બેમાંથી કયા રામજી વધારે સારા લાગે છે?

08 July, 2026 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વારાણસી’ના મહેશ બાબુનો રામનો લુક લીક થયા પછી એની સીધી સરખામણી ‘રામાયણ’ના રણબીર કપૂર સાથે થઈ રહી છે

બંને એક્ટર્સ રામના રોલમાં

એસ.એસ. રાજામૌલીની બિગ બજેટ ફિલ્મ ‘વારાણસી’ એની ટ્રીટમેન્ટને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પરથી તસવીરો લીક થયા બાદ અને ટીઝર રિલીઝ થયા પછી ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. આ સંજોગોમાં સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ છે જેમાં મહેશ બાબુ ભગવાન રામના લુકમાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં તેણે ભગવા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે અને હાથમાં ધનુષ-બાણ પકડેલાં છે. તસવીર જોઈને એવું લાગી રહ્યું છે કે આ દૃશ્ય વનવાસ સમયનું હોઈ શકે છે. હવે ફૅન્સ મહેશ બાબુના આ લુકની સરખામણી ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરના લુક સાથે કરી રહ્યા છે.

આ તસવીર ખરેખર ‘વારાણસી’ના સેટની જ છે કે પછી ફેક છે એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં આ તસવીર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે જેના પછી ઘણા લોકોએ મહેશ બાબુના અને રણબીર કપૂરના રામના લુકની સરખામણી શરૂ કરી દીધી છે. કેટલાકનું માનવું છે કે જો આ તસવીર ખરેખર ‘વારાણસી’ના શૂટિંગની હશે તો ‘રામાયણ’ અને ‘વારાણસી’ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે.

૨૫૦ કરોડ રૂપિયામાં ધર્મા પ્રોડક્શન્સે ખરીદ્યા રામાયણના ભારતના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર અને બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થવાનો છે. આ ફિલ્મને નિર્માતાઓ ભવ્ય સ્તરે રિલીઝ કરવાની તૈયારીમાં છે. વિદેશી બજારમાં ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન વૉર્નર બ્રધર્સ પિક્ચર્સ કરશે, જ્યારે ભારતીય બજારમાં એના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સે ખરીદી લીધા છે. રિપોર્ટ પ્રમાણે આ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ માટે શરૂઆતમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વાતચીત શરૂ થઈ હતી, પણ અંતે ૨૫૦ કરોડ રૂપિયામાં સોદો નક્કી થયો. ધર્મા પ્રોડક્શન્સના જોડાવાથી એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મ બની શકે છે.

ranbir kapoor sai pallavi bollywood buzz bollywood news bollywood entertainment news mahesh babu ramayan