02 June, 2026 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ રૉય શોના પ્રોમો દરમિયાન (તસવીર: X)
આશિકી ફિલ્મથી ફેમસ થયેલા અભિનેતા રાહુલ રૉય ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે `રીલ્સ સ્ટાર` સાથે બનાવેલા એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, તેણે કામની તકો માટે અપીલ કરતી એક પોસ્ટ પણ શૅર કરી હતી. હવે, રાહુલ રૉય રસોઈ અને કૉમેડી શો ‘લાફ્ટર શૅફ 3’ ના નવા એપિસોડમાં મહેમાન તરીકે આવવાનો છે. શોના નવા પ્રોમોના રિલીઝ પછી, અભિનેતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી ગઈ છે.
પોસ્ટ કરવામાં આવેલા પ્રોમોમાં, રાહુલ રૉય પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ગ્રાન્ડ એન્ટ્રી કરે છે. તે ફિલ્મ આશિકી નું એક લોકપ્રિય ગીત ગાતો સ્ટેજ પર જાય છે, જ્યાં પ્રેક્ષકો અને હાજર કલાકારો તાળીઓથી તેનું સ્વાગત કરે છે. જોકે, વાતાવરણ અચાનક બદલાઈ જાય છે જ્યારે શોની હોસ્ટ ભારતી સિંહ રાહુલ રૉયને કહે છે કે આ એપિસોડ માટે, તેને અભિનેત્રી નિયા શર્મા સાથે જોડી બનાવવામાં આવી છે, અને બન્નેએ એક વાનગી તૈયાર કરવા માટે સાથે મળી કમ કરવું પડશે. પ્રોમોમાં, રાહુલ આ વાતથી સ્પષ્ટપણે નારાજ દેખાય છે. તે ફ્લોર પર પોતાનો ગિટાર પછાડે છે અને કહે છે, "હું આ શો નહીં કરું." દરમિયાન સેટ પર હાજર દરેક વ્યક્તિ તેની પ્રતિક્રિયાથી સ્તબ્ધ થઈ ગયા.
પ્રોમોમાં, નિયા શર્મા રાહુલ રૉયને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. તે કહે છે, "રાહુલ-જી, હું એવી વ્યક્તિ નથી જે તમે મને માનો છો. તમને મારા વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. હું બિલકુલ એવી નથી." આમ છતાં, પ્રોમોમાં રાહુલનો ગુસ્સો ઓછો થતો નથી. જોકે, એપિસોડ રિલીઝ થયા પછી જ સ્પષ્ટ થશે કે આ આખી ઘટના શોનો સ્ક્રિપ્ટેડ ભાગ હતો. આ પ્રોમોમાં રાહુલ રૉયની એક ફિલ્મ ‘જુનૂન’નો સંદર્ભ આપવામાં આવ્યો હતો અને તે શોનો ભાગ જ હતો તે સ્પષ્ટ દેખાય છે.
થોડા દિવસો પહેલા, રાહુલ રૉય પણ સોશિયલ મીડિયા પર કેટલીક વાયરલ રીલ્સને લઈને ચર્ચામાં હતો. આ પછી, તેણે એક પોસ્ટ શૅર કરી જેમાં તેના નાણાકીય અને કાનૂની પડકારો વિશે ખુલીને વાત કરી. રાહુલે લખ્યું, “મારી પાસે કેટલીક કાનૂની બાબતો અંગે નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવાની છે, અને આ મુદ્દાઓ તાજેતરના નથી; તે મગજનો સ્ટ્રોક થયો તે પહેલાંના સમયના છે. જો તમે મારી સાદગી અથવા મારા સંઘર્ષોની મજાક ઉડાવી રહ્યા છો, જો તમે મને ટ્રોલ કરી રહ્યા છો, તો તે મારા પર ઓછું અને તમારા પર વધુ પ્રતિબિંબિત થાય છે. જો તમે ખરેખર એટલા ચિંતિત છો જેટલા તમે દાવો કરો છો, તો મને કોઈ સારું, માનનીય કામ મેળવવામાં મદદ કરો જેથી હું મારા લેણાં ચૂકવી શકું. ઓછામાં ઓછું, હું બીજાઓની મજાક ઉડાવવાને બદલે સખત મહેનત દ્વારા મારા પૈસા કમાઈ રહ્યો છું.”