03 July, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ
એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Actress Deepika Padukone)ને હોલીવુડ ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે `હોલીવુડ વૉક ઑફ ફેમ`માં સામેલ કરવામાં આવેલ છે, આ સમગ્ર ઇંડિયન મનોરંજન જગત માટે ગૌરવની વાત છે.
બૉલીવુડ ક્વિન તરીકે જાણીતી દીપિકા પાદુકોણે (Actress Deepika Padukone) ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. હોલીવુડ ચેમ્બર ઑફ કૉમર્સે દીપિકા પાદુકોણને `મોશન પિક્ચર્સ` કેટેગરીમાં 2026 માટે `હોલીવુડ વૉક ઑફ ફેમ`થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
હોલીવુડ ચેમ્બર ઑફ કૉમર્સની વૉક ઑફ ફેમ માટેની પસંદગી સમિતિએ 20 જૂનના રોજ સેંકડો નામોમાંથી 35 નામોની પસંદગી કરી હતી. ત્યારબાદ 25 જૂને ચેમ્બરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ફાઇનલ લિસ્ટને મંજૂરી આપી હતી.
તમને જણાવી દઈએ કે આ ઐતિહાસિક સિદ્ધિ સાથે દીપિકા આ સન્માન મેળવનાર એકમાત્ર ભારતીય બની ગઈ છે. લાઇવ-સ્ટ્રીમ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી. દીપિકાને મળેલી આ સિદ્ધિની જાહેરાતની ક્ષણ તો સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવશાળી ક્ષણ હતી.
દીપિકા આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં એમિલી બ્લન્ટ, ટિમોથી શેલમે, રામી માલેક, રેચલ મેકએડમ્સ, ડેમી મૂર અને સ્ટેનલી ટુચી જેવા ઇન્ટરનેશનલ સ્ટાર્સ સાથે સામેલ થઈ ગઈ છે. ભારતીય સિનેમા અને હોલીવુડ બંનેમાં પોતાની ઓળખ બનાવનાર દીપિકા (Actress Deepika Padukone)એ વર્લ્ડ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે.
તમને જણાવી દઈએ કે આ કંઇ પહેલીવાર બન્યું હોય એવ નથી કે દીપિકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું હતું. આ અગાઉ વર્ષ 2018માં ટાઇમ મેગેઝીનના `100 સૌથી પ્રભાવશાળી લોકો`માં પણ તેણે સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ તેને TIME100 Impact એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય સિદ્ધિની વાત કરીએ કે આ જ એક્ટ્રેસે `ફિફા વર્લ્ડ કપ 2022`ની ફાઇનલમાં ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ સર્જ્યો હતો.
દીપિકા પાદુકોણ (Actress Deepika Padukone) માત્ર એક સફળ એક્ટ્રેસ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ અને ફેશનની પ્રતિનિધિ પણ બની ચૂકી છે. તે લુઇસ વિટન અને કાર્ટિયર જેવી વિશ્વ વિખ્યાત વૈભવી બ્રાન્ડ્સ માટે પ્રથમ ભારતીય એમ્બેસેડર પણ બની ચૂકી છે. તેની આ ઝળહળતી સિદ્ધિએ આવનારા વર્ષો માટે ઘણા ભારતીય ચહેરાઓને વૈશ્વિક મંચ પર આવવા માટેનાં દ્વાર ખોલી નાખ્યા છે.
આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ સાથે દીપિકાની કારકિર્દી પણ ભારતીય સિનેમામાં સતત ઊંચાઈઓને સ્પર્શી રહી છે. તે બેક-ટુ-બેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી રહી છે અને ટૂંક સમયમાં ડિરેક્ટર એટલીની ફિલ્મમાં મોટા પડદા પર જોવા મળવાની છે. દીપિકા માત્ર એક સુપરસ્ટાર જ નથી પરંતુ એક પ્રેરણા છે જે વિશ્વ મંચ પર ભારતનો અવાજ મજબૂત બનાવી શકી છે.