07 November, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગ ભૂષણ અવૉર્ડ શત્રુઘ્ન સિંહાને એનાયત
કલકત્તામાં ગઈ કાલે ૩૧મા કોલકાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિખ્યાત અભિનેતા અને તેમની પાર્ટીના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાને બંગ ભૂષણ અવૉર્ડથી નવાજ્યા હતા.
રાશા થડાણી અને ‘મુંજ્યા’નો હીરો અભય વર્મા દિલ્હીમાં વિજયપથ ખાતે લાલ રંગની સ્પોર્ટ્સ બાઇક પર તેમની આગામી ફિલ્મ ‘લાઇકી લાઇકા’ની એક સીક્વન્સનું શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ એક રોમૅન્ટિક-ઍક્શન ડ્રામા છે અને એને ૨૦૨૬માં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
ભૂમિ પેડણેકર અને આદિત્ય ઠાકરે મંગળવારે બાંદરાની એક રેસ્ટોરાંની બહાર સાથે જોવા મળ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે ભૂમિએ યંગ ગ્લોબલ લીડર્સ (YGL)ના સભ્યો માટે ડિનર ગૅધરિંગ રાખ્યું હતું અને આદિત્ય ઠાકરેએ ગૅધરિંગનો હિસ્સો હતા. ભૂમિ પોતે પર્યાવરણ જાગૃતિ માટે સમર્પિત એક ક્લાઇમેટ વૉરિયર છે અને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના YGL સમુદાયની સભ્ય પણ છે. ભૂમિ ૨૦૨૫માં જિનીવામાં યોજાયેલી યંગ ગ્લોબલ લીડર્સ સમિટ 2025માં હાજરી આપનાર પ્રથમ ભારતીય ઍક્ટ્રેસ હતી.
હાલમાં સોશ્યલ મીડિયા પર દૂરદર્શનના સુવર્ણકાળની એક જાહેરાતની ચર્ચા છે. પિયર્સ સાબુની આ જાહેરાત ૧૯૭૭ના સમયગાળામાં આવતી હતી. આ જાહેરાતમાં એક નાનકડી ક્યુટ છોકરી મેક-અપ કરીને અને પિયર્સ સાબુથી નાહીને પોતાની મમ્મી જેવી સુંદર બનવાની ઇચ્છા વ્યક્ત કરે છે. હકીકતમાં જાહેરાતમાં જોવા મળતી પાંચ વર્ષની આ છોકરી મહેશ ભટ્ટની મોટી દીકરી અને જાણીતી ઍક્ટ્રેસ પૂજા ભટ્ટ છે.
‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપડા હવે વૈશ્વિક સ્તરે જાણીતી અભિનેત્રી છે. તે પોતાના પતિ નિક જોનસ, દીકરી માલતી મારી અને પરિવાર સાથે અમેરિકાના ન્યુ યૉર્કમાં રહે છે. હાલમાં ન્યુ યૉર્કના સૌથી યુવા મેયર તરીકે ઝોહરાન મમદાનીની વરણી થતાં પ્રિયંકાએ સોશ્યલ મીડિયા સ્ટોરીમાં ઝોહરાન મમદાનીના વિજયી ભાષણનો સ્ક્રીનશૉટ શૅર કર્યો છે અને લખ્યું હતું કે ‘ઝોહરાન મમદાનીને અભિનંદન! ન્યુ યૉર્ક શહેરના ૧૧૧મા મેયર! તમે ઇતિહાસ રચ્યો છે. અભિનંદન, મીરા નાયર!’ ઝોહરાન જાણીતાં ફિલ્મમેકર મીરા નાયર અને મહમૂદ મમદાનીનો દીકરો છે એટલે પ્રિયંકાએ તેમની મમ્મીને પણ અભિનંદન આપ્યાં હતાં.