આમિર ખાન સામે ફતવો

15 July, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજાં લગ્ન પણ હિન્દુ મહિલા સાથે કર્યાં એને પગલે ઉત્તર પ્રદેશનું મુસ્લિમ સંગઠન ભડક્યું

આમિર અને ગૌરી

આમિર ખાને ત્રીજી વખત લગ્ન કર્યા બાદ તેની વ્યક્તિગત જિંદગીને લઈને વિવાદ ઊભો થયો છે. આમિરનાં ત્રીજાં લગ્નને લઈને ઉત્તર પ્રદેશમાં ફતવો જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ફતવો અલીગઢમાં મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તા એટલે કે ઇસ્લામી ધાર્મિક પ્રશ્નોના ફતવા અને માર્ગદર્શન આપતી સંસ્થા સાથે સંકળાયેલા શાહી ચીફ મુફ્તી મૌલાના ચૌધરી ઇફરાહિમ હુસૈન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 

આ ચીફ મુફ્તીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે ‘આમિર ખાને એક બિન-મુસ્લિમ મહિલાની સાથે ત્રીજી વખત લગ્ન કર્યાં છે. શરિયત એટલે કે ઇસ્લામના નિયમો અનુસાર કોઈ મુસ્લિમ પુરુષ માટે એવી બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવું સંપૂર્ણપણે ખોટું અને ગેરજાયઝ માનવામાં આવે છે જે પોતાના પૂર્વ ધર્મ પર જ અડગ રહે અને જેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ન હોય. આવી મહિલા સાથે લગ્ન કરવાનું ઇસ્લામી નિયમો મુજબ અમાન્ય ગણાય છે અને આવું કરનાર મુસ્લિમ પુરુષને પણ ધાર્મિક દૃષ્ટિએ ગુનેગાર માનવામાં આવે છે. સમાજમાં આ મુદ્દે વિરોધ પણ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં અલ્લાહનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાની અમારી જવાબદારી બને છે. કુરાન મુજબ મુસ્લિમ પુરુષ માટે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવાની જ મંજૂરી છે. જો કોઈ મુસ્લિમ પુરુષ આવાં લગ્ન કરે અને પોતાના કૃત્ય અંગે પસ્તાવો કે સ્વીકાર ન કરે તો તેને અલ્લાહ સમક્ષ તેનો જવાબ આપવો પડશે.’

આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટનાં લગ્નથી હિન્દુ સંગઠનો પણ લાલઘૂમ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટનાં લગ્નથી મુસ્લિમ સમાજ નારાજ છે તો હિન્દુ સંગઠનો પણ લાલઘૂમ છે. આ લગ્ન સામે બજરંગ દળ અને હિન્દુ રક્ષા દળ જેવા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વિરોધ-પ્રદર્શન કરવા માટે બિહાર તેમ જ ઉત્તરાખંડના દેહરાદૂન જેવાં શહેરોમાં પ્રદર્શનકારીઓએ આમિરના પૂતળાનું દહન કર્યુ હતું અને આ લગ્નને ‘લવ જેહાદ’નું નામ આપીને તપાસની ડિમાન્ડ કરી છે. હિન્દુ સંગઠનોના નેતાઓએ એવો દાવો કર્યો છે કે આમિર વારંવાર હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરીને હિન્દુ સમાજનું અપમાન કરી રહ્યો છે અને આ મોટું ષડ્‍યંત્ર છે. મહારાષ્ટ્રના BJPના નેતા અને મિનિસ્ટર નીતેશ રાણેએ પણ આમિરનાં ત્રીજાં લગ્ન પર સવાલ ઉઠાવ્યા છે અને તેને ‘લવ જેહાદનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ કહ્યો છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news uttar pradesh aamir khan gauri spratt