આમિર ખાન અને આશુતોષ ગોવારીકર સાથે મળીને બનાવશે લાલા અમરનાથ પર બાયોપિક

10 May, 2026 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક ઇમોશનલ સ્પોર્ટ્‌સ ડ્રામા હશે અને એની સ્ટોરી ભારતના ૧૯૪૭ના ભાગલાના સમય પર આધારિત હશે...

આમિર ખાન અને આશુતોષ ગોવારીકર

આમિર ખાન અને આશુતોષ ગોવારીકરે સાથે મળીને ‘લગાન’ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. હવે આ ફિલ્મનાં ૨૫ વર્ષ બાદ આ સુપરહિટ જોડી ફરી એક વાર સાથે જોવા મળશે જેને કારણે ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

રિપોર્ટ મુજબ આશુતોષ ગોવારીકરે ‘લગાન’ બાદ આમિરને ઘણી સ્ક્રિપ્ટ સંભળાવી હતી, પરંતુ તેને એ ખાસ ગમી નહોતી. હવે ઘણી મીટિંગ્સ બાદ બન્ને એક નવી સ્ક્રિપ્ટ પર સહમત થયા છે. મળતી માહિતી પ્રમાણે આમિર અને આશુતોષ ગોવારીકર ફરી પાછા સ્પોર્ટ્‍સ ડ્રામા પર ફિલ્મ બનાવશે અને એ દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત બાયોપિક હશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ એક ઇમોશનલ સ્પોર્ટ્‍સ ડ્રામા હશે અને એની સ્ટોરી ૧૯૪૭ના ભાગલાના સમય પર આધારિત હશે. ફિલ્મમાં લાલા અમરનાથના જીવન અને સંઘર્ષને કેન્દ્રમાં રાખવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સ્ક્રિપ્ટનાં અનેક રીડિંગ-સેશન પહેલાંથી થઈ ચૂક્યાં છે અને આ પ્રોજેક્ટમાં રાજકુમાર હીરાણી અને લેખક અભિજાત જોશીએ પણ પોતાના ક્રીએટિવ વિચારો આપ્યા છે.

aamir khan ashutosh gowariker upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news