01 August, 2026 07:19 PM IST | Mumbai | Heena Patel
રાજમાચી ફોર્ટ
ચોમાસું એટલે માત્ર વરસાદ જ નહીં, સહ્યાદ્રિની પર્વતમાળાઓને સૌથી સુંદર સ્વરૂપમાં માણવાની પણ ઋતુ. વરસાદમાં ધોધ જીવંત બની જાય છે, જંગલો લીલાંછમ બની ઊઠે છે અને કિલ્લાઓ સુધીની કેડીઓ નવી તાજગીથી ભરાઈ જાય છે. આજે નૅશનલ માઉન્ટન ક્લાઇમ્બિંગ ડે નિમિત્તે જાણીએ મુંબઈ નજીકના એવા મૉન્સૂન ટ્રેક્સ વિશે જ્યાં કુદરતી સૌંદર્ય, સાહસ, સ્ટેમિના અને મનની શાંતિ ચારેયનો સંગમ થાય છે
પહેલી ઑગસ્ટ એટલે નૅશનલ માઉન્ટન ક્લાઇમ્બિંગ ડે. પહાડોનાં શિખરો સર કરવાનો, પહાડી માર્ગો પર કુદરતના અદ્ભુત નજારાઓ માણવાનો અને પોતાના સાહસપ્રેમને જીવંત કરવાનો આ ખાસ દિવસ છે. ખાસ કરીને મુંબઈકર માટે ચોમાસું ટ્રેકિંગ અને હાઇકિંગ માટેનો સુવર્ણ સમય માનવામાં આવે છે. રોજિંદા ભાગદોડભર્યા જીવનમાંથી બ્રેક લઈને જો તમે પણ આ વરસાદી મોસમમાં પહાડોને નજીકથી અનુભવવા માગો છો તો મુંબઈ નજીક સાહસ અને કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક ઉત્તમ વિકલ્પો છે. પછી ભલે એ પહાડો પરથી ધસમસતા મનમોહક ધોધ ધરાવતા વૉટરફૉલ ટ્રેક હોય, ઇતિહાસ અને સાહસનો સંગમ ધરાવતા ઐતિહાસિક ફોર્ટ ટ્રેક હોય કે પછી અદ્ભુત જૈવવિવિધતાથી સમૃદ્ધ શાંત જંગલ ટ્રેક હોય. મહારાષ્ટ્રનું ચોમાસું દરેક પ્રકૃતિપ્રેમી માટે કંઈક ખાસ લઈને આવે છે. ચાલો, આ નૅશનલ માઉન્ટન ક્લાઇમ્બિંગ ડે પર જાણીએ મુંબઈ નજીકનાં એવાં જ કેટલાંકશ્રેષ્ઠ મૉન્સૂન હાઇકિંગ ડેસ્ટિનેશન્સ વિશે જે તમારી આ ચોમાસાની મુસાફરીને અવિસ્મરણીય બનાવી દેશે. આ વિશે આપણે મૉન્સૂન ટ્રેકિંગ પર લઈ જતા ગ્રુપ દુર્ગવિહારના વૈભવ ચવાણ અને મિસ્ચિફ ટ્રેક્સના દિગ્વિજય રાઠોડ પાસેથી માહિતી મેળવી લઈએ.
વરસાદી મોસમમાં કુદરતી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. ભારે વરસાદ દરમ્યાન પાણીનો પ્રવાહ વધવો, ભૂસ્ખલન, કાદવવાળા અને લપસણા રસ્તા, ધુમ્મસ તેમ જ ઓછી દૃશ્યતા જેવાં જોખમોને કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા અસ્થાયી પ્રતિબંધો અથવા વિશેષ નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં અંધારબન જંગલ ટ્રેક, કાલુ વૉટરફૉલ અને દેવકુંડ વૉટરફૉલ જેવાં કેટલાંક લોકપ્રિય સ્થળોએ સુરક્ષાનાં કારણોસર અસ્થાયી પ્રતિબંધ અથવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. એથી કોઈ પણ ટ્રેક પર જતાં પહેલાં હવામાનની આગાહી, ટ્રેકની હાલની સ્થિતિ અને સ્થાનિક પ્રશાસન અથવા વિશ્વસનીય ટ્રેકિંગ ગ્રુપ પાસેથી તાજી માહિતી મેળવી લેવી. હંમેશાં અનુભવી ટ્રેકલીડર અથવા અધિકૃત ટ્રેકિંગ-ગ્રુપ સાથે જ ટ્રેક કરવો. યોગ્ય ટ્રેકિંગ-શૂઝ, વરસાદથી બચાવતાં સાધનો અને જરૂરી સામાન સાથે રાખવાં. કુદરતનું સૌંદર્ય માણતી વખતે પર્યાવરણની જાળવણી અને પોતાની સુરક્ષાને હંમેશાં પ્રથમ પ્રાથમિકતા આપવી.
સહ્યાદ્રિની પર્વતમાળામાં આવેલો રાજમાચી ફોર્ટ ટ્રેક ચોમાસામાં ટ્રેકિંગપ્રેમીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનો એક છે. લોનાવલા નજીક આવેલો આ ઐતિહાસિક કિલ્લો સમુદ્રી સપાટીથી આશરે ૨૭૧૦ ફુટની ઊંચાઈ પર આવેલો છે. રાજમાચી કિલ્લો વાસ્તવમાં શ્રીવર્ધન અને મનરંજન નામના બે અલગ-અલગ કિલ્લાઓનો સમૂહ છે. રાજમાચી ટ્રેક માટે સામાન્ય રીતે લોનાવલા અથવા ઉદેવાડી ગામ તરફથી શરૂઆત કરવામાં આવે છે. લોનાવલાથી શરૂ થતો રસ્તો લાંબો છે અને મોટા ભાગે કાચા રસ્તા, જંગલ અને ખુલ્લાં મેદાનોમાંથી પસાર થાય છે; જ્યારે ઉદેવાડી ગામથી કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો ટૂંકો છે. લોનાવલા તરફથી કરવામાં આવતો ટ્રેક આશરે પંદરથી ૧૭ કિલોમીટર લાંબો છે જેને પૂરો કરવામાં ચોમાસામાં સામાન્ય રીતે પાંચથી ૭ કલાકનો સમય લાગી શકે છે. ચોમાસામાં આ ટ્રેકનું સૌંદર્ય એની ચરમસીમાએ હોય છે. રસ્તામાં લીલાંછમ ઘાસનાં મેદાનો, વહેતાં ઝરણાં, ધુમ્મસથી ઢંકાયેલા સહ્યાદ્રિના પર્વતો અને ખીણોનો મનમોહક નઝારો જોવા મળે છે. કિલ્લાની ટોચ પર પહોંચ્યા બાદ આસપાસના પહાડો અને ખીણોનો અદ્ભુત વ્યુ જોવા મળે છે. રાજમાચીનો ટ્રેક સરળથી મધ્યમ સ્તરનો માનવામાં આવે છે; પરંતુ ચોમાસામાં કાદવ, લપસણા રસ્તા અને લાંબા અંતરને કારણે સાવચેતી જરૂરી બને છે.
હરિશ્ચંદ્રગઢ અહમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં આવેલો અત્યંત પ્રાચીન અને પૌરાણિક કિલ્લો છે. પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલો આ કિલ્લો પ્રાચીન વારસો, અદ્ભુત કુદરતી સૌંદર્ય અને પડકારજનક ટ્રેકિંગ-રૂટ માટે જાણીતો છે. ખીરેશ્વર ગામથી શરૂ થતો આ ટ્રેક આશરે છથી ૭ કિલોમીટર લાંબો છે અને એને પૂરો કરવામાં સામાન્ય રીતે ચારથી ૬ કલાકનો સમય લાગે છે. આ કિલ્લાનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ કોંકણ કડા છે. આ એક અર્ધચન્દ્રાકાર અને આશરે ૧૮૦૦ ફુટ ઊંડો વિશાળ ખડક છે. ચોમાસામાં અહીં વાદળો, ધુમ્મસ અને જોરદાર પવનને કારણે પાણી ઊંધું ઊડતું જોવા મળે છે જે અદ્ભુત નઝારો સર્જે છે. કિલ્લા પર આવેલી કેદારેશ્વર ગુફામાં પાણીથી ઘેરાયેલું વિશાળ શિવલિંગ છે. આ શિવલિંગ ૪ થાંભલાઓથી ઘેરાયેલું છે, જેમાંથી હાલ માત્ર એક જ થાંભલો અખંડ હોવાનું માનવામાં આવે છે. કિલ્લા પર આવેલું પ્રાચીન હરિશ્ચંદ્રેશ્વર મંદિર એની હેમાડપંથી શૈલી, પથ્થરની કોતરણી અને પૌરાણિક મહત્ત્વ માટે જાણીતું છે. ખીરેશ્વર ગામથી શરૂ થતો ટ્રેક જંગલો, ઝરણાં, પથરાળ રસ્તાઓ અને ઘાટોમાંથી પસાર થાય છે. ચોમાસામાં આ સમગ્ર વિસ્તાર લીલીછમ વનરાજી, ધુમ્મસ અને વહેતાં ઝરણાંથી જીવંત બની જાય છે.
પુણેના ખેડ વિસ્તારમાં આવેલો ભીમાશંકર જંગલ ટ્રેક ચોમાસા દરમ્યાન પ્રકૃતિપ્રેમીઓ અને સાહસિક ટ્રેકર્સ માટે સ્વર્ગસમાન છે. આ રોમાંચક ટ્રેકની શરૂઆત કર્જત નજીક આવેલા ખાંડસ ગામથી થાય છે. આશરે ૬ કિલોમીટર લાંબા (એક તરફ) આ ટ્રેકને પૂરો કરવામાં લગભગ ત્રણથી ૪ કલાક લાગે છે. અદ્ભુત જૈવવિવિધતાથી સભર આ સમગ્ર વિસ્તાર ભીમાશંકર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી તરીકે ઓળખાય છે. આ ટ્રેકની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માત્ર સાહસ જ નહીં, આધ્યાત્મિક અને કુદરતી અનુભવ પણ પૂરો પાડે છે. ટ્રેકના અંતે આવેલું ભારતનાં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આ ટ્રેકનું મુખ્ય આકર્ષણ છે. ગણેશઘાટના માર્ગેથી પસાર થતી વખતે આખા પર્વત અને ખીણનો નયનરમ્ય નજારો મન મોહી લે છે. જંગલની વચ્ચોવચ ચાલતી વખતે ભીમા નદીના ઉદ્ગમ સાથે જોડાયેલા ગુપ્ત ભીમાશંકર તરફ આગળ વધતાં અનેક નાનાં-મોટાં ઝરણાં, કલકલ વહેતાં વહેણ અને ચારેય તરફ પથરાયેલું ગાઢ ધુમ્મસ આ સફરને અદ્ભુત અને રોમાંચક બનાવી દે છે.
નાશિકના યંબકેશ્વરમાં આવેલો હરિહર ફોર્ટ એની અનન્ય બનાવટ અને રોમાંચક ચડાણ માટે ટ્રેકર્સમાં પ્રખ્યાત છે. મુંબઈથી આવતા મોટા ભાગના ટ્રેકર્સ યંબકેશ્વર નજીકના નિર્ગુડપાડા ગામથી આ ટ્રેક શરૂ કરે છે. નિર્ગુડપાડા રૂટથી કિલ્લાની ટોચ સુધીનું અંતર આશરે ત્રણથી ૪ કિલોમીટર છે અને એને પૂરો કરવામાં આવવા-જવા મળીને લગભગ ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. સમુદ્રની સપાટીથી આશરે ૩૬૭૬ ફુટની ઊંચાઈ પર આવેલો આ કિલ્લો સહ્યાદ્રિ પર્વતમાળાના અદ્ભુત નઝારા માટે જાણીતો છે. આ કિલ્લાનું સૌથી મોટું આકર્ષણ પહાડને કોતરીને બનાવેલી ૭૦થી ૮૦ ડિગ્રીના ખૂણાવાળી સીધી પથ્થરની સીડીઓ છે. વરસાદી મોસમમાં ધુમ્મસ વચ્ચે આ સીડીઓ પરથી ઉપર ચડવું અદ્ભુત અને રોમાંચક અનુભવ આપે છે. સુરક્ષિત ચડાણ માટે આ સીડીઓ પર હાથ પકડવા માટે ખડકમાં ખાસ ખાંચા કોતરવામાં આવ્યા છે. કિલ્લાની ટોચ પર નાનું શિવમંદિર, હનુમાનજીની મૂર્તિ અને પાણીનો કુંડ આવેલાં છે જ્યાંથી આસપાસની ઉત્તુંગ સહ્યાદ્રિ પર્વતમાળાનો મનમોહક નઝારો જોવા મળે છે. હરિહર ફોર્ટનો ટ્રેક નવા ટ્રેકર્સ માટે સરળ વિકલ્પ નથી. ઊભી સીડીઓ, લપસણા પથ્થરો અને ઊંચાઈને કારણે આ ટ્રેક માટે સારી ફિટનેસ, યોગ્ય તૈયારી અને સાવચેતી જરૂરી છે. ખાસ કરીને ચોમાસામાં ધુમ્મસ, ભેજ અને લપસણા રસ્તાઓને કારણે આ ટ્રેક વધુ પડકારજનક બની જાય છે.
વિસાપુર કિલ્લો લોહગઢની બિલકુલ સામે આવેલો છે. આ બન્ને કિલ્લાઓને ટ્વિન ફોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈ અને પુણેના ટ્રેકર્સમાં લોકપ્રિય આ કિલ્લો લોહગઢની નજીક આવેલો છે. ભાજે ગામથી શરૂ થતો વિસાપુર ટ્રેક આશરે ત્રણથી ૪ કિલોમીટર લાંબો છે અને એને પૂરો કરવામાં આવવા-જવાના મળીને લગભગ ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. સમુદ્રની સપાટીથી આશરે ૩૫૬૭ ફુટની ઊંચાઈ પર આવેલો વિસાપુર કિલ્લો લોહગઢ કરતાં કદમાં મોટો અને વધુ ઊંચાઈ પર છે. લોહગઢના બેઝ વિસ્તારથી પણ વિસાપુર કિલ્લો સામે દેખાય છે. કિલ્લાની ટોચ પર ફરવા માટે વિશાળ પઠાર આવેલો છે જ્યાં જૂના પથ્થરનાં બાંધકામોના અવશેષો, તોપો અને પાણીની ટાંકીઓ જોવા મળે છે. લોહગઢની સરખામણીએ વિસાપુરનો ટ્રેક વધુ કુદરતી અને રોમાંચક છે. અહીં તૈયાર પગથિયાં કરતાં પથરાળ રસ્તાઓ, જંગલના માર્ગો અને ચોમાસામાં વહેતા પાણીના પ્રવાહોમાંથી પસાર થવું પડે છે એટલે આ ટ્રેક મૉડરેટ લેવલનો ગણાય છે. લોહગઢની સરખામણીએ વિસાપુરનો ટ્રેક વધુ પડકારજનક અને કુદરતી અનુભવ આપે છે. પથરાળ રસ્તાઓ, જંગલનો માહોલ અને ચોમાસામાં વહેતાં ઝરણાંને કારણે આ ટ્રેક સાહસપ્રેમીઓને વધુ આકર્ષે છે.
મુંબઈ નજીકના સરળ અને સુંદર મૉન્સૂન ટ્રેકમાં સોનદાઈ ફોર્ટનું નામ ખાસ ઉલ્લેખનીય છે. કર્જત નજીક આવેલો આ નાનો પરંતુ મનમોહક કિલ્લો નવા ટ્રેકર્સ માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. આ કિલ્લો દરિયાઈ સપાટીથી આશરે ૧૨૦૦ ફુટની ઊંચાઈ પર આવેલો છે. સોનદાઈ ફોર્ટ ટ્રેકની શરૂઆત સામાન્ય રીતે ચૌક ગામ અથવા સોનદાઈવાડી ગામ તરફથી કરવામાં આવે છે. બેઝ વિલેજથી કિલ્લાની ટોચ સુધી પહોંચવા માટે આશરે દોઢથી બે કિલોમીટરનું ચડાણ કરવું પડે છે, જેને પૂરું કરવામાં સામાન્ય રીતે એકથી બે કલાકનો સમય લાગે છે. આ ટ્રેકનું મુખ્ય આકર્ષણ એની ટોચ પરથી જોવા મળતો સહ્યાદ્રિ પર્વતમાળાનો અદ્ભુત નઝારો છે. ચોમાસામાં લીલાછમ પહાડો, ધુમ્મસથી ઢંકાયેલી ખીણો અને વરસાદી વાતાવરણ આ નાના ટ્રેકને ખૂબ જ આકર્ષક બનાવી દે છે. ટોચ પર સોનદાઈ દેવીનું નાનું મંદિર આવેલું છે જેને કારણે આ સ્થળને ધાર્મિક મહત્ત્વ પણ મળ્યું છે. સોનદાઈ ફોર્ટનો રસ્તો શરૂઆતમાં સરળ છે, પરંતુ ઉપર પહોંચતાં પહેલાં પથરાળ ચડાણ અને કેટલીક જગ્યાએ ઊભા ભાગ આવે છે. ચોમાસામાં લપસણા રસ્તાઓને કારણે સાવચેતી જરૂરી છે. ટૂંકા અંતરમાં સુંદર વ્યુ અને ટ્રેકિંગનો અનુભવ આપતો હોવાથી આ કિલ્લો બિગિનર-ફ્રેન્ડ્લી ટ્રેક તરીકે લોકપ્રિય છે.
આદરાઇ જંગલ ટ્રેક મહારાષ્ટ્રની સહ્યાદ્રિ પર્વતમાળાના માલશેજ ઘાટ વિસ્તારમાં આવેલો અદ્ભુત અને ગાઢ જંગલ ટ્રેક છે. ચોમાસા દરમ્યાન ટ્રેકિંગના શોખીનો માટે આ એક લોકપ્રિય સ્થળ છે. આ ટ્રેક ખીરેશ્વર ગામથી શરૂ થાય છે જે પિંપલગાંવ જોગા ડૅમની નજીક આવેલું છે. આદરાઈને સહ્યાદ્રિનું છુપાયેલું રેઇન ફૉરેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ટ્રેકનું સૌથી મોટું આકર્ષણ માલશેજ ઘાટનો સૌથી મોટો અને આશરે ૧૨૦૦ ફુટ ઊંચો કાલુ ધોધ છે. ટ્રેક દરમ્યાન એક પ્લેટો પરથી આ વિશાળ ધોધનો અદ્ભુત ટૉપ-વ્યુ જોવા મળે છે. જંગલની વચ્ચેથી ચાલતી વખતે તમારે કેટલાંય નાનાં ઝરણાં અને નદીઓ પાર કરવાં પડે છે. આ મૉડરેટ લેવલનો ટ્રેક છે.
સહ્યાદ્રિની ગોદમાં આવેલો કરોલી વૅલી ટ્રેક મહારાષ્ટ્રના ઑફબીટ મૉન્સૂન ટ્રેકમાંનો એક છે. ભીડભાડથી દૂર કુદરતને નજીકથી માણવા ઇચ્છતા ટ્રેકર્સ માટે આ એક સુંદર વિકલ્પ છે. આ ટ્રેક મુખ્યત્વે સમ્રાડ ગામ પાસેથી શરૂ થાય છે અને ગાઢ જંગલો, લીલીછમ ખીણો, નદીના પ્રવાહો અને નાનાં-મોટાં ઝરણાંઓમાંથી પસાર થાય છે. ચોમાસામાં કરોલી વૅલીનું સૌંદર્ય એની ચરમસીમાએ હોય છે. વરસાદ બાદ આખી ખીણ લીલીછમ બની જાય છે અને ધુમ્મસથી ઢંકાયેલા સહ્યાદ્રિના પહાડો ટ્રેકને વધુ આકર્ષક બનાવે છે. આ ટ્રેકનું મુખ્ય આકર્ષણ કરોલી ઘાટનો ધોધ અને કુદરતી જંગલ-વિસ્તાર છે. રસ્તામાં નાના પાણીના અનેક પ્રવાહો પાર કરવા પડે છે, જે મૉન્સૂનમાં આ સફરને વધુ રોમાંચક બનાવે છે. આશરે ૧૨ કિલોમીટર લાંબો આ ટ્રેક પૂરો કરવામાં સામાન્ય રીતે ચારથી પાંચ કલાકનો સમય લાગી શકે છે. સમુદ્રની સપાટીથી આશરે ૪૦૦૦ ફુટ ઊંચાઈ ધરાવતા આ ટ્રેકને સરળથી મધ્યમ સ્તરનો ગણવામાં આવે છે એટલે નવા ટ્રેકર્સ પણ યોગ્ય તૈયારી સાથે અહીં જઈ શકે છે. કરોલી વૅલીની ખાસિયત એ છે કે અહીં તમને ઊંચું શિખર સર કરવાના પડકાર કરતાં વધુ સહ્યાદ્રિનાં જંગલો, શાંત ખીણો અને વરસાદી કુદરતનો અનુભવ મળે છે.
મહાડ નજીક સહ્યાદ્રિની ઘાટીઓમાં આવેલો નાનેમાચી વૉટરફૉલ એક ભવ્ય અને સુંદર કુદરતી ધોધ છે. આશરે ૪૦૦ ફુટ ઊંચાઈથી નીચે પડતો આ ધોધ ચોમાસામાં પોતાના વિશાળ સ્વરૂપથી સૌને આકર્ષે છે. ધોધનું પાણી જે કુદરતી કુંડમાં પડે છે ત્યાં સૂર્યપ્રકાશના પરાવર્તનને કારણે પાણીનો રંગ લીલાશ પડતો વાદળી દેખાય છે જે આ સ્થળની ખાસિયત છે. બેઝ વિલેજથી ધોધ સુધી પહોંચવા માટે આશરે ત્રણથી ૪ કિલોમીટરનો ટ્રેક કરવો પડે છે જેમાં ગાઢ જંગલ, પાણીનાં નાનાં ઝરણાં, પથરાળ રસ્તાઓ અને કાદવવાળા માર્ગોમાંથી પસાર થવું પડે છે. આવવા-જવા મળીને આ ટ્રેક પૂરો કરવામાં સામાન્ય રીતે ચારથી ૬ કલાકનો સમય લાગે છે. ચોમાસા દરમ્યાન આખો વિસ્તાર ગાઢ ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલો રહે છે જે ટ્રેકિંગના રોમાંચને બમણો કરી દે છે. નાનેમાચી ધોધની નજીક આવેલો સાતસડા ધોધ પણ આ વિસ્તારનું એક આકર્ષણ છે. આ ધોધનું પાણી ૭ અલગ-અલગ પથ્થરના સ્તરો પરથી વહેતું જોવા મળે છે. એથી એક જ ટ્રિપમાં બે સુંદર ધોધનો આનંદ માણવાનો મોકો મળે છે.
લોનાવલા નજીક આવેલો કોરીગઢ ફોર્ટ ચોમાસામાં મુંબઈ અને પુણેના ટ્રેકર્સ માટે સુંદર અને સરળ મૉન્સૂન ટ્રેકિંગ વિકલ્પ છે. આ કિલ્લો સહ્યાદ્રિની ગોદમાં આવેલો છે અને ખાસ કરીને નવા ટ્રેકર્સ, પરિવાર સાથે જવા ઇચ્છતા લોકો તથા કુદરતપ્રેમીઓ માટે લોકપ્રિય છે. કોરીગઢ ફોર્ટ સમુદ્રની સપાટીથી આશરે ૩૦૨૯ ફુટની ઊંચાઈ પર આવેલો છે. આ ટ્રેકની શરૂઆત સામાન્ય રીતે પેઠશાહપુર ગામ અથવા આમ્બિ વૅલી તરફના બેઝ પૉઇન્ટ પરથી કરવામાં આવે છે. બેઝથી કિલ્લાની ટોચ સુધી પહોંચવા માટે આશરે એકથી ૧.૫ કિલોમીટરનું ટૂંકું ચડાણ કરવું પડે છે, જેમાં સામાન્ય રીતે ૪૫ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે. કોરીગઢનું સૌથી મોટું આકર્ષણ એની ટોચ પર આવેલું વિશાળ સપાટ મેદાન છે જ્યાં કિલ્લાની કિલ્લેબંધી, પ્રાચીન અવશેષો અને પાણીની ટાંકીઓ જોવા મળે છે. કિલ્લા પર આવેલું કોરીદેવીનું મંદિર પણ અહીંનું મહત્ત્વનું સ્થળ છે. ચોમાસામાં કિલ્લાની આસપાસ લીલીછમ પહાડીઓ, ધુમ્મસથી ઢંકાયેલો સહ્યાદ્રિનો નઝારો અને વરસાદી વાતાવરણ આ ટ્રેકને વધુ સુંદર બનાવી દે છે. કિલ્લાની ટોચ પરથી આમ્બિ વૅલી, મુળશી વિસ્તાર અને આસપાસની સહ્યાદ્રિ પર્વતમાળાનો મનમોહક વ્યુ જોવા મળે છે.
આજકાલ અનેક ટ્રેકિંગ ગ્રુપ્સ મૉન્સૂન દરમ્યાન ખાસ ટ્રેકનું આયોજન કરે છે. ટ્રેકિંગ-ગ્રુપ સાથે જવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ટ્રાન્સપોર્ટ, ભોજન અને આયોજનની ચિંતા કરવી પડતી નથી. મોટા ભાગના મૉન્સૂન ટ્રેક એક દિવસના હોવાથી એમાં નાઇટ સ્ટે હોતો નથી. સામાન્ય રીતે રાત્રે દસથી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે બોરીવલી, અંધેરી, દાદર, સાયન, થાણે અથવા કલ્યાણ જેવા વિવિધ પિક-અપ પોઇન્ટ પરથી બસ અથવા ટેમ્પો ટ્રાવેલર દ્વારા પ્રસ્થાન કરવામાં આવે છે. આખી રાતની મુસાફરી બાદ વહેલી સવારે ટ્રેકના બેઝ વિલેજ પહોંચવામાં આવે છે જ્યાં ફ્રેશ થવાની અને ચા-નાસ્તાની વ્યવસ્થા હોય છે. ત્યાર બાદ ટ્રેક-લીડર દ્વારા સલામતીની સૂચનાઓ આપવામાં આવે છે અને ટ્રેકની શરૂઆત થાય છે. ટ્રેકના પ્રકાર અને મુશ્કેલીના સ્તરના આધારે લગભગ પાંચથી ૬ કલાક સુધી ચડાણ અને ઉતરાણનો સમય લાગે છે. વચ્ચે વૉટરફૉલ, વ્યુ પૉઇન્ટ અથવા કિલ્લા પર થોડો સમય આરામ, ફોટોગ્રાફી અને પ્રકૃતિનો આનંદ માણવા માટે આપવામાં આવે છે. ટ્રેક પૂરો થયા બાદ ફરી બેઝ વિલેજ પર પાછા આવીને બપોરનું ગરમ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. ત્યાર બાદ બપોરે મુંબઈ તરફ પાછા ફરવામાં આવે છે અને ટ્રાફિકની સ્થિતિના આધારે સાંજે લગભગ છથી ૮ વાગ્યાની વચ્ચે તમામ પિક-અપ પૉઇન્ટ પર ડ્રૉપ કરવામાં આવે છે. મોટા ભાગના ટ્રેકિંગ-પૅકેજમાં આવવા-જવાની મુસાફરી, સવારે ચા-નાસ્તો, બપોરનું ભોજન, અનુભવી ટ્રેક-લીડર, સ્થાનિક ગાઇડ, ફર્સ્ટ એઇડ કિટ અને જરૂરી પરવાનગીઓ સામેલ હોય છે. ટ્રેકિંગમાં ભાગ લેતાં પહેલાં યોગ્ય ટ્રેકિંગ-શૂઝ, રેઇનકોટ અથવા પોન્ચો, વધારાનાં કપડાં, વ્યક્તિગત દવાઓ, પૂરતું પાણી અને નાની બૅકપૅક સાથે રાખવાં જરૂરી છે. સાથે જ ટ્રેક-લીડરની સૂચનાઓનું પાલન કરવું, પ્લાસ્ટિક કે કચરો જંગલમાં ન ફેંકવો અને વરસાદ દરમ્યાન જોખમી જગ્યાએ સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ. સારી તૈયારી અને જવાબદાર વર્તન સાથે કરવામાં આવેલો મૉન્સૂન ટ્રેક માત્ર રોમાંચક જ નહીં, સુરક્ષિત અને યાદગાર અનુભવ પણ બની શકે છે.