16 September, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન આમિરે કહ્યું હતું કે તેની આ ફિલ્મ ડિજિટલી રિલીઝ નહીં થાય. પછીથી તેણે આ ફિલ્મને યુટ્યુબ પર પે-પર-વ્યુ મૉડલ પર રિલીઝ કરી દીધી હતી. હવે રિપોર્ટ છે કે આમિર આ ફિલ્મને OTT પર પણ લાવવાની તૈયારીમાં છે.
એક ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું હતું કે ‘મેં ક્યારેય એવું નથી કહ્યું કે હું મારી ફિલ્મ OTT પ્લૅટફૉર્મને નહીં વેચું. હું આવું શા માટે નહીં કરું? હકીકતમાં મારો વિરોધ એ વાત સામે છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાનાં ૮ અઠવાડિયાં પછી OTT પર આવી જાય છે. હું ઇચ્છું છું કે આ સમયગાળો ૬થી ૮ મહિના વધે. હું OTTની વિરુદ્ધ નથી, હું પોતે OTT પર જોઉં છું.’
આ ઇન્ટરવ્યુમાં આમિરને પૂછવામાં આવ્યું કે યુટ્યુબ પર ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે કેવું પ્રદર્શન કર્યું? એના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘યુટ્યુબની એવી નીતિ છે કે એ પે-પર-વ્યુ હેઠળ રિલીઝ થયેલી ફિલ્મોના વ્યુઝ બતાવતું નથી. પે-પર-વ્યુ બિઝનેસ હજી વિકાસના માર્ગે છે. આ તબક્કે અમે સામાન્ય બિઝનેસ કરતાં ૨૦ ગણી વધુ કમાણી કરી છે. આ દૃષ્ટિએ આ એક મોટી રકમ છે, પરંતુ એની તુલના ૧૨૫ કરોડ રૂપિયાની OTT સ્ટ્રીમિંગ ઑફર છોડવા સાથે ન કરી શકાય.’