મુંબઈના સૌથી પૉશ એરિયામાં પણ સુખ નથી, પૂછો મરીન ડ્રાઇવ પર રહેતા રહેવાસીઓને

13 June, 2026 02:59 PM IST  |  Mumbai | Ruchita Shah

જે કોસ્ટલ રોડ લોકોની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બન્યો હતો એની અવળી અસર ચર્ચગેટ અને મરીન ડ્રાઇવ પર રહેતા રહેવાસીઓને થઈ છે

ફાઇલ તસવીર

જે કોસ્ટલ રોડ લોકોની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બન્યો હતો એની અવળી અસર ચર્ચગેટ અને મરીન ડ્રાઇવ પર રહેતા રહેવાસીઓને થઈ છે. બીજી બાજુ વાનખેડે સ્ટેડિયમને કારણે નિયમિત રમાતી મૅચના દિવસે, વીક-એન્ડમાં અને પબ્લિક હૉલિડેના દિવસે અહીંના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું અઘરું પડી જાય છે. અવારનવાર મરીન ડ્રાઇવની આસપાસ રહેતા રહેવાસીઓની સંસ્થા મુંબઈ ક્રિકેટ અસોસિએશન, ટ્રાફિક-પોલીસ અને પ્રશાસનના અન્ય વિભાગો પાસે તેમના વિસ્તારમાં મચતા કેઓસને દૂર કરવા માટે પગલાં લેવા ભલામણો કરતી રહી છે પરંતુ પરિણામ કંઈ નથી!

અમે અમારો રવિવાર હવે સોમવારે મનાવીએ છીએ, કારણ કે રજા ગણીને રવિવારે જો પરિવાર સાથે બહાર નીકળવાનું વિચારીએ તો કલાકો સુધી સોસાયટીના ગેટ પાસે જ અટવાયેલા રહીએ. સેટરડે અને સન્ડે તો કોઈ ગેસ્ટ પણ અમારા ઘરે આવવાનું ટાળે છે કારણ કે તેમને ખબર છે કે તેઓ જો કાર લઈને આવ્યા તો અટવાઈ જશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે અમારે મુરતને બદલે વીક-એન્ડ તો નથી આવતોને? કોઈ પબ્લિક હૉલિડે તો નથીને? વાનખેડેમાં મૅચનું શેડ્યુલ તો નથીને? આ બધું પહેલાં ચેક કરવું પડે છે, કારણ કે ધારો કે લગ્ન હોય અને સાંજના મુરતમાં જાન લઈને લગ્નસ્થળ સુધી પહોંચવાનું હોય તો મુરત પતી જાય પછી પહોંચીએ એવું જ બને. મેડિકલ ઇમર્જન્સીની તો વાત જ જવા દો.

આ શબ્દો છે નરીમાન પૉઇન્ટ ચર્ચગેટ સિટિઝન્સ અસોસિએશનના અતુલ કુમારના. ૨૦ વર્ષ પહેલાં અતુલ કુમાર અહીં રહેવા આવ્યા ત્યારે અહીંની શાંતિથી આકર્ષાઈને આવ્યા હતા. આજે વર્ષના અમુક દિવસો અહીં રહેતા લોકોને પોતાના જ ઘરની બહાર નીકળવું નરકની સજા જેવું લાગે છે. મુંબઈમાં આવતી દરેક વ્યક્તિ માટે જે વિસ્તાર ડ્રીમ હોમ જેવો છે અને જે સ્થળ દાયકાઓથી પૉશ વિસ્તાર તરીકે અને રહીશોના ઘર તરીકે ઓળખાતો રહ્યો છે એ વિસ્તારના લોકો કયા-કયા પ્રકારની સમસ્યાઓ ભોગવતા હોય છે એ વિષય પર આ વિસ્તારનાં વિવિધ અસોસિએશનો સાથે જોડાયેલા રહેવાસીઓ સાથે થયેલી વાતચીતના અંશો પ્રસ્તુત છે.

અરે પૂછો મત‍

પચાસેક વર્ષથી મરીન ડ્રાઇવના D રોડ પર રહેતા ઍક્ટિવ સોશ્યલ વર્કર મહેન્દ્ર હેમદેવ બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે અમે કોલેટરલ ડૅમેજનો ભોગ બન્યા છીએ. સ્પષ્ટતા કરતાં તેઓ ઉમેરે છે, ‘કોસ્ટલ રોડને કારણે અમારે ત્યાંથી વાહનોની આવ-જા વધી અને ચિક્કાર ટ્રાફિકનો અમે ભોગ બની ગયા. સતત વસ્તી વધી રહી છે, વ્હીકલ્સ વધ્યાં છે અને કોસ્ટલ રોડની નજીક આવતા અમારા વિસ્તારમાં સાઇડ લેન્સ હોવાને કારણે વધુ ને વધુ વ્હીકલ્સ આવી રહ્યાં છે. અમારે ધારો કે બાંદરા જવું હોય તો કોસ્ટલ રોડને કારણે ૧૫ મિનિટ માંડ લાગે, પરંતુ અમારા બિલ્ડિંગમાંથી મેઇન રોડ પર આવતાં ચાલીસથી પચાસ મિનિટ લાગી જાય. આ સ્થિતિ છે.’   

બીજી બાજુ મરીન લાઇન્સના પ્રતિષ્ઠિત D રોડ અને એની આસપાસના રહેવાસીઓ વાનખેડે સ્ટેડિયમમાં યોજાતી મૅચો અને ખાસ કરીને ઘરેલુ ટુર્નામેન્ટ્સ જેમ કે T20, મુંબઈ લીગ જેવી મૅચને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ભીડ, ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જૅમની ગંભીર સમસ્યાને લઈને મરીન ડ્રાઇવ રેસિડન્ટ્સ અસોસિએશને તાજેતરમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશન અને મુંબઈની ટ્રાફિક-પોલીસ સમક્ષ સત્તાવાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ક્રિકેટના આ ઉત્સાહ વચ્ચે સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારો અને સુરક્ષાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે D રોડ પર રહેતાં સુનયના સદારંગાની કહે છે, ‘જે દિવસે મૅચ હોય ત્યારે D રોડ પર રહેતા લોકો માટે સ્થિતિ બદથી બદતર થઈ જાય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની મૅચ હોય કે પછી લાંબી ટેસ્ટ-મૅચ હોય તો વાંધો નથી આવતો. એમાં ક્રાઉડ-મૅનેજમેન્ટ, ગેરકાયદે પાર્કિંગ, કોઈ ગંદકી ન કરે એ માટેની વ્યવસ્થા, બૅરિકેડ્સ લાગ્યાં હોય અને સાથે રેસિડન્ટ્સ માટે પાસ રાખ્યા હોય, હાઉસકીપિંગની વ્યવસ્થા હોય, લાઉડ-સ્પીકરનો અવાજ ઓછો હોય વગેરે મુંબઈ ક્રિકેટ અસોસિએશન અન્ય ઑથોરિટી સાથે મળીને સંભાળી લે છે. જોકે લોકલ મૅચ હોય એમાં પણ હવે ક્રાઉડ વધતું જાય છે. D રોડથી પણ વાનખેડેનો ગેટ હોવાથી અહીં ટિકિટ વગરના ક્રિકેટચાહકોનો મેળાવડો જામે છે. બની શકે કે આ વખતે મુંબઈ લેવલની ક્રિકેટ મૅચમાં પણ ક્રાઉડ ભેગું થઈ જશે એનો અંદાજ ક્રિકેટ અસોસિએશનને પણ ન હોય, પરંતુ હવે તો ખબર પડી ગઈ છે એટલે પગલાં લેવાવાં જોઈએ. ભીડ એવી હોય કે પોતાના ઘરેથી બહાર નીકળતાં સિનિયર સિટિઝનોને ડર લાગે. ગાડીની વાત છોડો, ચાલીને જવું હોય તો પણ ધક્કામુક્કીનો ડર હોય છે. આ એરિયામાં રહેવું હવે મજા નહીં પણ સજા સમાન છે.’

શું-શું અટકાવવું?

ટૂરિસ્ટ-સ્પૉટની દૃષ્ટિએ પણ મરીન ડ્રાઇવ મુંબઈ આવતી દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એક બાજુ સ્પેસ નથી અને બીજી બાજુ દરિયાને નિહાળવા માટે ચોપાટીથી નરીમાન પૉઇન્ટ સુધી લોકો જ લોકો હોય. એમાં આજુબાજુની નાની-નાની ગલીઓમાં પણ લોકોનો ધસારો હોય જ છે. ૩૨ વર્ષથી મરીન ડ્રાઇવના G રોડ પર રહેતા કૌઝાદ ચોડીવાલા કહે છે, ‘આમ તમે જોશો તો અમારે ત્યાં Aથી લઈને H ક્રૉસ રોડ સુધીના વિસ્તારને નોંધમાં લેવામાં આવે છે. એમાંથી A, B, C રોડ પર એવી સમસ્યા નથી. જોકે D, G અને F રોડમાં વધુ ધસારો હોય છે. વાનખેડે આવવા માટે લોકો કાં તો મરીન ડ્રાઇવ અથવા ચર્ચગેટ સ્ટેશન ઊતરતા હોય છે. સાથે ટૂરિસ્ટ્સ પણ વીક-એન્ડમાં હોય છે. એવામાં જો મૅચ અને વીક-એન્ડ સાથે આવી જાય તો સમસ્યા મલ્ટિપ્લાય થઈ જાય છે. મને યાદ છે એક કિસ્સો જેમાં અમારા એરિયાના એક અંકલને ચેસ્ટ-પેઇન શરૂ થયું. હાર્ટ-અટૅક હતો. તેમને હૉસ્પિટલમાં પહોંચાડતાં અમારો દમ નીકળી ગયેલો. ભીડમાંથી તેમને ગાડીમાં બેસાડીને ગલીની બહાર કાઢવામાં જ અમારો બહુ સમય જતો રહેલો. લકીલી તે અંકલ હેમખેમ હૉસ્પિટલ પહોંચી ગયા. ખાલી અમારા F અને G રોડ પર જ કુલ ૩૨ બિલ્ડિંગ છે જેમાં ૮૦૦ પરિવારો રહે છે. D રોડ સાથે લગભગ ૧૫૦૦ પરિવારની લાઇફ ડિસ્ટર્બ થાય છે એના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ એરિયા બે નગરસેવકો વચ્ચે ડિવાઇડેડ છે. બે વૉર્ડ-ઑફિસ આવે છે. આ જ કારણ છે કે સરખી રીતે કોઈ જ ઍક્શન નથી લેતું.’

જોકે એ સિવાય પણ અન્ય સમસ્યાઓ છે. આ સંદર્ભે મરીન ડ્રાઇવમાં રહેતા રહેવાસીઓના પ્રશ્નોને ઑથોરિટી સામે મૂકતા મરીન ડ્રાઇવ સિટિઝન્સ અસોસિએશનના વાઇસ-ચૅરમૅન અને કોસ્ટલ રોડ જ્યાંથી શરૂ થાય છે એ બી. ડી. સોમાણી ચોક પાસે રહેતા વિનય સોમાણી કહે છે, ‘મોડી રાતે અહીં બાઇકર્સ અને કાર રેસ જેવો માહોલ સર્જાતો હોય છે. એનો ઘોંઘાટ અલગ સમસ્યા છે. બીજી બાજુ અમારે ત્યાં H રોડ પર રહેલા ક્રિષ્ના કોટકજીએ મરીન ડ્રાઇવ વિસ્તારમાં આવેલા જિમખાનામાં યોજાતા પ્રસંગો દરમ્યાન થતો ઘોંઘાટ અને એને કારણે ક્રાઉડની સમસ્યા માટે પણ સૉલ્યુશન સાથે અવાજ ઉઠાવ્યો છે. રહેવાસીઓ હેરાન છે, પરેશાન છે. સાંભળનારી વ્યક્તિને લાગે કે આ તો આખા મુંબઈની સમસ્યા છે, ટ્રાફિક આખા મુંબઈમાં છે, ઘોંઘાટ આખા મુંબઈમાં છે; પણ અહીંની તીવ્રતા વધારે છે અને એનું સૉલ્યુશન નીકળી શકે એમ છે. જેમ કે રસ્તે ચાલતા રાહદારીઓનો ટ્રાફિક ઘટાડવા માટે ફુટ ઓવર બ્રિજનું સૉલ્યુશન છે. આવા તો અઢળક ઉપાયો છે જે કરી શકાય એમ છે.’‍

મુંબઈકરો ક્રિકેટ પ્રત્યે ગજબનાક પ્રેમ ધરાવે છે અને વાનખેડે સ્ટેડિયમ એનું સાક્ષી છે, પરંતુ રમતગમતનો આ ઉત્સાહ સ્થાનિક નાગરિકોની શાંતિ અને સુરક્ષા છીનવીને ન આવી શકે. સ્માર્ટ સિટી મુંબઈમાં ટ્રાફિક મૅનેજમેન્ટ અને અર્બન પ્લાનિંગ એ રીતે થવું જોઈએ જેથી મૅચ પણ રમાય, આર્થિક પ્રવૃત્તિઓ પણ ચાલે અને વર્ષોથી ત્યાં વસતા રહીશોને પોતાના જ ઘરમાં કેદી જેવો અહેસાસ ન થાય.

સિક્કાની બીજી બાજુ રહેલા પડકારો

રહેવાસીઓની પોતાની સમસ્યા છે, પરંતુ સામે આયોજકો અને પ્રશાસન સામે પણ પડકારો છે. પ્રશાસન અને મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) સાથે આ સંદર્ભે સંપર્ક કરવાનો પ્રયાસ અમે કર્યો, પરંતુ થઈ ન શક્યો. જોકે ભૂતકાળમાં વિવિધ અખબારી અહેવાલોમાં તેમણે આપેલા મત મુજબ MCA તમામ નિયમોનું પાલન કરે છે પરંતુ એ પછીયે ક્રાઉડ જ એટલું છે કે કંઈક તો ખૂટતું લાગવાનું જ છે. તેઓ સ્થાનિક લેવલ પર ચાલતી લીગ અટકાવી શકે એમ પણ નથી, કારણ કે ભવિષ્યમાં દેશ માટે રમવા માટે તૈયાર થનારા ખેલાડીઓ આવી સ્થાનિક લીગમાંથી જ બહાર આવવાના છે અને સ્થાનિક ટૅલન્ટ માટે આ લીગ જરૂરી છે. ટ્રાફિક-પોલીસ સામે પણ સાઉથ મુંબઈમાં VIP મૂવમેન્ટ અને હજારો ફૅન્સની ભીડને સંભાળવી એ એક મોટો પડકાર છે. નો-પાર્કિંગ ઝોન અને ફુટપાથ પર વાહનો પાર્ક કરનારાઓ સામે કડક દંડ અને ટોઇંગની કાર્યવાહી થતી જ હોય છે. રહેવાસીઓનાં સિવાયનાં વાહનોને D રોડ પર એન્ટ્રી ન આપવાની દિશામાં પણ વિચારણા ચાલુ છે. જોકે આ બધા વચ્ચે દૂર-દૂરથી ક્રિકેટ મૅચ જોવા આવતા ક્રિકેટ-લવર્સની સમસ્યાઓ તરફ તો ધ્યાન પણ નથી અપાતું. જેમ કે સ્ટેડિયમની આસપાસ સામાન્ય લોકો માટે કોઈ અધિકૃત પાર્કિંગ-સ્પેસની વ્યવસ્થા જ નથી. જો વ્યવસ્થિત પાર્કિંગ-લૉટ હોય તો કોઈ મજબૂરીમાં ફુટપાથ પર ગાડી કેમ પાર્ક કરે? એ પ્રશ્ન પણ વાજબી તો છે જ.

mumbai marine drive marine lines Mumbai Coastal Road wankhede mumbai cricket association columnists exclusive gujarati mid day ruchita shah