13 July, 2026 09:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદર્શ બાલ વિદ્યાલયનું ટ્રેલર રિલીઝ
ભારતના લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયોએ તેની નવી પ્રાઇમ ઓરિજિનલ સિરીઝ `આદર્શ બાલ વિદ્યાલય`નો ટ્રેલર રિલીઝ કર્યો છે. હાસ્ય, લાગણી અને રોજિંદા પડકારોથી ભરેલી આ સિરીઝનું વર્લ્ડ પ્રીમિયર 24 જુલાઈએ થશે. આ સાત એપિસોડની કોમેડી-ડ્રામા સિરીઝનું દિગ્દર્શન હિમાંક ગૌરે કર્યું છે. તેનું સર્જન અને એક્ઝિક્યુટિવ પ્રોડક્શન બિસ્વપતિ સરકાર અને સમીર સક્સેનાએ પોશમ પા પિક્ચર્સના બેનર હેઠળ કર્યું છે. સિરીઝના લેખકોમાં બિસ્વપતિ સરકાર, અક્ષય અસ્થાના, નુપુર પાઈ, તત્સત પાંડે અને મેઘના શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. સિરીઝમાં કેકે મેનન મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે અર્ચના પુરણ સિંહ, અભિમન્યુ સિંહ, નવીન કસ્તુરીયા, પ્રસન્ના બિષ્ઠ, દેવેન ભોજાણી, અજિતેશ ગુપ્તા, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે `આદર્શ બાલ વિદ્યાલય` એક એવી શાળા છે, જ્યાં નિયમો બહુ કડક નથી, દરેક પાત્ર અલગ સ્વભાવ ધરાવે છે અને કોઈ બે દિવસ એકસરખા નથી હોતા. સિરીઝનું કેન્દ્ર છે જ્ઞાનેશ્વર ત્રિપાઠી, જેની ભૂમિકામાં કેકે મેનન જોવા મળશે. તેઓ એક શાંત અને અલગ વિચારસરણી ધરાવતા પ્રિન્સિપાલ છે, જે પોતાની બુદ્ધિ અને અનોખી રીતોથી શાળાને સંભાળવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમની સામે મોટો પડકાર ત્યારે આવે છે, જ્યારે તેમને ખબર પડે છે કે દિલ્હીની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપનાર દસ શાળાઓના પ્રિન્સિપાલોને સરકાર તરફથી કેમ્બ્રિજમાં તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. ત્યારબાદ જ્ઞાનેશ્વર ત્રિપાઠી શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઉત્સાહી વાલીઓ અને અનેક અણધાર્યા બનાવો વચ્ચે પોતાની શાળાને દિલ્હીની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન અપાવવાનો પ્રયાસ કરે છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ આ પડકારમાં સફળ થાય છે કે પછી ગૂંચવણો તેમના પર ભારે પડે છે.
સિરીઝના દિગ્દર્શક હિમાંક ગૌરે કહ્યું કે, "આદર્શ બાલ વિદ્યાલયમાં દર્શાવવામાં આવેલી ઘણી બાબતો આપણાં શાળાના દિવસોની યાદ અપાવે છે. મિત્રતા, મસ્તી, શિક્ષકો અને એવી નાની નાની ક્ષણો, જે વર્ષો પછી પણ યાદ રહે છે, તે બધું આ સિરીઝમાં જોવા મળશે." તેમણે ઉમેર્યું કે કેકે મેનન, અર્ચના પુરણ સિંહ અને અન્ય કલાકારો સાથે કામ કરવાનો અનુભવ ખાસ રહ્યો હતો. યુવા કલાકારોએ પણ દરેક દ્રશ્યમાં નવી ઊર્જા ભરી છે.
જ્ઞાનેશ્વર ત્રિપાઠીની ભૂમિકા ભજવનારા કેકે મેનને કહ્યું કે, "મેં અત્યાર સુધી ઇન્ટેલિજન્સ ઓફિસર, રાજકારણી અને ગુનેગાર જેવા અનેક પાત્રો ભજવ્યા છે, પરંતુ પ્રિન્સિપાલની ભૂમિકા પહેલી વખત ભજવી રહ્યો છું. સ્ક્રિપ્ટ વાંચતાં જ આ પાત્રે મને આકર્ષ્યું." તેમણે કહ્યું કે જ્ઞાનેશ્વર સંપૂર્ણ વ્યક્તિ નથી. તેમાં ઘણી ખામીઓ છે, પરંતુ તે બુદ્ધિશાળી છે, પરિસ્થિતિને ઝડપથી સમજે છે અને તેને પોતાના ફાયદામાં ફેરવી શકે છે. તેની અંદર રહેલી માનવતા આ પાત્રને વધુ રસપ્રદ બનાવે છે. કેકે મેનને વધુમાં કહ્યું કે આ સિરીઝ તેમના અગાઉના પ્રોજેક્ટ્સ ફર્ઝી, Bambai Meri Jaan અને Citadel Honey Bunny કરતાં સંપૂર્ણપણે અલગ છે.
સિરીઝમાં ઉર્મિલા દેવીની ભૂમિકામાં જોવા મળનારી અર્ચના પુરણ સિંહે જણાવ્યું કે, "આ સિરીઝનું લેખન મને ખૂબ ગમ્યું. તેમાં હાસ્ય, લાગણી અને ખૂબ જ વાસ્તવિક પાત્રો છે." તેમણે કહ્યું કે ઉર્મિલા દેવી એક નિડર, સ્પષ્ટવક્તા અને મહત્ત્વાકાંક્ષી મહિલા છે, જેને ભજવવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો. અર્ચનાએ કહ્યું કે કેકે મેનન સાથે સ્ક્રીન શેર કરવી ખૂબ જ ખાસ રહી અને પ્રાઇમ વિડિયો સાથેનો તેમનો આ પહેલો પ્રોજેક્ટ યાદગાર અનુભવ રહ્યો.
`આદર્શ બાલ વિદ્યાલય` 24 જુલાઈથી પ્રાઇમ વિડિયો પર હિન્દીમાં અને અંગ્રેજી સબટાઇટલ્સ સાથે ભારતમાં તેમજ વિશ્વના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં સ્ટ્રીમ થશે.