09 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
હાલમાં તામિલ અભિનેતા વિષ્ણુ વિશાલ અને તેની બૅડ્મિન્ટન-પ્લેયર પત્ની ખેલાડી જ્વાલા ગુટ્ટાની દીકરીના નામકરણ પ્રસંગની ઉજવણી કરવા માટે રવિવારે હૈદરાબાદમાં એક ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમિર ખાન પણ પહોંચ્યો હતો અને તેણે વિશાલ-જ્વાલાની દીકરીનું નામ મીરા પાડ્યું હતું. આ ફંક્શનમાં આમિરે નાનકડી મીરાને મન ભરીને રમાડી હતી. આ ખુશીની ઘડીમાં જ્વાલા ગુટ્ટા ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં. જ્વાલાએ પછી આ કાર્યક્રમની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. જ્વાલા ગુટ્ટાએ તેની પોસ્ટમાં લખ્યું, ‘અમારી મીરા, આનાથી વધુ કંઈ માગી શકાય નહીં. આમિર, તમારા વિના આ પ્રવાસ અશક્ય હોત. અમે તમને પ્રેમ કરીએ છીએ. આ અત્યંત સુંદર અને વિચારશીલ નામ માટે ફરી એક વાર આભાર.’
લાના પતિ વિષ્ણુ વિશાલે પણ એક પોસ્ટ શૅર કરી છે. તેણે લખ્યું, ‘અમારી મીરાનો પરિચય, અમારી બાળકીનું નામ રાખવા અને હૈદરાબાદ આવવા માટે આમિર ખાનસરનો ખૂબ-ખૂબ આભાર. મીરા નામ એ બિનશરતી પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. આમિરસર સાથેની આ ક્ષણ જાદુઈ રહી. અમારી દીકરીને આટલું સુંદર નામ આપવા માટે સરનો આભાર.’
આમિરે શું કામ પાડ્યું વિશાલ-જ્વાલાની દીકરીનું નામ?
જ્વાલા ગુટ્ટાના પતિ વિષ્ણુ વિશાલ અને આમિર ખાન વચ્ચે લાંબા સમયથી મિત્રતા છે. ૨૦૧૫માં ચેન્નઈના પૂર દરમ્યાન આમિર અને જ્વાલા એકસાથે હતાં અને તેમનું સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી આમિર અને જ્વાલા વચ્ચે પણ સારી મિત્રતા થઈ ગઈ છે. મિત્રતાના આ સંબંધને કારણે આમિર આ સ્ટાર કપલની દીકરીને નામ આપ્યું છે.