16 February, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચનની ફાઇલ તસવીર
અભિષેક બચ્ચને હાલમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અંગે મોટું નિવેદન આપ્યું છે અને તેનું માનવું છે કે આ નવી ટેક્નૉલૉજી કલાકારોની કરીઅર માટે મોટો ખતરો બની શકે છે. હાલમાં એક બિઝનેસ સમિટમાં અભિષેકે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેને AIથી ડર લાગે છે અને તે આ મુદ્દે સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ નથી. અભિષેકે કહ્યું કે તે આ વિષય પર સતત વાંચી રહ્યો છે અને શીખી રહ્યો છે.
અભિષેક બચ્ચને આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે ‘AI મને ડરાવે છે અને સાચું કહું તો દરેક અભિનેતાએ એનાથી ડરવું જોઈએ. ક્રીએટિવ ક્ષેત્રમાં AI ઘણો બદલાવ લાવશે. જો એનો યોગ્ય રીતે ઉપયોગ નહીં થાય તો એ ઍક્ટરની કરીઅર માટે નુકસાનકારક બની શકે છે. હા, પડદા પાછળ ઍનિમેશન અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે એ ખૂબ મદદરૂપ છે. એ કામના કલાકો ઘટાડશે અને ફિલ્મનું બજેટ પણ ઓછું કરી શકે છે. ક્રીએટિવ દૃષ્ટિકોણથી મેં AI દ્વારા બનાવેલી ઘણી વસ્તુઓ જોઈ છે. દેખાવમાં એ ખૂબ શાનદાર લાગે છે, પરંતુ એમાં ‘આત્મા’નો અભાવ હોય છે. માનવસર્જિત કૃતિઓમાં રહેલી ખામીઓ અને લાગણીઓ જ એને ખાસ બનાવે છે, જે AIમાં જોવા મળતી નથી.’