10 February, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પહેલી મેએ રિલીઝ થનારી સાઈ પલ્લવી અને આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ‘એક દિન’નું ટીઝર થોડા દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે માહિતી મળી છે કે પ્લેબૅક સિંગર તરીકે નિવૃત્તિ જાહેર કરી ચૂકેલો અરિજિત સિંહ આ ફિલ્મ માટે એક ગીત ગાવા માટે તૈયાર થયો છે. આ વાતની જાહેરાત આમિર ખાન પ્રોડક્શન્સે જ કરી છે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા મુજબ આમિરે પોતે અરિજિત સિંહ સાથે આ ગીત પર કામ કર્યું છે.
તાજેતરમાં આમિરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ ગામમાં જઈને અરિજિત સિંહની મુલાકાત લીધી હતી. આ સમયે ચર્ચા ચાલી હતી કે આમિર એક નવી ફિલ્મની યોજના બનાવી રહ્યો છે જેમાં અરિજિત સિંહ મ્યુઝિક-ડિરેક્ટર તરીકે કામ કરશે. જોકે હવે આમિર ખાન પ્રોડક્શન્સની જાહેરાત પછી હકીકત ખબર પડી ગઈ છે અને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.