી? ખરેખર મૅન્ગોની સીઝન હવે ખરા અર્થમાં શરૂ થઈ રહી છે ત્યારે આ વખતે કઈ રીતે મુંબઈકરો માટે પડકારજનક બનવાની છે એની ચર્ચા કરી લઈએ. 
થયું છે શું?
છેલ્લાં ચાલીસ વર્ષમાં પહેલી વાર આ વર્ષે મહારાષ્ટ્રના આફૂસના હબ મનાતા રત્નાગિરિ અને દેવગઢની કેરીઓના પાકને પ્રકૃતિનો ખૂબ મોટો માર લાગ્યો. કમોસમી વરસાદ, અચાનક વધેલી ઠંડી અને ભેજને કારણે કેરીના ઝાડને લાગેલી જીવાતે ૮૦ ટકા કેરીઓને ખરાબ કરી નાખી. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં મુંબઈની માર્કેટમાં મહરાષ્ટ્રની રત્નાગિરિની કેરીઓ સૌથી પહેલાં આગમન કરતી હોય છે અને એક મહારાજાની જેમ આ કેરીઓનું સ્વાગત પણ થતું હોય છે. જોકે આ વખતે બધું જ બદલાઈ ગયું. ક્રૉફર્ડ માર્કેટમાં ત્રણ પેઢીથી કામ કરતા અને કેરીના સૌથી મોટા વેપારીઓમાંના એક રામશેઠ અર્જુન મોરડેના પરિવારે તેમની ગેરહાજરીમાં તેમના કેરીના વ્યવસાયને સંભાળી લીધો છે, પરંતુ આ વખતની સ્થિતિએ તેમને પણ અચંબિત કર્યા છે. તેમના સ્ટાફના એક સભ્ય કહે છે, ‘સપ્લાય જ નથી અને ડિમાન્ડ છે પણ લોકો ઊંચા ભાવે કેરી લેવા તૈયાર નથી. અત્યારે અમારી પાસે સારી ક્વૉલિટીની ઓરિજિનલ દેવગઢની કેરી ૧૮૦૦થી ચાર હજાર રૂપિયા સુધી છે. મિડલ ઈસ્ટના ઈરાનમાં જ અમારે ત્યાંથી ખૂબ સારા પ્રમાણમાં કેરી એક્સપોર્ટ થતી હોય છે પરંતુ આ વખતે નહીં જાય. બેશક અમે કૅનેડા, લંડન અને અમેરિકાનો લૉટ મોકલી રહ્યા છીએ. લગભગ પચીસ પેટી મૅન્ગો સાઉદી અરેબિયા પણ હમણાં જ મોકલાવી છે. ગયા વર્ષે લગભગ ચારસો ડઝન કેરી અમે મિડલ ઈસ્ટના દેશોમાં મોકલી હતી. આ વખતે ઓછા પ્રોડક્શન વચ્ચે કદાચ એમાં તકલીફ પડી હોત પરંતુ ત્યાંની વૉરને કારણે એ અહીંના લોકલ માર્કેટમાં ઠલવાઈ ગઈ. ગયા વર્ષે માર્ચ એન્ડ સુધીમાં અમે લગભગ ત્રણેક હજાર ડઝન કેરીઓ વેચી દીધી હતી. આ વખતે એ આંકડો ખૂબ ઓછો છે.’
આમાં કોઈ શું કરી શકે?
આફૂસને પ્રકૃતિનો માર લાગ્યો છે અને એમાં કોઈ શું કરી શકે? છેલ્લાં પચાસ વર્ષથી ઓરિજિનલ આફૂસનો જ વેપાર કરતા અને કાંદિવલીના અગ્રણી મુન્ના મૅન્ગો સેન્ટરના મુન્નાભા ગુપ્તા કહે છે, ‘પચાસ વર્ષથી મૅન્ગોનો બિઝનેસ કરું છું, મારા પિતાજીના સમયથી. વર્ષો પહેલાં અમે વાશી માર્કેટમાંથી મૅન્ગો ખરીદતા. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી અમે પોતે જ કેરીના બગીચા લીઝ પર લઈને એમાં થતા પાકને ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. આ જ કારણ છે કે ખેડૂત અને રીટેલર બન્નેની સ્થિતિની ખબર છે. સિત્તેર ટકા પ્રોડક્શન ઓછું હોય એ વાત પરથી જ સમજી શકો કે કેવી રીતે આખી સીઝન નીકળશે. સો પેટીની સામે ત્રીસ પેટી માલ છે. અત્યારે જો સાઉથ ઇન્ડિયાની કેરી માર્કેટમાં ન હોત તો કદાચ કેરી જોવા પણ ન મળતી હોત. ગયા વર્ષે માર્ચ એન્ડ સુધીમાં લગભગ દસેક હજાર કેરી વેચાઈ ગઈ હતી. અત્યારે બેથી ત્રણ હજાર ડઝન પણ નથી વેચાઈ. અત્યારે રેટ પણ ત્રીસેક ટકા જેટલો વધારે છે. પાંચ હજારથી બાર-તેર હજાર રૂપિયા સુધી સારી ક્વૉલિટીની કેરી વેચાઈ રહી છે.’
રીટેલ વેપારીની વ્યથા હોલસેલર પાસેથી શરૂ થઈ જતી હોય છે. APMC માર્કેટના ફ્રૂટ્સ સેગમેન્ટના ડિરેક્ટર સંજય પાનસરે કહે છે, ‘સીધો હિસાબ આપું તમને. ગયા વર્ષે માર્ચ એન્ડમાં પચીસ લાખ પેટી APMC માર્કેટમાં આવી ગઈ હતી. આ વર્ષે હજી સુધી દોઢ લાખથી પણ ઓછી પેટી આવી છે. પંદર ફેબ્રુઆરીથી દરરોજની ઍવરેજ લગભગ ચાલીસ હજાર પેટીઓ માર્કેટમાં આવતી. ગયા વર્ષે ગુઢીપાડવાના દિવસે ચાલીસ હજાર પેટીઓની સામે આ વર્ષે દસ હજાર પેટીઓ જ આવી છે. ગુરુવારે આ સીઝનમાં ૨૧ હજાર પેટીઓનો પહેલો સાઇઝેબલ લૉટ કોકણથી આવ્યો છે. અત્યારની ગણતરી પ્રમાણે દસ એપ્રિલ સુધીમાં આ રોજના ફ્લોમાં હજી ઉમેરો થાય એવું દેખાય છે. હોલસેલમાં ૮૦૦ રૂપિયાથી ૧૮૦૦ રૂપિયા ડઝનનો ભાવ ચાલી રહ્યો છે. એક્સપોર્ટ પર કાપ મુકાયો હોવાથી પણ ખેડૂતો અને ટ્રેડરોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એક્સપોર્ટ જો ચાલુ હોત તો અહીંના રેટ હજી કદાચ વધારે હોત. જોકે વૉરને કારણે એક્સપોર્ટનો માલ પણ લોકલ માર્કેટમાં ઠલવાઈ રહ્યો હોવાથી જે ભાવવધારો છે એ પચીસથી ત્રીસ ટકા જેટલો જ છે.’
સંજય પાનસરે માને છે કે કેરલમ, તેલંગણ, આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક વગેરે સાઉથમાંથી આવતી બદામી, લાલબાગ, તોતાપૂરી જેવી કેરીની અન્ય પ્રજાતિઓને કારણે સાવ કેરીવિહોણા તો મુંબઈકરો નહીં રહે એ સારી બાબત છે. કદાચ આફૂસ મોંઘી પડે પણ આ અન્ય કેરીઓ પોતાના રેટ મુજબ જ છે.   
ખાનારા ખાશે જ
અમુક રીટેલરો માને છે કે વધેલા ભાવને કારણે કેરીના ખરીદદારો ઘટ્યા છે પરંતુ કેટલાક જૂના કેરીના વિક્રેતા માટે અત્યારે કેરીના ઓછા પ્રોડક્શન વચ્ચે પણ ટકી રહેવાનું ઈઝી છે. જેમ કે ઘાટકોપરમાં હિંગવાલા લેન પાસે ઓરિજિનલ આફૂસ કેરીનો જ વેપાર કરતા અને પિતાજીના સમયથી એટલે કે ૫૮ વર્ષથી કેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વિશ્રામ બારોટ કહે છે, ‘૭૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા સુધીની પ્યૉર રત્નાગિરિ અમે વેચીએ છીએ. અમારી ઘરાકીને કોઈ અસર નથી થઈ. જેમને કેરી ખાવી છે એ લોકો વર્ષમાં એક વાર આવતી હોવાથી એને ખરીદી જ રહ્યા છે. અમે પોતે મહારાષ્ટ્રમાં કેરીના બગીચાઓ ભાડે લઈને કેરીનું ઉત્પાદન ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. હા, આ વખતે ઓછું પ્રોડક્શન છે અને સ્વાદમાં પણ થોડોક ફરક છે. અત્યારે તો ફરી થોડોક માલ આવી રહ્યો છે પરંતુ મે મહિનામાં તકલીફ પડે એવું દેખાય છે. જોકે આજે પણ દરરોજની સો ડઝન જેવી કેરીઓ તો અમે વેચીએ જ છીએ. થોડાક ભાવ પણ હવે ઓછા થયા છે.’

તમને ખબર છે?
 ‘આફૂસ... નામ પોર્ટુગીઝ ઑફિસર અલ્ફાન્સો ડી. અલ્બુકર્ક પરથી આવ્યું છે. તે ૧૬મી સદીમાં બ્રાઝિલથી કલમ લાવ્યો હતો જેણે રેસાવાળી ભારતની આફૂસને પલ્પી માખણ જેવી બનાવી દીધી.
 મુંબઈમાં આફૂસની લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે અંગ્રેજોના સમયમાં કોકણથી મુંબઈ સુધી સ્ટીમર અને ત્યાર બાદ ટ્રેનની સુવિધા શરૂ થઈ.
 ૧૯૫૩માં બ્રિટનની ક્વીન એલિઝાબેથના રાજ્યાભિષેક વખતે મુંબઈથી ખાસ આફૂસની પેટીઓ લંડન મોકલવામાં આવી હતી.

આ વર્ષે કેરીના ભાવ વધવા પાછળ જવાબદાર છે આ ટ્રિપલ અટૅક
૧. ડિસેમ્બરની ઠંડી : અચાનક આવેલી ઠંડીને કારણે કેરીના મોર (ફૂલ) ખરી ગયા.
૨. ફેબ્રુઆરીનો ભેજ : ભેજવાળા વાતાવરણને લીધે જીવાતોનો ઉપદ્રવ વધ્યો.
૩. મોડો પાક : વાતાવરણના બદલાવને કારણે સીઝન વીસ દિવસ મોડી શરૂ થઈ છે જેનાથી માગ અને પુરવઠાનું સંતુલન બગડ્યું.

columnists ruchita shah food and drink food news indian food mumbai maharashtra