05 January, 2025 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
એક તરફ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની વાતો અવારનવાર ચગતી રહે છે અને બીજી તરફ આજકાલ તેઓ વધુ ને વધુ સાથે દેખાઈને આ અફવાને ખોટી પાડી રહ્યાં છે. લેટેસ્ટ ઘટનામાં તેઓ નવા વર્ષની રજા ગાળીને પાછાં આવ્યાં ત્યારે એકસાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. ઐશ્વર્યા અને આરાધ્યા અભિષેકની પાછળ ચાલી રહ્યાં હતાં. ઍરપોર્ટ બહાર ઊભેલા મીડિયાના કૅમેરામેન્સને તેમણે ‘હૅપી ન્યુ યર’ વિશ કર્યું હતું.
આ વિડિયો-ક્લિપમાં તેઓ ઍરપોર્ટમાંથી બહાર આવતાં જોવા મળે છે. અભિષેકે બ્લૅક પૅન્ટ અને વાઇટ શૂઝ સાથે સ્વેટર પહેર્યું હતું અને ઐશ્વર્યા તથા આરાધ્યાએ બ્લૅક કપડાં પહેર્યાં હતાં.
ફોટોગ્રાફર્સે અભિષેકને ઐશ્વર્યા સાથે ઊભો રહીને ફોટો પડાવવા વિનંતી કરી હતી, પણ તેઓ કાર તરફ ચાલી ગયાં હતાં.
બીજા એક વિડિયોમાં ચાલતાં-ચાલતાં આરાધ્યા અચાનક કૂદે છે એટલે ઐશ્વર્યા તેને પૂછે છે, ‘શું કોઈએ તને ધક્કો માર્યો?’
અભિષેક કાર પાસે રાહ જોતો ઊભો છે અને ઐશ્વર્યા તથા આરાધ્યા ગાડીમાં બેસી જાય છે. એ પછી તે કારની આગળની સીટ પર બેસે છે.
ડિસેમ્બરમાં કપલે દીકરી આરાધ્યાની સ્કૂલના ઍન્યુઅલ ડેમાં સાથે હાજરી આપી હતી એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઇવેન્ટના પહેલા દિવસે દાદા અમિતાભ બચ્ચન પણ પૌત્રીનો પર્ફોર્મન્સ જોવા ગયા હતા.
ગયા વર્ષે લગ્નની એક ઇવેન્ટમાં બન્ને અલગ-અલગ આવ્યાં ત્યારે તેમના લગ્નસંબંધમાં કોઈ તકલીફ છે એવી અફવાની શરૂઆત થઈ હતી અને જ્યારે દુબઈની ઇવેન્ટમાં ઐશ્વર્યાનું નામ બચ્ચન અટક વિના લખવામાં આવ્યું ત્યારથી છૂટાછેડાની અફવાએ જોર પકડ્યું હતું.
૨૦૦૭માં અભિષેક-ઐશ્વર્યાનાં લગ્ન થયાં હતાં અને ૨૦૧૧માં દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો.