04 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત જોશી (તસવીર: મિડ-ડે)
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાના અને બીજેપી નેતા યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ `અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી` ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત આ બહુપ્રતિક્ષિત બાયોપિકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અનંત જોશી યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે તેમના પાત્રમાં પ્રવેશવા માટે ખૂબ મહેનત પણ કરી છે, જેના માટે પોતાના બધા વાળ પણ કાપી મુંડન કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, યોગીની મુખ્ય ભૂમિકા ભજવનાર અનંત જોશી અગાઉ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. 12 થ ફેલ, બ્લૅક આઉટ અને કઠલ જેવી સિરીઝ અને તેણે પોતાના શાનદાર અભિનયથી પોતાની છાપ છોડી છે.
અનંતે મુંડન કરાવ્યું
આ વર્ષે જૂનમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જન્મદિવસ નિમિત્તે ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. એક નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પહેલી ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ જેવા દેખાવા માટે અનંતે મુંડન પણ કરાવ્યું હતું. આ પગલું તેણે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ ગણાવ્યું, કારણ કે તેને પોતાના વાળ ખૂબ જ ગમતા હતા.
અનંતે કહ્યું કે “વાળ કાપવા એ ફક્ત બાહ્ય પરિવર્તન નહોતું. તે મારા એક ભાગને અંદર છોડી દેવા જેવું હતું. આ મારા માટે ફક્ત દેખાવ નહોતો, પરંતુ યોગી જીની ભૂમિકાને સંપૂર્ણપણે સ્વીકારવાનો એક માર્ગ હતો. પરંતુ આ પાત્ર માટે આ બલિદાન જરૂરી હતું. હું નકલી બનવા માગતો ન હતો. મારે તેને જીવવું હતું. મારે યોગી બનવું હતું, ફક્ત તેમના જેવું વર્તન કરવું નહીં.” આ બાયોપિકની નવી ઝલક આપતા, પ્રોડક્શન હાઉસે જૂનમાં સોશિયલ મીડિયા પર તેનું નવું પોસ્ટર શૅર કર્યું. આ સાથે લખ્યું હતું કે, “દુનિયા છોડી, ભગવો પહેર્યો, સેવામાં ડૂબી ગયા. એક યોગી - જે એકલા એક આખું આંદોલન બની ગયું! યોગીજીની જન્મજયંતિ પર, અમે તે વાર્તાની શરૂઆત રજૂ કરીએ છીએ.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
નિર્માતા રીતુ મેન્ગીએ ફિલ્મ વિશે કહ્યું કે “આ પ્રસંગે રિલીઝ તારીખની જાહેરાત કરવી એ યોગીજીના અસાધારણ જીવનને સાચી શ્રદ્ધાંજલિ છે. એક એવું જીવન જે લાખો લોકોને પ્રેરણા આપે છે. `અજય`ના આત્મામાં બલિદાન, ફરજ અને ધર્મથી પ્રેરિત પરિવર્તનની વાર્તા છે. શાંતનુ ગુપ્તાની બેસ્ટ સેલિંગ જીવનચરિત્ર `ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર` પર આધારિત, આ ફિલ્મ એક એવા વ્યક્તિની જીવનયાત્રાને સ્ક્રીન પર લાવે છે જેણે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ છોડીને બલિદાન અને જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો, અને અંતે ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓમાંના એક બન્યા. આ ફિલ્મ યોગી આદિત્યનાથનું પરિવર્તન બતાવશે. ઉત્તરાખંડના એક સામાન્ય છોકરા અજય સિંહ બિષ્ટ, ભારતના શક્તિશાળી નેતા બનવાની વાર્તા.