29 June, 2025 04:10 PM IST | Varanasi | Laxmi Vanita
ડૉ. શિપ્રા
વારાણસીના લોકોમાં હાલમાં તેમના કાર્યને કારણે જાણીતાં બનેલાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. શિપ્રા ધર પોતાની પ્રૅક્ટિસમાં દીકરીના જન્મ વખતે ભાગ્યે જ પેરન્ટ્સને ખુશ થતાં જોતાં હતાં. લોકો દીકરીને સન્માન સાથે આવકારે અને સમાજમાં દીકરીઓને બોજ સમજવાનું બંધ કરે એ માટે જેમને દીકરી જન્મે તેમની પાસેથી કોઈ જ ચાર્જ નથી લેતાં. તેમના કાર્યને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યું છે
સમાજમાં જ્યાં દીકરીનો જન્મ ઉદાસી, ચિંતા અને ક્યારેક તો કોઈનું મરણ થયું હોય એવા ભાવથી સત્કારવામાં આવે છે એ વિચારધારાને બદલવા માટે કેટલાય લોકો પ્રયાસો કરે છે. કેટલાય NGO દીકરીઓના જન્મ વિશેની માન્યતા બદલવા કામ કરી રહ્યા છે. એવામાં વારાણસીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. શિપ્રા ધરે એક એવી પહેલ કરી જે વાસ્તવમાં પ્રેરણાદાયી છે. ૨૦૧૪માં તેમણે પોતાના ક્લિનિકમાં જ્યારે પણ દીકરીનો જન્મ થાય ત્યારે પરિવાર પાસેથી એક પણ રૂપિયો ન લેવાનો નિયમ બનાવી દીધો. ગયા વર્ષ સુધીના આંકડા મુજબ અંદાજે તેમણે આજ સુધી ૭૦૦ જેટલી દીકરીઓની ડિલિવરી કરી છે. તેમનું આ કામ ધીરે-ધીરે લોકોના ધ્યાનમાં આવી રહ્યું છે. ત્યારે આ ડૉક્ટરના સંઘર્ષ અને સમાજને બદલવા માટેના પ્રયાસ વિશે વિસ્તારથી જાણીએ.
ડૉક્ટરનો પરિચય
વારાણસીના અશોક વિહાર વિસ્તારમાં કાશી મેડિકૅરમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. શિપ્રા ધરનો જન્મ ધનબાદ, ઝારખંડમાં થયો છે. તેઓ ૭ વર્ષનાં હતાં ત્યારે પપ્પા ધરણી ધરનું અવસાન થયું. તેઓ તેમના પેરન્ટ્સનું એકમાત્ર સંતાન હતાં. તેમના ઘરમાં કોઈને એક જ દીકરી હોવાથી સમસ્યા નહોતી પરંતુ પપ્પાના અવસાનથી આસપાસના લોકોની પ્રતિક્રિયામાં બહુ જ અણગમો દેખાયો. દીકરી તો લગ્ન કરીને જતી રહેશે, જો દીકરો હોય તો મમ્મીનું ધ્યાન રાખે. એથી નાનપણથી મનમાં એક જોશ હતું કે કંઈક એવું કામ કરવું છે કે પપ્પાનું નામ રોશન કરવું છે. પપ્પાના અવસાન પછી મમ્મી અને નાનીના પરિવારે જ સંપૂર્ણ સપોર્ટ કરીને શિપ્રા ધરને ડૉ. શિપ્રા બનાવ્યાં. ૨૦૦૦ની સાલમાં MD પૂરું કર્યા બાદ તેમણે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. એક દીકરા અને દીકરીની મમ્મી ડૉ. શિપ્રા સાથે એવા ઘણા નાના-નાના કિસ્સાઓ બન્યા જેનું મોટું સ્વરૂપ બેટી બચાઓ અને નારી સશક્તિકરણના રૂપમાં આજે સમાજને દેખાઈ રહ્યું છે.
બેટી નહીં હૈ બોઝ, આઓ બદલેં સોચ
૨૫ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ડૉ. શિપ્રાએ તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જ એક તીક્ષ્ણ નિરીક્ષણ કર્યું જે તેમને બહુ જ ખૂંચી રહ્યું હતું. જ્યારે પણ દીકરાનો જન્મ થાય તો હૉસ્પિટલની બહાર જ જોરશોરથી બધાઈ અને ઉજાણીનો અવાજ આવતો પરંતુ જ્યારે દીકરી જન્મતી તો એકદમ સન્નાટો રહેતો. આ વાતનું તેમને બહુ જ દુઃખ થતું હતું. ડૉ. શિપ્રાના હસબન્ડ ડૉ. મનોજ શ્રીવાસ્તવે તેમને આ કાર્ય માટે ખૂબ જ સપોર્ટ કર્યો. ડૉક્ટર હસબન્ડે કહ્યું કે આ પરિસ્થિતિમાં દીકરીનાં માબાપના ચહેરા પર ખુશી જોવી હોય તો કોઈ પણ ચાર્જ ન લેવો. એથી ૨૦૧૪માં ૨૫ જુલાઈએ ડૉ. શિપ્રાએ એક અભિયાન શરૂ કર્યું. તેમના ક્લિનિકના બોર્ડ પર લખ્યું, ‘બેટી નહીં હૈ બોઝ, આઓ બદલેં સોચ’. જ્યારે પણ દીકરીનો જન્મ થાય એટલે પરિવાર સાથે પૈસાની વાત જ નહીં કરવાની. એમાંય પરિવારને દીકરી જન્મની ખુશી સેલિબ્રેટ કરવા પરિવાર અને તેમના સંબંધીઓમાં મીઠાઈ પણ પોતે લાવીને વહેંચે જેથી તેઓ દીકરી જન્મના મહત્ત્વને સમજે. દીકરાનો જન્મ થાય તો જ પૈસા આપવાના.
શિક્ષણ વિશે કેમ વિચાર આવ્યો?
ડૉ. શિપ્રાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં એક કિસ્સો શૅર કર્યો હતો જેમાં તેમના દીકરાએ તેમના વિચારોને ફંફોળ્યા. બન્યું એવું કે ડૉ. શિપ્રાને ત્યાં જે કામવાળાં બહેન કામ કરતાં હતા તેમની તબિયત ખરાબ થઈ જતાં એ બહેનની બે દીકરીઓ કામ કરવા આવી હતી. એમાં મોટી દીકરીની ઉંમર ઠીક હતી પરંતુ નાની દીકરી બહુ જ નાની હતી. એ સમયે ડૉ. શિપ્રાનો દીકરો નાનો હતો અને સ્કૂલમાં ભણતો હતો. તેમના દીકરાએ એ નાની છોકરીને કામ કરતાં જોઈને કહ્યું કે મમ્મી, તમે આ શું કરો છો? નાની છોકરી પાસે કામ કરવાનું ગેરકાયદેસર છે હું તમને જેલ કરાવી દઈશ. ત્યારે ડૉ. શિપ્રાએ વિચાર કર્યો કે જો સ્કૂલનાં નાનાં બાળકો આવું વિચારી શકે તો આપણે મોટાઓ કેમ કંઈ ન કરી શકીએ? ત્યારથી જ નક્કી કર્યું કે આસપાસ જેટલાં પણ કામવાળાં બહેનની દીકરીઓ છે તેમને હૉસ્પિટલમાં જ ભણાવવાનું શરૂ કરીએ. શરૂઆતમાં ૧૨ દીકરીઓ હતી, પછી તેમણે પ્રાઇમરી એજ્યુકેશન માટે એક ટીચર પણ નિયુક્ત કર્યા. ધીરે-ધીરે એ સંખ્યામાં વધારો થયો. બાળકોનો ભણવામાં રસ વધ્યો ત્યારે તેમના વાલીઓએ તેમને સરકારી શાળામાં દાખલો પણ કરાવી દીધો. આવી રીતે એ દીકરીઓ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનમાં આવી. અત્યારે ૪૦ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવે છે. ૨૫ એવી દીકરીઓ છે જેમને વોકેશનલ એટલે કે કોઈ પણ ભરત, સિલાઈકામ કરીને પગભર કરવાની કોશિશ થઈ રહી છે.
જ્યારે પેરન્ટ્સ ડૉ. શિપ્રા પાસે આવીને પોતાની દીકરીઓને તેમના જેવી બનાવવાનું કહે છે ત્યારે તેમનું મોટિવેશન બેવડાઈ જાય છે. એ સિવાય તેઓ વડીલ મહિલાઓ માટે અન્ન બૅન્ક પણ ચલાવે છે. સાંજે સમય મળે ત્યારે તેમની આસપાસ રહેતી દીકરીઓને લાઇફ સ્કિલ અને હાઇજીન શીખવાડે છે. ટૂંકમાં જેટલું શક્ય છે એટલું કરે છે. તેમના આવા અથાગ પ્રયાસ બદલ તેમને ગયા વર્ષે ઇન્ડિયા વિકાસ પરિષદ દ્વારા સર્વોત્તમ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ સન્માનમાં શિલ્પા શેટ્ટી અને ઉદિત નારાયણ જેવી હસ્તીઓ પણ સામેલ હતી.
સંઘર્ષમાં આશાનું કિરણ હોય છે
લોકો જ્યારે આવાં કાર્ય કરીને સરકાર પાસે સહકારની અપેક્ષા રાખતા હોય છે ત્યારે આ ડૉક્ટર કોઈની પાસે કોઈ અપેક્ષા નથી રાખતાં. તેઓ માને છે કે આ તેમના પોતાના વિચારો છે અને સમાજના વિચારોને બદલવામાં સમય લાગે છે. પોતાનું ક્લિનિક ચલાવતાં હોય અને દીકરીઓના જન્મ પછી ફી ન લેવામાં આવે તો સ્વાભાવિક ક્લિનિક ચલાવવામાં આર્થિક સંકડામણ નડવાની. જ્યારે પણ આ વિચાર આવે ત્યારે ડૉ. શિપ્રાને તેમના હસબન્ડના શબ્દો પ્રેરણા આપે છે. સમાજના વિચારો બદલવાની કિંમત નથી હોતી અને એ કામ સરળ નથી હોતું. દીકરીના જન્મની ઉજાણીથી વાત અટકી નથી જતી. જન્મ અને શિક્ષણ તેમના મૂળ હકો છે. તેથી તેમને ભવિષ્યમાં અન્ડરપ્રિવિલેજ્ડ દીકરીઓને શિક્ષણ મળી રહે એ માટે શાળા બનાવવી છે. આ સિવાય તેઓ ફ્રી હેલ્થ ચેક-અપ કૅમ્પનું આયોજન પણ કરે છે.