આ ગણેશવિસર્જનમાં પોલીસ અશ્વદળની નિગરાનીમાં રહેવા માટે તૈયાર થઈ જાઓ

19 September, 2026 10:10 PM IST  |  Mumbai | Ruchita Shah

પોલીસ દ્વારા ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે બાવીસ ઘોડા, અંધેરીના મરોલ પોલીસ કૅમ્પમાં મુંબઈ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા અશ્વદળના યુનિટની પ્રત્યક્ષ મુલાકાતની રોચક વાતોનો થાળ પ્રસ્તુત છે

બીકાનેરથી આવેલી સ્પેશ્યલ માટીમાં ઘોડા સાથે ટ્રેઇનિંગ લઈ રહેલા મુંબઈ અશ્વદળના પોલીસ-કર્મચારીઓ. અહીં ઘોડાને ઝડપથી ચાલવું, લાઇનમાં ચાલવું, ધીમેથી દોડવું, ઝડપથી દોડવું અને જમ્પ મારવો જેવી જુદી-જુદી ટ્રેઇનિંગ અપાય છે. તસવીરો : સતેજ શિંદે

મુંબઈ અને ઘોડાનો સાથે વિચાર કરીએ તો એક જ સ્થળ યાદ આવે અને એ છે સાઉથ મુંબઈમાં આવેલું મહાલક્ષ્મી રેસકોર્સ. પરંતુ નહીં, આ એક જગ્યા જ નથી. એ સિવાય પણ એક બહુ જ મહત્ત્વનું અને યુનિક સ્પૉટ છે જ્યાં ઘોડાઓની અફલાતૂન ટ્રેઇનિંગ થઈ રહી છે અને એ પણ મુંબઈ પોલીસ દ્વારા. અંધેરી-વેસ્ટના મરોલ પોલીસ કૅમ્પમાં લગભગ બાવીસ જેટલા ઘોડાને ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ અંધેરી-ઈસ્ટમાં આવેલા મરોલના અનોખા માઉન્ટેડ પોલીસ યુનિટની. આવી રહેલા ગણેશવિસર્જનમાં અનોખું નજરાણું બની રહેશે પૅટ્રોલિંગ કરતા પોલીસ ઘોડેસવારો. શું છે મહારાષ્ટ્રનું અશ્વદળ, કેવો એનો રોચક ઇતિહાસ છે અને અહીં કેવી રીતે ઘોડાઓને પૅટ્રોલિંગની તાલીમ અપાય છે? ઘોડા પર સજ્જ આ સવારોની ટ્રેઇનિંગ અને આ અશ્વદળ સાથે સંકળાયેલી અઢળક પ્રકારની ખાસમખાસ માહિતીઓ માટે ‘મિડ-ડે’ ત્યાં પહોંચ્યું અને પહેલા દિવસથી આ યુનિટનો હિસ્સો રહેલા અશ્વદળના સૌથી જૂના અને પૅશનેટ પોલીસ-કૉન્સ્ટેબલ નવનાથ કાંગણે અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સાગર શિંદે સાથે થયેલી વાતચીતના અંશ પ્રસ્તુત છે. 
ઇતિહાસ પર એક નજર
મુંબઈ પોલીસના રૉયલ ઇતિહાસમાં માઉન્ટેડ પોલીસ યુનિટ એટલે કે પોલીસ અશ્વદળ આગવું સ્થાન ધરાવે છે. બ્રિટિશ શાસન દરમ્યાન ૧૯૩૨માં વાહનો વધતાં એ સમયના કમિશનર સર પૅટ્રિક કેલી દ્વારા અશ્વદળને તિલાંજલિ અપાઈ હતી. જોકે એ પછી ૨૦૨૦માં આશરે ૮૮ વર્ષ બાદ મુંબઈ પોલીસ દ્વારા ફરી અશ્વદળ શરૂ કરવામાં આવ્યું હતું અને જાણીતા ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ રાઇડર્સ માટે રૉયલ યુનિફૉર્મ ડિઝાઇન કર્યો હતો. જોકે ઘોડાઓની માવજતનો મોંઘો ખર્ચ અને સ્વાસ્થ્યની સમસ્યાઓને લીધે ૧૩માંથી પાંચ ઘોડાનાં મોત થતાં ૨૦૨૨માં એને ફરીથી બંધ કરવું પડ્યું હતું. જોકે ૨૦૨૪માં ફરી એક વાર અશ્વદળને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે, જે હવે સંપૂર્ણપણે ઑપરેશનલ રોલમાં જોવા મળશે. ૨૦૨૪માં એને ફરીથી પૂરી ક્ષમતા સાથે ઍક્ટિવ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર ૨૬ જાન્યુઆરી, મહારાષ્ટ્ર દિવસ અને ૧૫ ઑગસ્ટ જેવા સેરેમોનિયલ કાર્યક્રમો પૂરતું સીમિત રહેલું આ રૉયલ દળ હવે ગણેશોત્સવમાં જનતાની સુરક્ષા માટે રસ્તા પર ઊતરશે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અશ્વરોહી ખેલાડી કૅડર હેઠળ ૭૦ નવી કાયમી જગ્યાઓને નોટિફિકેશન આપીને મંજૂરી આપી છે. એમાં આર્મીના ભૂતપૂર્વ જવાનો, સ્પોર્ટ્સપર્સન અને ઘોડાઓનો અનુભવ ધરાવતા લોકોની ભરતી થશે. આ એક અલગ કૅડર રહેશે એટલે રાઇડર્સની વારંવાર બદલી નહીં થાય. સરકારે આ માટે ૧.૨૭ કરોડ રૂપિયાનું ફન્ડ પણ મંજૂર કર્યું છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સાગર શિંદે કહે છે, ‘અત્યારે અમારી પાસે ૬૦ રાઇડર ઉપરાંત ડ્રાઇવર, ક્લીનર, ટ્રેઇનર વગેરે મળીને કુલ ૭૦ લોકોની ટીમ છે. પોલીસ ઘોડેસવારોની ટીમ છે, પરંતુ તેમની ટ્રાન્સફર થશે. અત્યાર સુધી ટ્રેઇન થયેલા જવાનની બદલી થતી અને અમારી મહેનત પાણીમાં જતી. દર વખતે નવા કર્મચારીઓને તાલીમ આપવાની મુશ્કેલી ઊભી થતી હતી. પ્લસ રાઇડર અને ઘોડા વચ્ચે એક ઘેરો ભાવનાત્મક સંબંધ હોય છે. ઘોડો પોતાના રાઇડરના અવાજ અને સ્પર્શથી જ તેના આદેશો સમજી જાય છે. અત્યારની સરકારના નિર્ણયને કારણે આ પડકાર ટાળી શકાશે.’ 
ઘોડા પણ ખાસ
મરોલના પોલીસ યુનિટ પાસે ગયા વર્ષ સુધી માત્ર ૬ ઘોડા હતા, જ્યારે આજે બાવીસ થોરોબ્રેડ બ્રીડના ઘોડા છે. રેસિંગ માટે પ્રખ્યાત થોરોબ્રેડ પ્રજાતિના ઘોડા ખરેખર પોતાના અદ્ભુત દેખાવ, ઝડપ અને વફાદારીને કારણે સેરેમોનિયલ ઔપચારિક પરેડ અને પોલીસ અશ્વદળમાં ખૂબ જ લોકપ્રિય છે. નવનાથ કાંગણે કહે છે, ‘અત્યારે ભલે મરોલના પોલીસ માઉન્ટેડ યુનિટ કૅમ્પમાં બાવીસ ઘોડા હોય, પરંતુ અમારી પાસે ૪૦ ઘોડાને સાચવવાની કૅપેસિટી છે એટલે આવનારા સમયમાં આ સંખ્યા વધારવામાં આવશે. પ્લેન ભારતીય બ્રીડના ઘોડાઓનું મગજ ગરમ હોય છે જેની સામે થોરોબ્રેડ ઘોડા પ્રમાણમાં શાંત હોય છે. અત્યારે ઘોડાને ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ ક્રાઉડમાં કન્ટ્રોલ્ડ રહે અને ડિસિપ્લિનમાં રહે. ગણેશોત્સવમાં ભીડના નિયંત્રણ માટે યુનિટને સજ્જ કરવા મે મહિનામાં જુહુ ચોપાટી પર વિશેષ ટ્રેઇનિંગ-સેશન યોજવામાં આવ્યું હતું, જેથી ઘોડાઓ રેતી અને દરિયાકિનારાના માહોલથી ટેવાઈ જાય.’
ઘોડાની ટ્રેઇનિંગની વિશેષતા વિશે વાત કરતાં સાગર શિંદે કહે છે, ‘ઘોડા બહુ જ સેન્સિટિવ ઍનિમલ છે. અહીં અપૉઇન્ટ થયેલા ઑફિસર્સ સવારે પાંચથી રાતે ૧૨ વાગ્યા સુધી ઍક્ટિવ હોય છે. ઘોડાઓની બે ટાઇમ ટ્રેઇનિંગ ઉપરાંત દરરોજ બે વખત એમનું મેડિકલ ચેકઅપ થાય છે. સામાન્ય રીતે ક્રાઉડમાં કેવી રીતે બિહેવ કરવું, અવાજ હોય તો પણ ગભરાવું નહીં, દોડવું, ધીમે ચાલવું, જમ્પ મારવો જેવી ઘોડાઓની જુદી-જુદી ટ્રેઇનિંગમાં લગભગ છથી ૯ મહિનાનો સમય લાગતો હોય છે. એમાં ઘોડાની પણ ટ્રેઇનિંગ થાય અને ઘોડેસવાર અધિકારીની પણ. આ દરમ્યાન તેમની વચ્ચે એક બૉન્ડ પણ બનતું હોય છે. એ પછીયે બહુ જ ક્રાઉડ કે અવાજમાં તેઓ ડરી જાય તો લાત મારી શકે અને ઘોડેસવારને પાડી પણ શકે. અમારી સાથે એવું થયું પણ છે. અમારા એક હૉર્સરાઇડર કૉન્સ્ટેબલ વિરાજ દીંડેનો આવી જ એક ઘટનામાં હાથ તૂટી ગયો હતો.’
અહીં ઉલ્લેખનીય છે કે આ સેન્ટરમાં ઘોડાઓના પગના સાંધા અને મજબૂતી માટે ખાસ બીકાનેરથી માટી લાવવામાં આવી છે. ગરમીના દિવસોમાં ઘોડાઓને રાહત મળે એ માટે ખાસ સ્વિમિંગ-પૂલ બનાવવામાં આવ્યો છે અને હાલમાં શાવર બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
આધુનિક સુવિધાયુક્ત ટ્રેઇનિંગ સેન્ટર
લગભગ અઢી એકરમાં ફેલાયેલા આ ટ્રેઇનિંગ સેન્ટરમાં ઘોડાઓ માટે ખાસ સુસજ્જ તબેલો, વેટરિનરી ક્લિનિક અને ઘોડાઓના સ્નાયુઓને મજબૂત કરવા માટે એક સ્પેશ્યલ સ્વિમિંગ-પૂલ બનાવવામાં આવ્યાં છે. દરેક ઘોડાની ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રોટીનયુક્ત ભીંજવેલા ચણા, લીલો-સૂકો ચારો, વિટામિન સપ્લિમેન્ટ્સ અને મિનરલ્સ નિયમિત આપવામાં 
આવે છે. ત્વચા અને સ્નાયુઓની મજબૂતી માટે દરરોજ રેતીમાં સ્નાન અને માલિશ કરાવવામાં આવે છે. આ ઘોડાઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતા નથી. તેમને શો-જમ્પિંગ, ટેન્ટ-પેગિંગ જેવી રાષ્ટ્રીય કક્ષાની રમતગમતો માટે પણ તાલીમ આપવામાં આવે છે. દરેક ઘોડાનું એક અધિકૃત નામ અને સ્પેશ્યલ ઓળખ-નંબર હોય છે. ખાસ તો ગણેશોત્સવનાં ઢોલ-નગારાં, ફટાકડા અને હજારોની ભીડ વચ્ચે ઘોડા ભડકે નહીં એ માટે આ સેન્ટરમાં તેમને ખાસ ડીસેન્સિટાઇઝેશન તાલીમ એટલે કે અવાજથી ટેવાવાની તાલીમ આપવામાં આવે છે.

ગણેશવિસર્જનમાં કઈ રીતે ઉપયોગી નીવડશે મુંબઈ પોલીસનું અશ્વદળ
 ગણેશવિસર્જનમાં મુંબઈની જુહુ અને ગિરગામ ચોપાટી પર મુંબઈ પોલીસનું આ ૬ મહિનાથી ટ્રેઇન થયેલું અશ્વદળ મુંબઈકરોની સુરક્ષા માટે તહેનાત જોવા મળશે.
 ગણેશવિસર્જન વખતે દરિયાકિનારે ભીની રેતીને કારણે પોલીસનાં વાહનો જઈ શકતાં નથી. ત્યાં બાવીસ ઘોડાને વારાફરતી તહેનાત કરવામાં આવશે.
 જે પોલીસ-સ્ટેશનોના અધિકારક્ષેત્રમાં વિસર્જન-સ્થળો આવે છે તેમને ચોપાટી પર ઘોડાઓ માટે અલગથી જગ્યા રાખવાની સૂચના આપી દેવાઈ છે.
 ઊંચાઈ પર બેઠેલો એક અશ્વરોહી પોલીસ જવાન ભીડ પર નજર રાખવામાં જમીન પર ઊભેલા ૩૦ પદયાત્રી જવાનો જેટલો અસરકારક સાબિત 
થાય છે. 
 ભીડમાં ગાડીઓ જઈ શકતી નથી. ઘોડા પરથી રાઇડરને દૂર-દૂર સુધીનું દૃશ્ય દેખાય છે એટલે અપ્રિય ઘટના કે ગરબડ તરત ઝડપાઈ જાય છે.  
 ગિરગામ, જુહુ, આક્સા કે દાદર ચોપાટીની ભીની રેતીમાં ગાડીઓ ખૂંપી જાય છે. ત્યાં આ ઘોડાઓ અત્યંત ઝડપથી ગસ્ત લગાવી શકે છે. 
 ઊંચાઈ પર બેઠેલા રાઇડરને દૂર-દૂર સુધી સ્પષ્ટ દેખાતું હોવાથી ભીડના નિયંત્રણમાં ખૂબ સરળતા રહેશે.
 ભીડ વચ્ચે ઘોડાની હાજરી જ લોકોમાં એક શિસ્ત અને રૉયલ શાનનો અનુભવ કરાવે છે. ભીડમાં ગુમ થયેલાં બાળકો કે મહિલાઓની સુરક્ષા માટે ઊંચાઈથી નજર રાખતું અશ્વદળ કાર્ય કરશે.
 ઘોડા પર સવાર જવાન બૉડી-માઉન્ટેડ કૅમેરા અને વૉકી-ટૉકીથી સજ્જ રહે છે, જેથી ભીડમાંથી જ કન્ટ્રોલરૂમ સાથે સીધો સંપર્ક સાધી શકાય.

columnists ruchita shah mumbai news mumbai andheri marol mumbai police