03 July, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંદાકિની
મંદાકિની પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. તેના પપ્પા જોસેફનું અવસાન થયું છે. મંદાકિનીના પપ્પાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં હતા. તેમણે બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આવા સમયે મંદાકિની પિતા પાસે નથી. મંદાકિની હાલમાં પોતાના પતિ સાથે લંડનમાં છે અને આને કારણે તે પપ્પાને અંતિમ વિદાય આપી શકશે નહીં. મળતી માહિતી પ્રમાણે મંદાકિનીના પિતા જોસેફના અંતિમ સંસ્કાર આજે ૩ જુલાઈએ થશે.
મંદાકિનીએ પોતાના ફૅન્સને સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના પિતાના અવસાનના સમાચાર આપ્યા હતા. આ પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘આજે મારું દિલ તૂટી ગયું છે. મેં આજે સવારે મારા પ્રિય પપ્પાને ગુમાવ્યા. આ પીડાને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. તમારા અમર્યાદ પ્રેમ, જ્ઞાન અને આશીર્વાદ બદલ આભાર; પપ્પા, તમે હંમેશાં મારા દિલમાં રહેશો.’
૬૧ વર્ષની મંદાકિનીનું સાચું નામ યાસ્મિન જોસેફ ઠાકુર છે. તેનો જન્મ મેરઠમાં બ્રિટિશ પિતા અને હિમાચલી માતાના ઘરે થયો હતો. તેણે ૧૬ વર્ષની ઉંમરે ૧૯૮૫માં ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં કામ કર્યું હતું. એ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આ ફિલ્મે જ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. યાસ્મિનને ‘રામ તેરી ગંગા મૈલી’ના ડિરેક્ટર રાજ કપૂરે મંદાકિની નામ આપ્યું હતું. આ તેનું સ્ક્રીન-નેમ હતું. મંદાકિનીએ ૧૯૯૬માં ‘જોરદાર’ ફિલ્મમાં કામ કરીને બૉલીવુડને અલવિદા કરી દીધું હતું.