16 March, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરી
આમિર ખાને હાલમાં મુંબઈમાં યોજાયેલી પોતાની પ્રી-બર્થ-ડે પાર્ટીમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરીનો મીડિયા સાથે પરિચય કરાવ્યો હતો. એ સમયે આમિરે મીડિયાને ગૌરીની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી. જોકે હવે આમિરના પ્રી-બર્થ-ડે સેલિબ્રેશન સમયની ગૌરીની નવી તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ વાઇરલ તસવીરમાં ગૌરી સુંદર લૅવન્ડર કુરતા અને બ્લૅક લેગિંગ્સમાં જોવા મળી રહી છે. તેના ચહેરા પર આકર્ષક સ્મિત છે અને તે બહુ સુંદર લાગી રહી છે.
ગૌરીની આ તસવીર પર ફૅન્સ કમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તેને કૅટરિના કૈફની ઝેરોક્સ કૉપી ગણાવી રહ્યા છે.
આમિર ખાને ગુરુવારે પોતાની ૬૦મી વર્ષગાંઠના સેલિબ્રેશન વખતે બૅન્ગલોરની ગૌરી સાથેના સંબંધની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તે ગૌરીને ૧૮ મહિનાથી ડેટ કરે છે પણ ૨૫ વર્ષથી તેને ઓળખે છે. આમિરે સ્વીકાર્યું છે તે અને ગૌરી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. આમિરે જણાવ્યું કે ગૌરી અને તેનો પરિવાર એકબીજાને મળ્યા છે અને તેનો પરિવાર પણ તેમના સંબંધથી ખુશ છે.
ગૌરી મૂળ બૅન્ગલોરની છે અને તે ૬ વર્ષના દીકરાની મમ્મી છે. ગૌરી હાલમાં આમિરના પ્રોડક્શન બૅનર હેઠળ કામ કરે છે. ગૌરી બૉલીવુડની ફિલ્મોની શોખીન નથી અને આમિરની પણ તેણે બે જ ફિલ્મ જોઈ છે, ‘દિલ ચાહતા હૈ’ અને ‘લગાન’.