04 May, 2025 11:35 AM IST | Mumbai | Aashutosh Desai
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
વિવાદને અને જ્યોતિષપીઠના વર્તમાન શંકરાચાર્યને બહુ જૂનો સંબંધ છે. મજાની વાત એ છે કે આ સંબંધમાં જરા પણ ઢીલાશ આવતી જણાય એ શંકરાચાર્યજીને ગમતું નથી. તરત તેઓ મીડિયામાં કોઈ વિધાન કે નિવેદન એવું કરી દે જેને કારણે વિવાદ સાથેનો તેમનો સંબંધ ફરી રીચાર્જ થઈ જાય અને એક-બે કે છ મહિનાનો તેમનો વિવાદ ડેટા પ્લાન ઍક્ટિવ થઈ જાય છે
ઉત્તર પ્રદેશનું પ્રતાપગઢ શહેર, જેની પત્તી તહસીલનું બ્રાહ્મણપુર ગામ. ૧૯૬૯ની સાલની ૧૫ ઑગસ્ટના દિવસે પંડિત રામસુમેર પાંડે અને અનરાદેવીના પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું ઉમાશંકર! પિતા રામસુમેરને તેમના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય બાબતે ખૂબ આશા હતી. આથી જ છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ગામની શાળામાં પૂરો કરાવીને રામસુમેર તેને ગુજરાત લઈ આવ્યા. વડોદરાની શાળામાં તેનું ઍડ્મિશન કરાવ્યું અને દીકરા ઉમાશંકરે ભણવાનું શરૂ કર્યું. રામસુમેરને એ સમયે ક્યાં ખબર હતી કે દીકરાને તેઓ આ જે નવી અભ્યાસભૂમિ પર લઈ આવ્યા છે એ જ ભૂમિ તેનું ભવિષ્ય લખનારી સાબિત થશે. વડોદરામાં ઉમાશંકરની મુલાકાત બ્રહ્મચારી રામચૈતન્યજી સાથે થઈ, જેઓ સ્વામી કરપાત્રીજી મહારાજના અનુયાયી અને શિષ્ય હતા. ઉમાશંકર માટે ધર્મ અને ધાર્મિક કાર્યો તરફની સફર આડકતરી રીતે અહીંથી શરૂ થઈ ચૂકી હતી, કારણ કે એ સ્વામી કરપાત્રીજી મહારાજ જ હતા જેમણે ઉમાશંકરને કહ્યું કે તેણે સંસ્કૃત, શાસ્ત્ર અને ધર્મનો અભ્યાસ કરવો જોઈએ. સ્વામીજીની સલાહ માનીને ઉમાશંકર પહોંચ્યા વારાણસી અને ત્યાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેમણે ઍડ્મિશન લઈ લીધું. શાસ્ત્રો અને સનાતન ધર્મસંસ્કૃતિનો અભ્યાસ કરાવતા આ વિશ્વવિદ્યાલયથી તેમણે શાસ્ત્રી અને આચાર્યમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી. ગ્રૅજ્યુએશન તો થઈ ગયું, પણ ઉમાશંકર હજી આગળ કંઈક ભણવા માગતા હતા. આથી તેમણે નવ્ય વ્યાકરણના વિષય સાથે બજોરિયા સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ શરૂ કર્યો અને ત્યાંથી પણ સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. ઉમાશંકર પહેલેથી જ અત્યંત વાચાળ, અગ્રેસર, આક્રમક અને ત્વરિત રિસ્પૉન્સ કરનાર એક ઍક્ટિવ સ્ટુડન્ટ રહ્યા હતા. ખરેખર તો આ જ બધા ગુણ તેમને ભણતરની સાથે-સાથે રાજકારણ તરફ રૂખ કરવા પણ પ્રેરિત કરી રહ્યા હતા.
જોકે આપણે કહ્યું એમ વિવાદને ઉમાશંકર ઉપાધ્યાય સાથે ખૂબ ઘરવટ સંબંધ છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ છોકરા વિશે પહેલી વારના વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેની જાતિ વિશે પ્રશ્ન ઊઠવા માંડ્યા. વિશ્વવિદ્યાલયમાં ભણતા ઉમાશંકર વિશે કેટલાક વિદ્યાર્થીઓ જાણતા હતા કે તે ઉપાધ્યાય છે તો કેટલાક સમજતા હતા કે ના, તેની કાસ્ટ પાંડે છે!
વિદ્યાર્થીની સંન્યાસી તરફ સફર
જે સ્વામી કરપાત્રીજીના કહેવાથી ઉમાશંકર ઉપાધ્યાય શાસ્ત્ર અને સંસ્કૃતના અભ્યાસાર્થે વારાણસી ગયા હતા તે જ ઉમાશંકરને એક દિવસ ખબર મળ્યા કે તેમનું માર્ગદર્શન કરનારા સ્વામી કરપાત્રીજી બીમાર છે. ઉમાશંકર તેમની સેવા હેતુ સ્વામીજી પાસે પહોંચે છે અને ત્યાં જ તેમની મુલાકાત થાય છે જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી સાથે. કરપાત્રીજીનો તો સ્વર્ગવાસ થઈ ગયો, પરંતુ ઉમાશંકરનો સ્વરૂપાનંદજી સાથે બંધાયેલો સંબંધ ધીરે-ધીરે ગુરુ-શિષ્યના સંબંધમાં પરિવર્તિત થવા માંડ્યો. સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયથી પોતાનો અભ્યાસ પૂરો કરીને ઉમાશંકર ફરી પહોંચ્યા પોતાના ગુરુ પાસે. તારીખ હતી ૧૫ એપ્રિલ અને સાલ હતી ૨૦૦૩ની, જ્યારે ઉમાશંકર ઉપાધ્યાયને દંડ સંન્યાસની દીક્ષા આપવામાં આવી. આ એ દિવસ હતો જ્યારે ઉમાશંકરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને જન્મ થયો હતો સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો! અર્થાત્, દુન્યવી લોકો માટે હવે ઉમાશંકર સંસારનો ત્યાગ કરી ચૂક્યા હતા.
ભારતની સનાતન સંસ્કૃતિનો જ એ વારસો છે કે સમાજજીવન હોય કે રાજકીય વ્યવસ્થા, ધર્મગુરુ હંમેશાં અગ્રક્રમે રહીને માર્ગદર્શન અને નિર્દેશન કરતા હોય છે અને વિદુરનીતિ કે ચાણક્યશાસ્ત્ર જેવામાં તો કહેવાયું પણ છે જ કે સુરાજ્ય શાસન માટે જેટલો રાજવી કે વ્યવસ્થાપક સક્રિય હોય છે એટલા જ સક્રિય ધર્મગુરુએ પણ રહેવું પડે. કદાચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ આ વિધાન ભલીભાંતિ સમજે છે એટલે જ તેઓ અનેક બાબતો વિશે નિર્ભીકપણે અને કઠોર શબ્દોમાં પોતાનો અભિપ્રાય આપે છે અને જરૂર જણાય ત્યાં સરકાર વિરુદ્ધ બોલવામાં પણ તેઓ ખચકાતા નથી.
રાજકારણનો ખોંખારો
૧૯૯૪ની એ સાલ જ્યારે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાઈ. ઉમાશંકર એ ચૂંટણીમાં સ્ટુડન્ટ યુનિયનના નેતા તરીકે ઉમેદવારી નોંધાવવા માગતા હતા. વિદ્યાર્થી પરિષદ તરફથી તેમણે ઉમેદવારી નોંધાવી અને અહીંથી રાજકારણ તરફ તેમના ઝુકાવની સફરની શરૂઆત થઈ. ઉમાશંકર એ ચૂંટણી જીત્યા પણ ખરા અને વિદ્યાર્થી પરિષદના પ્રેસિડન્ટ પણ બન્યા. આપણામાં એક જૂની કહેવત છે યાદ છે? ‘વાઘ એક વાર લોહી ચાખી જાય પછી...’ બસ, કંઈક એવું જ ઉમાશંકર ઉપાધ્યાય સાથે થયું હશે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અવિમુક્તેશ્વરાનંદે પણ પોતાનો એક ઉમેદવાર તેમની સામે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એ અલગ વાત છે કે ઉમેદવારીપત્રક ભરવામાં અનેક ભૂલો હોવાને કારણે ચૂંટણીપંચ દ્વારા તે ઉમેદવારનું ઉમેદવારીપત્રક નામંજૂર કરવામાં આવ્યું. અહીં ફરી એક વાર અવિમુક્તેશ્વરાનંદજીને પેલો વિવાદ સાથેનો તેમનો જૂનો સંબંધ યાદ આવ્યો જેમાં છેલ્લા થોડા વખતથી ઢીલાશ આવી ગઈ હતી. આથી એ સંબંધ તરોતાજા કરવા માટે તેમણે મીડિયામાં કહેવા માંડ્યું કે ‘નરેન્દ્ર મોદીના ઇશારે ચાલતા ચૂંટણીપંચે જાણીબૂજીને તેમના ઉમેદવારનું ઉમેદવારીપત્રક નામંજૂર કર્યું છે. નહીં તો ભૂલ તો નરેન્દ્ર મોદીના પત્રકમાં પણ હતી અને એ એક કે બે ભૂલ નહીં પરંતુ કુલ ૨૧ ભૂલો મોદીના પત્રકમાં છે છતાં તેમનું ઉમેદવારીપત્રક કઈ રીતે મંજૂર રાખવામાં આવ્યું?’ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના વિવાદનો આ બીજો કિસ્સો હતો. આ પહેલાં પણ એક બાબતે વિવાદ થઈ ચૂક્યો હતો, જે વિશે આપણે આગળ વાત કરીશું જ.
એટલું જ નહીં, પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ ૨૦૨૪ની સાલમાં ફરી ચૂંટણી આવી ત્યારે તો તેમણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાનો ઉમેદવાર ઊભો રાખવા માટે એક સંગઠનની પણ સ્થાપના કરી લીધી હતી. નામ રાખવામાં આવ્યું હતું ‘ગૌ ગઠબંધન!’ આ સંગઠનના પ્રતિનિધિ તરીકે તેમણે ફરી એક વાર નરેન્દ્ર મોદીના ચૂંટણીક્ષેત્ર વારાણસીથી જ સ્વતંત્ર ઉમેદવારને ઊભો રાખ્યો. જોકે ૨૦૨૪માં પણ નરેન્દ્ર મોદી જ જીત્યા અને ફરી એક વાર અવિમુક્તેશ્વરાનંદજીએ વિવાદની આંગળી પકડી લીધી.
વિવાદ સાથે સગા ભાઈ કરતાં વધુ ગહેરો સંબંધ
જેમ કે ૨૦૦૮ની વાત કરીએ. આ એ સાલ છે જ્યારે સ્વામીજીએ તેમનો વિવાદ સાથેનો સંબંધ વિશ્વ સામે ખુલ્લો મૂક્યો હતો. ૨૦૦૮માં કેન્દ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી ત્યારે તેમણે ભારતની પ્રાચીન નદી ગંગાજીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો અપાવવા માટે એક ચળવળની શરૂઆત કરી. આ માટે તેમણે અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર ઊતરી જવાનો પણ નિર્ણય કર્યો હતો. રાજ્ય કે કેન્દ્ર સરકારના વલણ કે નિર્ણયમાં તો એથી કોઈ ફરક પડ્યો નહીં, પરંતુ થોડા દિવસોમાં જ સ્વામીજીની તબિયત જરૂર લથડવા માંડી. આખરે તેમના ગુરુ સ્વરૂપાનંદજીએ આ જીદ છોડવા કહ્યું અને તેમણે એ ચળવળનો અંત આણ્યો. જોકે અવિમુક્તેશ્વરાનંદજીના આ પ્રયોગે તેમને જાહેર જીવનમાં જાણીતા કરી નાખ્યા. આ એક પ્રસંગને કારણે આપણે એમ તો ચોક્કસ કહી શકીએ કે તેમને કૉન્ગ્રેસ પ્રત્યે લગાવ અને BJP પ્રત્યે તિરસ્કાર છે એવું ખાસ કશું છે નહીં.
જોકે મુશ્કેલી વિચારોની સ્પષ્ટતા, તટસ્થતાની કમી અને આક્રમક, ઉતાવળા પ્રતિભાવોની છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના જે-જે વિચારોને કારણે વિવાદો સર્જાયા છે એ તમામ વિચારોને ઊંડાણપૂર્વક શાંતિથી વિચારીશું તો જણાશે કે તેમનો ઉદ્દેશ, આશય અને વિચાર ખરેખર જ સમાજ માટે જરૂરી અને ઉમદા છે; પરંતુ સમાજ અને રાજકારણમાં સ્વામીજી દ્વારા જે રીતે એમને પ્રસ્તુત કરવામાં આવ્યા એણે બધી ભાંગફોડ સર્જી છે.
વિચાર ઉત્તમ પણ પ્રસ્તુતિ ખોટી?
આપણી કોઈ લાયકાત નથી કે પીઠાધીશ જેવા ઉચ્ચ સ્થાને બેઠેલા સ્વામીજીને મૂલવી શકીએ કે સલાહ આપી શકીએ, પરંતુ એક સામાન્ય નાગરિકની સમજ પ્રમાણે વાત તો ચોક્કસ કરી જ શકીએને? ભારતીય સનાતન સંસ્કૃતિ પુરાણકાળથી કહેતી આવી છે કે રાજ્યના કારભારમાં ધર્મગુરુનું સ્થાન અતિમહત્ત્વનું છે. આથી જ આપણે જાણીએ છીએ કે ત્રેતાયુગમાં મહારાજ દશરથનો રાજદરબાર હોય કે રાજા રામચંદ્રજીનો, દ્વાપરમાં શાંતનુનું રાજ્ય હોય કે ધૃતરાષ્ટ્રનું, અરે ધર્મરાજ યુધિષ્ઠિરનો દરબાર હોય કે સ્વયં શ્રીહરિ કૃષ્ણનો, ધર્મગુરુનું ઉચ્ચ સ્થાન હંમેશાં રહ્યું છે. રાજવી ધર્મગુરુ પાસે માર્ગદર્શન લેતા રહેતા અને તેમના નિર્દેશ અનુસાર તેઓ પોતે અથવા તેમની પ્રજા જ્યાં-જ્યાં ધર્મથી વિચલિત થઈ રહેલી જણાય ત્યાં સુધારા-વધારાનાં પગલાં લઈને ફરી ધર્મઆધારિત રાજ કરવાનો પ્રયત્ન કરતા.
આ જ ભારતીય સંસ્કૃતિના આધારે જ્યોતિષપીઠના પીઠાધીશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જો સરકારને કોઈક નિવેદન કરતા હોય કે સરકારને કોઈક બાબતે ફટકારના શબ્દો પણ કહેતા હોય તો એ જરૂર આવકાર્ય હોવા જોઈએ. જોકે સ્વામીજીનો પેલો વિવાદ સાથેનો ગહેરો સંબંધ, સ્વભાવમાં આક્રમકતા અને કોઈ પણ બાબતે ત્વરિત પ્રતિભાવ આપી દેવાની પ્રકૃતિને કારણે તેઓ અનેક વાર અનેક બાબતો સાચી કહી રહ્યા હોવા છતાં વિવાદોમાં ફસાઈ જાય છે. ક્યારેક તો તેમનાં નિવેદનો એવાં હોય છે કે જાણીને એમ લાગે કે સ્વામીજીએ આ નિવેદન પેલો વિવાદ સાથેનો સંબંધ વધુ ગહેરો કરવા માટે થઈને જ કર્યું છે. એવું લાગે કે જાણે સ્વામીજી માનતા હોય કે આખા વિશ્વને ભલે ગમે એ લાગે કે ગમે એ થાય, પણ મારા વિવાદ નામના સંબંધીને ક્યારેય ખોટું ન લાગવું જોઈએ. આથી જ વિવાદને જરા ભૂખ લાગે કે સ્વામીજી એનું પેટ ફરી કોઈ નવા નિવેદન દ્વારા ભરી દે છે.
ક્યાં ખોટી પ્રસ્તુતિ થઈ?
નરેન્દ્ર મોદીની સરકાર સામે તેમનો વિરોધ પહેલી વાર ત્યારે સપાટીએ દેખાયો જ્યારે વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના કૉરિડોરનું બાંધકામ ચાલી રહ્યું હતું. અત્યંત સાંકડી જગ્યામાં આવેલા એ મંદિરનો વિશાળ કૉરિડોર બનાવવા માટે આજુબાજુનાં કેટલાંક જૂનાં, નાનાં-નાનાં મંદિરો તોડવા પડ્યાં હતાં. સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ એ મંદિરો તોડવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેમણે પોતાના આક્રમક સ્વભાવ અનુસાર ત્યાં સુધી કહેવા માંડ્યું કે મોદી સરકાર ગુનેગાર છે અને તેઓ ક્યારેય મોદીને માફ નહીં કરે. ત્યાર બાદ તેમણે એક પછી એક અનેક વિવાદિત નિવેદનો કરવા માંડ્યાં.
ધાર્મિક ગુરુ તરીકે તેમની વાત જરાય ખોટી નહોતી જ. ભલે નાનાં છતાં મંદિરો નહીં જ તૂટવાં જોઈએ. જોકે સ્વામીજી એ ભૂલી ગયા કે આ કૉરિડોર એ વાસ્તવમાં વર્ષોથી આક્રાંતા દ્વારા થયેલા કાશીવિશ્વનાથ પરના એન્ક્રોચમેન્ટનો જવાબ હતો. નાનાં જે મંદિરો તૂટ્યાં એ મહાદેવના કૉરિડોરને વિશાળ કરવા માટે જ તૂટ્યાં. આ જીર્ણોદ્ધાર સનાતન સંસ્કૃતિનો દબદબો પુનઃ સ્થાપિત કરવા માટે જરૂરી હતો. જો તેમને વિરોધ કરવો જ હતો તો તેઓ એ કહી શક્યા હોત કે તૂટી રહેલાં મંદિરોને સરકાર કોઈક નવા સ્થળે પુનઃ સ્થાપિત કરે!
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે તેમને આમંત્રણ મળ્યું હતું. તે આમંત્રણ નહીં સ્વીકારતાં તેમણે કહેવા માંડ્યું કે અયોધ્યાનું મંદિર હજી પૂરેપૂરું બંધાયું પણ નથી, એ પહેલાં એનું લોકાર્પણ કરવાની આટલી ઉતાવળ શા માટે? કારણ કે નરેન્દ્ર મોદીએ એનો રાજકારણી ફાયદો ઉઠાવવો છે.
હા, હોઈ શકે! રાજકારણી ફાયદો ઉઠાવવો હોય, તેમની વાત ખોટી નહોતી; પરંતુ ધર્મના પ્રતિનિધિ સ્વામીજી પોતાનું નિવેદન આપતી વખતે એ જ ભૂલી ગયા કે સુરાજ્ય સ્થપાય એ માટે વર્ષોથી રાજવીઓ ધર્મનો અને ધર્મના પ્રદર્શનનો લાભ લેતા જ રહ્યા છે. વિદુરનીતિમાં પણ કહેવાયું છે કે પ્રજામાં ધર્મનું ગૌરવ ઉત્પન્ન કરવા માટે રાજવીએ મંદિરોની સ્થાપના, મંદિરોમાં દાન વગેરે કરતા રહીને એની પ્રજા સામે જાહેરાત કરવી જોઈએ. સમાજમાં ધર્મ માટે ગૌરવ અને અભિમાનની લાગણી ઉત્પન્ન કરવા માટે એ જરૂરી પણ છે જ. હા, ચોક્કસ જ લોકાર્પણ થોડું મોડું થઈ શક્યું હોત, પરંતુ જેમની છબિ વિશ્વમાં હિન્દુ ધર્મને માનનાર નેતા તરીકેની છે તેઓ મંદિરના લોકાર્પણ દ્વારા રાજ્યની સત્તા પર ફરી બેસવાનો લાભ મેળવવા માગે તો એમાં કંઈ જ ખોટું નથી એવું મહાન રાજનીતિજ્ઞ ચાણક્યનું કહેવું હતું. રાજવી જ્યાં સુધી પોતાની ધાર્મિક માન્યતાનો પ્રચાર પ્રજામાં નહીં કરે, જ્યાં સુધી પોતાના રાજ્યમાં ધર્મસ્થળોની સ્થાપનાને પ્રોત્સાહન નહીં આપે ત્યાં સુધી તેની રાજગાદીનો ચોથો પાયો મજબૂત થતો નથી.
શાંતિ બહુ છે; વિવાદ ઉઠાવો
તેમણે કેદારનાથમાંથી ૨૨૮ કિલો સોનાની ચોરી થઈ હોવાનું કહીને ‘ગોલ્ડ સ્કૅમ’ નામ આપ્યું અને કોર્ટમાં ફરિયાદ કરવા સુધ્ધાં તૈયાર થઈ ગયા, પરંતુ કમિટીએ કહ્યું કે તપાસ કરીશું અને સ્વામીજી તેમની વાત માનીને પાછા પણ હટી ગયા. સ્વામીજીને એ સમજાયું નહીં કે આ રીતે શંકા ઊભી કરીને વિવાદ ઊભો કરવાથી અને ત્યાર બાદ કોઈ ઠોસ કારણ વિના પાછળ હટી જવાને કારણે તેમની જ છબિને ધબ્બો લાગશે.
મહાકુંભ સમયે પ્રયાગમાં પણ તેમણે ફરી એક વાર વિવાદ છેડ્યો. મોટા ઉપાડે મીડિયામાં કહેવા માંડ્યા હતા કે આ મહાકુંભ નથી પરંતુ સરકારી કુંભ છે. વ્યવસ્થાને વખોડતાં ભાગદોડમાં થયેલાં મૃત્યુઓ વિશે પણ તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાને કહ્યું કે ગીધોને લાશો દેખાય, પરંતુ લોકોનાં મૃત્યુ થયાં છે તો જ લાશો દેખાય છેને? ધર્મનો કેસરી વેશ પહેરી ચૂકેલા સ્વામીજી એ ભૂલી જ ગયા કે ધર્મજાગૃતિ અને ધર્મભાવનાથી કેટલો મોટો માનવમહેરામણ એ દોઢ મહિના દરમ્યાન પ્રયાગમાં ઊમટ્યો છે. પ્રજાનો આવો મેળાવડો યોજવો આજના જમાનામાં કદાચ કોઈ પણ દેશના કોઈ પણ રાજવી માટે શક્ય નથી. હિન્દુ સનાતન સંસ્કૃતિના એ મેળામાં ધર્મગુરુ અને એક ઉચ્ચ દરજ્જાના સંગઠનના પીઠાધીશ હોવાની ફરજે જરૂર જણાય ત્યાં સરકારને ઘટતી બધી જ મદદ કરવાની હાકલ કરવાની જગ્યાએ સ્વામીજી ધર્મના મેળાવડામાં જ વિરોધી સૂર રેલાવવા માંડે તો પ્રજામાં નિરાશા કે નિરુત્સાહ પછી ફેલાશે, પહેલાં પોતાની ઇમેજને કેવો ધક્કો લાગશે એ પણ સ્વામીજી ભૂલી ગયા.
આવા બધા વિવાદોના ઊભા કરેલા વંટોળ હજી ઓછા હતા તે હમણાં બાવીસમી એપ્રિલે પહલગામ પર હુમલો થયો અને હિન્દુ હત્યાકાંડ કરવામાં આવ્યો. આપણને ખબર છે કે આખા દેશની સામાન્ય જનતા અત્યંત દુઃખના આક્રંદ તળે ચાલી ગઈ છે. હવે મૂળ સનાતન સંસ્કૃતિ અનુસાર તો આવા સંજોગોમાં એક ધર્મગુરુની ફરજ હોય છે કે તે પ્રજામાં ફરી ધાર્મિક ઉત્થાનની લાગણી જન્માવે, સામાન્યજનમાં નવું જોશ અને નવી પ્રેરણા, સકારાત્મક ઊર્જા પૂરે. ત્યારે જ્યોતિષપીઠના પીઠાધીશ અવિમુક્તેશ્વરાનંદજી આ બધી જ ફરજો ભૂલીને કહેવા માંડ્યા કે ‘સરકારને કઈ રીતે ખબર કે આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા? આટલી જલદી જો તેમને માહિતી મળી જતી હોય તો આ ઘટના બનવા પહેલાં તેઓ કેમ સજાગ રહીને એ અટકાવી ન શક્યા?’
ફરી એ જ મુશ્કેલી. સ્વામીજીનો આશય અને વિચાર ચોક્કસ જ સારો હતો. માત્ર પાકિસ્તાનમાં જ નહીં, આ દેશમાં અને આપણા ઘરમાં પણ આતંકવાદીઓ છુપાઈને બેઠા છે તેમનો ખાતમો કરો, પાડોશી કરતાં પણ પહેલાં તેમને મારો. જોકે આ વાત કઈ રીતે પ્રસ્તુત કરવી એમાં સ્વામીજી ગોથું ખાઈ ગયા.
વળી સિંધુ વૉટરટ્રિટી વિશે પણ સ્વામીજીની જીભ કચડાઈ ગઈ અને કહ્યું કે ‘પાણી બંધ કરવાનું કહીને સરકાર જનતાને મૂર્ખ બનાવી રહી છે. મેં એક્સપર્ટ સાથે વાત કરી છે અને ભારતમાં એવી કોઈ વ્યવસ્થા જ નથી કે ભારત સિંધુ જળ સમજૂતી તોડી નાખીને પાણી રોકી શકે.’ અરે મારા ધર્મગુરુજી, આપની વાત સાચી છે કે ભારત સંપૂર્ણ રીતે પાણી રોકી શકે એવી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ સરકારના માથે જુઠ્ઠા હોવાનો ટોપલો નાખતાં પહેલાં તમે એ જ ભૂલી ગયા કે ધર્મગુરુનો મુખ્ય ધર્મ છે પ્રજામાં સત્ય અને ધર્મનો ફેલાવો કરવો. સરકારે પોતાના નિવેદનમાં ક્યાંય એવું તો કહ્યું જ નથી કે અમે દરેક નદીનું પાણી જે પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે એ બંધ કરી રહ્યા છીએ. સરકારે પોતાની જાહેરાતમાં માત્ર એટલું કહ્યું હતું કે અમે સિંધુ જળસંધિને અમાન્ય ગણીએ છીએ અને એનો અમલ બંધ કરી રહ્યા છે. એનો અર્થ એ થાય કે પાણી બંધ કરવા સિવાય આ ટ્રીટી અનુસાર ભારતની જે બીજી જવાબદારીઓ નિર્ધારિત થઈ હતી એ અમાન્ય ગણીએ છીએ. અર્થાત્ પાણીના ફ્લો અંગે, વેધર રિપોર્ટ, પાણીના પ્રવાહ અને ભરવા અંગે જે માહિતીઓ પાકિસ્તાનને આપતા હતા એ હવે આપીશું નહીં. અર્થાત્ આપણે ગમે ત્યારે આપણા ડૅમ્સના દરવાજા બંધ કરી દઈને પાણી રોકી રાખીશું અને ગમે ત્યારે આગોતરી ચેતવણી આપ્યા વિના દરવાજા ખોલી નાખીશું. અર્થાત્ પાકિસ્તાન કહે છે એમ ભારતે પાણીનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આવી સાચી સમજ કે માહિતી રાજકારણમાં ઍક્ટિવ રહેતા ધર્મગુરુએ ફેલાવવી જોઈએ, પરંતુ તેઓ ભૂલી ગયા.
મૂળભૂત સ્વભાવ નડે છે
ખેર, તેમની રાજકીય માન્યતા કે સંત તરીકેની ઉપાધિ અને શ્રેષ્ઠતાને બાજુએ મૂકીએ અને માત્ર મઠના એક ઉચ્ચ પદાધિકારી તરીકે પણ વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે સ્વામીજીને તેમનો સ્વભાવ અને પ્રકૃતિ સૌથી વધુ નડે છે. કોઈ વ્યક્તિ, પત્રકાર કે સ્વામી અથવા સામાન્ય વ્યક્તિ સુધ્ધાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જઈને કશુંક કહે તો સ્વામીજી એ બાબત પ્રત્યે પ્રતિભાવ આપવામાં એટલા ઉતાવળા અને આક્રમક થઈ જાય છે કે તેમને એ ખબર જ નથી રહેતી કે તેઓ જે વાત કહી રહ્યા છે એ તેમની પોતાની જ વાતને કૉન્ટ્રાડિક્ટ કરે છે અને ધર્મથી પણ વિમુખ થઈ રહી છે.
જેમ કે સ્વામીજીએ એક પત્રકારને કહ્યું કે રાજા જ્યારે-જયારે પોતાનો ધર્મ ભૂલે અને ખોટું કાર્ય કરે ત્યારે સાચો માર્ગ દેખાડવાની ધર્મગુરુની ફરજ છે. તેમણે એકદમ સાચી વાત કહી. ભારતીય સનાતન સંસ્કૃતિ વર્ષોથી આ જ તો કહેતી આવી છે. એ જ વાતચીત દરમ્યાન જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે શું રાજકીય શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એકમેકથી અલગ છે? ત્યારે તરત પોતાના જ પહેલા નિવેદનને ખોટું સાબિત કરતા સ્વામીજી બોલી ઊઠ્યા, ‘હા ચોક્કસ! અલગ જ છે. તમે ધર્મશાસ્ત્રને તમારા રાજ્યશાસ્ત્ર સાથે શું કામ જોડો છો? તમારું રાજ્યશાસ્ત્ર સંવિધાન છેને? એને અનુસરો. ધર્મશાસ્ત્રને અમે અનુસરીએ છીએ એમાં રાજવીઓએ વચ્ચે ન આવવું જોઈએ.’ આ વિશે જ વાત આગળ ચાલી તો કહ્યું કે જ્યાં સુધી દેશનો નેતા ધર્મ અનુસાર નહીં ચાલે ત્યાં સુધી તેને ફટકાર લગાવતા રહીશું! અરે, પણ હમણાં તમે જ તો કહ્યું હતું કે રાજકીય શાસ્ત્ર સંવિધાન છે એને અનુસરો, ધર્મશાસ્ત્રને નહીં.
આવા આક્રમક સ્વભાવને કારણે ક્યારે તેમની છબિ સરકારવિરોધી બની ગઈ એની તેમને પણ ખબર ન રહી. એક ચર્ચા દરમ્યાન જ્યારે સ્વામીજીને પત્રકારે પૂછ્યું કે શું તમને લાગે છે કે મોદી સરકારના નેતૃત્વમાં હિન્દુ સુરક્ષિત છે? તેમણે કહ્યું, હા! ત્યાર બાદ પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે નરેન્દ્ર મોદી એક હિન્દુતરફી નેતા છે? તેમણે એ માટે પણ કહ્યું કે હા! પરંતુ બીજી જ મિનિટે પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં તેઓ કોને વધુ હિન્દુ નેતા તરીકે જુએ છે? ત્યારે તેમણે પોતાનું જ પહેલું સ્ટેટમેન્ટ ફેરવી તોળ્યું અને કહ્યું કે બીજાને તમે હજી પરખ્યો જ નથી એટલે એમ કઈ રીતે કહી શકાય કે તે મોદી કરતાં સવાયો હિન્દુ નેતા નથી? આ તો માત્ર એક દૃષ્ટાંતની વાત કહી. આવાં તો અનેક ઉદાહરણો છે.
તેમના બધા ઇન્ટરવ્યુ, નિવેદનો, જીવનવૃત્તાંત વગેરે જોયા-જાણ્યા બાદ એવું જણાય છે કે સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદજી માટે તેમનો અહમ્ ખૂબ મોટો છે. વિશ્વનો કોઈ પણ નેતા જો સ્વામીજી કહે એ પ્રમાણે કહે કે કરે તો તે આપોઆપ સારો નેતા બની જાય છે અને જો તેમની વાતની અવગણના કરે કે ન માને તો તે નેતા અચાનક ખરાબ નેતા બની જાય છે.
માગણી વાજબી, પરંતુ...
સ્વામીજી વર્ષોથી માગણી કરી રહ્યા છે કે ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવે અને ગાયમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપીને એમની હત્યા રોકવામાં આવે. એકંદરે કહીએ તો સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના આ બે મુખ્ય મુદ્દા છે જે તેઓ વારંવાર સરકાર સામે મૂકતા રહ્યા છે. વાત તેમની કંઈ જ ખોટી નથી અને ખૂબ મહાન ભાવના સાથેની માગણી છે એમાં કોઈ જ શક નથી, પરંતુ જો સરકાર એ નથી માની રહી કે માનવામાં વિલંબ કરી રહી છે તો એનો અર્થ એ નથી થતો કે તમે સરકારને બેજવાબદાર કહેતાં પોતે જ બેજવાબદારીભર્યાં નિવેદનો કરવા માંડો. જ્યારે ધર્મગુરુને ખબર હોય છે કે તેમને લોકો સાંભળે છે, માને છે અને અનુસરે છે ત્યારે કંઈ પણ કહેવા કે કરવા પહેલાં ગુરુએ પચાસ વાર એ વિચારવું પડે કે તેમના શબ્દો કે આચરણની સમાજમાં કેવી અને શું અસર પડશે.
સ્વામીના ગુના ગણાવવાની ભૂલ ન થાય, પરંતુ...
૨૦૨૨ની સાલના સપ્ટેમ્બર મહિનામાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના દેહત્યાગ બાદ જ્યોતિષમઠના પંચાવનમા શંકરાચાર્ય તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પીઠાધીશ થયા. એની સાથે જ શારદાપીઠના પીઠાધીશ તરીકે સ્વામી સદાનંદ સરસ્વતીજી આરૂઢ થયા હતા. ત્યારે પણ વિવાદ તો ઊઠ્યો જ હતો અને ધીમા કે મોટા અવાજે હજી આજેય એ વિવાદ ક્યારેક સપાટીએ આવી જાય છે. જેમ કે સ્વામી નિશ્ચલાનંદજી દ્વારા તો કહેવામાં આવ્યું હતું કે ગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા અવિમુક્તેશ્વરાનંદજીની શંકરાચાર્ય તરીકે નિયુક્તિ જ નથી કરવામાં આવી, તેઓ જાતે શંકરાચાર્ય બની બેઠા છે. અરે, નિશ્ચલાનંદજી જ શું કામ, તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યજીએ પણ કહ્યું હતું કે હું અવિમુક્તેશ્વરાનંદજીને શંકરાચાર્ય નથી માનતો.
સૌથી ગંભીર બાબતો તો ગોવિંદાનંદ સરસ્વતીજી દ્વારા કહેવામાં આવી છે. તેઓ અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય તો નથી જ માનતા; સાથે જ તેઓ ત્યાં સુધી કહે છે કે તે એક ફેકબાબા છે, જાતે જ શંકરાચાર્ય બની બેઠલા બાબા છે અને વળી આ બધા આરોપોથીયે આગળ જઈને તેમણે તો ત્યાં સુધી વાત કહી છે કે અવિમુક્તેશ્વરાનંદજી કિડનૅપિંગ કરાવે છે અને લાખોની લૂંટ ચલાવે છે. જ્યોતિષમઠના સ્વરૂપાનંદ સરસ્વતીજીના દેહત્યાગ પછી તરત જ મઠના કૅનેરા બૅન્કના અકાઉન્ટમાંથી અવિમુક્તેશ્વરાનંદજીએ ૬૦ લાખ રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા એમ કહેતાં આગળ તેમણે બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી પણ ૧૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું કહ્યું અને બૅન્ક ઑફ મહારાષ્ટ્રના અને છત્તીસગઢના એક ખાતા વિશે પણ તેમણે અનેક વાતો કહી છે. જોકે એ વાત અલગ છે કે અવિમુક્તેશ્વરાનંદજીએ પણ ગોવિંદાનંદજી સામે બદનક્ષીનો દાવો કોર્ટમાં માંડ્યો જ છે. એની સામે કોર્ટે પણ જવાબમાં એવું કહેવું પડ્યું હતું કે તમે સંત છો, કોઈ તમારા વિશે શું કહે કે શું માને એથી સંતને કોઈ ફરક ન પડવો જોઈએ.
મહારાષ્ટ્રમાં સ્વામીજીએ સર્જી હતી ગરમાગરમી
જ્યારે રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીને ત્યાં દીકરાના લગ્નપ્રસંગે તેઓ મુંબઈ આવ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના સ્થાનીય રાજકારણ વિશે નિવેદનો આપીને તેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાગરમી ઊભી કરી નાખી હતી. તેમણે કહ્યું કે ‘અમે હિન્દુ ધર્મમાં પાપ અને પુણ્યને માનનારા છીએ અને દગાખોરી એ ખૂબ મોટું પાપ છે જે ઉદ્ધવ ઠાકરે સાથે આદરવામાં આવ્યું છે. તેમને દગો આપવામાં આવ્યો એનું મને ખૂબ દુઃખ છે અને તેઓ ફરી મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી આ દુઃખ રહેશે.’
પીઠાધીશ સ્વામીજી આ નિવેદન કરતી વખતે એ જ ભૂલી ગયા કે તેમણે જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પક્ષ હિન્દુ ધર્મને મજબૂત કરવા માટે કામ કરશે, હિન્દુ વિચારધારાને આગળ વધારશે એને જ મારો સપોર્ટ છે. વળી સ્વામીજી એ પણ ભૂલી ગયા કે ચૂંટણી પહેલાં BJP સાથે યુતિ કરીને પરિણામ બાદ એ તોડી નાખીને દગો ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો. એટલું જ નહીં, સ્વામીજી તો એ પણ ભૂલી ગયા કે એકનાથ શિંદે અને તેમના સભ્યોએ પણ ઉદ્ધવ ઠાકરેનો સાથ એટલા માટે જ છોડ્યો હતો કે બાળાસાહેબની હિન્દુ વિચારધારાથી ઉદ્ધવ દૂર થઈ રહ્યા હતા.
અરે, મજાની વાત તો છે કે જ્યારે મહારાષ્ટ્રએ ગાયને રાજ્યની માતા તરીકેનો દરજ્જો આપ્યો ત્યારે સ્વામીજી ફરી એકનાથ શિંદે તરફ ફેરવાઈ ગયા. પોતાના જ આગળના નિવેદનને ફેરવી તોડતાં નવા નિવેદનમાં તો તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપનાર એકનાથ શિંદેને અમારા આશીર્વાદ છે અને ચૂંટણી પરિણામ આવ્યા બાદ પણ ફરી કહ્યું કે શિંદેને જિતાડવા માટે કોઈ દૈવી શક્તિ કામમાં આવી છે, અમારા તેમને ખૂબ-ખૂબ આશીર્વાદ છે અને અમે તો કહીએ છીએ કે આ ટર્મ પછી પણ શિંદે ફરી જીતશે. બિચારા ઉદ્ધવ ઠાકરેને થયું હશે કે સ્વામીજી તો મને ફરી મુખ્ય પ્રધાન બનાવવાનું કહેતા હતા, અચાનક આ પાર્ટી અને નિવેદનો બદલાઈ કઈ રીતે ગયાં?
સ્વામીજી વર્ષોથી માગણી કરી રહ્યા છે કે ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવે અને ગાયમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપીને એમની હત્યા રોકવામાં આવે.