આજે જીત્યા એટલે વર્લ્ડ કપ જીત્યા બરાબર

24 October, 2021 10:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ક્રિકેટના આ મહાઉત્સવની ચરમસીમા સમાન આજના મુકાબલાને માણવા કેટલાક રસિકો છેક દુબઈ પહોંચી ગયા છે, તો કેટલાકે સોસાયટી કે મિત્રમંડળી સાથે આ મૅચ જોવાની ઉજવણી પ્લાન કરી લીધી છે

આજે જીત્યા એટલે વર્લ્ડ કપ જીત્યા બરાબર

દેશભરમાં જબરદસ્ત જુવાળ ઊભો કરતી ભારત-પાકિસ્તાનની મૅચ એટલે ક્રિકેટપ્રેમીઓ માટે તો દિવાળી કરતાંય મોટો ઉત્સવ. અરે ક્રિેકેટમાં રસ ન પડતો હોય એવો બંદો પણ આજે ટીવીની સામે બેસીને દેશભક્ત બની જશે. ક્રિકેટના આ મહાઉત્સવની ચરમસીમા સમાન આજના મુકાબલાને માણવા કેટલાક રસિકો છેક દુબઈ પહોંચી ગયા છે, તો કેટલાકે સોસાયટી કે મિત્રમંડળી સાથે આ મૅચ જોવાની ઉજવણી પ્લાન કરી લીધી છે

ગઈ કાલથી ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થઈ અને આજે ભારત માટે સૌથી મોટી મૅચનો મુકાબલો છે. ક્રિકેટને જ ધર્મ માનતા ભારતીયોનો મોટો વર્ગ આ મહામુકાબલાને મહાઉત્સવ બનાવવા કમર કસીને તૈયાર થઈ ગયો છે. કેટલાક ક્રિકેટફૅન્સ તો ખાસ મૅચ જોવા માટે દુબઈ પહોંચી ગયા છે, તો કેટલાકે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ જેવો માહોલ પોતાના જ ઘર, સોસાયટી, બંગલા કે રેસ્ટોરાંમાં મળીને ક્રીએટ કરવાની કોશિશ કરી છે. ભારત-પાકિસ્તાનની મૅચના પ્રત્યેક બૉલને માણવાની મજા ગ્રુપમાં જ આવે અને એમાંય જ્યારે ટી૨૦ વર્લ્ડ કપમાં આવો મુકાબલો પાંચ વર્ષ પછી જોવા મળી રહ્યો છે અને રવિવારની રજાનો દિવસ છે ત્યારે બાળકો, યુવાનો અને વડીલો એમ બધાં જ સુપરએક્સાઇટેડ છે. મુંબઈના અનેક ક્રિકેટપ્રેમીઓએ મૅચને મોટી સ્ક્રીન પર મિત્રો સાથે માણવા માટે રેસ્ટોરાંમાં બુકિંગ કરાવી લીધું છે, તો કેટલાકે પોતાની સોસાયટીના ગ્રાઉન્ડ અને ટેરેસ પર ક્રિકેટ-જલસો માણવાનું આયોજન કર્યું છે. આવો મળીએ થોડા ક્રિકેટપ્રેમીઓને જેમણે આજની મૅચને ખાસ બનાવવા માટે કમર કસી છે. 
આ મૅચ તો સાથે જ જોવાની
નવગામ વીસાનગર વણિક સમાજના કૃશાંત શાહ અને તેના દોસ્તો ક્રિકેટના જબરા ફૅન છે. માત્ર ફૅન છે એવું નથી, ક્રિકેટમાં સારુંએવું રમી પણ જાણે છે. બચપણથી જ્યારે ભુલેશ્વરમાં આ સમાજના બિલ્ડિંગમાં એક ચાલીમાં સાથે ઊછરેલા એક જ સમાજના દોસ્તો હવે તો કાંદિવલી-બોરીવલીના પરાના ફ્લૅટમાં સેટલ થઈ ગયા છે, પણ ક્રિકેટના પ્રેમે બધાને હજીયે એકબીજા સાથે જોડી રાખ્યા છે. કૃશાંત કહે છે, ‘અમે નાના હતા ત્યારથી જ આવી મોટી મૅચો સાથે જોતા. આમેય ચાલીમાં રહેતા હો તો તમે ભાગ્યે જ પોતાના ઘરે ટીવી જોયું હોય. પાડોશમાં દોસ્તો સાથે જ બધા ભેગા થઈ જવાનું હોય. ભારત-પાકિસ્તાન જેવી હાઈ-વૉલ્ટેજ ગેમ જોવાની હોય ત્યારે તો જલસો પડી જાય. એકાએક જાણે દેશભક્તિ રગરગમાં દોડવા માંડે અને પાકિસ્તાનની વિકેટને અને ભારતના ચોગ્ગા-છગ્ગાને જોરશોરથી સેલિબ્રેટ કરવાની. એ વખતે તો મને યાદ છે કે ભારત જીતે એ પછી લિટરલી ઢોલ-નગારાં લઈને અમે રસ્તા પર નાચવા નીકળી પડતા. હવે થોડું બદલાયું છે. મોટા ભાગના મારા સમાજના મિત્રો પરાં સાઇડ રહેવા આવી ગયા છીએ. હવે એમ ઢોલ-નગારાં લઈને નીકળી નથી પડતા, પણ બૉસ હજીયે ભારત-પાકિસ્તાનની મૅચ વખતનું જોશ શબ્દોમાં વર્ણવાય એવું નથી હોતું. ૨૦૧૯માં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવા પણ અમે ભેગા થયેલા, પણ ભારત હારી જતાં મજા કિરકિરી થઈ ગયેલી. જોકે વર્લ્ડ કપમાં તો રેકૉર્ડ છે કે ભારત કદી પાકિસ્તાન સામે હાર્યું નથી અને આ જ ટેમ્પો હજીયે બરકરાર રહેશે એવો વિશ્વાસ છે.’
કૃશાંતનું આ ગ્રુપ એકદમ હાર્ડકોર ક્રિકેટપ્રેમી ગ્રુપ છે. કૃશાંત અને તેના મિત્ર કૌશલ શાહ સીઝન બૉલ ક્રિકેટના અચ્છા પ્લેયર પણ છે અને જ્ઞાતિ વતી અનેક ટુર્નામેન્ટ્સ રમી પણ ચૂક્યા છે. દર વખતની જેમ આ વખતે કૃશાંત અને તેના દોસ્તોએ એક બંગલો ભાડે રાખીને રવિવારનો આખો દિવસ ત્યાં જ ગાળવાનું નક્કી કર્યું છે. ઘણા દિવસે બધા મળવાના છે એટલે બપોરે જમી-પરવારીને તરત જ બંગલે પહોંચી જઈશું એમ જણાવીને આગળના પ્લાનિંગ વિશે કૃશાંત કહે છે, ‘અમે દર વખતે ટીમ ઇન્ડિયાની જર્સી બનાવીએ છીએ. આ વખતે પણ નવી જર્સી આવી છે એ બનાવડાવી છે. અમારા જ એક કોલાબામાં રહેતા દોસ્તે એની ગોઠવણ કરી છે. સાથે પ્રૉપ્સ, પોસ્ટર્સ અને પીપૂડીઓ રાખીશું. મૅચની શરૂઆતમાં વાગતા રાષ્ટ્રગીત વખતે અમે બધા જ ઊભા થઈ જઈએ. ખરેખર એનાથી એક માહોલ બને છે. અમારો જ એક મિત્ર ડીજેની ભૂમિકા ભજવશે. કેટલાંક જોમ ચડાવી દે એવાં દેશભક્તિનાં ગીતોનો ટ્રૅક તૈયાર કરી રાખ્યો છે એટલે ભારતના ચોગ્ગા-છગ્ગા કે પાકિસ્તાનની વિકેટ પર એ ગીતો વગાડીને નાચીશું. સાચું કહું તો પાકિસ્તાન સામેની મૅચ તો જિગરી દોસ્તો સાથે જ જોવાની મજા આવે. પાકિસ્તાન વિરુદ્ધ જાણે ભડાસ કાઢવાની એવી મજા આવે કે ન પૂછો વાત. દોસ્તો સાથે મૅચ જોતા હોઈએ એટલે પેલા ટુચકા અને સુપરસ્ટિશન પણ માનીએ. એક જગ્યાએ ચોક્કસ પોઝિશનમાં બેઠા હોઈએ ત્યારે ભારત સારું રમતું હોય તો હું હલુંયે નહીં. અરે, એક વાર તો એક ફ્રેન્ડ ચાલુ મૅચમાં બાથરૂમ કરવા ગયો અને એ જ વખતે પાકિસ્તાનનો એક જામી ગયેલો બૅટ્સમૅન આઉટ થઈ ગયો. બસ, પછી તો પેલાને રૂમમાં આવવા જ ન દીધો. મજાની વાત એ કે પેલો ફ્રેન્ડ પણ ભારત જીતતું હોય તો રૂમની બહાર ઊભો રહેવા તૈયાર થઈ ગયો. ભારત જીતે એ માટે કંઈ પણ કરી છૂટીએ. આ બધું કર્યા પછી જ્યારે ભારત જીતે ત્યારે જે ખુશી હોય એ વર્લ્ડ કપ જીતી ગયા જેટલી હોય.’
સ્ટેડિયમ જેવી ફીલ ટેરેસ  પર 
મુંબઈનાં વિવિધ પરાંઓમાં રહેતા બાળપણના ૨૦ ગુજરાતી મિત્રોએ ભેગા થઈને મિત્રની ખૂબ મોટી ટેરેસ પર મૅચ જોવા માટે વિશેષ ઇવેન્ટ યોજી છે. આ વિશે ઘાટકોપર-વેસ્ટમાં રહેતાં હર્ષ સંપત કહે છે, ‘અમે બધા ક્રિકેટના ડાય-હાર્ડ ફૅન છીએ. ૨૦૦૩થી અમે મૅચ જોવા જઈએ છીએ. મુંબઈમાં વાનખેડે કે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આઇપીએલ હોય તો છેક માટુંગા, ઘાટકોપરથી મૅચ જોવા માટે જતા હતા. મારો ભાઈ તો સાઉથ આફ્રિકા સુધ્ધાં મૅચ જોવા ગયો છે. બૅન્ગલોરથી લઈને અનેક ઠેકાણે અમે મિત્રો મૅચ જોવા ગયા છીએ. આ તો કોરોનાકાળ ચાલી રહ્યો છે, નહીં તો અમે ૧૦૦ ટકા ભારત-પાકિસ્તાનની મૅચ જોવા દુબઈમાં હોત અમે એ રિયલી મિસ કરી રહ્યા છીએ. સ્ટેડિયમને મિસ ન કરીએ એટલે માટુંગામાં જવેર નિવાસમાં રહેતા મારા મિત્રની ટેરેસ ઘણી મોટી છે ત્યાં અમે સ્ટેડિયમનો અનુભવ કરતું ડેકોરેશન કરીશું. ચારેય બાજુ ફ્લૅગ લગાવીશું. વ્હિસલ્સ, પોપપ, જર્સી ઑર્ડર કરી દીધાં છે. ૩ કિલો સિંગ-ચણા, અનેક પ્રકારના ફાસ્ટ ફૂડની આઇટમ જેવવી ખાણીપીણીની વ્યવસ્થા કરી છે. અમે ઝૂમ પર એકસાથે ખાવાનું શું રાખવું એ માટે તથા તૈયારીઓ વિશે મીટિંગ કરી હતી. પાંચ બાય ચાર ફુટની મોટી પ્રોજેક્ટર સ્ક્રીન અને એના પર એક તંબુ જેવો શેડ તૈયારી કરીશું. મૅચની મજા માણવામાં અમારો ડીજે ફ્રેન્ડ પ્રોફેશનલી ડીજે વગાડવા આવવાનો છે. એક પણ વાત બાકી નથી રાખી. અમે ફીલ કરશું કે અમે સ્ટેડિયમમાં જ બેઠા છીએ.’
ટેન્થના ટીનેજર્સનો જલસો
સાયનમાં રહેતા દસમા ધોરણમાં ભણતા મોક્ષ મહેતાએ પણ દોસ્તો સાથે મળીને મૅચ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. મોક્ષ કહે છે, ‘આમ તો અમારી ફર્સ્ટ નવેમ્બરથી એક્ઝામ છે, પણ ભારત-પાકિસ્તાનની મૅચ છે એટલે અમને મૅચ જોવાની પેરન્ટ્સ તરફથી છૂટ મળી ગઈ છે. પેરન્ટ્સ પણ દોસ્તો સાથે મળીને મૅચ જોવાના છે તો અમે કેમ નહીં? એટલે માટુંગામાં રહેતા મારા એક ફ્રેન્ડને ત્યાં અમે ભેગા થવાના છીએ. તેના પેરન્ટ્સ બીજાને ત્યાં મૅચ જોવાના છે એટલે અમે લગભગ દસેક ફ્રેન્ડ્સ તેના ઘરે મૅચ જોઈશું. ડિનર બહારથી જ ઑર્ડર કરીશું. આ મૅચ દોસ્તો સાથે માણીને એક્ઝામ પહેલાંનો અમારો સ્ટ્રેસ પણ થોડો હળવો થશે. અત્યાર સુધી અમે ફૅમિલી સાથે જ આવી મૅચો જોતાં, પણ આ વખતે પહેલી વાર દોસ્તો સાથે માણીશું. એક્ઝામ્સ માથે હોવાથી મહામહેનતે પેરન્ટ્સ પાસેથી આ મૅચ જોવાની છૂટ મળી છે, ભારત-પાકિસ્તાન.’
૧૦૦ ફીટની સ્ક્રીન પર મૅચ
ગોરેગામ-વેસ્ટના બોહો બાર ઍન્ડ રેસ્ટોરાંમાં લગભગ ૧૦૦ ફુટ ઊંચી સ્ક્રીનમાં ભારત-પાકિસ્તાનની આજની મૅચ માણવા માટે છેક ઘાટકોપરથી જ્વેલ ગૅલૅક્સી ગ્રુપના મિત્રોની ટોળકી ભેગી થવાની છે. તેમના કાર્યક્રમ વિશે ગ્રુપના ફાઉન્ડર મેમ્બર જિજ્ઞેશ ખિલાણી કહે છે, ‘અમે તો દર વખતે આવી હાઈ-વૉલ્ટેજ મૅચ જ્વેલ ગૅલૅક્સીના તમામ મેમ્બરો સાથે મળીને જોતા આવ્યા છીએ. આ વખતે પણ ઇચ્છા તો હતી કે બધા મેમ્બરોને ભેગા કરીને સેંકડોની સંખ્યામાં સાથે મૅચ માણીએ, પણ કોરોનાની ગાઇડલાઇનને કારણે એ સંભવ નહોતું બન્યું એટલે અમે માત્ર કમિટી-મેમ્બરો જ ભેગા મળીશું. બોહો રેસ્ટોરાંમાં ૧૦૦ ફુટ ઊંચી જાયન્ટ સ્ક્રીન છે અને એ માટે અમે પહેલેથી જ બુકિંગ કરાવી લીધું છે. ’

સોસાયટીઓ પણ ઊજવણીમાં પાછળ નથી 
મલાડની પ્રીતિ કો-ઑપરેટિવ સોસાયટીમાં પણ આવો જ માહોલ જામવાનો છે. આ સોસાયટીના મેમ્બરો તો એટલા ક્રિકેટપ્રેમી છે કે અહીં ટર્ફ ક્રિકેટ પણ રમાય છે. તેમની જ સોસાયટીના મેમ્બરોની આઠ ટીમો બને અને એમાં બહેનો પણ ભાગ લે. પ્રીતિ પ્રીમિયર લીગ નામે ટર્ફ ટુર્નામેન્ટ રમતી આ સોસાયટીના સેક્રેટરી વિક્રમ પારેખ કહે છે, ‘બે-પાંચ મેમ્બરોને બાદ કરતાં અમારી સોસાયટીમાં મોટા ભાગના ગુજરાતીઓ છે અને એ પણ જબરા ક્રિકેટપ્રેમી. એમાંય છેલ્લા ઘણા વખતથી સોસાયટીનું કોઈ ફંક્શન જેવું નહોતું થયું. આજે રવિવાર છે, ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો છે ત્યારે ભેગાં મળીને ક્રિકેટ માણવાથી મોટો બીજો કયો અવસર મળે? અમારું ગ્રાઉન્ડ બહુ મોટું છે એટલે અમે એમાં મોટી સ્ક્રીન મૂકીને બધા સાથે જોઈશું. એક તરફ ખુરસીઓ હશે ને બીજી તરફ ખાણીપીણીની વ્યવસ્થા પણ છે. ભેળપૂરી, સેવપૂરી, ચાટ જેવી આઇટમોના સ્ટૉલ્સ રાખીશું એટલે જેને જે ખાવું હોય એ ખાય, ભારતને ચિયર કરે અને એન્જૉય કરે.’
બોરીવલીના શિંપોલીમાં ગોખલે સ્કૂલની બાજુમાં ‘ઓમ સમર્પણ’ નામના ૧૪ માળના ટાવરમાં ૯૦ ટકા ગુજરાતીઓની વસ્તી છે. ભારત-પાકિસ્તાનની મૅચ માટે જોરશોરથી તૈયારી કરતી બોરીવલીની ‘ઓમ સમર્પણ’ સોસાયટીમાં લોકો સુપર એક્સટાઇટેડ થઈને બિગ સ્ક્રીનથી લઈ જમણવાર સાથેનો જલસો મૅચ દરમ્યાન જોવા મળશે. અહીંના રહેવાસી અશોક પડિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘૬ બાય ૮ સાઇઝની મોટી સ્ક્રીન સાથે ફુલ જલસો કરવાનો પ્રૉપર પ્લાન તૈયાર કર્યો છે. અમારી સોસાયટીના લોકો ક્રિકેટ ઉત્સવ મનાવવાના છે અને એ દિવસે એકેયના ઘરે જમવાનું બનાવાનું નથી. કારણ કે અમે કેટરરને ઑર્ડર આપી દીધો છે. સોસાયટીમાં વિશાળ જગ્યા છે ત્યાં મ્યુઝિક સિસ્ટમ સાથે મૅચ જોવાના છીએ. નવી ખુરસીઓ પણ ખરીદી લીધી છે, કારણ કે સોસાયટીના મોટા ભાગના તમામ લોકો જેમાં સિનિયર સિટિઝનનો પણ સમાવેશ છે એ બધા સહભાગી થવાના છે. વ્હિસલ્સ અને અન્ય વસ્તુઓ લઈને ભારતની ટીમની દરેક સિક્સ-ફોર પર વગાડીને જલસો કરવાના છીએ.’

columnists sejal patel preeti khuman-thakur india pakistan