26 October, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ શાહ
‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં ઇન્દ્રવદન સારાભાઈનો રોલ કરીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર સતીશ શાહનું ૭૪ વર્ષની વયે કિડની-ફેલ્યરને લીધે અવસાન થયું છે. રિપોર્ટ પ્રમાણે સતીશ શાહને કિડનીની તકલીફ હતી અને તેઓ લગભગ દોઢ વર્ષથી ડાયાલિસિસ કરાવતા હતા. થોડા સમય પહેલાં જ તેઓ કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે કલકત્તા ગયા હતા. ત્યાં તેમણે દોઢ મહિના સુધી સારવાર લીધી હતી. વિખ્યાત ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર જે.ડી. મજેઠિયાએ કહ્યું હતું કે કિડની-ટ્રાન્સપ્લાન્ટ પછી સતીશ શાહને ઇન્ફેક્શન થઈ ગયું હતું.
મૂળ કચ્છના માંડવીના સતીશ શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેમણે પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં ઍક્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે અનેક લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું.
ફિલ્મમેકર અશોક પંડિતે સોશ્યલ મીડિયા પર સતીશ શાહના અવસાનની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હું ભારે હૃદયે કહેવા માગું છું કે અમારા મિત્ર અને એક ખૂબ સારા અભિનેતા સતીશ શાહનું આજે બપોરે કિડની ફેલ થવાને લીધે અવસાન થયું છે. તેઓ ઘરે હતા ત્યારે તેમની તબિયત બગડી હતી. તરત હિન્દુજા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે તેઓ બચી ન શક્યા. આ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટી ખોટ છે.’
મળતી માહિતી પ્રમાણે સતીશ શાહના અંતિમ સંસ્કાર આજે બાંદરાની સ્મશાનભૂમિમાં કરવામાં આવશે અને સતીશ શાહના મૅનેજરે આની પુષ્ટિ કરી છે.
એક જ શોમાં સતીશ શાહે અલગ-અલગ પંચાવન પાત્રો ભજવીને બનાવ્યો હતો રેકૉર્ડ
સતીશ શાહે તેમની કરીઅરમાં ઘણું નોંધપાત્ર કામ કર્યું છે, પણ તેમનું એક અનોખું કાર્ય ૧૯૮૪માં દૂરદર્શન પર આવેલા ‘યે જો હૈ ઝિંદગી’ નામના ટીવી-શોમાં જોવા મળ્યું હતું. આ એક જ શોમાં તેમણે પંચાવન અલગ-અલગ પાત્રો ભજવ્યાં હતાં અને એક પણ પાત્રનું પુનરાવર્તન નહોતું કર્યું. આ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં એક અનોખો રેકૉર્ડ છે. આ શોને ભારતનું ફર્સ્ટ સિટકૉમ કહેવામાં આવે છે. આ શોએ સતીશ શાહને રાતોરાત સ્ટાર બનાવ્યા હતા અને તેમનું કૉમિક ટાઇમિંગ નૅશનલ લેવલ પર પ્રખ્યાત થયું હતું.
સતીશ શાહે છેલ્લે શમ્મી કપૂરને કરી હતી બર્થ-ડે વિશ
‘જાને ભી દો યારોં’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘મૈં હૂં ના’, ‘કલ હો ના હો’, ‘ફના’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી ફિલ્મો અને ટીવી-શોમાં કામ કરી ચૂકેલા સતીશ શાહનું ગઈ કાલે અવસાન થયું હતું. સતીશ શાહના અવસાન પછી સોશ્યલ મીડિયા પર તેમની છેલ્લી પોસ્ટ વાઇરલ થઈ રહી છે. સતીશ શાહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી છેલ્લી પોસ્ટ દિગ્ગજ શમ્મી કપૂર વિશે હતી. હકીકતમાં ૨૧ ઑક્ટોબરે શમ્મી કપૂરની જન્મજયંતી હતી અને તેમની યાદમાં સતીશ શાહે એક તસવીર શૅર કરી હતી જેમાં તેમની સાથે શમ્મી કપૂર અને ગોવિંદા દેખાઈ રહ્યા છે. આ તસવીર શૅર કરતાં સતીશ શાહે કૅપ્શન લખી હતી, ‘જન્મદિન મુબારક હો પ્યારા શમ્મીજી. તમે હંમેશાં મારી આસપાસ રહો છો.’
સતીશ શાહે અગિયાર વર્ષ પહેલાં જ ઍક્ટિંગને કરી દીધું હતું અલવિદા
સતીશ શાહે કરીઅરમાં અનેક હિટ ફિલ્મો અને ટીવી-શોમાં કામ કર્યું છે છતાં તેમણે ૧૧ વર્ષ પહેલાં જ ઍક્ટિંગને અલવિદા કરી દીધું હતું. તેમણે છેલ્લે ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘હમશકલ્સ’ પછી ઍક્ટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં સતીશ શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મારો ‘હમશકલ્સ’માં કામ કરવાનો અનુભવ કંઈ ખાસ સારો નહોતો. આ મુશ્કેલ સમયે મને વિચારવા મજબૂર કર્યો છે કે શું મારે અભિનયમાં કરીઅર ચાલુ રાખવી જોઈએ? આ ફિલ્મને ટીકાકારો અને દર્શકોએ બન્નેએ નાપસંદ કરી હતી. આવી ફિલ્મમાં કામ ન કરવાના મારા નિર્ધારને કારણે મેં પછી ઍક્ટિંગ કરવાનું છોડી દીધું.’
સતીશ શાહના નિધનથી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સ્તબ્ધ
સતીશ શાહના નિધનથી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આઘાત અનુભવ્યો છે. પોતાના શોકસંદેશમાં તેમણે કહ્યું છે, ‘ભારતીય સિનેજગતના પ્રખ્યાત અભિનેતા શ્રી સતીશ શાહજીના અવસાનના સમાચારથી હું સ્તબ્ધ છું. ‘જાને ભી દો યારોં’, ‘મૈં હૂં ના’, ‘કહો ના પ્યાર હૈ’, ‘હમ સાથ સાથ હૈં’, ‘જુડવા’ જેવી ફિલ્મો અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ જેવી ધારાવાહિકમાં પોતાના અભિનય અને અદ્ભુત હાસ્યશૈલીથી તેમણે દર્શકોનાં હૃદય પર રાજ કર્યું હતું. તેમના જવાથી ભારતીય કળાક્ષેત્રમાં ભરપાઈ ન થાય એવું નુકસાન થયું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર, પરિચિતો અને તેમની સાથે જોડાયેલા બધા લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.’
વડા પ્રધાને આપી શ્રદ્ધાંજલિ
ફિલ્મો અને ટીવી-શોમાં કામ કરી ચૂકેલા સતીશ શાહનું ગઈ કાલે ૭૪ વર્ષની ઉંમરે કિડની-ફેલ્યરને લીધે અવસાન થયું હતું. તેમના નિધન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું, ‘શ્રી સતીશ શાહજીના અવસાનથી અત્યંત દુખી છું. તેમને ભારતીય મનોરંજન જગતના એક સાચા દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમના સહજ હાસ્ય અને ઉત્કૃષ્ટ અભિનયે અસંખ્ય લોકોના જીવનમાં હાસ્યનો સંચાર કર્યો હતો. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના.’