14 May, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધર્સ ડેના સેલિબ્રેશનમાં આમિરના પરિવાર સાથે જામી ગૌરીની કેમિસ્ટ્રી
આમિર ખાને હાલમાં તેના પરિવાર સાથે મધર્સ ડેની ઉજવણી કરી હતી. આ દિવસે તે મમ્મી ઝીનત હુસેનને સરપ્રાઇઝ આપવા તેમના ઘરે ગયો હતો અને તેમની સાથે ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનમાં આમિરની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ આમિરની સાથે ને સાથે જોવા મળી હતી. આ ઉજવણીની તસવીરોમાં આમિરના પરિવાર સાથે ગૌરીની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગે છે. આ તસવીરો હવે વાઇરલ થઈ છે. મધર્સ ડેની ઉજવણીમાં આમિરની બહેન નિખત પણ હાજર હતી અને ફૅમિલી-ફોટોમાં ક્રૉપ્ડ બ્લુ શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેરેલી ગૌરી બધાની સાથે ઊભેલી જોવા મળી હતી.
આ સેલિબ્રેશનમાં આમિર તેની બહેન નિખત અને ભાણેજ સાથે જોવા મળ્યો હતો. જોકે આખા સેલિબ્રેશનમાં આમિર અને ગૌરીના એકસાથે કોઈ ફોટો સામે આવ્યા નથી. તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આમિરનો પરિવાર ગૌરીથી ખુશ છે. થોડા સમય પહેલાં આમિરની બહેન નિખતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે અમે આમિર-ગૌરી માટે ખૂબ ખુશ છીએ, કારણ કે તે ખૂબ સારા સ્વભાવની છે અને અમે ખરેખર ઇચ્છીએ છીએ કે બન્ને હંમેશાં ખુશ રહે.