દુબઈ ઍરપોર્ટ પર ફસાઈ ગયેલી સોનલ ચૌહાણે નરેન્દ્ર મોદી પાસે માગી મદદ

02 March, 2026 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતાં તેણે જણાવ્યું હતું કે ભારત પાછા ફરવાનો તેને કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી

સોનલ ચૌહાણ

ઈરાન પર થયેલા મિસાઇલ હુમલા બાદ દુબઈ ઍરપોર્ટ પર તમામ પ્રકારની ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે, જેને કારણે ઍક્ટ્રેસ સોનલ ચૌહાણ દુબઈ ઍરપોર્ટ પર ફસાઈ ગઈ છે. આ સંકટની ઘડીએ તેણે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતાં તેણે જણાવ્યું હતું કે ભારત પાછા ફરવાનો તેને કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી.

માહિતી મુજબ ૨૮ ફેબ્રુઆરીએ ઇઝરાઇલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર હુમલો કર્યો હતો. એના જવાબમાં ઈરાને પણ ઇઝરાઇલનાં અનેક શહેરો અને અમેરિકન સૈન્ય ઍરબેઝને નિશાન બનાવ્યાં હતાં. આ ઘટનાને કારણે મધ્યપૂર્વમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે અને એની સીધી અસર દુબઈ સહિત અનેક દેશોમાં જોવા મળી રહી છે. આ સંજોગોમાં દુબઈના દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને અલ મકતૂમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને આગામી આદેશ સુધી માટે બંધ રાખવામાં આવ્યાં છે. તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતાં અનેક મુસાફરો ઍરપોર્ટ પર અટવાઈ ગયા છે, જેમાં સોનલ ચૌહાણ પણ સામેલ છે.

સોનલ ચૌહાણે પોતાના સંદેશમાં લખ્યું છે, ‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, હાલના સંકટને કારણે હું દુબઈમાં ફસાઈ ગઈ છું. ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને ભારત પાછા ફરવાનો કોઈ સ્પષ્ટ માર્ગ નથી. હું સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવા માટે સરકાર પાસેથી માર્ગદર્શનની વિનંતી કરું છું. કોઈ પણ મદદ માટે હું આભારી રહીશ.’

sonal chauhan dubai iran israel international news india narendra modi entertainment news bollywood bollywood news