16 November, 2025 10:10 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શુક્રવારે એક કાર્યક્રમમાં શાહરુખ ખાનના નામ પર દુબઈમાં ‘શાહરુખ્ઝ ડૅન્યૂબ’ નામની કમર્શિયલ પ્રૉપર્ટી લૉન્ચ કરવામાં આવી છે. આનું નિર્માણ ભારતીય મૂળના રિઝવાન સાજન દ્વારા સ્થાપવામાં આવેલી દુબઈની મોટી રિયલ એસ્ટેટ કંપની ડૅન્યૂબ પ્રૉપર્ટીઝ દ્વારા કરવામાં આવશે. મુંબઈમાં યોજાયેલા લૉન્ચિંગના આ કાર્યક્રમમાં શાહરુખે પણ હાજરી આપી હતી. દુબઈના શેખ ઝાયેદ રોડ પર પ્લાન કરવામાં આવેલી પંચાવન માળની આ ઇમારતમાં આશરે ૪,૫૦,૦૦૦ ચોરસ ફુટ પ્રીમિયમ ઑફિસ-સ્પેસ છે અને આખો પ્રોજેક્ટ ૧૦ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલો હશે.
આ ઇમારતની કિંમત આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા છે અને એનું નિર્માણ અંદાજે ૨૦૨૯ સુધી પૂરું થશે. આ ઇમારતમાં જિમ, ક્લબ, આઉટડોર લાઉન્જ, હેલિપૅડ, સ્વિમિંગ-પૂલ જેવી લક્ઝરી સુવિધાઓ હશે. એના પ્રવેશદ્વાર પર શાહરુખ ખાનનું સ્ટૅચ્યુ સ્થાપિત કરવામાં આવશે અને ત્યાં લોકો ફોટોગ્રાફી કરી શકશે.
આ કાર્યક્રમ દરમ્યાન મમ્મીને યાદ કરીને ભાવુક થઈ ગયેલા શાહરુખ ખાને કહ્યું હતું કે ‘જો આજે મારી મમ્મી જીવિત હોત તો ઘણી ખુશ થાત. આ મારા માટે ઘણા મોટા સન્માનની વાત છે. જ્યારે મારાં બાળકો અહીં આવશે ત્યારે હું તેમને કહીશ કે પાપાનું નામ આ ઇમારત પર લખ્યું છે. આ પાપાનું મકાન છે.’
શાહરુખે કોઈ પ્રૉપર્ટીનું નામ તેના નામ પરથી રાખવાના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘પહેલી વખત પ્રૉપર્ટીનું નામ મારા નામ પરથી રાખવામાં આવશે. હું ક્યારેય કોઈ પણ પ્રૉપર્ટી પર મારું નામ રાખતો નથી. મારી કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારા ઘર મન્નતનાં નામ આનો પુરાવો છે. હું પોતાની જાતને એટલી મહત્ત્વની નથી માનતો કે પ્રૉપર્ટીનું નામ મારા નામ પરથી રાખું.’
4.2 - આ બિલ્ડિંગમાં એક યુનિટની કિંમત મિનિમમ આટલા કરોડ રૂપિયા હશે.
શાહરુખ ખાને કહ્યું કે હું ઈદનો ચાંદ બની ગયો છું
શાહરુખ ખાનના નામની પ્રૉપર્ટી-લૉન્ચિંગનો કાર્યક્રમ એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર હતો. આ કાર્યક્રમમાં શાહરુખે મજાકમાં કહ્યું હતું કે ‘હું હવે ઈદનો ચાંદ બની ગયો છું. એ ચાંદ જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જ્યારે દેખાય છે ત્યારે સરસ હોય છે.’ આ કાર્યક્રમમાં ફારાહ ખાન પણ હાજર રહી હતી અને સ્ટેજ પર ફારાહે જ કોરિયોગ્રાફ કરેલા ગીત ‘છૈયાં છૈયાં’ પર ફારાહ અને શાહરુખે ડાન્સ કર્યો હતો.