સૅઝની સ્વાદિષ્ટ સફર

20 January, 2022 09:31 AM IST  |  Mumbai | Sejal Patel

આમ તો આ જગ્યા એનાં કૉકટેલ્સ માટે જાણીતી છે પણ ગૉરમે ફૂડના શોખીનો માટે જન્નત છે. અને હા, જૈનો માટે પણ અહીં જૈન અને વીગન વર્ઝન્સ પણ અવેલેબલ છે

સૅઝની સ્વાદિષ્ટ સફર

ઓપન ઍર ઍમ્બિયન્સમાં મૉડર્ન અમેરિકન ફૂડની લિજ્જત માણવી હોય તો લોઅર પરેલના કમલા મિલ કમ્પાઉન્ડની બાજુમાં એક મસ્ત કૅફે ખૂલી છે. આમ તો આ જગ્યા એનાં કૉકટેલ્સ માટે જાણીતી છે પણ ગૉરમે ફૂડના શોખીનો માટે જન્નત છે. અને હા, જૈનો માટે પણ અહીં જૈન અને વીગન વર્ઝન્સ પણ અવેલેબલ છે

વારંવાર દિલ્હીની સફરે જતા ફૂડીઝે સૅઝ અમેરિકન બ્રેસરીનું નામ સાંભળ્યું જ હશે. હજી દોઢેક વર્ષ પહેલાં ગોવામાં ખૂલેલી પિન્ગ કૅફે અને જામુનને પણ ગૉરમે ફૂડના ચાહકોએ બહુ વખાણી છે. આવી ડઝનેક કૅફે ઍન્ડ બ્રેસરી ધરાવતાં ભાઈ-બહેન રક્ષય અને રાધિકા ધારીવાલની જોડીએ મુંબઈમાં ગયા મહિને એકસાથે ત્રણ ફૂડ આઉટલેટ્સ ખોલ્યાં. અલબત્ત, કોવિડની નવી ગાઇડલાઇન્સને કારણે હાલમાં માત્ર સૅઝ કૅફે જ ચાલુ છે. લોઅર પરેલના એનઆરકે હાઉસમાં મેન્શન્સ બાય લિવિંગ લિક્વિડની અંદર આ કૅફે છે. સૅઝ કૅફેનું નામ પણ ન્યુ ઑર્લીનના ક્લાસિક કૉકટેલ સૅઝરેક પરથી જ પડ્યું છે. વેલ, કૉકટેલ, બ્રેસરી અને લિવિંગ લિક્વિડ શબ્દ વાંચીને ચોંકી ન જતા. આપણે કોઈ હાર્ડ ડ્રિન્ક્સની નહીં, પણ રિચ એક્સ્પીરિયન્સ આપતા ગૉરમે ડાઇનની વાત કરવાના છીએ. 
ઓપન ઍર ઍમ્બિયન્સ
ગૉરમે સ્ટાઇલ અમેરિકન ફૂડ ટ્રાય કરવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એકદમ બિઝી મેઇન રોડની બાજુમાં જ આવેલી હોવા છતાં અંદર પ્રવેશતાં જ એકદમ શાંતિ મહેસૂસ થાય છે. એનું કારણ એ છે કે રોડની સાઇડ પર ઓપન લાઇવ કિચન છે અને અંદરની તરફસિટિંગ એરિયા છે. વળી ઓપન ઍર ઍમ્બિયન્સ હોવાથી કુદરતી ઉજાસ અને હળવો વિટામિન ડીનો ડોઝ તમને મળતો રહે છે. રેસ્ટોરાંને એલિગન્ટ અને હટકે રૂપ આપવા માટે જાણીતાં ઇન્ટીરિયર ડિઝાઇનર મિની ભટ્ટનો ટચ અહીં પણ સ્પષ્ટ દેખાય છે. બેઠકની જગ્યાએ માથા પર લટકતા સ્મૉલ પ્લાન્ટ્સ આખાય વાતાવરણને જીવંતતા બક્ષે છે. અમેરિકન સ્ટાઇલ કૅફે છે એટલે અહીં કૉફી અને સ્મૉલ બાઇટ્સ પણ મેનુમાં છે અને અહીંની વર્લ્ડ ક્લાસ કૉફી પણ જાણીતી છે, પરંતુ અમે જ્યારે લોઅર પરેલની આ કૅફેમાં પહોંચ્યા ત્યારે બપોરે દોઢ-બે વાગ્યાનો સમય હતો એટલે કૉફીને બાજુએ મૂકીને પેટપૂજા તરફ જ સીધું ધ્યાન આપ્યું. મુંબઈના શિયાળામાં બપોરના સમયે લાંબું ડ્રાઇવ કરવાનું થાય તો થોડીક ગરમી મહેસૂસ થાય જ છે એટલે પાણી ગટગટાવવાને બદલે પહેલાં કકુમ્બર મિન્ટ કૂલર ટ્રાય કર્યું. કાકડીનો પ્યૉર જૂસ અને એમાં અછડતો ફુદીનાનો સ્વાદ અને લીંબુની ખટાશ. બીજી કોઈ જ ફ્લેવર ન હોવા છતાં જબરદસ્ત રિફ્રેશિંગ ડ્રિન્ક કહેવાય. 
સોજ્જી હૉસ્પિટાલિટી
પીણું માણતાં-માણતાં મેનુ પર નજર કરી તો આપણા જેવા વેજિટેરિયન અને નૉન-આલ્કોહૉલિક માટે ત્રણ મુખ્ય સેગમેન્ટ હતા. ગ્રૅબ, ગૉરમે અને ગો ટુ ક્લાસિક. અમે ત્રણેય કૅટેગરીમાંથી એક-બે ડિશ કઈ ટ્રાય કરી શકાય એની ગડમથલમાં હતા ત્યાં સૅઝના હેડ શેફ હનોઝ શ્રોફ અમારી મદદે આવ્યા. સોજ્જું સ્માઇલ ધરાવતા આ પારસી ભાઈના વ્યક્તિત્વમાં પોતે અહીંની ત્રણ-ત્રણ રેસ્ટોરાંના હેડ શેફ છે એવો કોઈ ભાર નહીં. અમારી રિક્વાયરમેન્ટ જાણીને કેટલીક ડિશિસ સજેસ્ટ કરી અને ગુજરાતી છીએ એ જાણીને એ પણ કહ્યું કે કોઈ વાનગી જૈનમાં જોઈતી હોય તો એ પણ કહેજો. યસ, અહીં ઑન ડિમાન્ડ મોટા ભાગની વેજિટેરિયન ડિશિસ જૈન ઑપ્શનમાં પણ મળે છે.  
જાઝરા બાઉલ
હવે આવીએ ફૂડ પર. અમે સૌથી પહેલાં ટ્રાય કર્યું રોસ્ટેડ કૅરટ ઍન્ડ તાહિની જાઝરા બાઉલ. આ બાઉલ પીતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે. શેકેલા તલની પેસ્ટમાંથી બનતી તાહિનીની સાથે ફેટા ચીઝ મિક્સ કરવામાં આવ્યું હોવાથી ક્રીમી ફીલ આવતી હતી. સાથે કેલનાં પાનને ગાર્લિકમાં ટૉસ કરીને એનું ગાર્નિશિંગ કરેલું. બેબી કૅરટ્સને પહેલાં બેક કરીને પછી એને હળવા કૅરૅમલાઇઝ કરવામાં આવેલાં એને કારણે ગાજરનો સ્મોકી અને સ્વીટ ટેસ્ટ જીભને ગમી જાય એવો હતો. પેસ્ટની અંદર છૂટાંછવાયાં પાઇન નટ્સને કારણે કોળિયો ચાવવાની મજા વધી જતી. સાથે આપવામાં આવેલી પીતા બ્રેડ હૅન્ડમેડ અને એટલી સૉફટ છે કે જાણે રુમાલી રોટીની યાદ અપાવી જાય. 
બેસ્ટ બુરાટા 
એ પછી સર્વ થયું અવાકાડો ઍન્ડ બુરાટા ઑન ટોસ્ટ. આ ડિશની ખાસિયત હતી ટોસ્ટનો ક્રન્ચ અને બુરાટાની સૉફ્ટનેસનું કૉમ્બિનેશન. ટોસ્ટની ઉપર સ્વીટ મસ્ટર્ડ ડ્રેસિંગની સાથે અવાકાડોના મોટા ચન્ક અને બુરાટા ચીઝના ટુકડા હતા. બુરાટા એક પ્રકારનું ઇટાલિયન ચીઝ છે જે બહારથી ટેન્ડર કોકોનટની મલાઈ જેવું સૉલિડ હોય અને અંદરથી સૉફ્ટ ક્રીમ ચીઝ જેવું હોય. એ ચીઝ જાણે પોટલી બનાવી હોય એવું દેખાય. અહીં મલાઈ જેવા સૉલિડ ચીઝનો ઉપયોગ વધુ હતો. અવાકાડો અને ચીઝની ક્રીમીનેસને તોડીને ટૅન્ગી સ્વાદ આપતા ચેરી ટમેટોનું સીઝનિંગ સોને પે સુહાગા જેવું કહેવાય.
સિગ્નેચર ડિશ 
હવે વાત કરીએ શેફ દ્વારા રેકમન્ડેડ હૅસલબૅક પટેટોની. સર્વ થયેલી ડિશને જો સાદી ભાષામાં વર્ણવવાની હોય તો એમાં પીળા રંગના ચીઝી સૉસની વચ્ચે શેકેલું બટાટું હતું એમ કહેવાય. જોકે એ સૉસ અને બટાટાને જે રીતે પકવવામાં આવેલા એ જ અહીં ગેમ ચેન્જર હતા. યાદ છે આજકાલ સ્ટ્રીટ ફૂડમાં ફ્રાઇડ સ્પાઇરલ પટેટો સ્ક્યુઅર બહુ ચાલે છે? એવું જ કંઈક આ પટેટોમાં છે, પણ એને ફ્રાય કરવામાં નથી આવ્યું. એકદમ પાતળું સ્પાઇરલ કટિંગ કર્યા પછી પણ એને વન પીસ પટેટોની જેમ જ આખું બેક કરવામાં આવ્યું છે. એ પણ સ્કિન સાથે જ. અવનમાં શેકાઈ ગયેલું આ બટાટું પીળા રંગના ગરમાગરમ ચીઝ પર સર્વ કરવામાં આવ્યું હતું. એની પર ક્રીમ અને સાથે ખૂબ હળવી માત્રામાં હૉટ ચિલી પેપર્સ અને ફ્રેશ ચાઇવનો છંટકાવ હતો. બટાટાની પાતળી સ્લાઇસ ઑલરેડી કરી હોવાથી ખાવામાં પણ સરળતા રહે એમ છે. જોકે દેખાવમાં સ્મૉલ ક્વૉન્ટિટીની લાગતી આ ડિશ ચુટકીમાં પેટ ભરી દે એવી છે. 
લોકલ આર્ટિસનલ ચીઝ
શેફે સજેસ્ટ કરેલી છેલ્લી ડિશ એલિફેરિયા બુરાટિન પણ આવી જ હટકે ડિશ છે. આ વાનગીનું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એલિફેરિયા ચીઝ. આ મુંબઈની જ એક આર્ટિસનલ ચીઝ અને બટર બનાવતી બ્રૅન્ડનું નામ છે. બુરાટા પણ આટલું સૉફ્ટ, ક્રીમી, ફ્રેશ અને પ્રીમિયમ ક્વૉલિટીવાળું લોકલી જ મળે છે એ જાણીને નવાઈ લાગે. એલિફેરિયા બુરાટાની પોટલી પર મિક્સ હર્બ્સ અને કાળાં મરીનો ભરપૂર પાઉડર છાંટેલો હતો, જેની હળવી તીખાશ ચીઝના સ્વાદને વધુ એન્હેન્સ કરતી હતી. આ જ ચીઝનું ટૉપિંગ ધરાવતા પીત્ઝા પણ ટ્રાય કરવા જેવા છે. છેક છેલ્લે અમે લિન્ગ્વિની પૉર્સિની પાસ્તા ટ્રાય કર્યા. એ પાસ્તા તમારા ટેબલ પર આવે એ જ વખતે એમાંથી મઘમઘતું ટ્રફલ ઑઇલ તમારી ઘ્રાણેન્દ્રિયોને જગાડી દે છે. સ્પગેટી કરતાં સહેજ ચપટાં- પાસ્તા હોવાથી ગોટ ચીઝ, કૅરૅમલાઇઝ્ડ વૉલનટ્સ અને મશરૂમ ગ્રેવી પણ બહુ જ સરસ રીતે એમાં ભળી જાય છે. પણ હા, એક વાત જરૂર કહીશ કે આ ડિશ તમને મશરૂમ્સ ભાવતાં હોય તો જ ટ્રાય કરવા જેવી છે. 
આટલું ખાધા પછી ડિઝર્ટની જગ્યા ક્યાંથી બચે? પણ એમ છતાં અહીં પ્યૉર વેજ ડિઝર્ટના ઑપ્શન્સમાંથી સૅઝ બ્રુકી ટ્રાય કરી શકાય. એમાં સૉલ્ટેડ કૅરૅમલ આઇસક્રીમની સાથે પૉપકૉર્ન અને ચુટકીભર સી સૉલ્ટ તમારો દિવસ બનાવી દેશે.

 અહીંના મેનુમાં વેજિટેરિયન ડિપ્સના ટ્‍‍વિસ્ટેડ વર્ઝન્સમાંથી ગ્રીન તાહિની બાબાગનોશ પણ ટ્રાય કરવા જેવું છે. 

columnists Gujarati food mumbai food indian food sejal patel