16 May, 2025 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન અને રાજકુમાર હીરાણી અને જુનિયર NTR અને એસ. એસ. રાજામૌલી
ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકે પર બની રહી છે બે-બે બાયોપિક
ફિલ્મમેકર રાજકુમાર હીરાણી સાથે આમિર ખાન જોડી જમાવશે
આમિર ખાન અને રાજકુમાર હીરાણીની જોડી ભારતીય સિનેમાના પિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેની બાયોપિક સાથે ભારતીય સિનેમાના જીવન સાથે વણાયેલી અજાણી વાતોને પડદા પર લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ આઝાદીના સમયમાં ફાળકેના સંઘર્ષ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખવાની પ્રેરણાદાયી ગાથા બતાવશે.
આમિર ‘સિતારે ઝમીન પર’ની રિલીઝ પછી આ ફિલ્મની તૈયારી શરૂ કરશે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ ઑક્ટોબર મહિનામાં શરૂ થઈ જશે. રાજકુમાર હીરાણી, અભિજાત જોશી, હિન્દુકુશ ભારદ્વાજ અને આવિષ્કાર ભારદ્વાજ ચાર વર્ષથી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને હવે આટલા સમય પછી હવે સ્ક્રિપ્ટ તૈયાર થઈ શકી છે. લૉસ ઍન્જલસના VFX સ્ટુડિયોએ AI ડિઝાઇન સાથે એ યુગને જીવંત કરવાનું કામ શરૂ કરી દીધું છે.
આ ફિલ્મના રિસર્ચ માટે દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસાળકરે બહુ મદદ કરી છે. તેમણે આ પ્રોજેક્ટને સમર્થન આપીને તેમના જીવનની અમૂલ્ય માહિતી શૅર કરી છે. ‘3 ઇડિયટ્સ’ અને ‘PK’ જેવી હિટ ફિલ્મો આપનાર રાજકુમાર હીરાણી અને આમિરની જોડીના આ પ્રોજેક્ટથી ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચાવાની આશા છે.
જુનિયર NTRની મેડ ઇન ઇન્ડિયાની જાહેરાત છેક સપ્ટેમ્બર ૨૦૨૩માં એસ.એસ. રાજામૌલીએ કરી હતી
જુનિયર NTR ‘મેડ ઇન ઇન્ડિયા’ નામની બાયોગ્રાફિકલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના જનક તરીકે ઓળખાતા દાદાસાહેબ ફાળકેના જીવન પર આધારિત છે. આ ફિલ્મની જાહેરાત સપ્ટેમ્બર ૨૦૨૩માં એસ. એસ. રાજામૌલી દ્વારા કરવામાં આવી હતી અને એનું નિર્માણ વરુણ ગુપ્તા અને એસ. એસ. કાર્તિકેય કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શન નૅશનલ અવૉર્ડ વિજેતા નીતિન કક્કર કરી રહ્યા છે. આ ફિલ્મમાં દાદાસાહેબ ફાળકેના માધ્યમથી ભારતીય સિનેમાના જન્મ અને ઉદયની કથા રજૂ થશે.
રિપોર્ટ્સ અનુસાર જુનિયર NTRએ વિષયના રિસર્ચથી પ્રભાવિત થઈને આ ફિલ્મ માટે મૌખિક સંમતિ આપી છે, પણ ઔપચારિક ઍગ્રીમેન્ટ હજી બાકી છે.