31 August, 2026 11:54 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને ૨૦૧૪માં સ્પોર્ટ્સ ટીમની માલિકી મેળવવાનું નક્કી કર્યું હતું, ત્યારે ભારતમાં કબડ્ડીમાં રોકાણ કરવાનો વિચાર હજી નવો હતો. જોકે અભિષેક માટે પ્રો કબડ્ડી લીગ સાથે ટીમ ખરીદીને જોડાવું માત્ર બિઝનેસ વેન્ચર નહોતું. તેણે લીધેલા દરેક નિર્ણય સાથે અંગત લાગણી જોડાયેલી હતી. હાલમાં અભિષેકે પોતાની ફ્રૅન્ચાઇઝી પાછળનાં ખાસ કારણો જણાવ્યાં હતાં. જયપુર હંમેશાં અભિષેક બચ્ચનના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. તેણે જયપુરની સ્પોર્ટ્સ ટીમ જયપુર પિન્ક પૅન્થર્સ ખરીદવાનાં કારણો જણાવતાં કહ્યું હતું કે ‘મેં જયપુરની ટીમ પસંદ કરી. મેં મારી પહેલી ફિલ્મનો એક ભાગ જયપુરમાં શૂટ કર્યો હતો. કંઈક નવું શરૂ કરવા માટે એ એક શુભ બાબત હતી. આ એ શહેર પણ છે જ્યાં ઐશ્વર્યા અને મેં ડેટિંગ શરૂ કર્યું હતું. તેથી એની સાથે ભાવનાત્મક જોડાણ છે. મેં જ્યારે આ ટીમ ખરીદી ત્યારે મારી દીકરીને ગુલાબી રંગ ખૂબ પસંદ હતો, જ્યારે ‘પિન્ક પૅન્થર’ નામ ઐશ્વર્યાની ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘ધ પિન્ક પૅન્થર 2’ સાથે જોડાયેલું છે. આમ, જયપુર પિન્ક પૅન્થર્સ સાથે જોડાયેલી દરેક બાબતમાં વ્યક્તિગત જોડાણ છે.’