26 November, 2026 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાન હવે ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની આગામી સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ ‘લલકારા’માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. જોકે એ પહેલાં જ આમિરે કમર કસી લીધી છે અને ફિલ્મ માટે સખત ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે.
‘લલકારા’ની વાર્તા વર્ષ ૧૯૫૨માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પહેલી ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર ભારતીય ક્રિકેટ-ટીમના પહેલા કૅપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે પોતાના પાત્રમાં સંપૂર્ણપણે ઢળવા માટે આમિર માત્ર ક્રિકેટની બારીકીઓ જ નથી શીખી રહ્યો, ફિઝિકલ ટ્રેઇનિંગ પણ લઈ રહ્યો છે. આ ઉપરાંત તેણે ડાયટિશ્યનની સલાહ પ્રમાણે કડક શાકાહારી ડાયટ-પ્લાન પણ શરૂ કરી દીધો છે.
આશુતોષ ગોવારીકર અને તેની ટીમે કલાકારોની લુક-ટેસ્ટ પણ કરી લીધી છે અને આમિર લાલા અમરનાથના અવતારમાં એકદમ યોગ્ય લાગી રહ્યો છે. ફિલ્મની તૈયારીઓને વધુ સારી બનાવવા માટે આમિર પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે પાલી હિલ વિસ્તારનું ઘર છોડીને હવે કોલાબાના નવા ઘરમાં રહેવા ગયો હોવાની પણ ચર્ચા છે, કારણ કે કોલાબા ફિલ્મની ટ્રેઇનિંગ અને શૂટિંગના મોટા ભાગના કામ માટે પસંદ કરવામાં આવેલા સ્થળની નજીક છે.