જરાક અમથા વરસાદમાં અંધેરી સબવે મિની સ્વિમિંગ-પૂલ કેમ બની જાય છે?

06 June, 2026 12:21 PM IST  |  Mumbai | Ruchita Shah

૩ દિવસ પહેલાં પડેલાં વરસાદનાં ઝાપટાંમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા અંધેરી સબવેની આ સમસ્યાનું સમાધાન કેમ નથી આવતું આજ સુધી? મુંબઈ મહાનગરપાલિકા દર વખતે દાવો કરે છે, પણ પરિણામ ન આવવા પાછળનાં ટેક્નિકલ કારણો પણ જાણી લો

૬૦૦ કરોડ રૂપિયા જો કોઈ મુંબઈ મહાનગરપાલિકાને આપે તો જ તેઓ અંધેરી સબવેના પ્રશ્નનું સૉલ્યુશન લાવી શકે એવો પ્રોજેક્ટ રિપોર્ટ તેમણે તૈયાર કર્યો છે અને નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી પાસે સબમિટ પણ કર્યો છે

મુંબઈનું ચોમાસું જગજાહેર છે. અહીંના વરસાદની પોતાની બ્યુટી છે, પરંતુ આ બ્યુટી ભયાનક થઈ જતી હોય છે જ્યારે મુંબઈના અમુક વિસ્તારો થોડાક વરસાદનો માર પણ સહન ન કરી શકે અને જમીન પર જ પાતાળલોકનાં દર્શન કરાવવા માંડે. મુંબઈનો એવો જ એક વિસ્તાર એટલે અંધેરી સબવે. એણે આ વખતે ચોમાસાં પહેલાંના જરાસરખા પહેલા વરસાદમાં જ BMCની તૈયારીઓની પોલ ખોલી નાખી અને સાથે આવી રહેલા ચોમાસામાં કેવા બેહાલ થવાના છે એનો પરચો પણ મુંબઈકરોને આપી દીધો.

દર વર્ષે જૂન મહિનાની શરૂઆત થતાં જ મુંબઈગરાઓ પોતાનાં રેઇનકોટ અને છત્રીઓ શોધે, કે ન શોધે મીડિયાવાળા અંધેરી સબવે પર પોતાની કૅમેરા-ટીમો ગોઠવી દે છે. એકલા જુલાઈ મહિનામાં જ લગભગ દસેક વાર અંધેરી સબવે બંધ રહેતો હોય છે. સોશ્યલ મીડિયા પર અંધેરી સબવેમાં ભરાતા પાણી માટે એવા જોક્સ પણ આવતા રહે છે કે લોકો ૪ બાલદી પાણી નાખે અને અંધેરી સબવે ભરાઈ જશે. આ સબવે બંધ ન થાય ત્યાં સુધી મુંબઈમાં ચોમાસું બેઠું ગણાય જ નહીં એવું પણ મનાય છે. દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે ચોમાસા પહેલાંની તૈયારીઓ અને નાળાંસફાઈના દાવાઓ કરે છે એ પછીયે વાસ્તવિકતા એ છે કે થોડાક વરસાદમાં પણ અંધેરી સબવેમાં પાણી ભરાઈ જાય છે અને ટ્રાફિક-પોલીસ ‘સબવે બંધ છે’નાં પાટિયાં લગાવી વાહનોને ડાઇવર્ટ કરીને પોતાની ફરજ પૂરી કરી લે છે. આજે જાણીએ કે લોકોની હાલાકી, મીડિયાની ટીકા અને તમામ દાવાઓ પછીયે શું કામ પ્રશાસન અંધેરી સબવેમાં ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાનું સમાધાન નથી શોધી શક્યું.

શું કામ મહત્ત્વનો?

એન્જિનિયરિંગના કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે ડિઝાઇન-ફેલ્યર એટલે શું? તો તે સીધો ૫૦ વર્ષ જૂના અંધેરી સબવેનો દાખલો આપી શકે છે. આ સબવે કોઈ સામાન્ય રસ્તો નથી, આ એક ભૌગોલિક કૂવો છે. અંધેરી સબવે કુદરતી રીતે જ એક રકાબી આકારના લો-લાઇંગ એરિયામાં આવેલો છે. એન્જિનિયરિંગના ચોપડા ખોલીએ તો ખબર પડે કે આ સબવેનો પાયો સમુદ્રની સપાટી કરતાં લગભગ અડધો ફુટ નીચે છે એટલે કે અંધેરી ઈસ્ટ અને વેસ્ટ બન્ને તરફથી વહીને આવતું પાણી ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ સીધું આ રકાબીમાં જ આવીને ભેગું થાય છે.

 આટલી અગવડ પછીયે કેમ એનું સૉલ્યુશન નથી આવતું? આના જવાબમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કેટલાંક સાચાં લૉજિકલ કારણો અપાતાં રહ્યાં છે. અંધેરી સબવે નીચાણવાળા વિસ્તારમાં છે એટલે વરસાદનું પાણી ઝડપથી અહીં ભેગું થાય છે. સાંકડો રસ્તો છે અને નજીકમાં આ પાણીનો નિકાલ જ્યાંથી થાય છે એ મોગરા નાળાનો ખાંચો પણ સાંકડો છે અને સૌથી અજીબ લાગે એવી બાબત એ કે મોગરા નાળાનું ટર્નિંગ સબવેની નજીક ૯૦ની ડિગ્રીમાં છે એટલે પાણીનો ફ્લો આ વળાંક પર બાઉન્સબૅક થાય અને ધીમો પણ પડે. નાની જગ્યામાં નાળા સાથે સબવે, આજુબાજુ ગીચતા અને ઉપર રેલવેલાઇન એમ દરેક બાજુથી ઘેરાયેલા આ વિસ્તારમાં કોઈ પણ ડેવલપમેન્ટ કરવું લગભગ અસંભવ જેવું છે. ૪૦ મિલીમીટર જેવો સામાન્ય વરસાદ પણ અહીં પાણી ભરી દેવા માટે પૂરતો થઈ જાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૩ વૉટર-પમ્પ ઑલરેડી બેસાડ્યા છે જે અંધેરી સબવેમાં ભેગું થતું પાણી શોષી લે. જોકે અંધેરી સબવેના ભૂગર્ભમાં પથ્થરો હોવાથી વધુ પમ્પ બેસાડવાનું શક્ય જ નથી.

વધુ એક મહત્ત્વના મુદ્દા પર BMCના એક નિવૃત્ત ડેપ્યુટી ચીફ એન્જિનિયરે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘અમે જ્યારે ડ્રેનેજ લાઇનો જોઈ ત્યારે આશ્ચર્ય થયું. અંધેરી સબવેની આસપાસથી ૧.૩ મીટર વ્યાસ ધરાવતી ૪ મોટી તોતિંગ ડ્રેનેજ લાઇનો આવે છે. આ ચારેય લાઇનો ભેગી થઈને જ્યાં ખાલી થાય છે એ મુખ્ય આઉટફૉલ લાઇન માત્ર ૩.૩ મીટરની છે. હવે ૪ મોટી નદીઓનું પાણી એક નાની નહેરમાં નાખશો તો પાણી રસ્તા પર જ આવશેને? બીજી વાત. અંધેરી સબવે નજીક આવેલું મોગરા નાળું માત્ર કલાકના ૧૫થી ૧૮ મિલીમીટર વરસાદને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે વરસાદ ન હોય ત્યારે પણ ત્યાંથી પાણીનો ફ્લો વહેતો હોય છે. મુંબઈમાં ક્લાઇમેટ ચેન્જને કારણે હવે ૨૦ મિનિટમાં ૩૦ મિલીમીટર વરસાદ પડી જાય છે. એમાં પણ જો આ સામાન્ય વરસાદ ભરતીના સમયે થાય તો મોગરા નાળાનું પાણી અરબી સમુદ્ર સ્વીકારવાનો જ ધરાર ઇનકાર કરી દે છે. સમુદ્રનું પાણી સામો ધક્કો મારે છે અને સબવે સેકન્ડોમાં જળસમાધિ લઈ લે છે.’

કરવું શું?

અંધેરી સબવેનું લોકેશન ટ્રાન્સપોર્ટેશનની દૃષ્ટિએ મહત્ત્વનું છે. જોકે અહીંની ગીચતા, અહીંનું લોકેશન ટેમ્પરરી રિલીફ માટે પણ મુંબઈ મહાનગરપાલિકાને અવકાશ નથી આપતાં. અંધેરી ઈસ્ટ અને વેસ્ટને કનેક્ટ કરતો આ સબવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પણ નજીક છે. ઉપરની બાજુએ રેલવેલાઇન છે. સબવેની નીચે માટીની જમીન નહીં પણ પથ્થરો છે એટલે મુંબઈની અન્ય જગ્યાએ પાણી ખેંચવાના પમ્પ અને અન્ડરગ્રાઉન્ડ વૉટર-ટૅન્ક બેસાડવામાં BMCને સફળતા જેમ મળી છે એમ એ સેમ ફૉર્મ્યુલા અહીં શક્ય નથી. અત્યારે બે વૉટર-પમ્પ અંધેરી સબવેની નજીક અને એક પમ્પ અંધેરી સબવેના વિસ્તારમાં ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળે છે.

આ સબવેની ભૌગોલિક સ્થિતિ જ એને પૂર માટે અનુકૂળ વાતાવરણ આપે છે. આ જ કારણ છે કે થોડાક વરસાદમાં જ ટ્રાફિક-પોલીસ અંધેરી સબવેના ટ્રાફિકને ગોખલે બ્રિજ પર ડાઇવર્ટ કરી નાખે છે. બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર પણ ૩ કિલોમીટરના અંતરે છે જે ચોમાસામાં ટ્રાફિકથી ભરચક હોય છે કારણ કે અંધેરી સબવેનું આવાગમન અટકી ગયું હોય છે. આ જ કારણથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એસ. વી. રોડનો ટ્રાફિક પણ વધી જાય છે. BMCના કોઈ વરિષ્ઠ અધિકારીને જ્યારે પણ પૂછવામાં આવે કે સાહેબ, આ વર્ષે અંધેરી સબવે ખુલ્લો રહેશે? ત્યારે તેમનો બંધબેસતો જવાબ તૈયાર જ હોય છે. BMCના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે ‘અમે અંધેરી સબવે ખાતે ૨૦૦થી ૫૦૦ હૉર્સપાવરના હેવી-ડ્યુટી ડીઝલ પમ્પ ગોઠવ્યા છે. પાણી ભરાશે તો અમે એને મિનિટોમાં ખેંચી લઈશું.’

આ સૉલ્યુશન છે?

અંધેરી સબવેની નજીક આવેલા એક ગ્રાઉન્ડની નીચે વૉટર હોલ્ડિંગ પૉન્ડ્સ બનાવવાની દિશામાં મુંબઈ મહાનગરપાલિકાનું છેલ્લાં આઠેક વર્ષમાં કરેલું ગ્રાઉન્ડ વર્ક હવે તૈયાર છે, પરંતુ એમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ છે. જો આ થાય તો એક કલાકમાં ૭૫ મિલીમીટર જેટલો વરસાદ ખમવાની ક્ષમતા આવી જશે. બીજા એક ઉપાય પર મુંબઈ મહાનગરપાલિકાએ અભ્યાસ કર્યો છે કે મોગરા નાળાના નેવું ડિગ્રીના વળાંકની અસર ઓછી કરવા એને નૉર્થ અને વેસ્ટ વૉર્ડનાં નાળાંઓ તરફ વાળવાં. જોકે એ કામમાં પણ લગભગ અઢીસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને એનાથી પંચાવન મિલીમીટર જેટલો રેઇનફૉલ થાય તો પાણી નહીં ભરાય એટલી બાંયધરી મળશે. એ સિવાય મુંબઈ મહાનગરપાલિકાએ અંધેરી સબવે પર એક બ્રિજ બનાવવાનો પણ વિચાર કરેલો, પરંતુ જગ્યાના અભાવ અને ઉપરથી પસાર થતી રેલવેલાઇનને કારણે એ પ્રૅક્ટિકલી સંભવ નહોતું.

આ જ વાત પર થોડાક સમય પહેલાં એક પ્રેસ-મીટિંગમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્વિની ભિડેએ કહ્યું હતું કે ‘અંધેરી સબવેના પ્રૉબ્લેમના સમાધાન પર અમારું રિસર્ચવર્ક પૂરુ થયું છે. ઍડ્વાન્સ ટેક્નૉલૉજી દ્વારા એનું સમાધાન શક્ય દેખાય છે. બહુ જલદી આ સમયસ્યાનું સમાધાન આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. જોકે અત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા તો ઊભી કરાઈ જ છે.’

ટૂંકમાં, અંધેરી સબવેમાં પાણી ભરાયા પછી એને કાઢવાની દિશામાં આયોજન છે, પરંતુ એ ભરાય નહીં એ માટેની યોજનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી હજી પેપર પર જ છે.

ચોમાસામાં સ્વિમિંગ-પૂલ બની જતા મુંબઈના અન્ય વિસ્તારો

૧. હિન્દમાતા જંક્શન : હિન્દમાતા એ મુંબઈનો વરસાદનું પાણી ભરાવા માટે સૌથી પ્રખ્યાત વિસ્તાર છે. આ વિસ્તારની આસપાસના તમામ વિસ્તારો જેમ કે પરેલ ફ્લાયઓવર અને દાદર ઊંચાઈ પર છે. આખા સેન્ટ્રલ મુંબઈનું પાણી વહીને હિન્દમાતા ચોક પર જ ભેગું થાય છે. BMCએ અહીં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ પાણીસંગ્રહ ટાંકીઓ બનાવી છે. એમ છતાં જો સતત અડધો કલાક મધ્યમ વરસાદ પડે એટલે આ ટાંકીઓ ભરાઈ જાય છે અને હિન્દમાતા ટાપુમાં ફેરવાઈ જાય છે. અહીંની જૂની બ્રિટિશકાળની ડ્રેનેજ સિસ્ટમ આધુનિક મુંબઈના કૉન્ક્રીટાઇઝેશનનો ભાર સહન કરી શકતી નથી.

૨. કિંગ્સ સર્કલ અને ગાંધી માર્કેટ: આ આખો પટ્ટો ભૌગોલિક રીતે અત્યંત નીચો છે. અહીંની ડ્રેનેજલા​ઇનો સીધી માહિમની ખાડી સાથે જોડાયેલી છે. જ્યારે પણ હાઈ-ટાઇડ આવે છે ત્યારે ખાડીનું ગંદું પાણી પાછું વળીને ગાંધી માર્કેટના રસ્તાઓ પર લાઇવ ફુવારાની જેમ બહાર નીકળે છે.

૩. કુર્લા, LBS માર્ગ અને શીતલ સિનેમા નજીકનો વિસ્તાર મીઠી નદીનો પ્રકોપ : કુર્લા એ મુંબઈનું હૃદય હોઈ શકે, પણ ચોમાસામાં એ મુંબઈનું વેનિસ બની જાય છે. આ વિસ્તાર કુખ્યાત મીઠી નદીના કિનારે વસેલો છે. મીઠી નદીમાં વર્ષોથી ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરા અને ગેરકાયદે બાંધકામોને કારણે નદીની ઊંડાઈ ગાયબ થઈ ગઈ છે. હળવા વરસાદમાં પણ જ્યારે બાવન નાળાંઓનું પાણી મીઠી નદીમાં જાય છે ત્યારે નદી તરત જ ઓવરફ્લો થઈને કુર્લાના રસ્તાઓ પર વહેવા લાગે છે. LBS માર્ગ પર પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે અહીંની આંતરિક ડ્રેનેજ સિસ્ટમમાં કચરો એટલો જામી ગયો છે કે પાણીને અંદર જવાની જગ્યા જ મળતી નથી.

૪. સાકીનાકા જંક્શન : અંધેરી-કુર્લા રોડ પર આવેલું સાકીનાકા જંક્શન તાજેતરનાં વર્ષોમાં નવું ફ્લડ-સ્પૉટ બન્યું છે. અહીં મેટ્રો લાઇન અને આસપાસનાં બેફામ કૉન્ક્રીટનાં બાંધકામોને કારણે જમીન કુદરતી રીતે પાણી શોષવાની ક્ષમતા સાવ ગુમાવી ચૂકી છે. અહીં રસ્તાઓનો ઢાળ એવો ખોટો બનાવવામાં આવ્યો છે કે હળવો વરસાદ પડતાં જ આખું જંક્શન એક તળાવ બની જાય છે જેને કારણે અંધેરી-ઈસ્ટમાં ભારે ટ્રાફિક જૅમ થઈ જાય છે.

૫. મિલન સબવે : અંધેરી સબવે જેવી જ ભૌગોલિક રચના મિલન સબવેની પણ છે. વેસ્ટર્ન રેલવેના ટ્રૅકની નીચેથી પૂર્વ અને પશ્ચિમને જોડતો આ સબવે પણ એટલો જ નીચો છે. જોકે અહીં મિલન ફ્લાયઓવર બની જવાથી વાહનચાલકો બચી જાય છે, પણ સબવે પોતે તો ૪ ટીપાંમાં જ હથિયાર હેઠાં મૂકી દે છે.

૬. ચર્ચગેટ, ઓવલ મેદાન અને મંત્રાલય ચોકઃ જે દક્ષિણ મુંબઈમાં ક્યારેય પાણી નહોતું ભરાતું ત્યાં હવે ચર્ચગેટ સ્ટેશનની બહાર અને મંત્રાલયની આસપાસ હળવા વરસાદમાં પણ પાણી જમા થવા લાગ્યું છે. મુંબઈમાં ચાલેલા મોટા પાયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ્સ અને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ના ખોદકામને કારણે વર્ષો જૂની બ્રિટિશકાલીન અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ ચૅનલો ક્યાંક ને ક્યાંક બ્લૉક થઈ ગઈ છે અથવા એમનો કુદરતી પ્રવાહ બદલાઈ ગયો છે. પરિણામે ટાઉન એરિયા પણ હવે ઉપનગરોની જેમ ડૂબવા લાગ્યો છે.

 

- પૂરક માહિતી : ઈશાનપ્રિયા એમ. એસ.

andheri mumbai mumbai monsoon mumbai rains columnists exclusive gujarati mid day ruchita shah