ઘૂસખોર પંડત પછી હવે યાદવજી કી લવસ્ટોરી વિવાદમાં

19 February, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇટલને કારણે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં યાદવ સમાજના લોકોએ ફિલ્મ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હોવાનો રિપોર્ટ છે

`યાદવજી કી લવસ્ટોરી`નું પોસ્ટર

હાલમાં નેટફ્લિક્સની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ વિશે વિરોધ થયો હતો અને હવે એ જ રીતે ‘યાદવજી કી લવસ્ટોરી’ નામની ફિલ્મને કારણે નવો વિવાદ સર્જાયો છે. આ ટાઇટલને કારણે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં યાદવ સમાજના લોકોએ ફિલ્મ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હોવાનો રિપોર્ટ છે. અહીં ગઈ કાલે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ પ્રદર્શકારીઓએ ફિલ્મનાં પોસ્ટરો સળગાવ્યાં હતાં અને એને પગથી રગદોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક રોક લગાવવાની ડિમાન્ડ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ફિલ્મનું નામ અને એની વાર્તા તેમના સમાજને ખોટી રીતે રજૂ કરે છે. તેઓ માને છે કે ફિલ્મ દ્વારા યાદવ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને એની ખોટી છબિ ઊભી કરવામાં આવી રહી છે. આક્રોશમાં આવેલા લોકોએ સિનેમાહૉલના સંચાલકોને પણ ચેતવણી આપી હતી કે જો ફિલ્મનું પ્રદર્શન થશે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કેટલાંક સ્થળોએ પ્રશાસનને આવેદનપત્ર આપીને રિલીઝ રોકવાની માગણી પણ કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, પરંતુ વધતા વિરોધને કારણે હવે એની રિલીઝને લઈને અનિશ્ચિતતા સર્જાઈ છે.

upcoming movie madhya pradesh entertainment news bollywood bollywood news