22 April, 2025 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાયે પતિ અભિષેક અને આરાધ્યા સાથે સેલિબ્રેશનની તસવીર
૨૦ એપ્રિલે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નજીવનને ૧૮ વર્ષ પૂરાં થયાં છે. તેમણે ૨૦૦૭ની ૨૦ એપ્રિલે લગ્ન કર્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી આ બન્નેની પર્સનલ લાઇફમાં ઉતાર-ચડાવ જોયા મળ્યા છે. એક સમયે તો એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે બન્નેના ડિવૉર્સ ફાઇનલ થઈ ગયા છે. જોકે મૅરેજ-ઍનિવર્સરીએ ઐશ્વર્યા રાયે પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે સેલિબ્રેશનની એક તસવીર શૅર કરીને તેમના સંબંધોમાં બધું બરાબર હોવાનો ઇશારો આપ્યો છે. જોકે પતિ અભિષેકે આ દિવસે પત્ની સાથેની કોઈ તસવીરો શૅર નથી કરી. ઐશ્વર્યાએ લગભગ એક વર્ષ પછી અભિષેક સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે અને એટલે પણ એનું ખાસ મહત્ત્વ છે. ઐશ્વર્યાના ફૅન્સ અને મિત્રો આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે.
ચશ્માં અને લિપસ્ટિકનું મૅચિંગ
ઐશ્વર્યાએ પોસ્ટ કરેલી તસવીરમાં અભિષેકનાં ચશ્માંની ફ્રેમનો રંગ અને પત્ની ઐશ્વર્યાની લિપસ્ટિકનો રંગ બિલકુલ મૅચ થાય છે. ફૅન્સે તેમની તસવીરમાં આ ખાસ વાત નોંધીને એને હાઇલાઇટ કરી છે.
ઐશ્વર્યાનું વાઇટ હાર્ટ ઇમોજી
ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં વાઇટ હાર્ટ ઇમોજી મૂક્યું છે અને આ ઇમોજી પણ ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે રોમૅન્ટિક પ્રેમ દર્શાવવા માટે રેડ હાર્ટ ઇમોજી મૂકવામાં આવે છે; પણ વાઇટ હાર્ટ ઇમોજી સાચા પ્રેમ, પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. એનો ઉપયોગ દોસ્તી, સન્માન અને પૉઝિટિવિટી દર્શાવવા માટે કરવામાં આવે છે.