04 November, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલી નવેમ્બરે જુહુના પોતાના ઘર ‘જલસા’ની બહાર બુલેટપ્રૂફ કાચની આડશ પાછળથી ચાહકોનું અભિવાદન કરતા અમિતાભ બચ્ચનનો નજારો જોઈને ફિલ્મજગતમાં ચિંતા ફેલાઈ છે.
પહેલી નવેમ્બરે જુહુના પોતાના ઘર ‘જલસા’ની બહાર બુલેટપ્રૂફ કાચની આડશ પાછળથી ચાહકોનું અભિવાદન કરતા અમિતાભ બચ્ચનનો નજારો જોઈને ફિલ્મજગતમાં ચિંતા ફેલાઈ છે. અમિતાભ દાયકાઓથી દર રવિવારે પોતાના ઘરની બહાર એકઠા થતા ચાહકોને મળવા માટે બહાર આવે છે, પણ પહેલી નવેમ્બરે અમિતાભ બચ્ચને ચાહકોને મળવા માટે પોતાની અને ચાહકોની વચ્ચે બુલેટપ્રૂફ કાચની સુરક્ષિત આડશ રાખવી પડી હતી. હવે આ ઘટના ફિલ્મજગતની સુરક્ષાને લઈને ઊભી થયેલી મોટી ચિંતાનો ભાગ બની છે. આ સંજોગોમાં ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશન (AICWA)એ બૉલીવુડની જાણીતી હસ્તીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
AICWAએ આ પત્રમાં લખ્યું છે કે....
અમિતાભ ચાર દાયકા કરતાં વધુ સમયથી દર રવિવારે ચાહકોને મળે છે. તેમને જોવા માટે દેશભરમાંથી અને વિદેશથી પણ લોકો આવે છે. ૮૪ વર્ષની ઉંમરે તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે પોતાના જ શહેરમાં તેમને આ રીતે પોતાની સુરક્ષા કરવી પડશે. તેમના દીકરા અભિષેક બચ્ચન ભાગ્યે જ તેમની સાથે બહાર આવે છે પણ તેઓ પણ પિતાની સુરક્ષા માટે તેમની બાજુમાં ઊભા રહ્યા હતા. લોકોએ બુલેટપ્રૂફ કાર વિશે સાંભળ્યું છે, પણ માત્ર પોતાના ચાહકોને મળવા માટે કોઈ સુપરસ્ટાર પોતાના ઘરની બહાર બુલેટપ્રૂફ કાચની આડશ પાછળથી બહાર આવે એવું અગાઉ ક્યારેય જોયું નથી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ તસવીર હંમેશાં યાદ રહેશે અને આ ઘટનાથી આખું ફિલ્મજગત હચમચી ગયું છે.
મુંબઈના સૌથી મહત્ત્વના વિસ્તારોમાંના એક જુહુમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે લોકોને ગોળી વાગી હતી. ટાઇગર શ્રોફનો કોઈ જાણીતો વિવાદ નથી અને કોઈની સાથે દુશ્મનાવટ પણ નથી. તેમને ભરબપોરે માત્ર એક જ કારણસર નિશાન બનાવવામાં આવ્યા હતા અને એ હતું લોકોમાં ભય ફેલાવવો. ગૅન્ગસ્ટરો બૉલીવુડની લોકપ્રિયતા અને એની વૈશ્વિક પહોંચને કારણે એને નિશાન બનાવી રહ્યા છે. જાણીતી હસ્તીઓને ધમકીઓ આપીને તેઓ પૈસા પડાવવા માગે છે અને પોતાની ઓળખ ઊભી કરવા માગે છે. આ તમામ હુમલાઓ પાછળ ખંડણી વસૂલવાનો હેતુ હોવાનું જણાય છે. ગૅન્ગસ્ટરો જાણે છે કે બૉલીવુડ સૌથી સરળ નિશાન છે અને એની ઓળખ સમગ્ર દુનિયામાં છે. જાણીતી ફિલ્મી હસ્તીઓ પર હુમલા કરીને તેઓ પોતાની ઓળખ ઊભી કરવા અને મોટા પાયે પૈસા પડાવવા માગે છે.
આજે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. જો શહેરના મધ્ય વિસ્તારમાં ટાઇગર શ્રોફ જેવી સેલિબ્રિટી સુરક્ષિત ન હોય તો સામાન્ય મુંબઈવાસી પણ પોતાને સુરક્ષિત કેવી રીતે અનુભવી શકે? ૨૦૨૬માં અંડરવર્લ્ડનો એ આતંક ફરી મુંબઈના રસ્તાઓ પર પાછો ફર્યો છે જેને નિયંત્રણમાં લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. માત્ર શબ્દોથી કામ નહીં ચાલે. બૉલીવુડને વાસ્તવિક અને દેખીતી સુરક્ષાની જરૂર છે. જ્યારે ફિલ્મજગતની સૌથી મોટી હસ્તીઓને પોતાનાં ઘરો અને વાહનોને કિલ્લા જેવાં સુરક્ષિત બનાવવાની ફરજ પડે ત્યારે સમજી શકાય છે કે ભય કેટલો ઊંડો છે.
AICWAએ આ પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવા અને અભિનેતાઓ, ફિલ્મ-નિર્માતાઓ તથા તેમના પરિવારજનોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાની માગણી કરી છે. આ ઉપરાંત, નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કથિત ગૅન્ગ-નેટવર્ક, એના સંચાલકો અને નાણાં પૂરાં પાડનારાઓની તપાસ કરાવવાની પણ માગણી કરવામાં આવી છે.