05 February, 2026 07:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજપાલ યાદવ - ફાઇલ તસવીર
હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. ચેક બાઉન્સના અનેક કેસોમાં સંડોવાયેલા અભિનેતાએ આખરે દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ ગુરુવારે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ અભિનેતાની વધુ સમય માંગતી `દયાની અરજી`ને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી.
અદાલતે નોંધ્યું કે રાજપાલ યાદવ સામે કુલ 7 કેસ છે, જેમાં પ્રત્યેક કેસમાં તેમણે ₹1.35 કરોડ ચૂકવવાના હતા. એટલે કે કુલ રકમ ₹9 કરોડથી પણ વધુ થાય છે. આ રકમ `મુરાલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ` પાસેથી એક ફિલ્મ બનાવવા માટે લેવામાં આવી હતી, પરંતુ તે ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ જતાં અભિનેતા દેવામાં ડૂબી ગયા હતા.
જોકે, કોર્ટના કડક વલણ પાછળનું મુખ્ય કારણ `વચનભંગ` હતું. જૂન 2024માં જ તેમની સજા મોકૂફ રાખવામાં આવી હતી જેથી તેઓ સમાધાન કરી શકે. લગભગ એક વર્ષનો સમય મળવા છતાં તેમણે લેણી રકમ ચૂકવી નહોતી.
બુધવારે બપોરે 4 વાગ્યે સરન્ડર કરવાનો સમય હતો, ત્યારે રાજપાલના વકીલે મુંબઈમાં હોવાનું કારણ આપી વધુ બે દિવસની મુદત માંગી હતી. વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે, "અમે ₹50 લાખની તાત્કાલિક વ્યવસ્થા કરી રહ્યા છીએ, કૃપા કરીને એક દિવસનો સમય આપો." પરંતુ જસ્ટિસ શર્માએ આકરી ટિપ્પણી કરતા કહ્યું, "તમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. હવે દયા બતાવવા માટે કોઈ આધાર બાકી નથી."
નીચલી અદાલતે રાજપાલ યાદવને 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. અગાઉ હાઈકોર્ટમાં જમા કરાયેલી રકમને પણ તુરંત ફરિયાદ કરનાર કંપનીને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨૧૪થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અને મનોજ બાજપેયી જેવા કલાકારોને પણ તેમના અભિનયને કારણે ખૂબ ગમતા રાજપાલ યાદવ માટે આ કાનૂની લડાઈ તેમના કરિયરનો સૌથી મોટો આંચકો માનવામાં આવે છે. `ભૂલ ભુલૈયા`, `હંગામા`, `ચુપ ચુપ કે` જેવી ફિલ્મોમાં તેમના પાત્રો આજે પણ લોકોના હોઠ પર છે. જોકે, આ કાયદાકીય લડાઈને કારણે તેમની છબી પર નકારાત્મક અસર પડી રહી છે. હાલ કોર્ટે રજિસ્ટ્રાર જનરલ પાસે જમા થયેલી રકમ ફરિયાદ કરનાર કંપનીને આપવાનો પણ આદેશ કર્યો છે.