11 February, 2025 02:43 PM IST | Mumbai | Heena Patel
ઊંઝાના શ્રી ઊમિયા માતાના મંદિરે વિજયકુમાર પત્ની કિરણબહેન સાથે.
ગાર્મેન્ટ્સમાં બ્રોકરનું કામ કરતા વિરારના વિજયકુમાર જાની અને તેમનાં પત્ની કિરણબહેન દર વર્ષે અચૂક ધાર્મિક યાત્રા કરે છે. એમાં પણ વિજયકુમાર દર વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન દોઢ મહિનો ભંડારામાં સેવા આપે છે એટલું જ નહીં, તેમને અને તેમનાં પત્નીને ઉજ્જૈન અને હરિદ્વાર આ બન્ને જગ્યાનું વિશેષ આકર્ષણ છે એટલે વર્ષમાં એક વાર એ બાજુ પણ જઈને આવે. છેલ્લાં ૧૦ વર્ષમાં તેમણે કારમાં દેશનાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ૧,૫૭,૪૫૨ કિલોમીટરની ભારતયાત્રા કરી છે
કોઈને ધાર્મિક સ્થળે ફરવા જવાનો આટલોબધો શોખ હોઈ શકે ખરો? આવો પ્રશ્ન તમને વિરારમાં રહેતા વિજયકુમાર જાની વિશે જાણીને જરૂર થશે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બ્રોકરનું કામ કરતા ૫૬ વર્ષના વિજયકુમારનું અત્યારે પોતાનું કામકાજ છે. જોકે યંગ એજમાં તેઓ ગાર્મેન્ટ્સમાં જ માર્કેટિંગની નોકરી કરતા. એ સમયે તેમને કામ માટે દેશનાં વિવિધ રાજ્યોમાં જવાનું થાય. એટલે એ સમયે તેઓ કામમાંથી જેવા નવરા પડે એટલે નજીકના ધાર્મિક સ્થળે ચાલ્યા જાય. થોડાં વર્ષો સુધી તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આ રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. એ પછી તેમણે નોકરી છોડીને પોતાનું કામકાજ શરૂ કર્યું. સારીએવી બચત થતાં તેમણે ૨૦૧૪માં એક કાર ખરીદી. આ કાર ખરીદવાનું કારણ પણ એ જ હતું કે તેઓ પોતાની અનુકૂળતાએ ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકે. પહેલાં તો વિજયકુમાર એકલા ફરતા, પણ પછી કારમાં તેમણે પરિવાર સાથે ધાર્મિક યાત્રા કરવાનું શરૂ કર્યું.
બે દાયકાથી અમરનાથ યાત્રા કરે
વિજયકુમાર છેલ્લાં ૨૦ વર્ષથી દર વર્ષે અમરનાથની યાત્રા કરે છે. મિત્રો સાથે પહેલી વાર કરેલી યાત્રાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘પહેલી વાર યાત્રા કરેલી ત્યારે મુશ્કેલ લાગેલી. એક તો કપરાં ચડાણ, ઉપરથી યાત્રા દરમિયાન હવામાન સતત બદલાયા કરે. ઘણી વાર બરફવર્ષા થઈ જાય, ઘડીકમાં વરસાદ આવે તો ઘડીકમાં આકાશ સાફ થઈ જાય. એટલે સાથે રેઇનકોટ, સ્વેટર, ગરમ ટોપી-મોજાં, નાસ્તો, ફર્સ્ટ એઇડ કિટ વગેરે સામાન રાખવો પડે. જોકે ગુફા પર પહોંચીને બાબા બર્ફાનીનાં દર્શન થાય ત્યારે બધો જ થાક અને પીડા ઊતરી જાય.’
વિજયકુમાર તેમનાં પત્ની અને બે સંતાનો સાથે પણ અમરનાથની યાત્રા કરી આવ્યા છે. અમરનાથ યાત્રાનો એક કિસ્સો સંભળાવતાં તેઓ કહે છે, ‘એ સમયે મારાં બન્ને સંતાનો હિમાની અને પાર્થ સ્કૂલમાં ભણતાં હતાં. અમરનાથમાં ઍક્સેસ કન્ટ્રોલ ગેટનો એક ફિક્સ ઓપનિંગ અને ક્લોઝિંગ ટાઇમ હોય, જ્યાંથી તમે આગળ વધી શકો. અમે અમરનાથ યાત્રામાં આગળ વધી રહ્યા હતા. રાત્રે અંધારું બહુ થઈ ગયું હતું અને ઠંડી પણ એટલી હતી. મારા અને મારી પત્નીના હાથમાં લગેજ હતું. અમારાં બન્ને સંતાનો એકબીજાનો હાથ પકડીને ધીમી ગતિએ ચાલી રહ્યાં હતાં. કૅમ્પ પર સમયસર પહોંચવું જરૂરી હતું. એ સમયે આર્મીના જવાનો અમારી મદદે આવ્યા. તેમણે અમારા સંતાનોને ઊંચકીને ઝડપી ગતિથી ચાલીને પંચતરણી કૅમ્પ પર ઉતાર્યાં. બીજો એક અનુભવ એવો હતો કે દર્શન કરીને અમે બાલટાલ રૂટથી નીચે ઊતરેલાં. અમે જેવા નીચે પહોંચ્યા એટલે લોકોના મોઢેથી ન્યુઝ સાંભળ્યા કે ઉપર બ્લાસ્ટ થયો છે એટલે યાત્રા રોકી દેવામાં આવી છે. એ સમયે મેં અનુભવ્યું કે ભગવાન ખરેખર બધી બાજુથી આપણી રક્ષા કરે છે. વેધર ખરાબ હોય, ભૂસ્ખલન થયું હોય અથવા આવી કોઈ ઘટના બને ત્યારે યાત્રીઓ પૅનિક થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સેંકડો યાત્રીઓને ભંડારાવાળાઓ આશ્રય આપે છે. જવાનો તેમને હિંમત અપાવે છે કે તમને અમે કંઈ નહીં થવા દઈએ, તમે બધા ઘરે સુખરૂપ પાછા પહોંચી જશો. મારું માનવું છે કે અમરનાથમાં આર્મી, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો તેમ જ અહીં ચાલતા ભંડારાની મદદ વગર કોઈ પણ યાત્રી તેની યાત્રા પૂરી ન કરી શકે.’
દોઢ મહિનો ભંડારામાં સેવા આપે
વિજયકુમાર ૨૦૦૮થી પંજાબના ભટિંડાના જય શિવશંકર વેલ્ફેર ટ્રસ્ટ સાથે મળીને અમરનાથ યાત્રા સમયે દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં શેષનાગ બેઝ કૅમ્પ પર ભંડારામાં દોઢ મહિનો સેવા આપે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘શરૂઆતમાં અમરનાથ હું એક યાત્રી તરીકે જ જતો. એ સમયે એક ભંડારામાં મેં રાત્રિરોકાણ કરેલું. અહીં યાત્રીઓને જે રીતની સેવા આપવામાં આવી રહી હતી એ મને ગમી. મને અંદરથી જ અહીં આવીને સેવા આપવાનો મનમાં ઉમળકો જાગ્યો. મારું એવું માનવું છે કે આપણે પૈસાની મદદ ન કરી શકતા હોઈએ તો શારીરિક રીતે તો કરી જ શકીએ છીએ. એટલે હું પછી ટ્રસ્ટ સાથે જોડાયો. અમરનાથ જેવી યાત્રામાં કોઈને બધી સુવિધા મળતી નથી. કોઈને રહેવાની તો કોઈને જમવાની સુવિધાનો અભાવ હોય. અમે આ સગવડો આપવાનો યથાયોગ્ય પ્રયત્ન કરીએ. હું પોતે મુંબઈથી પહેલાં ભટિંડા જાઉં. ત્યાંથી અમે બધા ટ્રકમાં ભંડારાની સામગ્રી ભરીને ચંદનવાડી સુધી જઈએ. ત્યાં અમારો સ્ટોરરૂમ છે ત્યાં સામાન ઉતારીએ. આગળનો માર્ગ ઊભી ચડાઈવાળો હોવાથી અમે ઘોડા પર સામાન લાદીને શેષનાગ ભંડારામાં લઈ જઈએ. ભંડારામાં સવારે ચાર વાગ્યાથી કામ ચાલુ થઈ જાય એ રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહે. સવારના ચા-નાસ્તાથી લઈને, બપોરના અને રાતના જમવાની સુવિધા હોય. જેમની કૅમ્પમાં રહેવાની કોઈ સુવિધા ન હોય તો તેમની પણ સગવડ સાચવી લઈએ. મેં ભંડારામાં સેવા આપવાની શરૂ કરી એ સમયે તો હું નોકરી કરતો. તેમ છતાં કપાતા પગારે હું રજા લઈને અમરનાથમાં સેવા આપવા માટે જતો. આ સેવાભાવી કામ મેં હજી સુધી ચાલુ જ રાખ્યું છે.’
૨૬૦૦ કિલોમીટર પહેલી લાંબી યાત્રા
વિજયકુમારે ૨૦૧૮માં જાતે કાર ચલાવીને સૌપ્રથમ વાર લાંબી ધાર્મિક યાત્રા કરી હતી. ૯ દિવસમાં તેમણે અંદાજે ૨૫૦૦થી ૨૬૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ગુજરાત-રાજસ્થાનની આ યાત્રા તેમણે પત્ની, સાઢુભાઈ અને તેમનાં પત્ની સાથે કરી હતી. આ અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘સિદ્ધપુરમાં મારાં સાસુનું અસ્થિ-વિસર્જન કરવાનું હતું. મારા સાળા ને એ લોકો વેરાવળ રહે છે અને ત્યાંથી તેઓ સિદ્ધપુર આવવાના હતા. એટલે સિદ્ધપુર જવાનું જ છે તો પછી થોડા વહેલા નીકળીને બીજાં ધાર્મિક સ્થળો પણ ફરી લઈએ એમ વિચારીને અમે બધા કારમાં ઊપડી ગયા. અમે વિરારથી સફર શરૂ કરી અને પહેલાં પાવાગઢ પહોંચ્યા. જતી વખતે અમે રોપવેમાં ગયા હતા, પણ ઊતરતી વખતે પગપાળા ચાલીને ઊતર્યા. ત્યાંથી નીકળીને અમે રાત્રે ડાકોર પહોંચ્યા. સવારે રેડી થઈને રણછોડરાયનાં દર્શન કરીને આજુબાજુનાં મંદિરોમાં દર્શન કર્યાં. એ પછી અમદાવાદ પાસે આવેલા અડાલજમાં જઈને પૌરાણિક વાવની મુલાકાત લીધી. એ પછી ત્યાંથી બેચરાજી ગયા જ્યાં અમે બહુચરા માતાજીનાં દર્શન કર્યાં. દર્શન કરીને મોઢેરા જવા ઊપડ્યા અને ત્યાં અમે જગવિખ્યાત સૂર્ય મંદિરનાં દર્શન કર્યાં. અહીંથી અમે ઊંઝા આવીને રાત્રિરોકાણ ઉમિયાધામમાં કર્યું. સવારે તૈયાર થઈને શ્રી ઉમિયા માતાજીનાં દર્શન કર્યાં. એ પછી અમે સિદ્ધપુર પહોંચ્યા. સિદ્ધપુરમાં બિન્દુ સરોવરમાં સ્નાન કરીને આજુબાજુના મંદિરનાં દર્શન કર્યાં. સાથે શિલ્પ સમૃદ્ધિ ધરાવતા રુદ્રમહાલય મંદિરનાં દર્શન કર્યાં અને સિદ્ધપુર મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. અહીંથી અમે અંબાજી જઈને ત્યાં રાત્રિરોકાણ કર્યું. સવારે શ્રી અંબાજીનાં દર્શન કરીને ગબ્બર ગયા, ત્યાં અમે માતાજીનાં જ્યોતિનાં દર્શન કર્યાં. અહીંથી અમે કુંભારિયાના ઐતિહાસિક જૈન મંદિરે જઈ દર્શન કર્યાં. એ પછી અમે કોટેશ્વર મહાદેવ મંદિરે ગયા. દર્શન કરીને એ જગ્યાએ આવ્યા જ્યાં લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે અહીં સરસ્વતી નદીનું વહેણ છે. નદીમાં પગ પખાળીને રાજસ્થાન જવા ઊપડ્યા. સૌથી પહેલાં અમે માઉન્ટ આબુ પહોંચ્યા. આજુબાજુમાં ફરીને દેલવાડામાં વસ્તુપાળ-તેજપાળે બનાવેલાં દેરાસરનાં દર્શન કર્યાં. અચલગઢમાં ગુરુ શિખર પર શ્રી દત્તાત્રેય ભગવાનનાં પગલાંનાં દર્શન કર્યાં. અહીંથી કાલન્દ્રી પહોંચી રાતવાસો ત્યાં કર્યો. બીજા દિવસે બપોરે નાથદ્વારા પહોંચ્યા. શ્રીનાથજીની સંધ્યા આરતીનો લાભ લીધો. બીજા દિવસે પણ મંગળા આરતીમાં પહોંચીને દર્શન કર્યાં. અહીંથી અમે કાંકરોલી જઈ દ્વારકાધીશનાં દર્શન કર્યાં. એ પછી શામળાજી જવા રવાના થયાં. અહીં શ્રી વિષ્ણુ ભગવાનના ગદાધર સ્વરૂપનાં દર્શન કરીને સફર આગળ વધારી. લીમખેડા પહોંચીને શ્રી ચેહર માતાના મઢનાં દર્શન કર્યાં. અહીંથી રિટર્ન મુંબઈ આવ્યા. આ યાત્રા કર્યા પછી મને વિશ્વાસ થઈ ગયો કે હું આટલી લાંબી યાત્રા પણ કરી શકું છું.’
લૉકડાઉનમાં પણ યાત્રા શરૂ
ધાર્મિક યાત્રાના શોખીન એવા વિજયકુમારે કોરોનાના સમયગાળામાં પણ યાત્રા ચાલુ રાખી હતી. ૨૦૨૦ના આખરમાં લૉકડાઉનમાંથી થોડી રાહત મળતાં જ તેઓ ફરી પત્ની સાથે યાત્રા માટે ઊપડી ગયા. આ યાત્રામાં પણ સાઢુભાઈ અને તેમનાં પત્ની સાથે હતાં, કારણ કે લૉકડાઉનમાં ઘરે બેસીને તેઓ કંટાળી ગયાં હતાં. આ યાત્રા વિશે વાત કરતાં વિજયકુમાર કહે છે, ‘યાત્રાની શરૂઆત અમે ડાકોરથી કરી. રણછોડરાયજીનાં દર્શન કરી રાજસ્થાનના બાંસવાડા ગયા. અહીં મા ત્રિપુરાસુંદરીનાં દર્શન કર્યાં. અહીંથી રવાના થઈ મધ્ય પ્રદેશના મંદસૌર પહોંચી અષ્ટમુખી પશુપતિનાથ મંદિરનાં દર્શન કર્યાં. અહીં ખૂબ જ સુંદર શિવલિંગ છે. બીજા દિવસે સવારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા મડફિયામાં સાવલિયા શેઠ શ્રી કૃષ્ણનાં દર્શન કર્યાં. અહીંથી મહેંદીપુર બાલાજી ગયા. સવારે બાલાજી હનુમાનજીનાં દર્શન કરી મથુરા જવા રવાના થયા. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ, કંસ કિલ્લો, કંસવધ જગ્યા, ભૂતેશ્વર મહાદેવ, શ્રી દ્વારકાધીશ મંદિર, કેશવ મંદિર, ગીતા મંદિર, રંગેશ્વર મહાદેવ, વિશ્રામ ઘાટ બધાં જ સ્થળોનાં દર્શન કર્યાં. ગોકુળ જઈને રમણ રેતી, નંદનવન, ૮૪ ખંભા મંદિર, બળદેવજી જન્મસ્થળ, બ્રહ્માંડ ઘાટ, મહાવન, ઠકુરાણી ઘાટનાં દર્શન કર્યાં. અહીંથી ગોવર્ધન ગયા જ્યાં ગિરિરાજ પર્વત અને જતિપુરામાં યોગમાયા મંદિરનાં દર્શન કર્યાં. બરસાના જઈ રાધામંદિર અને રાધા કુંડ જોયાં. નંદગાંવમાં નંદજીનું ઘર જોયું. ત્યાંથી વૃન્દાવન ગયા. વૃન્દાવનમાં બિરલા મંદિર, રાધારમણ મંદિર, રંગનાથજી મંદિર, નિધિવન, કેસીઘાટ, મદનમોહનજી મંદિર, વૈષ્ણોદેવી મંદિર, રાધાટીલા મંદિર, હરિદાસજી મંદિર, ગરુડજી મંદિર અને ગોવિંદદેવજી મંદિરનાં દર્શન કર્યાં. પાગલબાબા મંદિર અને ઇસ્કૉન મંદિર બંધ હતાં અને બાંકે બિહારીજી, પ્રેમ મંદિરનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી દર્શન ન કરી શક્યા. મથુરામાં જ ચાર-પાંચ દિવસ રોકાઈને આ બધાં સ્થળો ફર્યા. એટલે અહીં રોજ વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરવા જતા અને યમુનાજીની આરતીનો લાભ લેતા. મથુરાથી અમે હરિદ્વાર આવ્યા. હરિદ્વારમાં ચાર દિવસ રોકાઈને ફરવાલાયક સ્થળ ફરી લીધા. અહીંથી અમે શુક્રતાલ પહોંચ્યા જે મુઝફ્ફરનગર અને દેવબંધ વચ્ચે આવેલું છે. અહીં પાંચ હજાર વર્ષ પહેલાં શુકદેવજીએ જે વટવૃક્ષ નીચે બેસીને ભાગવત કથાનું ગાન કર્યું હતું એ વટવૃક્ષનાં દર્શન પણ કર્યાં. અહીં સુંદર ગંગાઘાટ છે. અહીંથી અમે રાજસ્થાનના પુષ્કર ગયા. પુષ્કર સરોવરમાં સ્નાન કરીને બાવન ઘાટનાં દર્શન કર્યાં. બ્રહ્માજીનું એકમાત્ર મંદિર જે પુષ્કરમાં આવેલું છે એનાં દર્શન કર્યાં. અહીંથી જસવંતપુરા પાસે આવેલા શ્રી સુન્ધા માતાનાં દર્શન કર્યાં જે ચામુંડા માતાજીનું જ એક સ્વરૂપ છે. અહીંથી ઊંઝામાં જઈ ઉમિયાધામમાં માતાજીનાં દર્શન કરીને ડાકોર આવ્યાં. અહીં રાત્રિરોકાણ કરી સવારે ભરૂચ પાસે નારેશ્વર ખાતે નર્મદા નદીમાં સ્નાન કરી શ્રી રંગ અવધૂત મહારાજનાં દર્શન કરી રાત્રે વિરાર પહોંચ્યા. મારી આ યાત્રા ૧૮ દિવસ ચાલી જેમાં મેં ૪૭૦૦ કિલોમીટર કાર ચલાવી. કોરોનાકાળ હતો એટલે ધર્મશાળાઓ, આશ્રમ ખાલી જ હતાં. અમે ગયાં એટલે તેમણે અમારા માટે તાળાં ખોલ્યાં.’
મધ્ય પ્રદેશના મંદસૌરમાં શ્રી પશુપતિનાથના મંદિરમાં વિજયકુમાર પત્ની સાથે.
ઉજ્જૈન-હરિદ્વારનું વિશેષ આકર્ષણ
વિજયકુમારને ઉજ્જૈન અને હરિદ્વારનું વિશેષ આકર્ષણ છે એટલે દર વર્ષે પતિ-પત્ની ત્યાં અચૂક જાય છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઉજ્જૈનના મહાકાલેશ્વર અમારા ઈષ્ટદેવ છે. એમાં પણ મહાકાલ કૉરિડોર બન્યો છે ત્યારથી યાત્રીઓ માટે ઘણી સગવડો વધી ગઈ છે. અગાઉ પણ સગવડ હતી પણ મર્યાદિત હતી; હવે અનેક નવી ધર્મશાળાઓ, હોટેલ્સ ખૂલી છે. એ સિવાય યાત્રીઓ જ્યોતિર્લિંગ અને બીજી બે-ચાર જાણીતી જગ્યાએ દર્શન કરીને પરત ફરી જતા, પણ મહાકાલ કૉરિડોર બનવાની સાથે આસપાસનાં અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે. હરિદ્વારની વાત કરું તો એને હરિનું દ્વાર કહેવાય. અહીંના પવિત્ર હર કી પૌડી ઘાટમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. અમે અહીં ત્રણ-ચાર દિવસ તો રહીએ જ છીએ. અહીં ઘાટ પર સ્નાન કરીએ. ઘાટ પર થતી ગંગા આરતીનો લહાવો લઈએ. અમને આ જગ્યાનું એક વિશેષ આકર્ષણ રહ્યું છે અને એનું કારણ તો અમને પણ નથી ખબર. આ બન્ને જગ્યાનાં દર્શન કરીને અમે આખા વર્ષની સકારાત્મક ઊર્જાનો સંચાર કરી લઈએ છીએ.’
અયોધ્યા-કૈલાસ પણ જઈ આવ્યા
વિજયકુમાર ૨૦૨૪માં અયોધ્યા જઈને રામલલાનાં દર્શન પણ કરી આવ્યા. અહીં જવાનું કઈ રીતે થયું એ વિશે તેઓ કહે છે, ‘ફેબ્રુઆરીમાં અમારા ટ્રસ્ટને અયોધ્યામાં ભંડારો કરવા બોલાવ્યા હતા એટલે અમે પતિ-પત્ની કાર લઈને ઊપડી ગયાં. અયોધ્યા જતી વખતે ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં. એ પછી ઓરછા ગયાં જ્યાં શ્રી રાજારામનું સુંદર મંદિર છે. પછી અયોધ્યા પહોંચ્યાં જ્યાં અમે ભંડારામાં ૧૦ દિવસ સેવા આપી. ત્યાંથી અમે છપૈયા ગયાં જે સ્વામીનારાયણ ભગવાનનું જન્મસ્થળ છે. ત્યાંથી ચિત્રકૂટ ધામ ગયાં. રાત્રિરોકાણ ત્યાં કર્યું. બીજા દિવસે ઘાટની આસપાસનાં દર્શન કરી વિરાર આવવા માટે નીકળી ગયાં. એ વખતે મેં નાસ્તા-પાણી અને રિફ્રેશ થવાના સમયને બાદ કરતાં બીજો કોઈ લાંબો હૉલ્ટ લીધા વગર ૨૯ કલાક કાર ચલાવી હતી. આ યાત્રામાં મેં ૩૬૦૦ કિલોમીટર કાર ચલાવી હતી. એ જ વર્ષે માર્ચ મહિનામાં અમે જગન્નાથપુરી અને કોણાર્કની યાત્રા કરી. ફરી મે મહિનામાં ઉજ્જૈન મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં. ઑક્ટોબરમાં ચાર ધામની યાત્રા પણ કરી આવ્યાં.’
હિમાચલ પ્રદેશમાં ભગવાન શિવ જ્યાં મણિ સ્વરૂપમાં દર્શન આપે છે એ પંચ કૈલાસમાંથી એક એવા મણિમહેશની યાત્રા પણ વિજયકુમાર કરી આવ્યા છે. ત્યાંનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘અહીં પર્વતની ટોચ પર સૂર્યકિરણનો પ્રકાશ પડે છે ત્યારે મણિ જેવો આભાસ થાય છે. આને મણિદર્શન કહેવાય છે, જેને જોવા દર વર્ષે હજારો યાત્રીઓ આ સ્થળની મુલાકાત લે છે. અહીં મણિમહેશ તળાવ આવેલું છે અને ત્યાંથી મણિદર્શનનો લહાવો લોકો લે છે. હું મારા મિત્ર સાથે આ યાત્રા પર ગયો હતો. મેં અમરનાથની યાત્રા કરેલી છે છતાં મણિમહેશનું ટ્રેકિંગ કરતી વખતે અમે બન્ને ખૂબ થાકી ગયા હતા. અહીં ધારવાળા પથરાઓ છે એટલે ચડવામાં ખૂબ તકલીફ પડેલી. જોકે આ જગ્યા એટલી સુંદર અને આહલાદક છે કે ૨૦૧૭માં એક વાર યાત્રા કર્યા પછી પણ મન તૃપ્ત ન થયું એટલે ફરી ૨૦૧૮માં મેં આ જગ્યાની મુલાકાત લીધી હતી.’
દિલ્હીની પરેડમાં સામેલ થઈ આવ્યા
વિજયકુમાર અને તેમનાં પત્નીને એક વાર નહીં પણ બે વાર ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં થતી પરેડમાં સામેલ થવાની તક મળી છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ માટે હું મારાં બન્ને સંતાનોનો આભાર માનું છું. ૨૦૧૯ની ૨૬ જાન્યુઆરીની પરેડમાં મારી દીકરી નૅશનલ સર્વિસ સ્કીમ (NSS) અને દીકરો નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC)માં સિલેક્ટ થયાં હતાં એટલે બન્નેએ એમાં ભાગ લીધો હતો. તેમની સાથે અમને પણ આ પરેડનો હિસ્સો બનવાની તક મળી હતી. એક પિતા તરીકે મારા માટે ગર્વની ક્ષણ હતી. એ વખતે પણ અમે યાત્રા કરવાનો મોકો છોડ્યો નહોતો. પરેડ અટેન્ડ કર્યા પછી હું અને મારાં પત્ની અમે બન્ને પ્રયાગરાજના અર્ધકુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે ઊપડી ગયાં હતાં. પ્રયાગમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને ત્યાંથી વારાણસી પહોંચી ગયાં હતાં. અહીં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરી બોટમાં બેસીને ૮૪ ઘાટની મુલાકાત લીધી હતી. અહીંના હરિશ્ચંદ્ર ઘાટ પર એક અજીબ વસ્તુ જોઈ. અમે લગ્નની જાન અને ચિતા બન્ને સાથે નીકળતી જોઈ. યાત્રી તરીકે મારા માટે આ નવો અનુભવ હતો, પણ સ્થાનિક લોકો માટે આ રોજનું છે. અમે ૨૦૨૦માં પણ ૨૬ જાન્યુઆરીની પરેડ અટેન્ડ કરી હતી, કારણ કે એ વખતે મારા દીકરાનું ફરી NSS થ્રૂ સિલેક્શન થયું હતું. અમે બીજી વખત દિલ્હી ગયા ત્યારે પરેડ અટેન્ડ કરીને દિલ્હીમાં જોવાલાયક સ્થળો જેવાં કે લોટસ ટેમ્પલ, કુતુબ મિનાર, જંતરમંતર, સાહિબ સિંહ ગુરુદ્વારા, અક્ષરધામ, લાલ કિલ્લો ફર્યાં હતાં. અહીંથી આગરા જઈને તાજ મહલ જોયો. પૌરાણિક મંદિર મનકામેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં. અમારી પાસે સમય ઓછો હોવાથી ત્યાંથી વિરાર પરત ફર્યાં હતાં. આટલાં વર્ષોમાં પતિ-પત્ની વૈષ્ણોદેવી, ખીર ભવાની, સુવર્ણ મંદિર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જેવી કેટકેટલી જગ્યાઓએ ફર્યાં છીએ જેનો ઉલ્લેખ કરીએ એટલો ઓછો છે.’
હજી તો ૨૦૨૫ ચાલુ થયું છે ત્યાં તો વિજયકુમાર અને તેમનાં પત્ની ગુજરાતમાં જઈને વધુ એક ધાર્મિક યાત્રાનો લાભ લઈને આવ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમે જાન્યુઆરીમાં ગીર સોમનાથના દેલવાડા ગામે જઈને આવ્યા જે મારું મૂળ વતન છે. દર વર્ષે આ સમયગાળામાં અમારાં કુળદેવી કંકાઈ માતાનો પાટોત્સવ થાય છે તો એમાં સહભાગી થવા ગયેલાં. પરત ફરતી વખતે અમે સાળંગપુરમાં હનુમાનજીનાં તેમ જ ધર્મજમાં જલારામબાપાનાં દર્શન કરીને પછી વિરાર આવ્યાં હતાં. મેં ૨૦૧૪માં કાર લીધા પછી અત્યાર સુધીમાં મારી કાર ૧,૫૭,૪૫૨ કિલોમીટર ચાલી છે, જેમાં મોટા ભાગે મેં એને ધાર્મિક યાત્રા માટે જ ચલાવી છે.’