ઉંમર ભલે નાની, પણ મગજ છે તેજ

23 March, 2026 01:41 PM IST  |  Mumbai | Heena Patel

અહીં વાત થઈ રહી છે અંધેરીમાં રહેતા અને વિસનજી ઍકૅડેમીમાં સાતમા ધોરણમાં ભણતા ૧૨ વર્ષના જૈનિશ કકૈયાની, જેણે સ્કૂલ પ્રોજેક્ટના ભાગરૂપે અવાજથી કન્ટ્રોલ થતી વ્હીલચૅરનું મૉડલ તૈયાર કર્યું છે.

વર્લ્ડ યંગ ઇનોવેટર્સ (WYI) એક્સ્પોમાં પેરન્ટ્સ અને સ્કૂલના સર સાથે ગર્વભેર અવૉર્ડ હાથમાં લઈને ઊભેલો જૈનિશ

સામાન્ય રીતે આપણે જ્યારે કોઈને વ્હીલચૅર પર જોઈએ છીએ ત્યારે આપણને તેમની અક્ષમતા દેખાય છે, પણ અંધેરીના ૧૨ વર્ષના જૈનિશ કકૈયાને એમાં એક પડકાર દેખાયો. જૈનિશે જોયું કે જેમના હાથ કામ નથી કરતા અથવા જેઓ શારીરિક રીતે અશક્ત છે તેમને વ્હીલચૅર ફેરવવા માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. બીજા પરની આ નિર્ભરતા દૂર કરવા માટે વિસનજી ઍકૅડેમીમાં ભણતા જૈનિશે સ્કૂલ પ્રોજેક્ટના ભાગરૂપે અવાજથી કન્ટ્રોલ થતી વ્હીલચૅરનું મૉડલ તૈયાર કર્યું છે.

આ વિશે માહિતી આપતાં જૈનિશનાં મમ્મી નિશાબહેન કહે છે, ‘વિસનજી ઍકૅડેમીમાં ગયા વર્ષે નવેમ્બરમાં સ્કૂલના વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નૉલૉજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેનો ઇન્ટરસ્કૂલ ફેસ્ટ સ્પેક્ટ્રાનોવા 2025 યોજાયો હતો. આ એક્ઝિબિશનમાં રોબોટિક્સ, AI, હેલ્થકૅર, ઍગ્રિકલ્ચર, સસ્ટેનેબિલિટી, ઑલ્ટરનેટિવ એનર્જી, ઈ-વેસ્ટ મૅમેનેજમેન્ટ વગેરે કૅટેગરીને ધ્યાનમાં લઈને પ્રોજેક્ટ્સ બનાવી રજૂ કરવાના હતા. જૈનિશે હેલ્થકૅર કૅટેગરી હેઠળ વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅરનું મૉડલ રજૂ કર્યું હતું. તેના આ પ્રોજેક્ટને હેલ્થકૅર કૅટેગરીમાં બેસ્ટ પ્રોજેક્ટનો અવૉર્ડ મળ્યો હતો, જ્યારે ઓવરઑલ સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું.’

મળ્યું આ સન્માન

જૈનિશના આ પ્રોજેક્ટની નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર પણ નોંધ લેવાઈ છે. આ વિશે માહિતી આપતાં નિશાબહેન કહે છે, ‘જૈનિશે ૨૨ ડિસેમ્બરે IIT-બૉમ્બે ટેકફેસ્ટ અંતર્ગત યોજાયેલી SPARKX સ્પર્ધામાં જુનિયર કૅટેગરીમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં દેશભરમાંથી આવેલા શ્રેષ્ઠ ૮૦ પ્રોજેક્ટ્સ વચ્ચે જોરદાર ટક્કર હતી. અદ્ભુત ઇનોવેશન્સની વચ્ચે જૈનિશની વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅરે થર્ડ પ્રાઇઝ  હાંસલ કર્યું હતું. જૈનિશે આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ કોઇમ્બતુર ખાતે યોજાયેલા વર્લ્ડ યંગ ઇનોવેટર્સ (WYI) એક્સ્પોમાં પણ ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં વિશ્વભરમાંથી આવેલા અંદાજે ૨૫૦ જેટલા ગ્લોબલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ દેશોનાં આધુનિક ઇનોવેશન્સ અને ટેક્નૉલૉજી ધરાવતા આટલા મોટા પાયાના પ્રદર્શનમાં જૈનિશની વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅરના મૉડલને ગ્રેડ સેવન કૅટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને સાથે જ એને ઓ‍વરઑલ બેસ્ટ પ્રોજેક્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.’

આ રીતે આવ્યો આઇડિયા

વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅર બનાવવાનો વિચાર કઈ રીતે સૂઝ્યો એ વિશે વાત કરતાં નિશાબહેન કહે છે, ‘અમે ઑબ્ઝર્વ કરેલું કે આપણે જ્યારે મૉલમાં કે ઍરપોર્ટ પર હોઈએ ત્યારે કોઈ દિવ્યાંગ કે વડીલ વ્હીલચૅર પર હોય તો તેમને આગળ વધવા માટે કોઈના ધક્કાની કે મદદની જરૂર પડે છે. જો મદદ કરનાર વ્યક્તિ આઘીપાછી થાય તો તે વ્યક્તિ ત્યાં જ અટકી જાય છે. મોટા ભાગની ઇલેક્ટ્રિક વ્હીલચૅર જૉયસ્ટિક એટલે કે એક નાના લીવરથી ચાલે છે. એને ચલાવવા માટે વ્યક્તિએ પોતાના હાથનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ જેમના હાથ કામ નથી કરતા અથવા જેઓ શારીરિક રીતે એટલા અશક્ત છે કે તેઓ જૉયસ્ટિક પણ પકડી શકતા નથી એવામાં વ્હીલચૅરને મોબાઇલ સાથે બ્લુટૂથથી કનેક્ટ કરીને અવાજથી ઑપરેટ કરી શકાતી હોય તો તેઓ વધુ ઇન્ડિપેન્ડન્ટ રીતે હરીફરી શકે. એ વિચાર સાથે અમે વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅર બનાવવાનું નક્કી કર્યું.’

વૉઇસ-કન્ટ્રોલ્ડ વ્હીલચૅરનાં ફીચર્સ

આ વ્હીલચૅરની વિશેષતાઓ સમજાવતાં જૈનિશ કહે છે, ‘આ મૉડલ યુઝરના અવાજ પર પ્રતિસાદ આપે છે, જેમાં ફૉર્વર્ડ કહેતાં વ્હીલચૅર આગળ વધે છે, બૅકવર્ડ કહેતાં પાછળ આવે છે અને લેફ્ટ કે રાઇટ કહેવાથી એ જે-તે દિશામાં વળાંક લે છે. આમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. વ્હીલચૅરની આગળ અને પાછળ ખાસ સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે જેથી જો વ્હીલચૅર ગતિમાં હોય અને અચાનક સામે કોઈ અવરોધ આવી જાય અને યુઝર સમયસર સ્ટૉપ ન બોલી શકે તો પણ સેન્સર્સ આપમેળે અવરોધ પારખીને વ્હીલચૅરને ત્યાં જ થંભાવી દે છે. આ સાથે જ વ્હીલચૅર ઊભી રહેતાંની સાથે જ એમાં લાગેલું બઝર વાગવા લાગે છે, જે યુઝરને અલર્ટ કરે છે કે સામે કોઈ અડચણ છે. રાત્રિના સમયે કે અંધારાવાળી જગ્યાએ મુસાફરી કરતી વખતે તકલીફ ન પડે એ માટે એમાં LED લાઇટ્સ પણ લગાવી છે, જેને વૉઇસ કમાન્ડ દ્વારા જ ચાલુ કે બંધ કરી શકાય છે.’

પ્રોજેક્ટ પાછળનું હાર્ડ વર્ક

આ વ્હીલચૅરને બનાવવા પાછળની મહેનત વિશે વાત કરતાં જૈનિશના પિતા જયેશભાઈ કહે છે, ‘અમને આ વ્હીલચૅર બનાવતાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. જૈનિશને પાંચમા ધોરણથી જ સ્કૂલમાં રોબોટિક્સ વિષય ભણાવવામાં આવે છે, જેમાં રોબો ચલાવવા માટેના સરળ કોડિંગથી લઈને લૉજિક બનાવવા, કમાન્ડ આપવા અને નાના પ્રોગ્રામ તૈયાર કરવાની પાયાની સમજ આપવામાં આવે છે. સેન્સર, મોટર, વાયર અને બૅટરી જેવા ભાગોનું જોડાણ અને એની કાર્યપદ્ધતિ વિશે જૈનિશને શાળામાંથી જ ઘણું સારું જ્ઞાન મળ્યું હતું. વ્હીલચૅરમાં LED લાઇટ અને સેન્સર લગાવવાનો વિચાર પણ સંપૂર્ણપણે જૈનિશનો જ હતો. શરૂઆતમાં જ્યારે સ્કૂલના એક્ઝિબિશનમાં આ વ્હીલચૅર રજૂ કરવામાં આવી ત્યારે એમાં ફક્ત આગળ-પાછળ અને ડાબે-જમણે જવાનાં જ ફીચર્સ હતાં, પરંતુ ત્યાર બાદ IITના એક્ઝિબિશન સમયે એમાં વધુ સુધારા કરીને અન્ય આધુનિક ફીચર્સ ઉમેરવામાં આવ્યાં હતાં. હું પોતે સૉફ્ટવેર એન્જિનિયર હોવાથી અને જૈનિશના રોબોટિક્સના શિક્ષક અભિષેક ઝાના સતત ગાઇડન્સને કારણે જૈનિશને ટેક્નિકલ મુશ્કેલીઓમાં મદદ મળતી રહી. આ આખો પ્રોજેક્ટ ટ્રાયલ ઍન્ડ એરરની પદ્ધતિથી સતત નવા પ્રયોગો કરીને પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યાં પણ જૈનિશ અટકતો ત્યાં તેને માર્ગદર્શન આપવા માટે હું અને તેના શિક્ષક હંમેશાં સાથે રહેતા. આ વ્હીલચૅર બનાવવા માટે જરૂરી પાર્ટ્સની ખરીદી અમે લૅમિંગ્ટન રોડથી કરી હતી.’

જૈનિશ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. દરેક વિષયમાં હંમેશાં A પ્લસ અથવા A ગ્રેડ મેળવે છે. ગણિત તેનો પ્રિય વિષય છે. તે ક્રીએટિવ રાઇટિંગમાં પણ ખૂબ સારો છે. જૈનિશ માર્શલ આર્ટ્સમાં તાએ ક્વાન ડો શીખે છે. સ્કૂલ તરફથી યોજાતી વિવિધ ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં તે ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને ઇનામ જીતીને પણ આવે છે. હજી ગયા મહિને ૧૧ ફેબ્રુઆરીએ જ સ્કૂલ તરફથી જૈનિશને યંગ ઇનોવેટર ઑફ ધ યર ૨૦૨૫-’૨૬નો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. જૈનિશની આ સિદ્ધિની નોંધ લઈને તેના બ્રહ્મક્ષત્રિય સમાજે પણ પહેલી માર્ચે તેનું સન્માન કર્યું હતું.

gujaratis of mumbai andheri mumbai columnists exclusive gujarati mid day