‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

15 October, 2021 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું

નિતેશ તિવારી

નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે જો તેને સત્યમ શ્રીવાસ્તવના પુસ્તકની સ્ટોરી પસંદ પડશે તો તે ફિલ્મ પણ બનાવી શકે છે. નિતેશ તિવારી  ‘રામાયણ’ બનાવવામાં વ્યસ્ત છે. એમાં ખૂબ જ સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે અને એ માટે ઑસ્કર વિજેતા ટીમ કામ કરી રહી છે. તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું. એ વખતે પૂછવામાં આવ્યું હતું કે શું આ બુક પરથી તે ફિલ્મ બનાવશે?

એનો જવાબ આપતાં નિતેશે કહ્યું હતું કે ‘આ એક અઘરો સવાલ છે. હું ખૂબ પ્રામાણિકપણે કહીશ કે પહેલાં તો હું આ બુક વાંચીશ, કારણ કે આખી સ્ટોરી જાણવી ખૂબ જરૂરી છે. એનો અંત જાણવા માટે હું ઉત્સુક છું. હું એક વખત બુક વાંચી લઈશ અને જો મને એમાં કંઈક એક્સાઇટિંગ લાગ્યું તો હા, હું કેમ નહીં બનાવું. સત્યમે પૌરાણિક કથા લખી છે અને એમાં થોડી કલ્પનાનો પણ ઉમેરો કર્યો છે. જોકે બુકમાં ઘણાંબધાં પૌરાણિક પાત્રો છે જે આપણાં સાહિત્યમાં દેવી અને દેવતાઓના રૂપમાં હાજર છે. તેણે બન્ને તત્ત્વોને ખૂબ સરસ રીતે જાળવી રાખ્યાં છે. સ્ટોરી જ્યાં ઘટી છે એ કાલ્પનિક છે, પરંતુ પાત્રો જાણીતાં છે. એથી એમાં ઉત્સાહ અને સામંજસ્યની લાગણી છે.’

entertainment news bollywood bollywood news