અભિષેક બચ્ચને તેનો પહેલો બેસ્ટ ઍક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ પિતા અને દીકરીને સમર્પિત કર્યો

13 October, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક બચ્ચનને આ ખાસ ક્ષણે સપોર્ટ આપવા માતા જયા બચ્ચન, બહેન શ્વેતા બચ્ચન અને ભાણેજ નવ્યા નવેલી નંદા હાજર હતાં

અભિષેક બચ્ચન

અમદાવાદમાં યોજાયેલા ૭૦મા ફિલ્મફેર અવૉર્ડ ફંક્શનમાં અભિષેક બચ્ચનને ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અભિષેકને તેની પચીસ વર્ષની કરીઅરમાં પહેલી વખત આ અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ સ્વીકારતી વખતે અભિષેક ઇમોશનલ થઈ ગયો હતો. આ સમયે અભિષેકે આભાર વ્યક્ત કરતાં કહ્યું, ‘આ વર્ષે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારાં પચીસ વર્ષ પૂરાં થઈ ગયાં છે અને મને યાદ નથી કે મેં આ પુરસ્કાર માટે કેટલી વાર સ્પીચ તૈયાર કરી છે. આ એક સપનું રહ્યું છે અને હું ખૂબ ભાવુક અને ખુશ છું. પોતાના પરિવાર સમક્ષ મારું સપનું પૂરું થયું છે. છેલ્લાં પચીસ વર્ષોમાં મારી સાથે કામ કરનારા, મારા પર વિશ્વાસ કરનારા અને મને તક આપનારા બધા ડિરેક્ટરો અને નિર્માતાઓ માટે આ સરળ નહોતું, પરંતુ હું તેમનો આભારી છું.’
પોતાની સ્પીચમાં પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાને યાદ કરતાં અભિષેકે કહ્યું, ‘ઐશ્વર્યા અને આરાધ્યા, મને બહાર જઈને પોતાનાં સપનાં પૂરા કરવાની તક આપવા માટે તમારો આભાર. મને આશા છે કે આ પુરસ્કાર પછી તેઓ સમજશે કે તેમનો ત્યાગ જ આજે મારા અહીં ઊભા રહેવાનું મુખ્ય કારણ છે. હું આ પુરસ્કાર બે અત્યંત વિશેષ લોકોને સમર્પિત કરવા ઇચ્છું છું. ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ એક પિતા અને એક દીકરી વિશે છે અને હું એને મારા પિતા અને મારી દીકરીને સમર્પિત કરવા માગું છું. તમારો ખૂબ-ખૂબ આભાર, હું વર્ણન કરી શકતો નથી કે આ મારા માટે શું અર્થ ધરાવે છે.’

અભિષેક બચ્ચનને આ ખાસ ક્ષણે સપોર્ટ આપવા માતા જયા બચ્ચન, બહેન શ્વેતા બચ્ચન અને ભાણેજ નવ્યા નવેલી નંદા હાજર હતાં. જોકે આ સમયે પિતા અમિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. આ ફંક્શનમાં અભિષેકે ધમાકેદાર પર્ફોર્મન્સ પણ આપ્યો હતો અને એમાં તેણે મમ્મી જયાને ટ્રિબ્યુટ આપી હતી. તેણે પર્ફોર્મન્સ આપતી વખતે મમ્મી જયા સાથે ડાન્સ પણ કર્યો હતો.

filmfare awards ahmedabad abhishek bachchan jaya bachchan amitabh bachchan aaradhya bachchan aishwarya rai bachchan entertainment news bollywood bollywood news