વન્યજીવ સંબંધિત વસ્તુઓ ગેરકાયદેસરે રાખવાના કેસમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલે વનવિભાગને આપી મહત્ત્વની માહિતી

07 July, 2026 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથના સુપરસ્ટાર મોહનલાલે કેરલમના વનવિભાગને જાણકારી આપી છે કે તેની પાસે કુલ ૧૦ હાથીદાંત અને એમાંથી બનેલી ૧૩ મૂર્તિઓ છે.તે હાલમાં વન્યજીવ સંબંધિત એક કેસમાં ગેરકાયદેસર રીતે ૪ હાથીદાંત રાખવાના આરોપ હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.

સાઉથનો સુપરસ્ટાર મોહનલાલ

સાઉથના સુપરસ્ટાર મોહનલાલે કેરલમના વનવિભાગને જાણકારી આપી છે કે તેની પાસે કુલ ૧૦ હાથીદાંત અને એમાંથી બનેલી ૧૩ મૂર્તિઓ છે. મોહનલાલે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે તે હાલમાં વન્યજીવ સંબંધિત એક કેસમાં ગેરકાયદેસર રીતે ૪ હાથીદાંત રાખવાના આરોપ હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.
મોહનલાલ દ્વારા આ માહિતી વન વિભાગની માફી યોજના હેઠળ આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોકો પોતાની પાસે રહેલી વન્યજીવ સંબંધિત વસ્તુઓની સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી શકે છે. આ યોજના અંતર્ગત મોહનલાલે અગાઉ પોતાની પાસે ૪ હાથીદાંત હોવાની માહિતી આપી હતી, જ્યારે હવે તેણે વધુ ૬ હાથીદાંત વિશે જાણકારી આપી છે. આ સિવાય તેણે જણાવ્યું કે હાથીદાંતમાંથી બનેલી મૂર્તિઓમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે અને આ તમામ મૂર્તિઓનું કુલ વજન અંદાજે ૪૬ કિલોગ્રામ છે.
મોહનલાલે દાવો કર્યો છે કે તેની પાસે રહેલા મોટા ભાગના હાથીદાંત તેને વારસામાં મળ્યા હતા અથવા ભેટસ્વરૂપે પ્રાપ્ત થયા હતા. આ મામલામાં અધિકારીઓએ જણાવ્યું કે વનવિભાગ આ હાથીદાંત અને એમાંથી બનેલી મૂર્તિઓની પ્રામાણિકતા ચકાસવા માટે DNA પરીક્ષણ કરશે.

mohanlal kerala wildlife south indian film entertainment news